રવિવાર, 21 માર્ચ, 2021

નેમિનાથજીની ટૂંક



૧) શ્રી નેમિનાથજીની ટૂંક

અ) શ્રી નેમિનાથજીનું મુખ્ય જિનાલય

કિલ્લાના મુખ્યદ્વારથી અંદર પ્રવેશ કરતાં ડાબી બાજુ શ્રી હનુમાનની દેરી તથા જમણી બાજુ કાલભૈરવની દેરી આવે છે. ત્યાંથી ૧૫-૨૦ ડગલાં ચાલતાં ડાબા હાથે નેમિનાથ પરમાત્માના જિનાલય તરફ જવાનો મુખ્ય દરવાજો આવે છે. તે દરવાજાની અંદર દેવચંદ લક્ષ્મીચંદ પેઢીની ઓફીસ, પૂજારી વિગેરેને રહેવા માટેની રૂમો, યાત્રીકોને વિશ્રામ કરવા માટેની ધર્મશાળાની રૂમો તથા પાણીની પરબ છે. પૂર્વે પેઢી દ્વારા અહીં લાડવા-ગાંઠીયા રૂપ ભાતું આપવાની વ્યવસ્થા હતી ત્યાંથી આગળ ડાબા હાથે ભાઇ-બહેનોને ન્હાવાનું ગરમ પાણી તથા સ્નાનગ્રહ છે. ત્યાંથી આગળ વધતાં ગિરનારમંડન શ્રી નેમિનાથ પરમાત્માના જિનાલયનું દક્ષિણદિશા તરફનું પ્રવેશદ્વાર આવે. ત્યાંથી આગળ પ્રવેશ કરતાં જ શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય જિનાલયના પ્રાંગણનો પ્રારંભ થાય છે. આ ચોક ૧૩૦ ફુટ પહોળો તેમજ ૧૯૦ ફુટ લાંબો છે. જેમાં મુખ્ય દરવાજાની ડાબી બાજુએ એક શાસ્ત્રીય લેખ છે. તે લેખના નવમાં શ્ર્લોકમાં લખ્યું છે કે યદુવંશમાં માંડલીક રાજા થયો, તેણે ૧૧૫૫માં નેમિનાથ પરમાત્માનું જિનાલય સોનાના પતરાથી મઢાવ્યું હતું (બાદ્યું હતું) .

જિનાલયના દક્ષિણદ્વાર બહાર જ જમણાહાથે શ્રી અંબિકાદેવીની દેરી આવે છે. ગિરનાર મહાતીર્થ તથા શ્રી નેમિનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની સુંદરમૂર્તિ છે. જેનો અચિન્તયપ્રભાવ આજે પણ વર્તે છે. જિનાલયમાં પ્રવેશતાં પૂર્વે તેના દર્શન અવશ્ય કરવા જોઇએ.

ત્યારબાદ અત્યંત આહ્લલ્લાદક આ જિનાલયના દક્ષિણ દ્વારમાંથી પ્રવેશ કરતાં ૪૧-૬ ફૂટ પહોળો અને ૪૪-૬ ફૂટ લાંબો રંગમંડપ આવે છે. જેના મુખ્યગભારામાં ગિરનારગિરિભૂષણ શ્રી નેમિનાથ પરમાત્માની ચિત્તાને અનેરો આનંદ આપતી શ્યામવર્ણીય મનોહર પ્રતિમા બિરાજમાન છે. જેના દર્શન કરતાંની સાથે જ ગિરિવરના આરોહણના થાકની સાથે – સાથે ભવભ્રમણનો થાક પણ ઉતરી જાય છે.

મૂળનાયક શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા વર્તમાન વિશ્વની સૌથી પ્રાચિનતમ પ્રતિમાજી છે. આ પ્રતિમા ગત ચોવીસીના ત્રીજા સાગર નામના તીર્થંકરના કાળમાં પાંચમા દેવલોકના બ્રમ્હેન્દ્ર દ્વારા બનાવડાવવામાં આવી હતી. આ પ્રતિમા ૧૬૫૭૫૦ વર્ષ ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. શ્રી નેમિનાથ પરમાત્માના નિર્વાણના ૨૦૦૦ વર્ષ પછી રત્નાશા નામના શ્રાવકે શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીની સહાયથી આ પ્રતિમા મેળવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાય: ૮૪૭૮૬ વર્ષથી આ પ્રતિમા આ સ્થાન ઉપર બિરાજમાન છે અને શ્રી નેમિપ્રભુના વચન પ્રમાણે પાંચમા આરા ના અંત સુધી એટલે કે ૧,૦૩,૨૫૦ વર્ષ સુધી આ સ્થાને પૂજાશે પછી અંબિકા દેવી દ્વારા પાતાળલોકમાં પૂજાશે.

મૂળલાયક ફરતી ભમતીમાં તથા રંગમંડપમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ તથા યક્ષ – યક્ષિણી અને ગુરુભગવંતની પ્રતિમા બિરાજમાન આ રંગમંડપની પાછળ ૨૧ ફૂટ પહોળો અને ૩૨ ફૂટ લાંબો બીજો રંગમંડપ આવે છે. જેમાં મધ્યમાં ગણધરભગવંતોના લગભગ ૮૪૦ પગલાંની જોડ જુદા-જુદા બે પબાસણ ઉપર સ્થાપિત કરવામાં આવેલા છે. જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૬૯૪ ચૈત્ર વદ બીજ ના દિવસે થયેલ છે.

જિનાલયની બહાર ભમતીમાં પશ્ર્ચિદિશા માંથી શરૂ કરતાં વિ.સં. ૧૨૮૭ માં પ્રતિષ્ઠા કરેલ નંદીશ્ર્વરદ્વીપનોઅ પટ, જિનપ્રતિમાઓ, પદ્માવતીજીની મૂર્તિ, સમેતશીખરજી તીર્થનો પટ, શત્રુંજય મહાતીર્થનો પટ, શ્રી નેમિનાથ ભગવાનના જીવનચરિત્રનો પટ, શ્રી મહાવીરપ્રભુની પાટપરંપરાના પગલાં, જૈનશાસનના વિવિધ અધિષ્ઠાક દેવ-દેવીની પ્રતિમા, શાસનદેવી અંબિકાની દેરી, શ્રી નેમિનાથ પ્રભુ તથા શ્રી મહાવીરપ્રભુના પગલાંની દેરી, શ્રી વિજયાનંદસૂરિમહારાજ(પૂ. આત્મારામજી) ની પ્રતિમા આદિ સ્થાપન કરેલ છે.

ભમતીમાં એક ઓરડામાં શ્રી આદિનાથપ્રભુ, સાધ્વી રાજીમતીશ્રીજી આદિના ચરણપાદુકા તથા ગિરનાર તીર્થનો જિર્ણોધ્ધાર કરાવનાર પ. પૂ. નીતિસૂરિમહારજની પ્રતિમા બિરાજમાન છે. તે જ ઓરડામાં એક ભોંયરામાં મૂળનાયક તરીકે સંપ્રતિકાલીન, પ્રગટપ્રભાવક અત્યંત નયનરમ્ય શ્રી અમિઝરા પાશ્ર્વનાથભગવાનની ૬૧ ઇંચની શ્ર્વેતવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. પ્રભુજીની પ્રતિમા નિરખતાં ધ્યાનમગ્ન બની જવાય છે.

બ) જગમાલ ગોરધનનું જિનાલય
નેમિનાથ પરમાત્માના મુખ્ય જિનાલયની બરોબર પાછળ શ્રી આદિનાથપ્રભુનું જિનાલય છે. તેમાં ૩૧ ઇંચના આદિનાથ પ્રભુના જિનાલયની પ્રતિષ્ઠા પોરવાડ જ્ઞાતીય શ્રી જગમાલ ગોરધન દ્વારા આ વિજયજિનેન્દ્રસૂરિ મહારાજસાહેબની પાવનનિશ્રામાં વિ.સં. ૧૮૪૮ ના વૈશાખ વદ૬ ના શુક્લ પક્ષમાં કરવામાં આવી હતી. શ્રી જગમાલ ગોરધન શ્રી ગિરનારજી તીર્થ ઉપર જિનાલયના મુનિમ તરિકેની ફરજ બજાવી તે જિનાલયોના સંરક્ષણનું કાર્ય કરી રહ્યા હતા. તેમના નામ ઉપરથી જૂનાગઢ શહેરના ઉપરકોટ પાસેના ચોકનું નામ જગમાલચોક રાખવામાં આવ્યું હતું.
૨) મેરકવસીની ટૂંક

અ) પંચમેરૂનું જિનાલય
મેરકવશીના મુખ્ય જિનાલય પ્રવેશ કરતાં જમણી બાજુ પંચમેરૂનું જિનાલય આવે છે. આ જિનાલયની રચના અત્યંત રમણીય છે. તેમાં પાંચ મેરૂ તથા દરેક મેરૂ ઉપર ચૌમુખજી પ્રતિમાઓ પધરાવવામાં આવેલ છે. તેમાં શ્રી ૠષભદેવ ભગવાનની ૯ ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ.સં. ૧૮૫૯ માં કરવામાં આવી હોય તેવા લેખ છે.

બ) અદબદજીનું જિનાલય
પંચમેરૂના જિનાલયમાંથી બહાર નીકળી મેરકવશીના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતાં પહેલાં ડાબા હાથે શ્રી ૠષભદેવની ૧૩૮ ઇંચની પદ્માસનમુદ્રામાં પ્રતિષ્ઠિત મહાકાયપ્રતિમા જોતાં જ શ્રી શત્રુંજયગિરિરાજની નવટૂંકમાં રહેલા અદબદજીદાદાનું સ્મરણ થાય છે માટે આ જિનાલયને પણ અદબદજીદાદાનું દેરાસર કહેવાય છે. આ પ્રતિમા શ્યામવર્ણના પાષાણમાંથી બનેલી હોવા છતાં હાલ તેના ઉપર શ્ર્વેતવર્ણનો લેપ કરવામાં આવેલો છે. તે મૂર્તિની બેઠકમાં આગળ ૨૪ તીર્થંકર પરમાત્માની મૂર્તિવાળો વિ.સં. ૧૪૬૮ માં પ્રતિષ્ઠાના એક લેખયુક્ત પીળોપાષાણ છે

ક) મેરકવશીનું મુખ્ય જિનાલય
સિધ્ધરાજના મંત્રી સારજે નેમિનાથ ભગવાનની ટૂંક માટે જે ટીપ કરી હતી. તે પૈસામાંથી મેરકવશીની ટૂંક બંધાવી હતી. કોતરણી બરાબર સોનું આપી કારીગરો પાસે આ ટૂંકનું કામ કરાવ્યું હતું. તે કામ એટલું ઝીણું કરાવ્યું છે કે સિતારના તાર તેની ઉપર ફરતી આંગળીઓના નખ અણિશુધ્ધાં દેખાય છે.

આ બાવન જિનાલયના મૂળનાયક ૨૯ ઇંચ ના શ્રી સહસ્ત્રફણાપાશ્ર્વનાથ ભગવાન છે, જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૮૫૯ માં પ.પૂ. આ. જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે થયેલ છે. આ બાવન જિનાલયની ડાબી તરફથી ફરતાં વિ.સં. ૧૪૪૨ માં કોતરાયેલ અસ્ટાપદજીનો પટ તથા આગળ જતાં મધ્યભાગમાં દેરીમાં અષ્ટાપદજીનું દેરાસર છે. ત્યાંથી આગળ મૂળનાયક પરમાત્માની બરાબર પાછળના ભાગમાંથી શ્રી મહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે. આગળ વધતાં ઉત્તરદિશા તરફથી દેરીમાં મધ્યમાં શ્રી શાંતીનાથ ભગવાનની ચૌમુખજી પ્રતિમાજીઓ બિરાજમાર કરવામાં આવી છે. ઉત્તરદિશામાં દરેક દેરીઓની આગળની ચોકોની છત્તમાં અત્યંત મનોહરી કોતરણીઓ મનને આહલાદ પમાડે છે.

જિનાલયની મુખ્ય દ્વાર બહાર ડાબી તરફ જતાં સગરામસોનીની ટૂંક આવે તે રસ્તે સામેની દિવાલની પાછ્ળ નવોકુંડ આવેલ છે. એમ કહેવાય છે કે સગરામ સોનીએ ભગવતી સૂત્રના ૩૬૦૦૦ પ્રશ્ર્નોની ૩૬૦૦૦ સોનામહોરો જ્ઞાન ખાતે મૂકી હતી. તેમાંથી સુવર્ણની સાહીથી ક્લ્પસૂત્ર વિગેરે પુસ્તકો લખાવ્યા હતા.



૩) સંગરામસોની ની ટૂંક

મેરકવશીની ટૂંકમાંથી બહાર નીકળી ઉત્તરદિશાના દ્વારમાંથી સગરામસોનીની ટૂંકમાં જવાય છે. આ બાવન જિનાલયના મુખ્ય જિનાલયમાં બે માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે. જેમાં પૂજા વિગેરે અનુષ્ઠાન દરમ્યાન ઉપરનાં ભાગમાં સ્ત્રીઓને બેસવા માટે સુંદર વ્યવસ્થા દોઠવવામાં આવેલ છે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણાપાશ્ર્વનાથ પ્રભુની ૨૯ ઇંચની પ્રતિમા બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૫૯ ના જેઠ સુદ ૭ ને ગુરૂવારે પૂ. આ. જિનેન્દ્રસૂરિ મહારાજસાહેબના હસ્તે થયેલ છે. ગભારાના છત્તની ઊંચાઇ લગભગ ૩૫ થી ૪૦ ફૂંટ ઊંચી હોવાથી અન્ય ગભારા કરતાં વિશેષ જણાય છે. ગિરનારના જિનાલયોમાં આ જિનાલયનું શિખર સૌથી ઊંચુ જણાય છે.

સિધ્ધ્પુર પાટણના વણીક સગરામસોનીએ આ જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. એમ કહેવાય છે કે સગરામસોનીએ ભગવતી સૂત્રના ૩૬૦૦૦ પ્રશ્ર્નોની ૩૬૦૦૦ સોનામહોરો જ્ઞાન ખાતે મૂકી હતી. તેમાંથી સુવર્ણની સાહીથી ક્લ્પસૂત્ર વિગેરે પુસ્તકો લખાવ્યા હતા.

સગરામસોની અકબર બાદશાહના વખતમાં થયા હતા તેમને અકબરનો મામો કહી બોલાવતા એમ કહેવાય છે. સગરામસોની કે સંગ્રામ સોનીના નામે ઓળખાતું આ જિનાલય હકીકતમાં સમરસિંહ માલદે દ્વારા ઉધ્ધાર કરીને તદન નવું જ નિર્વાણ કરવામાં આવેલી છે. તેવું કેટલાક વિદ્વાનોએ વાસ્તવિક પ્રમાણ દર્શાવવાપૂર્વક જણાવ્યું છે.

૪) કુમારપાળની ટૂંક

સંગરામસોનીની ટૂંકમાંથી બહાર નીકળી ઉત્તરદિશાના દ્વારમાં કુમારપાળની ટૂંકમાં જવાય છે. કુમારપાળની ટૂંકમાં પ્રવેશતાં મુખ્ય જિનાલયની ચારેબાજુ ઘણું પ્રાંગણ જોવા મળે છે. આ પ્રાંગણમાં થઇ જિનાલયમાં પ્રવેશ કરતાં એક વિશાળ રંગમંડપ આવે છે જેમાં આગળ વધતાં બીજો રંગમંડપ આવે છે. આ જિનાલયના મૂળનાયક તરીકે ૨૪ ઇંચના શ્રી અભિનંદનસ્વામી બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૮૭૫ ના વૈશાખ સુદ ૭ ના શનિવારે પૂ. આ. જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે કરવામાં આવી હતી. આ જિનાલયના ઉત્તર દિશાના પ્રાંગણમાં એક દેડકીવાવ નામની વાવ છે. તે વાવનું પાણી હંમેશાની સપાટી કરતાં ક્યારેય ઉંચે જતું નથી

કુમારપાળ મહારાજ સન ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી ગુજરાતના રાજા હતા. તેમણે આ ટૂંક બંધાવી છે. ત્યાંથી ઉત્તરદિશા તરફની બારીથી બહાર નીકળી ભીમકુંડથી આગળ ચન્દ્રપ્રભસ્વામીના જિનાલય સુધી જવાનો કેડીમાર્ગ આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top