ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

ટચુકડી વાત

એક નાની અમથી ટકોર અને જીવનભરની સિદ્ધિ !


ઉઘાડા દરવાજાથી, ઉદ્ધાર થઈ ગયો..


રાત વીતી રહી છે. દરબારગઢના પહેરેગીરે ડંકા વગાડ્યા છે...બાર.. એક..બે...

ગામ આખું, જંપી ગયું છે. શાંતિ તો એવી પથરાઈ ગઈ છે કે ગામના પાદરમાં વહેતી નદીના પાણીના ખળખળ પ્રવાહનો અવાજ, પેલા તમરાંના ત્રમ ત્રમ અવાજ સાથે ભળીને મધુર સંગીત પ્રગટાવે છે. બધે બધું જ શાંત છે પણ...


... એક ઘરના ઓરડામાં યુવાન પુત્રવધુ અને એની સાસનાં મન અશાંત છે. મધરાતે પણ એમની આંખમાં નિંદરનું નામ-નિશાન નથી. ફાટી આંખે ઘરના બંધ દરવાજાને તાકી તાકીને આંખો પણ હવે થાકી.


ત્યાં.. બહાર પગરવ સંભળાયો. વહુએ દીવાની વાટ સંકોરી. પતિદેવે બહાર ફળિયામાં લથડતાં પગે બારણે ટકોરા માર્યા. જુગારમાં બધું હારી, થાકી હવે ઘર યાદ આવ્યું હતું. મન અને મગજ ઠેકાણે ન હતા. ઘરની અંદરથી કોઈનો સંચાર ન સાંભળ્યો એટલે હવે, દરવાજાની સાંકળ ખખડાવી.


 ત્યાં જ એ દીકરાની માએ ચિતિત પુત્રવધૂની સાસુએ સંભળાવી દીધું 


“આજે આ કમાડ નહીં ખૂલે. જે ઘરના કમાડ ખૂલ્લા હોય ત્યાં રાતવાસો કરી લેજે. આ દરવાજા કાયમને માટે ભૂલી જજે.”


ઘરનો મરદ પણ, વટનો કટકો હતો. પળવાર માટે જ ઊભો રહ્યો અને તરત જ કશું બોલ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યો. રોફમાં ને રોફમાં શેરી-ગલી વટાવતાં એણે એક મકાનના દરવાજા ઉઘાડા જોયા. થાકેલું તન હતું. ઘરમાંથી મળેલા જા'કારાથી મન પણ આશરો શોધતું હતું.


ઉઘાડા દરવાજાવાળું એ મકાન, સાધુઓનો ઉપાશ્રય હતો. ત્રણેક પગથિયાં ચડીને ઉપર જોયું. કોઈ

સાધુ મહારાજ ઊભા હતા, બીજા બે સાધુ બેઠા હતા, હળવા સ્વરે પાઠ કરી રહ્યા હતા. બીજા સાધુઓ સંથારી રહ્યા હતા. વાતાવરણ શાંત અને પવિત્ર હતું. ત્યાં બે પળ ઊભા રહેવાથી પણ એનું મન શાંત થવા લાગ્યું. ઢળતી રાતનો અંધકાર પણ સ્નિગ્ધ અને સોહામણો લાગ્યો.

બારણા પાસેના ઓટલા પર, આ ભાઈએ લંબાવ્યું. 


ઉપાશ્રયના પંચમહાવ્રતધારી તપસ્વી સાધુઓના પરમાણુની મૂક અસર આ ભાઈના મન પર થવા લાગી, થોડી-થોડી વારે ઝબકીને જાગે, બેઠાં થાય, ચોતરફ નજર ફેરવે વળી સૂઈ જાય. 


એક સાધુનું ધ્યાન ગયું. અડધી રાતે અહીં આવીને કોઈ સૂતું લાગે છે. થાક્યો વટેમાર્ગુ લાગે છે. પણ ઘડી સૂએ છે, બેસે છે, વળી સૂએ છે. શું છે? નજીક જઈને પૂછે છે : “ભાઈ ! કેમ ઊંઘ નથી આવતી ?'


ભાઈ !' એવા મીઠા સંબોધનથી જ મન ભરાઈ આવ્યું.


માંડીને વાત કહી. હૈયું હળવું કર્યું. તપસ્વી સાધુએ સંસારની અસારતા સમજાવી. ત્યાગમાં જ સુખ છે. સંસારનો તો આ જ સ્વભાવ છે.


તપ્ત મન પર શીતળતાનો છંટકાવ થયો. પ્રતિબોધ થયો. સાધુનું શરણ મળ્યું. દીક્ષા લીધી. ભલું થયું ભાંગી જંજાળ --એવો ઘાટ થયો !


સંયમના પ્રભાવે તેઓ સમર્થ ગ્રંથકાર બન્યા. સિધ્ધર્ષિ મહારાજ બન્યા. તેઓએ રચેલો ઉપમિતિભવપ્રપંચ કથા નામનો અમર ગ્રંથ આજે પણ તેમની દિગંતવ્યાપી કીર્તિગાથાનું ગાન કરી રહ્યો છે.


એક નાની અમથી ટકોર અને જીવનભરની સિદ્ધિ !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top