🎋 અંધરી નગરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા.
👉 વર્ષો પહેલાની આ અજૈન વાત છે.
બે સાધુ બાવા એક ગામ થી બીજા ગામ ફરતા હતા. એમાં એક ગુરુ હતા ને બીજો એમનો ચેલો હતો.
હવે ફરતા ફરતા તેઓ એક નવા રાજ્ય માં આવી ચઢ્યા. આહાર પાણી પી ને બજાર માં ફરવા નીકળ્યા. ત્યાં એક ભાજીવાળાને ગુરુ એ ભાવ પૂછ્યો, તો પેલો કહે એક શેર ભાજી નો એક ટકો.(ત્યાર નું ચલણ.)
ત્યાર બાદ એક મીઠાઈ ની દુકાન માં ગુરુ ઘૂસ્યા. ત્યાં ખાજા (મીઠાઈ) નો ભાવ પૂછતાં પેલા એ પણ એજ ભાવ કહ્યો કે એક શેર નો એક ટકો.
ગુરુ તો વિમાસણ માં પડી ગયા કે મીઠાઈ અને શાક એકકજ ભાવ?
જરૂર કઈ ગડબડ છે.
એમણે ચેલા ને તત્કાળ આ રાજ્ય માંથી બહાર નીકળી જવાનું સૂચન કર્યું કે ચાલ, આપણે અહીંયાંથી ભાગીએ.
પણ ચેલો તો અહિયાની સસ્તાઈ જોઈ લલચાઈ ગયો કે ના ગુરુજી, તમારે જવું હોય તો જાવ આગળ, હું તો અહીંયાંજ અટઠે દ્વારકા કરું છું. ગુરુ એ લાખ સમજાવ્યા છતાંય ચેલો ન માન્યો અને એકલા ગુરુ રાજ્ય ની બહાર નીકળી ગયા..
હવે આ અંધેરી નગરી ના રાજા નું નામ ગંડુ રાજા હતું.
એના માં નામ પ્રમાણેજ ગુણ હતા.થોડી અક્કલ ઓછી હતી.તોયે જેમતેમ કરી ને રાજ્ય ચાલતું હતું.
એક રાત્રે એક ચોર વાણિયા ના ઘર માં ચોરી કરવા આવ્યો.એણે પરાઈ થી દીવાલ માં બાકોરું પાડ્યું.ને જેવો અંદર દાખલ થવા ગયો કે આખી દીવાલ ચોર ઉપર તૂટી પડી અને એ મરી ગયો.
આ બાજુ ચોર ની માં એ રાજા ને ફરિયાદ કરી કે વાણિયા ની દીવાલ કાચી હતી એટલેજ મારો દીકરો મરી ગયો.
"વાણિયા ને ફાંસી આપો."
રાજા નું ફરમાન છૂટ્યું.
ચતુર વાણિયા એ દરબારમાં આવી કહ્યું, કે દીવાલ તો કડીયા એ બનાવી હતી, મેં તો પુરા ટકા આપ્યા હતા.
"વાણિયા ને છોડી દયો ને કડીયા ને ફાંસી એ ચઢાવો."
કડીયો કહે કે હું તો દીવાલ બરોબર ચણતો હતો પણ એમાં પાણી નાખનારા ભીસ્તી એ વધુ પાણી નાખી દીધું ને દીવાલ કાચી રહી ગઈ.
"કડીયા ને છોડી દયો ને ભીસ્તી ને ફાંસી એ ચઢાવો."
રાજા ઉવાચ.
ભીસ્તી પણ ગાંજ્યો જાય એમ નહોતો.એણે કહ્યું કે હું તો પાણી બરોબર નાખતો હતો પણ બજાર માંથી બે બાવા જતા હતા એમાં જાડિયા ચેલા ને જોઈ હું હસી પડ્યો એમાં પાણી વધુ ઢોળાઈ ગયું.
"બસ હવે બહુ થયું, ભીસ્તી ને જવા દયો ને પેલા જાડિયા બાવા ને ફાંસી આપી દયો, દરબાર બરખાસ્ત."
સૈનિકો તો ગભરાયેલા ચેલા ને પકડી લાવ્યા ને કોટડી માં પુરી દીધો ને કહ્યું કે કાલે સવારે રાજા ની સામે તને જાહેર માં ફાંસી થશે.કારણ જાણી ને હેબતાઈ ગયેલા ચેલા ને ગુરુની આજ્ઞા ન માનવા પર ખૂબ પસ્તાવો થયો.
તેણે સંત્રી ને કીધું કે મારી આખરી ઈચ્છા એવી છે કે મને ફાંસી આપો ત્યારે મારા ગુરુ ને બાજુમાં ઉભા રાખજો.
બીજે દિવસે સવારે જાહેરમાં ફાંસી નો તખ્તો ગોઠવાયો. થર થર કાંપતા ચેલા ને હાજર કરવામાં આવ્યો.ગંડું રાજા ગાંડા ની જેમ તાળીઓ વગાડી રહ્યા હતા.ચેલા એ આખરી વાર ભગવાન ને દિલ થી યાદ કર્યા.
ફાંસી ના માંચડે પહોંચતાજ સાક્ષાત ગુરુ ને ઉભેલા જોઈ ચેલો ચોધાર આંસુ એ રડી પડ્યો કે મને માફ કરી દયો ગુરુજી, મેં આપનુ માન્યું નહિ.
પણ ગુરુ અંતે ગુરુ હોય, એણે ચેલા ના કાન માં કાંઈ વાત કીધી ને જેવો ચેલા ને ફાંસી આપવા જલ્લાદ આગળ આવ્યો એવાજ ગુરુ એ ફાંસી નો ગાળિયો પોતાના ગળા માં પહેરી લીધો.
ત્યાં તો ચેલા એ ગુરુ ને ધક્કો મારી ફરી પાછો ગાળિયો પોતાના ગળા માં પહેરી લીધો ત્યાં તો ગુરુ એ ચેલા નો પગ ખેંચી તેને પાડી નાખ્યો.
ગંડું રાજા નવાઈ પામ્યો કે આ બંને કેમ મરવા માટે પડાપડી કરે છે.? એને ફાંસી રોકાવી ને આનું કારણ પૂછ્યું તો ગુરુ કહે , "હે હોશિયાર જહાંપનાહ, અત્યારે એટલો ઉત્કૃષ્ટ સમય ચાલી રહ્યો છે કે જે આ સમયે મરી ને ઉપર જાય એને સીધા સ્વર્ગ માંજ જગ્યા મળે, અપ્સરાઓ એની રાહ જોય છે ને દેવો ફૂલ ની માળા લઇ ને એનું સ્વાગત કરવા તડપી રહ્યા છે, એટલે હુઝુર ફાંસી મનેજ આપો."
"ખામોશ, મને શું ગાંડો સમજ્યો છે કે? સ્વર્ગ માં આટલી તડામાર તૈયારી ચાલી રહી છે ને હું તમારા જેવા લુખ્ખા બાવાઓ ને જવા દઈશ?
અબે એય જલ્લાદ, હમણાં ને હમણાં મનેજ ફાંસી આપી દે."
અને ગંડુ રાજા સુળી એ ચઢી ગયો. ગુરુ તો ચેલા ને લઈ ને જાય ભાગ્યા કે હવે પાછું વળી ને જોતો નહિ એ અંધેરી નગરી ને ગંડુ રાજા તરફ...
👉 સાર - ગુરુ આજ્ઞા ક્યારેય ઉથાપવી નહીં.
વિવેક ગુણ થી પરિસ્થિતિ નું મૂલ્યાંકન કરવું.એક ઉપર એક ફ્રી જેવી સ્કીમો થી લલચાવું નહીં.
ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા રાખવી.🇦🇹
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો