સંયમ વિના નહીં ઉદ્ધાર સંયમ પ્રેમી પિતા ભાગ - ૨
સમાચાર પત્રોમાં સમાચારો બે જાતના હોય છે.
*(૧) Live News - આંખે આંખ દેખેલ વસ્તુના સમાચાર ખબરપત્રીઓ છાપે.*
*(૨) P.T.I. News - જે - જે વ્યક્તિઓએ પ્રસંગને જોયો તે વ્યક્તિ પ્રેસ-ટ્રસ્ટમાં બધા સમાચારો પહોંચાડે અને તે પ્રેસ-ટ્રસ્ટમાં સમાચારો મંગાવી જે સમાચાર પત્રોમાં મુકવામાં આવે તે P.T.I News કહેવાય.*
હાલ હું તમને જે સમાચાર - અનુમોદનીય અહેવાલ કહેવા માગું છું તે Live છે. મેં નજરોનજર નિહાળ્યો છે, માણ્યો છે, અનુભવ્યો છે.
સૌરાષ્ટ્રનું મોટું શહેર રાજકોટ તેમાં જન્મથી માંડી મોટો થયેલ એ યુવાન નાનપણમાં જ માતૃશ્રી મૃત્યુ પામેલ. પિતાજીએ એ યુવાન સહિત ૬ ભાઈ-બહેનોને ઉછેર્યા. ધર્મના રાગી પિતાશ્રીએ બધામાં ધર્મના સંસ્કારોનું વાત્સલ્ય પૂર્વક સિંચન કરેલું.
*એ સંસ્કારોને કારણે સૌથી નાની બહેને ૧૫ વર્ષની ઉંમરે દીક્ષાના પંથે પ્રયાણ કર્યું. આ યુવાન પણ પુરેપુરા ધર્મના રંગે રંગાયો. દીક્ષા પ્રત્યેનો લગાવ ખૂબ પણ કૂદકો મારવાની હિંમત નહિ. વર્ષો વીતતાં ગયા. બધા ભાઈ-બહેનોના લગ્ન થઈ ગયા.*
બહેનો બધી સાસરે ચાલી ગઈ. ભાઈઓ ધંધાદિ અર્થે દૂર-દૂરના શહેરોમાં પરિવાર સહિત ગોઠવાઈ ગયા. હવે રાજકોટ ખાતે પરિવારમાં બે જ રહ્યા. ૬૦ વર્ષની ઉંમરના પિતાશ્રી અને ૩૫ વર્ષનો એ વૈરાગી યુવાન.
એક દિવસ પિતાશ્રીએ રજુઆત કરી *‘બેટા ! હવે તારી ઉમર થઈ ગઈ છે. કોઈ એક નિર્ણય કરવો પડે કાં દીક્ષા કાં લગ્ન નહિ તો એકેય નહિ રહે.’*
*‘પિતાશ્રી ! થોડા વર્ષ પૂર્વે હું દ્વિધામાં હતો પણ… છેલ્લા ૧.૫ વર્ષથી દીક્ષા જ લેવાનો દ્રઢ નિર્ધાર છે.’* દીકરાએ નમ્રતાથી જવાબ આપ્યો.
*‘બેટા ! તો પછી વિલંબ શાનો. તરત જ આપણે મુહૂર્ત કઢાવીએ, અને નજીકના સારા મુહૂર્તે ઠાઠમાઠથી દીક્ષા ગોઠવીએ.’* સાનંદ પિતાજી બોલ્યા.
*‘પિતાશ્રી ! સંસારની એક એક ક્ષણ કાતીલ છે. દીક્ષા વિના પાણી વગરની માછલીની જેમ તરફડું છું. ઘણીવાર આપને ખ્યાલ ન આવે એ રીતે એકાંતમાં દીક્ષા ન મળવા બદલ ખુબ રડી લઉં છું. દીક્ષામાં મને સર્વસ્વ દેખાય છે. સાધુ કે સાધ્વીજી ભગવંત કે તેમના રાજોહરણને જોઈને મારા સાડા ત્રણ કરોડ રૂંવાડા હર્ષથી નૃત્ય કરવા માંડે છે. આંખો ભીની થઇ જાય છે, હૃદય નમ્ર બને છે અને મસ્તક ઝૂકી જાય છે. અને મનમાં ‘ક્યારે બનીશ હું સાચો રે સંત…’ ની પંક્તિઓ ગુંજવા લાગે છે. પિતાજી ! સાચું કહું છું હું સંયમ જીવનનો માસૂક છું.’*
*‘તો બેટા ! તને કોણ રોકે છે ? તને શો અંતરાય છે ? તે કેમ દોઢ વર્ષ સંસારમાં ફોગટ પસાર કર્યો ?’* અરે બેટા ! તારા પિતા પણ સંયમના એટલા જ માસૂક છે. નાનપણમાં બેટા ! મારે પણ દીક્ષા જ લેવી હતી. દીક્ષા માટે ખૂબ ઝુર્યો છું પણ… પાપકર્મનો ભયંકર ઉદય કે લગ્ન થઈ ગયાં. એટલે જ નાનપણથી બધા દીકરા-દીકરીઓને દીક્ષાની જ પ્રેરણા કરું છું. નાની દીકરીને ધામધૂમથી દીક્ષા આપી.
*બેટા ! જો તું પણ દીક્ષાના માર્ગે જઈશ તો આ બાપ આનંદથી નાચશે. પોતે ન લઈ શક્યો પણ દીકરાને અપાવ્યાનો અતિશય આનંદ તે માનશે.*
*‘બેટા ! બોલ, ક્યાં અટક્યું છે, બધું હું સિધું કરી આપું.’*
*‘બેટા ! બોલ, ક્યાં અટક્યું છે, બધું હું સિધું કરી આપું.’*
એ યુવાન બેઠો બેઠો પિતાજીની ભાવવાહી એકધારી સાંભળી રહ્યો હતો. તે વખતની તેમની મુખાકૃતિ, હાવભાવો કંઈક જુદા જ પ્રકારના હતાં. સંયમ જીવન પ્રત્યેનો લગાવ આ ઉંમરે પણ લસલસતો દેખાતો હતો.
અડધી મિનિટ સુધી ભાવોમાં ખોવાઈ જઈ પછી દીકરો બોલ્યો, *‘પિતાજી ! ઘણીવાર વ્યાખ્યાનમાં સાંભળ્યું છે અને ખરેખર સત્ય હકીકત છે કે ધર્મ કરતા સ્વધર્મ ચઢીયાતો છે.’*
ભલે દીક્ષા એ ધર્મ ગણાતો હોય પણ મા-બાપની સેવા એ સ્વધર્મ છે. *‘સ્વધર્મના પાયા વિનાની ધર્મરૂપી ઈમારતની કોઈ કિંમત નથી.’* માટે પિતાજી ! જીવનના અંત સુધી આપની સેવા કરી અંત સમયે આપને સમાધિ આપી પછી જ હું પ્રવજ્યાના પંથે પ્રયાણ કરીશ.
આપના ઘડપણમાં આપને એકલા મૂકીને દીક્ષા લેવી તે અયોગ્ય છે. *‘બેટા ! મારી સેવા અને સમાધિની ફિકર તું ન કર, તું તારું સાધી લે, અણી ચુક્યો બધું ગુમાવે, માટે લંબાવવામાં વધુ મજા નથી. વળી બેટા ! મારે તું એક જ નથી, બીજા બે દીકરાઓ પણ છે. હું ત્યાં જતો રહીશ અને મારી આરાધના કરીશ.’*
*‘પિતાજી ! નાનપણથી મોટા કર્યા, જૈન શાસનના રાગી બનાવ્યા. સુદેવ અને સુગુરુના ભક્ત બનાવ્યા, ધર્મમાં કટ્ટર બનાવ્યા. પિતાજી ! આ કરેલા ઉપકારોને વિસરી જઈ મારો સ્વાર્થ સાધવો તે તો કૃતઘ્નતા છે. દીક્ષાની જ અપાત્રતા છે.’*
વળી પિતાજી ! આપ પણ જાણો જ છો કે મારા બે ભાઈઓને આપના પ્રત્યે કેટલો ભાવ છે. આ રીતે આપને રસ્તે મૂકીને મારે મારૂં સાધી લેવું તે યોગ્ય નથી.’
આ રીતે અડધો કલાક સુધી જાત-જાતની દલીલો અને પ્રતિદલીલોનો વરસાદ ચાલ્યો. છેવટે નક્કી થયું કે આપણી બધી રજૂઆત આપણા ઉપકારી ગુરૂભગવંત આગળ રજૂ કરશું અને તેઓશ્રી જે નિર્ણય આપશે તે આપણે બંને જણ માન્ય રાખીશું.
થોડા દિવસ બાદ ઉપકારી ગુરૂભગવંત પાસે પહોંચી ગયા. અંગત રીતે બેસવાનો સમય લઈ બેઠાં.
જુસ્સાપૂર્વક બંનેય બાપ-દિકરાએ (મહાત્માઓએ) પોતાની રજૂઆત મક્કમતાપૂર્વક કરી.
*‘જેને સેવા કરનાર બીજું કોઈ ન હોય તેવા દિકરાને દીક્ષા ન આપવી’* એવા સિદ્ધાંતને મક્કમપણે માનનારા ગુરૂભગવંતે નિર્ણય જાહેર કર્યો કે, *‘દિકરાને હાલ પિતાજીની સેવામાં રહેવું.’*
નિર્ણય સાંભળતા જ પિતાજીની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. ધીમે ધીમે ડુસકા અને પછી તો પોક મૂકીને રડવાનું શરૂ કર્યું. તેમના મનમાં ડંખ હતો કે *‘મેં તો દીક્ષા ન લીધી અને સંસારમાં ડૂબ્યો પણ હવે મારી સેવાના કારણે મારા દિકરાને પણ તેનાથી વંચિત રાખવાનું ભયંકર પાપ મારા હાથે થશે.’*
માંડ માંડ તેઓને શાંત કર્યા પછી ખૂબ જ લાગણીશીલ શબ્દોમાં બોલ્યા, *‘ગુરૂદેવ ! મારે મારી આંખોથી મારા દિકરાને દીક્ષાના વેશમાં પાટ ઉપર બેસેલો જોવો છે. ગુરૂદેવ ! મારી આ ઈચ્છા પૂરી કરવી એ જ મારી સાચી સેવા છે, મારી સાચી સમાધિ છે. ગુરૂદેવ ! મને તડપાવશો નહીં. મારા આયુષ્યનો કોઈ ભરોસો નથી.’*
*‘ગુરૂદેવ ! દીકરાના દીક્ષા-દાનના પ્રભાવે એકાંતે મારૂં કલ્યાણ જ થશે. ગુરૂદેવ ! મારા દીકરાને દીક્ષાની હા પાડો.’*
તેમના શબ્દે શબ્દે શ્રદ્ધાનો ટંકાર હતો. રોમે રોમે સંયમ-રાગ દેખાતો હતો. તેમની અતૂટ શ્રદ્ધા અને સંયમરાગે ગુરૂભગવંતને હલાવી દીધા અને તરત જ ફેરવીને નિર્ણય જાહેર કર્યો કે, *‘નજીકના સારા મુહૂર્તે દીકરાની દીક્ષા કરવી.’*
શબ્દો સાંભળતા જ ૬૦ વર્ષના એ વૃદ્ધ યુવાનને પણ શરમાવે એ રીતે રીતસરના ઉભા થઈને હર્ષાશ્રુ સહિત નાચવા માંડ્યા અને વારંવાર ગુરૂદેવને વંદન કરવા લાગ્યા. અને છેવટે પોતાનું માથું ગુરૂદેવના ખોળામાં મૂકીને હર્ષાવેશના કારણે રડવા લાગ્યાં.
*‘ગુરૂદેવ ! ખરેખર, આપે ખૂબ ઉપકાર કર્યો, મને સાચી સમાધિ આપી.’*
*‘ગુરૂદેવ ! આપના નિર્ણયે જ આટલો આનંદ આપ્યો તો જ્યારે દીક્ષાનો મહોત્સવ, દીક્ષાની વિધિ, રાજોહરણ અર્પણ વિધિ મને કેટલો આનંદ આપશે !’* અને ગુરુદેવ ! દીકરો જ્યારે સંયમના વેશને પહેરશે અને પાટ પર બિરાજશે ત્યારે મારો આનંદ સાતમા આસમાને આંબશે, ત્યારે હું મારી જાતને કૃતકૃત્ય માનીશ. જીવનના બધા સુકૃતો થયેલા માનીશ.
બે મહિનામાં તો દીક્ષા થઈ ગઈ. પિતાજીની પણ સેવા અને સમાધિની બધી વ્યવસ્થા દિક્ષાદાનના પુણ્યે ગોઠવાઈ ગઈ.
અરે, પિતાના આ વિશિષ્ટ ભાવોએ એવું વિશિષ્ટ પુણ્ય બંધાવી આપ્યું કે તેમને *‘જ્યાં મૃત્યુ વખણાય છે’* એવા સિદ્ધગિરિમાં ઉપકારી ગુરૂભગવંત, દીકરા મ.સા.અને ૩૦ જેટલા સાધુભગવંતોની ભાગ્યવંતી હાજરીમાં, સાધુ વેશ પહેરી, ઓઘાને ગ્રહણ કરી, સૂતાં સૂતાં પાંચ મહાવ્રતોને ગ્રહણ કરી ખૂબ સમાધિપૂર્વક પંડિતમરણને પ્રાપ્ત કર્યું અને તેમની પાલખી કાઢવામાં આવી.
*ધન્ય છે સંયમ રાગી પિતાને ! સ્વધર્મ ચાહક દીકરાને !*
*પોતાની સેવાની લાલચને બાજુમાં મૂકી દીકરાને સંયમમાં અંતરાય ન કર્યો તો ધર્મસત્તાએ અંત સમયે ઉત્કૃષ્ટ સેવા સાથે અતિદુર્લભ એવું સિદ્ધગિરિની નિશ્રામાં, સાધુવેશમાં, અનેક શ્રમણોની પરમ પાવનવંતી નિશ્રામાં સમાધિમરણને આપ્યું.*
*ક્યારેક કોઈને ધર્મમાં અંતરાય કરવો નહિ. અને કોઈ કરવા ઈચ્છે તો ધન્યવાદ સાથે રજા આપવી.’*
*આટલો આપણે સહુ સંકલ્પ કરીએ.*
*આચાર્ય વિજય શ્રી જિનસુંદર સૂરિ. લિખિત પુસ્તક સુકૃત અનુમોદના માંથી સાભાર...*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો