સ્વભાવ એટલે સ્વના ભાવ, પોતાની ભાવના. સ્વભાવથી વ્યક્તિનું ચારિત્ર સમજાય. હા! જો દંભ હોય તો વ્યાખ્યા ખોટી પડી શકે. સ્વભાવ પણ સમય-સમય પર બદલાઇ શકે છે. પરંતું, ચારિત્ર્યવાન કે ગુણવાન વ્યક્તિનો સ્વભાવ સદાય સ્થિર રહે છે.
ગંગા નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં પરિવારની દીકરી છે. યુવાનીના ઉંબરે પહોંચતા જ વડીલોએ પોતાની પરિસ્થિતિ અનુરુપ પોતાની જ્ઞાતિના યોગ્ય યુવક શોધી વિવાહ સંપન્ન કરાવી વિદાય આપી. બે થી ત્રણ દસકા અગાઉ પસંદગી જેવું કોઇ વિકલ્પ ન હતું. બે વડીલો જ પોતાની રીતે બંને પાત્ર પોતાની સમજણ અનુસાર મેળાપક કરી લેતાં. વચન અપાઇ જતું અને પ્રસંગ ગોઠવાઇ જતાં.
કોડ ભરેલી ગંગા પણ પોતાના ભરથારને પણ સહજપણે અપનાવી લીધું. જે મળ્યું તે મારા જ ભાગ્યે! યુવકની પરિસ્થિતિ પણ સામાન્ય હતી, પણ લગ્નની ગાંઠે ગૂંથાયા બાદ પરિસ્થિતિએ પ્રગતિની દોટ મૂકી. નીશ-દિન ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગી. નવલી પ્રભાતે ગંગાને પણ લાગ્યું મારા પગલાં શુભ સાબિત થયા છે. પતિ પણ ગંગાની દરેક વાતને શિરોમાન્ય કરતાં. ઘરે પારણીયું બંધાયું, એકંદરે ઘરના સદસ્યોમાં વૃદ્ધિ થતાં ૪ દિકરી અને ૩ દીકરા મળી પરિવાર ૯નું થયું. પરિવાર હવે આર્થિક રીતે સમૃદ્ધ થયો. શ્રીમંતોની શ્રેણીમાં ગોઠવાયા.
કુટુંબીજનો અને સ્નેહીજનોમાં ગંગા લોકપ્રિય થઇ, થાય ને જ! કેમકે બધાં જ જાણતાં હતાં કે જે વૃદ્ધિ છે તે ગંગાના પગલાંના જ પરિણામે. ગંગાની કોઇપણ વાત કુટુંબીજનો ઉત્થાપન કરતાં નહીં. હવે સૂર્ય મધ્યાહને હતો. સર્વે દિશાઓ સાનુકૂળ હતી. જરુરીયાત પરિવારજનો પણ આર્થિક મદદ રકમ પાછી દેવાની શરતે મેળવી લેતાં. રકમ પાછી આપવામાં સમય વીતે તો ગંગા મહેણું પણ મારી લેતી. જ્ઞાની ભગવંતો કહે છે કે, જ્ઞાન મદ, તપ મદ, વીર્ય મદ અને ધન મદ ક્યારેય ન કરવો! એકંદરે પરિવારજનો મને-કમને પણ મહેણાં મજબુરીના કારણે સ્વીકારી લેતાં.
અનુક્રમે ચારેય દીકરીઓને શ્રીમંત પરિવારમાં દીકરીની પસંદગીરુપ પાત્ર શોધી સુખદ વિદાય આપી. સારું એવું કરિયાવર આપ્યું જેથી દીકરીઓ પોતાનું જીવન સુખેથી વિતાવે! ગંગાનું ઘર પણ વિશાળ હતું. ઘરના દરેક સદસ્યો માટે વ્યક્તિગત રુમો હતાં. પરંતું, દીકરીઓની વિદાય બાદ ચારેય રુમો ખાલી થયા હતાં. જેમાં ચારેય દીકરીઓની સંસ્મરણો સાચવી રાખ્યા હતાં.
સમય જતાં ત્રણેય દીકરાઓ માટે વિવાહ અંગે માંગણીઓ આવતાં રેશમની મીઠી ગાંથે ગૂંથાયા. દીકરાઓએ પિતાના વ્યવસાય સારી રીતે સંભાળી લીધું. ઘરમાં બધું જ સુખરુપ ચાલતું હતું. વિધિના લેખને કોણ જાણી શકે છે કે ભાવિમાં શું છપાયું છે! એક દિવસ અનિચ્છનીય ઘટના ઘટી. ગંગાના સ્વામિનું નિધન થયું. ઘરના મોભીએ આ દુનિયામાંથી વિદાય લીધી. ગંગાનો આધાર છીનવાયો.
ગંગાનો મહેણાંવાળો સ્વભાવ વહુઓથી છૂપાયો નહોતો. ધંધામાં પણ હવે વળતાં પાણી હતાં. ત્રણેય દીકરાઓમાં પણ સ્વાર્થરુપી નદીના પૂર ઉમટી પડ્યાં. ધંધાના વિભાજન થયાં. એટલી હદે કે એક જ ઘરમાં રહી દરેક દીકરાના રસોડા અલગ થયાં. ઘરમાં કુલ ૪ રસોડા થયાં. દીકરીના રહેલા ૪ રુમોને ત્રણેય દીકરાઓ આપસી વહેંચણી કરી પ્રત્યેક જણે એકેક રુમ રાખી બાકી રહેલો એક રુમ ગંગાને આપ્યો. ગંગાએ તે રુમમાં પોતાનું અલગ રસોડું રાખી તેમાં જ પોતાનું નિવાસ વસાવી લીધું.
સગા-સંબંધીઓને પણ આ વાત છાની ન રહેતાં ઘરે આવવાનું બંધ કર્યું. કેમ કે જઇશું તો માત્ર દુઃખડાઓ જ સાંભળવા મળશે. સ્વાર્થની દુનિયામાં સહુ શૂરવીર. આમેય દુનિયા ઊગતાં સૂર્યની પૂજા કરે છે, આથમતાં સૂર્યની નહીં! ગંગાને વળતી ઉંમરે સમજરુપી જ્ઞાન લાગ્યું, ગંગાને અહેસાસ થયો કે પગલાં મારા શુકનવંતા ન હતાં પરંતું, પુણ્ય મારા સ્વામીનું જાગ્યું હતું! મને સર્વોપરી બનાવી પોતાનું જીવન સુખેથી વ્યતિત કર્યું હતું. ક્યારેય પણ રુપિયાનું ઘમંડ ન હતું. મારા મહેણાંવાળા સ્વભાવે ઘરના રસોડાં અલગ કર્યાં. મારા પોતાના જ પારકાં થયા તો પારકાંની તો ગણતરી જ ક્યાં. સ્વભાવે સ્વ ભાવમાં રમણ કરાવી અંતે પશ્ચાતાપે ગંગાને નિર્મલ બનાવી સ્વાર્થભરી દુનિયામાંથી વિદાય લીધી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો