સોમવાર, 7 જૂન, 2021

Shantinath Bhagavan Prtima History શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો ઇતિહાસ

 (તીર્થ-૧)

નલિયા તીર્થ...

પશ્ચિમ ભારતના અરબી સમુદ્રના કિનારાને અડીને આવેલો સરહદી જિલ્લો પશ્ચિમ કચ્છનો કેન્દ્ર ગણાતું નલિઆ ગામ અબડાસા તાલુકાનું મુખ્ય મથક છે...ત્યાં મૂળનાયક તરીકે શ્રી ચંદ્રપ્રભુજીનું ભવ્ય જિનાલય છે...આ જિનાલય સાથે બીજા પણ જિનાલયો આવેલા છે...તેમાંનું મુખ્ય શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય વિશિષ્ટ છે... આ જિનાલયમાં ૩૩ ઇંચના શ્રી શ્વેતવર્ણીય પદ્મસનયુક્ત શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે આ દેરાસર શ્રી ભારમલ તેજશી મોતા (કુવાપધર) બંધાવેલ છે. તે વખતના આચાર્ય પૂજ્ય શ્રી મુક્તિસાગર સૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં વિ.સં. ૧૯૧૦ ના માગસર સુદ ૨ શુક્રવારના દિવસે પ્રતિષ્ઠા થયેલ છે. આજે પણ આ જિનાલયની વર્ષગાંઠ તેજ તિથિએ ઉજવાયે છે. આ જિનાલયમાં પ્રભુ શાંતિનાથની પ્રતિમા સાથે બીજી ૨૧ પ્રતિમાજી પણ બિરાજમાન છે. શ્રી અચલગચ્છની પ્રસિદ્ધ શ્રી ક્ષમાલાભજી કૃત સ્નાત્ર પૂજા ની રચના આ જિનાલયમાં થયેલ છે. પૂજાની રચનામાં આ પ્રમાણેનું શ્લોક આવે છે. સ્નાત્ર મહોચ્છવ એણી પરે, જિનભક્તિ સુવિશાલ | દ્રવ્યભાવ જિન સેવતાં, લહીએ શિવસુખ સાર | સ્નાત્ર ૧ | ચંદ્રપ્રભુ પ્રસાદથી, વીરવસહી સુખકાર | પ્રસાદ પંચ વિરાજતા નલીનપુરે, મનોહાર । સ્નાત્ર ૨ । "નલીનપુર એટલે આજનું નલિયા..." શ્રી ક.દ.ઓ.જૈન જ્ઞાતિની દ્રષ્ટિએ નલિયા ગામ જ્ઞાતિ શિરોમણી શેઠ શ્રી નરશી નાથાનું જન્મસ્થાન હોઈ તે જ્ઞાતિ ઇતિહાસની દ્રષ્ટિએ પણ નલિયાની આગવી એવી વિશેષતા છે... 👉 અબડાસાની મોટી પંચતીર્થી માનું નલિયા એક તીર્થ છે. 👉ભુજથી રોડમાર્ગે ૯૬કિલોમીટરના અંતરે વસેલું છે. 👉ત્યાં ધર્મશાળા તેમજ ભોજનાલયની ઉત્તમ સગવડ છે. તીર્થનું સરનામું શ્રી ચંદ્રપ્રભુજી જૈન દેરાસરજી તાલુકો-અબડાસા, જિલ્લો-કચ્છ નલિયા-૩૭૦૬૫૫ ફોન નંબર:-૦૨૮૩૧-૨૨૨૩૨૭

___________________________________________________________________________________________________

(તીર્થ-૨)

કોઠારા તીર્થ...


કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં શિલ્પ સ્થાપત્ય તેમજ ઉત્તમ કલાકારીગીરીની દૃષ્ટિએ જેની નોંધ લેવાયેલી છે એવું પ્રાચીન જગવિખ્યાત કોઠારા સ્થિત શ્રી મેરુપ્રભ જિનાલય આવેલું છે. તે જિનાલય શ્રી કલ્યાણજીની ટૂંક તરીકે પણ ઓળખાય છે.... આ જિનાલયમાં ૩૬ ઇંચની કલાત્મક પરિકરસહિત પદ્માસનયુક્ત. શ્વેતવર્ણીય શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે... ૭૮ ફૂટ લાંબુ, ૬૪ ફૂટ પહોળું અને ૭૩.૫ ફૂટ ઊંચું આ જિનાલય એની વિશાળતા અને ભવ્યતાની ઉંચાઈની આંબી રહ્યું છે જિનાલયોની ઉંચાઈમાં કોઠારા કચ્છમાં શિરમોર છે.... શ્રી ક.દ.ઓ જ્ઞાતિના ત્રણ શ્રેષ્ઠીઓ શેઠ શ્રી વેલજી માલુ, શેઠ શ્રી શિવજી નેણશી તથા શેઠ શ્રી કેશવજી નાયકે આ જિન પ્રસાદ નિર્માણ કર્યું છે આ જિનાલયના એક સહભાગી શેઠ શ્રી કેશવજી નાયકે શેત્રુંજય પર નવટુંકમાંની એક કેશવજી નાયકની ટુંકનું નિર્માણ કર્યું છે.. ૪૦૦ માણસોએ ૪ વર્ષ સુધી કામ કરતાં ગગનચુંબી જિનાલય બાંધવા પાછળ ત્રણેય શ્રેષ્ઠીવર્યોને ૧૬ લાખ કોરી ખર્ચ કરેલા.. જિનાલયના પાયામાં એકાવન ગાડાં નાણું નાખીને જિનાલયની બાંધણીને મજબૂત કરવામાં આવેલી. સંવત ૧૯૧૮ મહાસુદ -૧૩ બુધવાર તા.૧૨/૨/૧૮૬૨ના આ જિનાલયની પ.પુ. અચલગચ્છાધપિતિ આ.ભ. રત્નસાગર સૂરીશ્વરજી મ.સા. ના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવેલી... આ જિનાલયના પ્રવેશદ્વારમાં આબુમાં આવેલા દેરાણી જેઠાણીના ગોખલાની આબેહુબ નકલનું શિલ્પકામ તથા કોતરકામ કરી કંડારવામાં આવેલ છે, દેરાસરની મધ્યમાં નેમ-રાજુલના લગ્ન મંડપની કોતરણી પણ દર્શનીય છે..... દેરાસરજીનો ઘંટ લંડનથી મંગાવવામાં આવેલ, જેનું વજન અંદાજે ૨૦૦ કિલો છે... અબડાસાની મોટી પંચતીર્થી માનું કોઠારા એક તીર્થ છે. ભુજથી રોડમાર્ગે ૮૦ અને નલિયાથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલું તીર્થ છે. 👉અહીં ધર્મશાળા તેમજ ભોજનાલયની સુંદર સગવડ છે. તીર્થનું સરનામું શ્રી શાંતિનાથ જૈન દેરાસરજી તાલુકો-અબડાસા, જિલ્લો-કચ્છ કોઠારા-૩૭૦૬૪૫ ફોન નંબર:-૦૨૮૩૧-૨૮૨૨૩૫

____________________________________________________________________________

(તીર્થ-૩) સાંધવ તીર્થ.....


કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં સુંદર સાંધવ તીર્થ આવેલું છે. શિખરબંધ જિનાલયમાં પદ્માસને બિરાજતા શ્વેત વર્ણીય આંખોને આંનદિત કરનારા ૧૯ ઇંચ ઊંચા શ્રી શાંતિનાથ પ્રભુ મૂળનાયક તરીકે બિરાજમાન છે.... ૧૯૪વર્ષ પ્રાચીન પ્રતિમાની અંજન વિધી ૧૮૮૩માં શેઠ શ્રી કેશવજી નાયક દ્વારા પાલિતાણા તીર્થે કરવામાં આવેલ... પ્રતિમા સાંધવ નગરે ગૃહ જિનાલયમાં સવંત ૧૯૨૨ મહાસુદ ૧૩ રવિવાર તા.૨૮/૧/૧૮૬૬ ના અચલગચ્છાધિપતિ ૫.પૂ.આચાર્યદેવ શ્રી રત્નસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે પ્રતિષ્ઠિત થયેલ. પ્રતિષ્ઠાનો લાભ શેઠશ્રી કાનજી ભારમલ દંડ, શેઠશ્રી માલજી શીવજી દંડ અને શેઠશ્રી શિવજી દેરૂ ખોના, તેમજ શ્રી સમસ્ત સંઘે લીધેલ... ત્યારબાદ સંવત ૨૦૬૨ ચૈત્ર વદ-૭ ને બુધવાર ના નૂતન શિખરબંધ જિનાલયમાં અચલગચ્છાધિપતિ ૫.પૂ.આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. અને સાહિત્ય દિવાકર રાજસ્થાન દિપક પ.પૂ.આચાર્યદેવ શ્રી કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા. ની શુભ નિશ્રામાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ પ્રતિષ્ઠાનો લાભ શ્રી સાંધવ જૈન સંઘે લીધેલ.. જિનાલયની વર્ષગાંઠ મહાસુદ-૧૩ ના ઉજવાય છે.... ભુજથી રોડમાર્ગે ૮૩ અને કોઠારાથી ૩ કિલોમીટરના અંતરે આવેલું તીર્થ છે. 👉અહીં ધર્મશાળા તેમજ ભોજનાલયની સુંદર સગવડ છે. તીર્થનું સરનામું શ્રી શાંતિનાથ જૈન દેરાસરજી તાલુકો-અબડાસા, જિલ્લો-કચ્છ સાંધવ-૩૭૦૬૪૫ ફોન નંબર:- પંકજ ડાઘા (પૂજારી)-૭૯૮૪૩૨૬૫૬૬

____________________________________________________________________________

શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો ઇતિહાસ... (તીર્થ-૪)



🛕વાઘણ પોળ-શત્રુંજય મહા તીર્થ.....
જ્યાં સોહે શાંતિનાથ દાદા,
સોળમાં જિન ત્રિભુવન ત્રાતા...
શ્રદ્ધા આસ્થા અને કલાની દ્રષ્ટિએ શત્રુંજય તીર્થ જૈનોમાં સર્વોપરિ તીર્થ સ્થળ છે...તીર્થનો એક એક કણ પાવન છે...શાશ્વત તીર્થ છે....
શત્રુંજય ગિરીરાજ પર વાઘણપોળમાં પ્રવેશતાં ડાબી બાજુ દમણવાળા શેઠ હીરાચંદ રાયકરણે બંધાવેલો ભવ્ય જિનાલય છે. જિનાલયમાં શ્વેતવરણીય પદ્માસન મુદ્રામાં પ્રભુ શાન્તિનાથ ભગવાનની ભવ્યાતિભવ્ય પ્રતિમા છે
જિનાલય ની પ્રતિષ્ઠા વૈશાખ સુદ-૫ સોમવાર સવંત ૧૮૬૦ના થયેલ...
શત્રુંજય ગિરિરાજની યાત્રા કરનારે બીજું ચૈત્યવંદન અહીં કરવાનું હોય છે......
આ ટૂંક પર પ્રભુ શાંતિનાથ ચોમાસું કર્યું હતું...એમની યાદમાં જિનાલયનું નિર્માણ થયુ છે...
શ્રી શાંતીનાથ ભગવાનના ચાતુર્માસમાં ૧,૫૨,૫૫,૭૭૭ મુનિવરો કેવલી બની મોક્ષે ગયેલ....
શત્રુંજય મહાતીર્થ કાંકરે કાંકરે અનંત મહાત્માઓ સિદ્ધ થયા છે...
ભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશનથી રોડમાર્ગે ૨૫ કિલોમીટરના અંતરે પાલિતાણા તીર્થ આવેલું છે...
👉પાલિતાણા શહેરમાં ધર્મશાળા તેમજ ભોજનાલયની સુંદર સગવડ છે....

તીર્થનું સરનામું
શ્રી શાંતિનાથ જિનાલય, દમણવાળાનું દહેરાસર, વાઘણ પોળ, શત્રુંજય ગિરીરાજ, પાલિતાણા-૩૬૪૨૭૦
સંપર્કઃ
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ૦૨૮૪૮-૨૫૨૧૪૮

____________________________________________________________________________


શ્રી ભોપાવર તીર્થ..... (તીર્થ-૫)

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું અતિ પ્રાચીન તીર્થ એટલે ભોપાવર તીર્થ ઈન્દોર રેલ્વે સ્ટેશનથી ૧૦૪ કિ.મી.ના અંતરે મહી નદી પાસે આ તીર્થ આવેલું છે. અહીં શ્યામ વર્ણની કાર્યોત્સર્ગ મુદ્રાવાળી ૩.૧૪ મીટર (૧૨ ફીટ) ઊંચાઈ ધરાવતી પ્રભુ શાંતિનાથની મનમોહક પ્રતિમા છે. માત્ર જૈનો જ નહીં , અજૈનો આસપાસના હજારો ભીલ લોકો આ પ્રતિમાના દર્શન વંદન કરે છે. ભીલોમાં શાંતિનાથ પ્રભુ કાલાબાબા તથા બામણાદેવના નામે પ્રખ્યાત છે. શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા ૮૭૦૦૦ વર્ષ પ્રાચીન છે. અને એક મત મુજબ તો નેમિનાથ ભગવાનના સમયની બતાવવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે કૃષ્ણે રાજકુમારી રૂકમિણીનું હરણ કર્યું ત્યારે રાજકુમારીના ભાઈ રૂકમણકુમારે અહીં યુદ્ધ કર્યું હતું. આમાં પરાજિત થતાં રૂકમણકુમાર અહીં જ સ્થાયી થઈ ગયા. અને આ ગામ વસાવી ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરાવ્યું.... આ તીર્થનો વખતોવખત જીણોદ્ધાર થયો છે.. મૂળનાયકજીની પ્રતિમાના બંને હાથ નીચે દેવીઓની પ્રતિમાઓ છે. મૂળનાયકની બંને બાજુ શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિમા બિરાજમાન છે. આ મંદિરમાં કાચ, શિલ્પ અને મીનાકારી વગેરેનું કામ અત્યંત સુંદર , વૈવિધ્યપૂર્ણ અને ક્લાયુક્ત લાગે છે. 👉ધર્મશાળા તેમજ ભોજનાલયની સુંદર સગવડ છે.... તીર્થનું સરનામું શ્રી શાંતિનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ તાલુકો-સરદારપુરા, જિલ્લો-ધાર પોસ્ટ-ભોપાવર - ૪૫૪૧૧૧ સંપર્ક:- ૯૪૨૫૦૬૧૨૦૧

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top