રવિવાર, 19 સપ્ટેમ્બર, 2021

vijay seth ane vijaya rani

વિજયશેઠ અને વિજ્યાશેઠાણી
કચ્છ દેશમાં ભદ્રેશ્વર નામે મોટા નગરમાં પરમાત્મા અરિહંતના ઉપાસક અર્હદ્દાસ શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની પણ તેવી જ ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ હતી. નામ હતું અર્હદ્દાસી. તેમને વિજય નામનો દેવકુમાર જેવો એકનો એક પુત્ર હતો. તેને પણ બાલ્યકાળથી જ ધર્મપ્રત્યે સારી રુચિ હતી. તે સદા ધર્મશ્રવણ અને ગુરુમહારાજ પાસે ધાર્મિક અભ્યાસ કરતા.

વિજયકુમાર એકવાર ગુરુમહારાજના મુખે ઉપદેશમાં સાંભળ્યું કે શીલરૂપ સદાશોભન અલંકારધારી મહાનુભાવોની દેવો પણ સેવા કરે છે. બધી સિદ્ધિઓ સાથે જ રહે છે અને સંપત્તિ કદી પણ દૂર જતી નથી. એક જ શીલના લાભ ઘણા. ઇત્યાદિ ધર્મદેશનામાં શીલનું મહિમાવંતુ માહાત્મ્ય જાણી વિજયકુમારે કિશોરાવસ્થામાં પરદારા ત્યાગ અને સ્વદારા સંતોષ વ્રત લીધું. તેમાં પણ એવો નિયમ કર્યો કે `શુક્લપક્ષમાં સ્વસ્ત્રાળનું સેવન પણ કરવું નહિ'

  
એ નગરીમાં ધર્મનો મહિમા મોટો, વીતરાગ દેવના શાસનમાં સાધુ-સાધ્વીઓ જ્યાં વિચરતા હોય ત્યાં લોકો રાગમાંથી વિરાગમાં વધુ આનંદ જોઇ શકે તે સ્વાભાવિક છે. એ જ નગરમાં ધનાવહ નામના અતિ ધનાઢ્ય ધર્મિષ્ઠ શેઠ રહેતા તેમને ધનશ્રી નામની ધર્મપ્રિત પત્ની હતી. વિજયા નામની એક સુંદર દિકરી હતી. વિજયા પણ સદા ધર્મકર્મમાં તત્પર રહેતી. ગુરુ મહારાજના ઉપદેશથી તેણે વિચાર કર્યો કે `શ્રમણજીવન ન લઇ શકાય તો ગૃહસ્થ જીવનમાંય કેટલાંક તો અવશ્ય આદરી શકાય' અને તેણે પરપુરુષત્યાગવ્રત ઉપરાંત એવો નિયમ કર્યો કે કૃષ્ણ પખવાડીયામાં પોતાના પતિનો સંયગ પણ છોડવો.' યોગાનુંયોગ સમાન ધન-વય-રૂપ અને વૈભવવાળા વિજય - વિજયાના ઠાઠમાઠથી લગ્ન થયા.

લગ્નની પ્રથમ રાત્રીએ વિજયા શેઠે વિજયા શેઠાણીને કહ્યું `આજે આપણા જીવનની એક વિલક્ષણ ઘડી છે, દરેક નારીની જેમ તારા હૈયામાં પણ કેટલાય સ્પંદનો ઉઠતા હશે પણ હે સુભદ્રા! મેં પહેલાથી જ શુક્લ પક્ષમાં શિયળ પાળવાનો નિયમ લીધો છે તેની જાણ કરતા હતા ત્યારે વિજયા શેઠાણી તેમના તરફ અવાચક થઇ તેમને જોતી રહી, વિજયા શેઠે કહ્યું `જુઓ આપણે ઉત્તમ કુળમાં જન્મેલા છીએ, વિતરાગના ધર્મનું આપણને શરણું મળેલ છે છતાં તમે આમ ચિંતાતુર કેમ છો તે જણાવો? 

ત્યારે વિજયા શેઠાણીએ પણ તેમના બાળપણમાં લીધેલા નિયમની જાણ કરી કે `કૃષ્ણપક્ષમાં શિયળ પાળવાનો મેં પણ નિયમ લીધો છે.' આ જાણી શેઠ શેઠાણી થોડી ઘડી એક બીજાની સ્થિતી અને ભાવી ગૃહસંસારને તેની ઉર્મિના વિચારે ચડ્યા. બન્ને સુપાત્ર જીવો સમજતા હતા કે અનિચ્છાએ પાળેલું શિયળ પણ કલ્યાણ માર્ગને પ્રશસ્ત કરે છે ત્યારે એણે તો સમજીને નિયમ લીધો છે.

થોડી વારમાં બન્ને સ્વસ્થ થઇ અબ્રહ્મથી થતી હાની અને બ્રહ્મચર્યના મહિમાની વાતો કરતા કરતા અધ્યાત્મની શ્રેણી ચઢતા ગયા, પરાધીન બધું જ દુઃખ જ છે, વિષયા સેવનમાં અલ્પમાત્ર સુખ નથી પણ સુખાભાસ છે. સ્વાધીન સુખ તો માત્ર આત્મજ્ઞાની જ માણે છે. સંસારમાં દેહ અને ઇંદ્રિયની અનુકૂળતાને સુખ કહેવાય છે પરંતુ ખરેખર તો સર્વ દુઃખ અને ક્લેશનું મૂળ કારણ જ શરીર અને ઇંદ્રિયોમાં એકત્વપણું છે. વિજય શેઠ સમજાવતા કહે છે કે

વિષ અને વિષયનું અંતર તો જુઓ કેટલું મોટુ છે? વિષ ખાધું હોય તો મૃત્યુ થાય પરંતુ વિષય તો સ્મરણમાત્રથી મારી નાંખે છે. માટે હે મહાભાગ! તારા પણ સારા ભાવ અને ઉત્તમ નિયમ છે. માટે આપણે બંન્નેને અચિંત્ય શીલપાલનનો લાભ મળી ગયો છે. કોઇને જણાવશું નહિં, તેમ છતાં આપણી વાત જે દિવસે ઉઘાડી પડશે તે દિવસે આપણે અવશ્ય સંયમ લેશું. આવો અટલ નિર્ણય લઇ તે બંને પોતાના પ્રાણની જેમ શિયલનું રક્ષણ કરવા લાગ્યા. તેઓને એક જ પલંગમાં સાથે સુવુ પડતું છતાં તેમનામાં કદી ચંચળપણું આવ્યું ન હતું. તેઓ એટલા નિર્મળ સત્ત્વશાળી થયા કે બન્ને એક બીજાને સત્સંગની સીડી બનાવી અધ્યાત્મના શીખરો સર કરવા લાગ્યા, એકાંતમાં બેઠા હોય ત્યારે પણ શીલગુણને આચરનારા મહાત્માઓના ગુણો ગાતા આવી રીતે ભાવસંયમીનું જીવન જીવતા કેટલોક સમય ચાલ્યો ગયો.

એકવાર ચંપાનગરીમાં વિમળસેન નામના કેવળજ્ઞાની મુનિ પધાર્યા, દેશનાના અંતે ત્યાંના નગરશેઠ જિનદાસે કહ્યું `ભગવન્ ! મેં એવો અભિગ્રહ કર્યો છે કે ચોર્યાશી હજાર સાધુ મહારાજોને પારણું કરાવવું આ મારી અભિલાષા ક્યારે પૂર્ણ થશે'? કેવળી ભગવંતે કહ્યું ભાગ્યશાળી આટલા બધા સુપાત્ર સાધુઓના યોગ તમારા ઘરે કદાચ કોઇ દૈવયોગે જ સંભવિત થાય પણ એટલા બધા મુનિરાજોને તમારા ઘરેથી શુદ્ધ આહાર પાણી ક્યાંથી મળી શકે?' 

આ સાંભળી વિલેમોઢે શ્રાવકે પૂછ્યું મારી આ ભાવના દરિદ્રીના મનોરથની જેમ નિષ્ફળ જશે? તો મને સદા માટે અસંતોષ રહેશે કોઇ ઉપાય હોય તો કહો. ને તે કેવળી ભગવંતે કહ્યું ભલા શ્રાવક! કચ્છ દેશમાં મહાભાગ્યશાલી વિજયશેઠ અને વિજયાશેઠાણી નામે પતિ-પત્નિ રહે છે તેમની તમે આહારાદિથી ભક્તિ કરશો તો ચોર્યાશી હજાર સાધુ મહારાજના પારણા જેટલો લાભ મળશે. કારણ કે શુક્લ અને કૃષ્ણ એમ બંન્ને પખવાડીયા બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર દંપતીને ભોજન કરાવ્યાથી ચોર્યાશી હજાર સાધુઓને પારણું કરાવ્યાનો લાભ મળે છે. 

આ સાંભળી શેઠે વિજયશેઠનો સંપૂર્ણ વૃત્તાંત જાણ્યો ને ઉત્કટ ભક્તિવાળા હૃદયે તેઓ કચ્છમાં આવ્યા, વિશિષ્ટ પ્રકારે દંપતીની ભક્તિ કરી અને તેમનું અતિદુષ્કર વ્રત તેમ જ જીવનની ઉત્તમતા તેમણે મોટા જનસમૂહમાં પ્રગટ કરી. વિજયશેઠના માતા-પિતા પણ આ વાત જાણી આશ્રર્ય પામ્યા. જિનદાસ શેઠે મનોરથ પૂરા કરી ઘરે પાછા ફર્યા. વિજયશેઠ વિજયા શેઠાણીએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થતા દીક્ષા લીધી અને મુક્તિ પણ પામ્યા.

આમ શીલના માહાત્મ્યથી તે પતિ પત્ની હજારો મુનિ કરતા વિશેષતાને પામ્યા. માટે સર્વ સુખનું કારણ અને સર્વ દુઃખનું નિવારણ કરતા શીલવ્રત પાળવામાં સહુએ ઉદ્યમ કરવો.
 
સાભાર - હું કોણ છું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top