દહીંની કાળમર્યાદા
દહીં માટે સાયન્સ એમ કહે છે કે દૂધ સાથે મેળવણ પડતાંની સાથે જ એમાં બેકટેરીયા પેદા થવા માંડે છે. જૈનદર્શન આવી માન્યતામાં સંમત નથી. જો દહીંમાં મેળવણ પડતાં જ બેકટેરીયા પેદા થતા હોય તો બેઈન્દ્રિય જીવોની હિંસાથી નિર્મિત થતું દહીં કોઈ પણ જૈન વાપરી જ ન શકે. જ્યારે દહીંનો વપરાશ તો ભગવાનના આનંદ-કામદેવ આદિ શ્રાવકોના સમયમાં પણ હતો અને આજે પણ છે. વિજ્ઞાન જેને બેકટેરીયા કહે છે, તેને આપણે પૌદ્દગલિક પરાવર્તન કહીએ છીએ. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય મીક્ષ થવાથી એમાં રાસાયણિક ફેરફારો થાય છે. આવા ફેરફારના સમયે દૂધના કટોરામાં ભારે તોફાન ઉઠતું હોય છે. એને જીવ માની લેવાની જરૂર નથી. એ તોફાન જીવકૃત નહિ પણ કેમિકલ્સકૃત માનવું યોગ્ય ગણાશે.
દહીં માટે જૈનદર્શને કાલમર્યાદાઓ નક્કી કરેલી છે. દહીંમાં મેળવણ પડ્યા પછી એ દહીં બે રાત રહે તો અભક્ષ્ય બની જાય છે. જીવાકુલ બની જાય છે. માટે દહીં મેળવ્યા બાદ કયારેય બે રાત પૂરી થવા દેવી નહિ. બે નાઈટ ક્રોસ થતા પૂર્વે જ દહીં પતાવી દેવું જોઈએ. બીજી રાત્રિ પૂર્ણ થતાં પૂર્વે વહેલી સવારે જો દહીંને વલોવી નાખીને છાશ બનાવી લેવામાં આવે ( પાણી નાખ્યા વગર છાશ બનાવી ) તો તે છાશ પુનઃ બીજા બે દિવસ ચાલી શકે છે. હવે એ છાશ પણ બે રાત્રિ પૂર્ણ થતાં પૂર્વે તેમાંથી છાશના થેપલા બનાવી દેવામાં આવે તો એ થેપલા પુનઃ આગળ બે દિવસ ચાલી શકે છે. આ થેપલાને બે રાત્રિ-પૂર્ણ થતાં પૂર્વે એને જો ખાખરાની જેમ શેકીને ડ્રાય કરી લેવામાં આવે તો આ થેપલા પુનઃ આગળ બીજા ૧૫ દિવસ ચાલી શકે છે. હા ! ૧૫ દિવસ પૂરા થતાં પૂર્વે આ થેપલાનો ભુક્કો કરીને વઘારીને જો ચેવડો બનાવી દેવાય તો એ પુનઃ પાછા ૧૫ દિવસ ચાલી શકે છે. આમ કુલ છત્રીસ દિવસ સુધી દહીંની મર્યાદાને લંબાવી શકાય છે, પણ તમે આવો ધંધો કરતા નહિ. અનુકંપાદાનનો લાભ મેળવીને જલ્દીથી ફેંસલો મારી દેજો. આ તો એક સમયમર્યાદાનું કોષ્ટક બતાડવા માટે મેં લાંબુ ચિત્રણ કર્યુ. ફરી એકવાર દહીંની કાળમર્યાદા ધ્યાનમાં આવે તે માટે ચાર્ટ દ્વારા જરા સમજાવું.
👉🏻 સોમવારે દહીં મેળવ્યું ૪ પ્રહર (૧૨ કલાક)
સોમવારની પહેલી રાત પસાર થઈ ૪ પ્રહર
👉🏻મંગળવારે આખો દિવસ ચાલે - ૪ પ્રહર
મંગળવારની બીજી રાત પસાર થઈ - ૪ પ્રહર
(આમ કુલ ૧૬ પ્રહરનો કાળ દહીંનો કહેવાયો છે. તે જ રીતે છાશ અને થેપલાનો પણ ૧૬/૧૬ પ્રહરનો કાળ છે. જે દિવસે બને તે આખા દિવસના પ્રહોર ગણી લેવાના.)
👉🏻 બુધવારનો સૂર્યોદય થતાં પૂર્વે છાશ બની બુધવારની એક રાત પસાર થઈ
👉🏻 ગુરુવારે આખો દિવસ છાશ ચાલે. ગુરુવારની રાત પસાર થઈ.
👉🏻 શુક્રવારના સૂર્યોદય પૂર્વે થેપલા બનાવી લીધા શુક્રવારની રાત પસાર થઈ
👉🏻 શનિવારનો આખો દિવસ થેપલા ચાલે. રવિવારના સૂર્યોદય પૂર્વે થેપલા શેકી નાખ્યા બરાબર ૧૫ દિવસ સુધી શેકેલા થેપલા ચાલે.
👉🏻 ત્યારબાદ તેને વઘારીને ચેવડો બનાવ્યો. બીજા પંદર દિવસ સુધી ચેવડો ચાલે.
નોંધ : દહીંનો કાળ ૧૬ પ્રહરનો સેનપ્રશ્નમાં કહેવાયો છે, પણ તે સવારે મેળવ્યું હોય તે હિસાબે ૧૬ પ્રહર ગણ્યા છે. જો સાંજે મેળવ્યું હોય તો ૧૨ પ્રહર જ ગણવાના.
જૈન મુનિશ્રી શોભનવિજય સંસારી મોટા ભાઈ ધનપાલના ઘરે ભિક્ષાર્થે પધાર્યા હતા. ધનપાલ કબાટમાંથી દહીંનો કટોરો બહાર કાઢી મુનિશ્રીને વહોરાવવા ગયા. મુનીશ્રીએ પૂછ્યું કે ધનપાલ ! દહીંને જમાવ્યા બાદ કેટલી રાત પસાર થઈ છે ? ધનપાલ કહે કે રાતની વાત જાણીને શું કરશો ? આટલું સરસ દહીં છે તો વહોરી લો. શું તમને આવા સફેદ બાસ્તા જેવા દહીંમાં પણ મહાવીરનાં જીવડાં દેખાય છે ?
શોભનમુનિએ કહ્યું કે ‘હા’ ધનપાલ, મારા ભગવાને કહ્યું છે કે જો દહીં બે રાત ઓળંગી જાય તો એમાં અસંખ્ય કીડા પડી જાય છે. તારે જાણવું હોય તો પગ રંગવાનો જે લાલ કલરનો અલતો આવે છે તે લાવ ! દહીંની ઉપર ભભરાવી જો ! તને તરત સફેદ કીડાઓ દેખાશે. ધનપાલે તેમ કર્યુ તો તરત જ દહીં બધું લાલ રંગે રંગાઈ ગયું પણ અંદરના કીડાઓએ કલર પકડયો નહિ. હવે રેડ બેકગ્રાઉન્ડમાં વ્હાઈટ કીડાઓ ખદબદ ખદબદ થતાં સ્પષ્ટ જોઈ શકાયા. રાજા ભોજના માનીતા પંડિત ધનપાલનું મસ્તક મહાવીરના ચરણોમાં ઝૂકી ગયું. જૈનોનું જીવવિજ્ઞાન અને આહારવિજ્ઞાન જાણીને અજૈન પંડિત પણ જૈનધર્મના રંગે રંગાઈ ગયા. તેમણે તિલકમંજરી જેવા મધુર કાવ્યની રચના કરી છે.
🙏
સંકલન :
રમેશ ઓસવાલ,
સંસ્થાપક અધ્યક્ષ, જિપ્રો, પુણે.
જૈન ઇન્ટરનેશનલ ફિલોસોફિકલ રિસર્ચ ઓર્ગનાયજેશન (JIPRO).
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો