મંગળવાર, 7 માર્ચ, 2023

જિતશત્રુ અને સુકુમાલિકા વાર્તા (કથા-૭૩)

જિતશત્રુ અને સુકુમાલિકા (કથા-૭૩)

ચંપાપુરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુયોગ્ય નામવાળી સુકુમાલિકા નામે રાણી હતી. રાજા જિતશત્રુ તેના ઉપર એટલો બધો આસક્ત હતો કે તે રાજયાદિકની પણ ચિંતા કરતો નહીં. આવી રાજાની વર્તણુકથી પ્રધાન વર્ગે રાજાને સ્ત્રી સહિત મદિરાપાન કરાવી. અરણ્યમાં ત્યજી દીધો અને તેના પુત્રને રાજય ઉપર બેસાડ્યો.

જ્યારે મદિરાનો નસો ઊતરી ગયો ત્યારે તે બન્ને રાજા-રાણી વિચાર કરવા લાગ્યાં, 'અરે ! આપણે અહીં ક્યાંથી ? આપણી કોમળ શય્યા ક્યાં ગઈ? આપણા રાજ્ય-વૈભવનું શું થયું ? આમ વિચારતાં બંને ત્યાંથી આગળ આવ્યાં. થોડે દૂર જતાં કુસુમાલિકાને તરસ લાગી તેનો કંઠ અને તાલુ સુકાઈ ગયાં. તેણે રાજાને કહ્યું, સ્વામી, મારા જીવને બચાવવા ગમે ત્યાંથી જળ લાવી આપો. 

રાજા જળ લાવવાને ગયો, પણ ક્યાંય જળ જોવામાં આવ્યું નહીં. પછી ખાખરાનાં પાંદડાંનો પડીઓ કરી, તેમાં પોતાના બાહુની નસમાંથી રૂધિર કાઢી તે પડીઓ ભર્યો. તે લાવી રાણીને કહ્યું કે, પ્રિયે ! આ ખાબોચિયાનું જળ અતિ મલીન છે, તેને આંખ મીંચીને પી જા. રાણીએ તેમ કરીને પાન કર્યું. 

પછી થોડી વારે તે બોલી, 'સ્વામી ! મને ભૂખ બહુ લાગી છે.' તેથી રાજાએ દૂર જઈ છરી વડે પોતાના સાથળનું માંસ છેદી તેને અગ્નિમાં પકાવી રાણીની પાસે મૂક્યું અને પક્ષીનું માંસ કહી તેને ખવરાવ્યું. અનુક્રમે ત્યાંથી કોઈ દેશમાં આવી પોતાનાં આભૂષણો વેચી કાંઈક વ્યાપાર કરીને રાજા તેનું પોષણ કરવા લાગ્યો....

એક વખત રાણીએ કહ્યું, “સ્વામી, જ્યારે તમે વ્યાપાર કરવા બહાર જાઓ છો ત્યારે હું એકલી ઘરમાં રહી શક્તી નથી.” આવાં વચન સાંભળી રાજાએ એક પાંગળા માણસને ચોકીદાર તરીકે ઘર પાસે રાખો. તે પાંગળા માણસનો કંઠ ઘણો મધુર હતો, તેથી રાણી મોહ પામી અને તેને સ્વામી તરીકે સ્વીકાર્યો.

 ત્યારથી સુકુમાલિકા પોતાના પતિ જિતશત્રુને મારવાના વિચારો કરવા લાગી. એક વખતે રાજા રાણીને લઈને વસંતઋતુમાં જલક્રીડા કરવા માટે ગંગા તટે ગયો. રાજાએ મદ્યપાન કર્યું, જ્યારે રાજા બેભાન થયો, ત્યારે રાણીએ તેને ગંગાના પ્રવાહમાં વહેતો મૂકી દીધો. પછી રાણી સુકુમાલિકા પેલા પાંગળાને સ્વેચ્છાથી ગાયન કરાવતી. કાંધ ઉપર બેસાડી ભીખ માગતી ભમવા લાગી. તે જોઈ લોકો તેને પૂછવા લાગ્યા કે, આ કોણ છે? ત્યારે તે હેતી કે, મારાં માતાપિતાએ આવો પતિ જોયો છે, તેથી તેને સ્કંધ ઉપર વહન કરું છુ...

અહીં જિતશત્રુ રાજાને ગંગામાં તણાતાં એક લાકડાનું પાટિયું હાથ લાગી ગયું. તેના યોગે તે તરીને બહાર નીકળ્યો અને નદી કિનારે કોઈ એક વૃક્ષની તળે સૂઈ ગયો. તે સમયે સમીપે આવેલા કોઈ નગરનો રાજા ગુજરી ગયો, તેથી તેના મંત્રીઓએ પંચ દિવ્ય કર્યા. તેઓ આ વૃક્ષ પાસે આવીને ઊભા એટલે રાજાને જાગૃત કરી મંત્રીઓએ રાજ્ય ગાદી ઉપર બેસાડ્યો. 

દૈવયોગે પેલી સુકુમાલિકા પંગુને લઈને તે જ નગરમાં આવી ચડી. તે બંને સતીપણાથી અને ગીતમાધુર્યથી તે નગરમાં વિખ્યાત થયાં તેની વિખ્યાતિ સાંભળી રાજાએ તેમને પોતાની પાસે બોલાવ્યાં. તેને જોતાં જ રાજાએ ઓળખી લીધાં તેથી તે બોલ્યો કે, હે બાઈ ! આવા બિભત્સ પાંગળાને ઉપાડી તું કેમ ફરે છે? તે બોલી, માતાપિતાએ જેવો પતિ આપ્યો હોય તેને સતીઓએ ઈન્દ્રના જેવો માનવો.

તે સાંભળી રાજા બોલ્યો, હે પતિવ્રતા! તને ધન્ય છે. પતિના બાહુનું રુધિર પીધું અને સાથળનું માંસ ખાધું તો પણ છેવટે ગંગાના પ્રવાહમાં નાખી દીધો. અહો ! કેવું તારું સતીપણું ! આ પ્રમાણે કહી તે ન્યાયી રાજાએ સ્ત્રીને અવધ્ય જાણી પોતાના દેશની હદપાર કરી, 

સુકુમાલિકાનું સ્ત્રીચરિત્ર જોઈ જિતશત્રુ રાજા વિષયસુખથી વિરક્ત થયો અને કામ-ક્રોધાદિ શત્રુઓનો જય કરી તેને પોતાનું જિતશત્રુ નામ સાર્થક કર્યું.

જૈન શાસનના ચમકતા હીરાઓ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top