*ગૌતમ સ્વામીનો જન્મ વિક્રમ સંવત પૂર્વે 550 માં ગોબર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુભુતી હતું અને માતાનું નામ પૃથ્વી હતું. તેમને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના 2 ભાઈ હતા. ગૌતમ સ્વામીનો વર્ણ સુવર્ણ હતો. તેમની ઉંચાઈ સાત હાથ પ્રમાણ હતી.*
*ગૌતમ સ્વામી વ્યાકરણ , કાવ્ય , ન્યાય , અલંકાર , પુરાણ , ઉપનિષદ , વેદ આદિમાં સ્વ ધર્મ શાસ્ત્રના પારંગત હતાં. તેમને 500 શિષ્યો હતા. આવા પંડિત હોવા છતાં સમ્યગ દર્શનનાં અભાવથી સાચા જ્ઞાની બની શક્યા નહતાં.*
*ગૌતમ સ્વામી મહાવીર સ્વામીની પાસે પાવાપુરીમાં દીક્ષા લે છે. ત્યારે ગૌતમ સ્વામીના 500 શિષ્યો પણ મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૌતમ સ્વામી છે.*
*ગૌતમ સ્વામી દીક્ષા પછી છઠ્ઠ ના પારણે છઠ્ઠ કરે છે. સમવસરણમાં મહાવીર પ્રભુને ગૌતમ સ્વામી કેટલાં બધાં સવાલો પૂછે છે અને એ બધાં જ સવાલોના જવાબો મહાવીર સ્વામી આપે છે. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે ખૂબ જ વિનય હતો. એ વિનયના કારણે જ ગૌતમ સ્વામીને લબ્ધિ મળી હતી. ગૌતમ સ્વામી લબ્ધિના ભંડાર હતા તો પણ તેમને 2 જ વાર એમની લબ્ધિનો ઉપયોગ કર્યો હતો.*
*ચંપાપુરીમાં મહાવીર પ્રભુ દેશનામાં કહે છે કે જે મનુષ્ય સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થની જાત્રા કરે છે અને 1 રાત ત્યાં રહે છે તે મનુષ્ય તે જ ભવમાં મોક્ષે જાય છે. આ વાત સાંભળીને ગૌતમ સ્વામી ચંપાપુરીથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જાય છે. ત્યાં સૂર્યના કિરણો વડે અષ્ટાપદ પર્વત ઉપર જાય છે. ત્યાં 1 રાત રહે છે. ત્યાં પ્રભુ ભક્તિ કરે છે. અને જગ ચિંતામણીની રચના કરે છે.*
*અષ્ટાપદ તીર્થની જાત્રા કરીને નીચે આવે છે ત્યારે ત્યાં 1500 તાપસ એમની જોડે દીક્ષા લે છે. તાપસોને પારણું કરવાનું હોય છે. ગૌતમ સ્વામી 1 વાટકી ખીર વહોરી લાવે છે. એ વાટકીમાં ગૌતમ સ્વામી પોતાનો અંગુઠો મૂકે છે. અને 1 વાટકી ખીરથી 1500 તાપસો પારણું કરે છે. ગૌતમ સ્વામી 1500 તાપસોને લઈને મહાવીર સ્વામી પાસે સમવસરણમાં જાય છે ત્યારે એ પહેલાં જ બધાં તાપસોને કેવલજ્ઞાન થઈ જાય છે.*
*ગૌતમ સ્વામીને 50000 શિષ્યો હતાં અને એ બધાં જ શિષ્યો કેવલજ્ઞાન થયું હતું. બધાં જ શિષ્યો મોક્ષે ગયા હતા. ગૌતમ સ્વામીને આટલાં શિષ્યો હતા પણ અભિમાન જરાય નહતું. આનંદ શ્રાવકના ઘરે મિચ્છામિ દુક્કડં કહેવા ગયા હતા.*
*મહાવીર સ્વામી મોક્ષે ગયા એના બીજા જ દિવસે ગૌતમ સ્વામીને કારતક સુદ 1 ના દિવસે કેવલજ્ઞાન થયું હતું. ગૌતમ સ્વામીએ 50 વર્ષ દીક્ષા લીધી હતી. એમનો છપદ્મસ્થ કાળ 30 વર્ષનો હતો. અને આયુષ્ય 92 વર્ષનું હતું. ગૌતમ સ્વામી 1 મહિનાનું અણસન કરીને વૈભારગિરિથી ( ગુણિયાજી તીર્થથી ) મોક્ષે ગયા હતાં.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો