શ્રી શેત્રુંજય પર ટૂંક બંધાવનાર શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ
➖➖➖➖➖➖➖➖➖
૨૦૦ વર્ષ પહેલાં અબડાસાના લાખણિયા ગામમાં જન્મેલો અને કોઠારા ગામમાં રહેતો કેશવજી ૧૦ વર્ષનો હતો ત્યારે તેની વિધવા મા હિરબાઈમાએ ગરીબીથી કંટાળી પોતાના ભાઈ નેણશી સવાણી સાથે મુંબઈની વાટ પકડી. થોડા સમયમાં નેણશીબાપાએ મુંબઈમાં કપાસની પેઢી શરૂ કરી અને ભણવાની સાથે કેશવજીએ મામાની પેઢી પર નામુ લખી પોતાનું અને બાનું જીવન ચલાવવા ઢીંગલા (રૂપિયા) કમાવા લાગ્યો.
એક દિવસ મામાના દીકરા જેવા જરીવાળાં કપડાં પહેરવાની જીદ લઈ બા પાસે પૈસા માગ્યા, પણ માંડ ઘર ચલાવતાં હિરબાઈમા પાસે જરીનાં કપડાં માટે પૈસા ક્યાંથી હોય? રિસાઈને કચવાતા મને કેશવજી મામાની પેઢી પર નામુ લખવા ગયો. ત્યાં કંઈક ભૂલ થતાં મામાએ ઠપકો આપ્યો અને આવેશમાં આવી નામાનાં ચોપડાં પર શાહી ઢોળીને પેઢીનાં પગથિયાં ઊતરી ગયો.
કેશવજી હવે જાય તો જાય ક્યાં? બાનાં દુઃખો અને પોતાની અસહાયતાથી હારીને આપઘાત કરવા દરિયાકિનારે ગયો, પણ રે... નસીબ! દરિયામાં ઓટનો સમય હતો એટલે ભરતીની વાટ જોતાં-જોતાં રેતીપટ પર ઊંઘ આવી ગઈ. સવારના દેવજી ઝવેરી નામના એક ભાટિયા શેઠે તેને જગાડ્યો. ભાટિયા શેઠ માનતા કે તે પોતાના નામે વેપાર કરે છે તો નફો નથી મળતો. એટલે સવારે જે પહેલો માણસ મળે તેના નામે વેપાર કરવો. એટલે કેશવજીના નામે સોદો કરવાનું વિચારી બંદર પર નાંગરેલા વહાણમાં ભરાયેલી ખજૂરનો સોદો કરવા કેશવજીને મોકલ્યો. નિર્દોષ કિશોરવયના કેશવજીએ ખજૂરનો સોદો કર્યો અને બીજા દિવસે તો ખજૂર વેચાઈ પણ ગઈ! ભાટિયા શેઠને ૮૦૦૦નો નફો થયો. ભાગીદારીના રૂપિયા ૪૦૦૦ કેશવજીને મળ્યા. ૧૯૦ વર્ષ પહેલાંની ૪૦૦૦ની અધધધ કિંમત થાય.
કિશોરવયે રૂપિયા ૪૦૦૦ની માતબર રકમ કમાવી કેશવજીએ વિધવા બાને સુખમાં ઝૂલતી કરી દેવાનો પુરુષાર્થ આદર્યો. નાની વયે સમાજના મહારથી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. એ સમયની પ્રથા પ્રમાણે તેમનાં ત્રણેક લગ્ન યોજાયાં હતાં. પચીસ વર્ષની ઉંમરે તો નેણશીમામાની રૂની પેઢીમાં ભાગીદાર બની પેઢીનો કારોબાર હાથમાં લઈ લીધો.
સાહસ અને દીર્ઘદૃષ્ટા કેશવજી શેઠે ચીનના હૉન્ગકૉન્ગ બંદર અને આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાની પેઢીઓ સ્થાપી ત્યારે તેમની ઉંમર હતી૧@ માત્ર ૨૮ વર્ષની.
એ સમયમાં વિલિયમ નિકલની કંપની રૂના વેપાર માટે સૌથી મોટી કંપની હતી. કંપનીના ભાગીદાર જ્હૉન ફેલેમિંગો સાથે યુવાન કેશવજી શેઠે મૈત્રી કેળવી મુકાદમીનું કામ મેળવી જબરદસ્ત આવક ઊભી કરી. ચાલીસેક વર્ષની ઉંમરે નેણશીમામા સાથે ભાગીદારી સમાપ્ત કરી પોતાના પુત્રના નામે નરસિંહ કેશવજીની કંપની શરૂ કરી મબલક સફળતા મેળવી. દશા ઓશવાળ જૈન જ્ઞાતિને સુવર્ણકાળમાં લઈ ગયા.
ઈસવી સન ૧૮૬૨માં અમેરિકામાં લડાઈ ફાટી નીકળતાં રૂના ભાવ આસમાને પહોંચી ગયા. કમાવી લેવાની લાલચથી લોકોએ ગાદલાં-ગોદડાંનું રૂ પણ કાઢી વેચી દીધું. એ વર્ષે કેશવજી શેઠની પેઢી પર પૈસાનો વરસાદ વરસ્યો. બીજા લોકોની આવકમાં પણ તેજી આવી અને જાણે નાનકડું મુંબઈ વેપારનું મસમોટું કેન્દ્ર બની ગયું. એ સમયે કેશવજી શેઠ અને બીજા મિત્રોને બૅન્કિંગ સિસ્ટમ ઊભી કરવાનો વિચાર આવ્યો. પરિણામે કેશવજી શેઠે ભારતમાં બૅન્કિંગની શરૂઆત કરી. બૅન્ક ઑફ ઇન્ડિયા લિમિટેડ, બૉમ્બે ટ્રેડિંગ ઍન્ડ બૅન્કિંગ અસોસિયેશન, ઈસ્ટ ઇન્ડિયા બૅન્ક લિમિટેડ, એલ્ફિન્સ્ટન લૅન્ડ ઍન્ડ પ્રેસ કંપની વગેરે શરૂ કરી ભારતમાં બૅન્કિંગનો પાયો નાખ્યો અને દેશમાં ઉદ્યોગો શરૂ કરવાનું વાતાવરણ રચ્યું.
બૅન્કિંગની શરૂઆત પછી રૂની મોટામાં મોટી પેઢીના માલિક કેશવજી શેઠે મુંબઈમાં કાપડની મિલો શરૂ કરવાનું સ્વપ્ન જોયું. પરિણામે કેશવજી શેઠ અને પુત્ર નરસિંહે કેલિકો મિલ્સ, નરસિંહ સ્પિનિંગ મિલ્સ, પ્રિન્સ ઑફ વૅલ્થ, ઍલેક્ઝાન્ડ્રા, કોલાબા મિલ ઇત્યાદિની શરૂઆત કરી. પારસી સદ્ગૃહસ્થોની ભાગીદારીમાં પણ મિલ શરૂ કરી. પરિણામે મુંબઈએ વિકાસમાં હરણફાળ ભરી. અંગ્રેજોના સમયમાં મુંબઈનો વહીવટ સરકાર તરફથી નિમાયેલી જસ્ટિસ સમિતિ દ્વારા થતો. આ સમિતિમાં કેશવજી શેઠ તેમ જ તેમના દીકરા નરસિંહ શેઠ નિમાયા હતા.
કેશવજી શેઠે પોતાના મિલ-કામદારો માટે ગિરગાવમાં કેશવજી નાયક ચાલીઓ બાંધી કામદારોને વિનામૂલ્યે ઘર આપી ત્યાં વસાવ્યા. અંદાજે ૧૨૫ વર્ષ પહેલાં લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણપતિની સ્થાપના આ કેશવજી નાયક ચાલમાં કરી. ત્યાં આજે પણ દર વર્ષે સાર્વજનિક ગણપતિની સ્થાપના થાય છે. આજે મુંબઈના સૌથી જૂના ગણપતિ એટલે કેશવજી નાયક ચાલના ગણપતિ કહેવાય છે.
સમયને પારખી કેશવજી શેઠે મુંબઈમાં બહુ મોટી જમીનો ખરીદી જમીનદાર તરીકે પ્રખ્યાત થયા. ઉમરખાડી વિસ્તાર તેમની માલિકીનો હતો. આજે જે વિસ્તાર નરસિંઘપુરા તરીકે ઓળખાય છે એ નામ તેમના પુત્ર નરસિંહ પરથી પડ્યું છે. કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિના આ સાહસવીર નિકલ કંપનીના ભાગીદાર હતા. એટલે ક્લેર બંદર, મસ્જિદ બંદર, કર્ણાક બંદર, એલ્ફિન્સ્ટન બંદર ઇત્યાદિ બંદરો તેમના હસ્તકે હતા.
સમય જતાં મુંબઈના અંગ્રેજ ગવર્નર (સર સાયમુરે) દાણાબંદર પર આવેલા કેશવજી શેઠના બંગલા પર મુલાકાત લીધી. બધાં જ બંદર સરકારના હસ્તકે લેવા વાટાઘાટ આદરી. એક અંગ્રેજ ગવર્નર કચ્છી શેઠના બંગલે સામેથી પધાર્યા એ વાત માત્ર મુંબઈમાં જ નહીં, દેશભરમાં ફેલાઈ ગઈ. કેશવજી શેઠના મૈત્રીપૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થઈ ગવર્નરે તેમને સન્માનની સાથે-સાથે સરની પદવીથી નવાજ્યા. એ સમયે માત્ર બે જ જણને સરની પદવી આપવામાં આવી હતી. સર કાવસજી જહાંગીર અને શેઠ કેશવજી નાયકને! સરની પદવી મળતાં ઘણી બધી સત્તાઓ તેમને મળી. સામાન્ય રીતે બે ઘોડાની બગી શ્રેષ્ઠિઓ રાખી શકતા, પણ સરના પદવીધારી ચાર ઘોડાની બગી રાખી શકતા. આ કચ્છી શેઠની બગીનો કોચવાન એક અંગ્રેજ હતો.
શેઠ કેશવજી નાયકનો એક બંગલો ત્યારના નૅપિયન સી રોડ (હાલમાં શ્રીપાલ નગર, વાલકેશ્વર) વિસ્તારમાં પણ હતો. ત્યાં એક નાનકડું પણ ભવ્ય ગ્રહ દેરાસર દરિયાને બરાબર અડીને બનાવ્યું હતું, જેથી રોજ અરિહંત દેવની સેવાપૂજા કરી શકાય. આજે વર્ષો પછી એ દેરાસર એ જ સ્વરૂપે ઊભું છે. એ સમયે સવારે ૯ વાગ્યે કોઈ પણ જ્ઞાતિનો માણસ શેઠ પાસે મદદ લેવા જાય તો અચૂક મદદ મળે જ. ગરીબ કન્યાઓનાં લગ્નથી માંડીને માંદગી સુધીના અનેક પ્રસંગો માટે કેશવજી શેઠ ગુપ્ત મદદ કરી પ્રસંગો સાચવી લેતા. એક લોકવાયકા પ્રમાણે એક વિધવા ગરીબ મા સવારે શેઠ પાસે મદદ લેવા આવી. એના નિર્દોષ દીકરાને સાંજે પાંચ વાગ્યે ઉમરખાડી જેલમાં ફાંસી થવાની હતી, પણ સરની પદવી ધરાવતા કેશવજી શેઠની બગી એ સમયે ત્યાંથી પસાર થાય તો મુંબઈ સરકારના કાયદા પ્રમાણે તેને મૃત્યુદંડમાંથી મુક્તિ મળે. કોઈ પણ ફાંસીના સમયે અનિવાર્ય સંજોગો સિવાય સરની પદવીધારકને ત્યાંથી પસાર થવાની રજા નહોતી. અનિવાર્ય સંજોગ ઊભો કરવા ઉમરખાડીથી નજીક આવેલા તેમના રૂના ગોદામમાં સાંજે આગ લગાડવાનો મૅનેજરને હુકમ કર્યો. સાંજે આગ લાગવાના ‘અનિવાર્ય સંજોગ’ને કારણે શેઠને જેલ પાસેથી પસાર થવું પડ્યું અને વિધવા માનો દીકરો મૃત્યુદંડમાંથી બચી ગયો. કેશવજી શેઠે લાખોનું નુકસાન વેઠીને પણ નિર્દોષ જીવ બચાવવાનું કાર્ય કર્યું.
ભાતબજારના કેશવજી નાયક ફુવારા તરીકે ઓળખાતું સ્થાપત્ય આજે ભારતભરમાં વિખ્યાત છે. વર્ષો પહેલાં ભાતબજાર વિસ્તારમાં વેપારીઓ બળદગાડી લઈ માલ લેવા આવતા. બળદ અને વટેમાર્ગુઓ માટે પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી શેઠ કેશવજી નાયકે ઈસવી સન ૧૮૭૬માં આ ફુવારો ૨૩,૦૦૦ રૂપિયાની મોટી રકમથી બંધાવ્યો. એનું ઉદ્ઘાટન મુંબઈના ગવર્નરે કર્યું. એ પ્રસંગે કચ્છ કાઠિયાવાડના રાજા-મહારાજાઓ, યુરોપિયન વેપારીઓ, શ્રેષ્ઠિઓ, શ્રીમંતો હાજર રહ્યા હતા. આજે ૧૪૫ વર્ષ પછી પણ આ ફુવારો શેઠ કેશવજી નાયકનો છડીદાર બની લાખો વટેમાર્ગુઓની પ્યાસ બુઝાવી રહ્યો છે. પ્લેગથી લઈ આઝાદીની લડતનો સાક્ષી છે. ફુવારાથી લઈ ટ્રામ સ્ટેશન (ચિંચબંદર) સુધીના લાંબા માર્ગને સુધરાઈએ શેઠ કેશવજી નાયક નામ આપી ઋણ ફેડવવાનો પ્રયત્ન કર્યો છે.
શેઠ કેશવજી નાયકે દસા ઓસવાળ જ્ઞાતિ માટે અનેક કાર્યો કર્યાં હતાં. કુરિવાજો દૂર કરવા ભગીરથ કાર્યો કર્યાં. મહાજન પરંપરાની મહાન સંસ્થા શ્રી કચ્છી દસા ઓશવાળ જૈન મહાજન દ્વારા એનાં કાર્યોને અનુમોદવા ‘જ્ઞાતિમુગુટ મણી’ તરીકે તેમને નવાજવામાં આવ્યા હતા.
આ મહાનાયકે ગણ્યા ગણાય નહીં એવાં કાર્યો મુંબઈ અને જ્ઞાતિ માટે તો કર્યાં, પણ તેમનું ધર્મક્ષેત્રે પણ પ્રદાન અદ્ભુત છે. અંદાજે ૧૫૫ વર્ષ પહેલાં પંદર લાખ રૂપિયાના ખર્ચે પાલીતાણાના ડુંગર પર કેશવજી નાયક અને નરસિંહ કેશવજીની ટૂંક બંધાવી, જેનું માહાત્મ્ય જૈનો માટે અનેરું છે. પાલીતાણા ગામમાં દેરાસર અને ધર્મશાળા બાંધી જૈનયાત્રિકો માટે સગવડ ઊભી કરી. એ સમયે અચલગચ્છાધિપતિ આચાર્ય રત્નસાગરસુરીના હસ્તે એકસાથે ૭૦૦૦ જિન પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા કરી રેકૉર્ડ કર્યો હતો જે આજ સુધી અકબંધ છે. ત્યારે પાલીતાણામાં લાખોની સંખ્યામાં મહેરામણ ઊભરાયું હતું, એ પણ ન તૂટેલો રેકૉર્ડ છે. કચ્છના સૌથી ઊંચા ત્રણ મજલી દેરાસર કોઠારા ગામમાં એ સમયે બીજા બે શ્રેષ્ઠિઓ સાથે બાંધી અદ્ભુત શિલ્પકલાનો પરિચય આપ્યો. આજે એ કોઠારાના દેરાસરનું પંચતીથીમાં સમાવેશ થાય છે. ઉપરાંત સુથરી તીર્થમાં મહાજનવાડી, સમેતશિખર (બિહાર)માં કુલિકાઓનો જીર્ણોદ્ધાર, પાલીતાણામાં ગૌશાળા, ગ્રંથભંડાર ઇત્યાદિની સ્થાપના કરી. ગિરનાર, પાલીતાણા કોઠારા, કેસરિયાજી ઇત્યાદિ જગ્યાઓએ સંઘ કાઢી ધર્મ માટે પ્રચંડ પુરુષાર્થ કર્યો. ૬૬ વર્ષની ઉંમરે તેમણે પાલીતાણામાં દેહ ત્યાગ્યો.
✍️શ્રી વસંત મારુ
સાભાર:-ગુજરાતી મિડ-ડે
➖➖➖➖➖➖➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો