ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2025

શું દર્શનીય મંગલમૂર્તિની કોઈ અંજનશલાકા – પ્રતિષ્ઠા વિધિ હોય છે કે પછી દર્શનીય પ્રતિમા સ્વરૃપે એમ જ મૂકાતી હોય છે ?

શિલ્પ વિધિ  પ્રશ્નમંચ

પ્રશ્ન  : શું દર્શનીય મંગલમૂર્તિની કોઈ અંજનશલાકા – પ્રતિષ્ઠા વિધિ હોય છે કે પછી દર્શનીય પ્રતિમા સ્વરૃપે એમ જ મૂકાતી હોય છે ? શું એવી દર્શનીય પ્રતિમાઓ ચાર રસ્તા વગેરે જાહેર સ્થાન પર રાખી શકાય ❓
(દીપક મણિયાર, મુંબઈ)

જવાબ  :દર્શનીય મંગલમૂર્તિની કોઈ અંજનશલાકા – પ્રતિષ્ઠા વિધિ હોય નહિ.
 જિનાલયના મંડોવરમાં પ્રદક્ષિણા કરતાં દર્શન થાય એ રીતે જે મંગલમૂર્તિઓ મૂકાય છે, તેના 18 અભિષેક કરાવાય છે. એ જ રીતે, ઘરના ગોખલામાં જે મુખ્ય દર્શનીય મંગલમૂર્તિ હોય તેના પણ 18 અભિષેક કરવાની વર્તમાન પ્રણાલિકા છે.
પૂર્વકાળની કેટલીક ગુફાઓમાં ઉકેરેલી જિનમૂર્તિઓ આજેય જોવાય છે, જે તત્કાલિન ગુફાઓમાં વસતા સાધુ સમુદાયની આરાધના માટે કરાવડાવવામાં આવી હોય એમ સંભવે છે. ક્યાંક પર્વત પર સળંગ હારબદ્ધ કોતરેલી જિનમૂર્તિઓ પણ જોવાય છે. જે કોઈ રાજા કે શ્રેષ્ઠી વગેરે એ પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કરવા, જે–તે ક્ષેત્રમાં જૈન સાધુ–શ્રાવક વર્ગનું વિચરણ દર્શાવવા કે અન્ય અનેકને જિનસ્વરૃપના દર્શન–વંદન દ્વારા ધર્મપ્રાપ્તિ થાય એવા કોઈ આશયથી કરાવેલી સંભવે છે.
આ બધી જ જિનમૂર્તિઓમાં કોઈ વિધિવિધાન થયેલાં હોતાં નથી, તેથી પૂજનીય જિનપ્રતિમાઓની જેમ તેમાં આશાતનાની વિચારણાઓ હોતી નથી.
આપણા જિનાલયોના કંપાઉન્ડમાં પ્રવેશદ્વાર પર ઉપરના ભાગે તોરણમાં જિનપ્રતિમાઓ કરેલી હોય છે, જે ખુલ્લામાં જ હોય છે, જે આ મંદિર જૈનોનું છે, એ દર્શાવે છે. તે રીતે જિનાલયના સ્તંભો પર પણ ઊભી – બેઠી જિનપ્રતિમાઓ હોય છે. આ બધા પર પણ કોઈ વિધિવિધાન થયા હોતા નથી.
મંગલચૈત્ય સ્વરૃપે ઘરના દ્વારની ઉપર પણ જિનમૂર્તિ રાખવી પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથમાં કહી છે તથા ઘરમાં દીવાલો પર ભગવાનના ફોટાઓ રખાય છે. આ બધા પર પણ કોઈ વિધિવિધાન થયા હોતા નથી.
અનેક જૈન – જૈનેતરોને પ્રભુદર્શન થાય અને શાસન પ્રભાવના થાય એ હેતુથી પ્રતિષ્ઠિત જિનપ્રતિમાને પણ રથયાત્રામાં બહાર લઈ જવાય છે. વળી, નાસ્તિક શ્રેષ્ઠીપુત્રને રોજ ઘરની દીવાલે અપ્રતિષ્ઠિત પ્રભુના ભાવ વગર કરાયેલા દર્શનથી, સ્વયંભૂરમણ સમુદ્રમાં જિનબિંબાકાર માછલું જોઈને જાતિસ્મરણ – પ્રતિબોધ થયા. તેવા જ શુદ્ધ આશયથી ઘણી પાંજરાપોળોમાં, પશુઓને દર્શન થયા કરે એ રીતે મુખ્ય સ્થાને દર્શનીય જિનમૂર્તિઓ મૂકાયેલી જોવાય છે. તેથી પશુઓને ભગવાનની મૂર્તિ સતત દેખાવાના કારણે તેના સંસ્કાર પડે, જે તેઓના આત્માના અભ્યુદય માટે થઈ શકે.
એ જ રીતે, ક્યાંક ચાર રસ્તા પર પણ જિનમૂર્તિ સ્થપાય છે, તેના પણ કોઈ વિધિવિધાન થયા હોતા નથી. તેનો પણ આશય, આવતા–જતા લોકોને પ્રભુનાં દર્શન થાય, તેના સંસ્કાર પડે, કો'ક પામી જાય એવો જ હોય છે.
અલબત્ત, જિનમૂર્તિનો આકાર હોય એટલે તેની અમુક મર્યાદાઓ તો જાળવવી જોઈએ. જેમ કે, તેને જાણી જોઈને કોઈ તોડે નહિ, પગ ન મૂકે, પાનની પિચકારીઓ મારી ગંદી કરે નહિ કે તેની સાથે અસભ્ય વર્તન કરે નહિ ... વગેરે... બાકી સામાન્ય ક્ષંતવ્ય – નગણ્ય બાબતોમાં વધુ પડતી આશાતનાઓની કલ્પનાઓ કરવી જરૃરી નથી.
સામાન્યથી જિનમૂર્તિ હોય એટલે રસ્તેથી આવતાં–જતાં લોકોને સદ્ભાવ જાગ્રત થતો હોય છે અને તે જોઈ શુભના સંસ્કાર પડતા હોય છે. જિનમૂર્તિની આશાતના કે અનુચિત વર્તન કરનાર ભાગ્યે જ કોઈ હોય. એટલે આ રીતે જાહેર સ્થાન પરની જિનમૂર્તિઓ પણ બહુલતયા અનેકને ધર્મપ્રાપ્તિ વગેરે લાભનું જ કારણ બનતી હોઈ ચાર રસ્તા વગેરે જાહેર સ્થાન પર સ્થપાય તો તેમાં વાંધા જેવું જણાતું નથી.


मुनि सौम्‍यरत्न विजयजी
Shilp Vidhi
જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top