🌸 યક્ષરાજ કપર્દિ દેવ ની ઉત્પત્તિ..
➖➖➖➖➖➖➖➖
👉જેમ શિખરજીના અધિષ્ઠાયક ભોમીયાજી દેવ છે તેમ સિદ્ધગિરિના અધિષ્ઠાયક દેવ યક્ષરાજ કપર્દી છે
----------------------
▪️સિદ્ધગિરિના શિખરે જાત્રા કરવા જંતાં વાઘણ પોળ પછી ડાબા હાથે શાંતિનાથ ભગવાનનું જિનાલય છે ત્યાંથી આગળ વધતાં મૂળનાયક સુધી પહોંચતા પૂર્વે જ જમણા હાથે સમકિતધારી કપર્દીયક્ષની દેરી આવે છે. જે વરસોથી તીર્થરક્ષા સાથે શાસનરક્ષા કરી રહ્યા છે.
---------------------------
🌸ઇતિહાસ.....
મહુવા નગરીમાં કપર્દિ નામનો એક વણકર હતો, તેને આડી અને કુહાડી નામની બે સ્ત્રીઓ હતી. વણકર અપેય પાનમાં અને અભક્ષ્ય ભોજનમાં આસક્ત રહેતો હતો, આથી એક દિવસે બંને સ્ત્રીઓએ વણકરને શિક્ષા કરી. કપર્દિ રોષમાં આવી ગયો, અને નગરીની બહાર ચાલ્યો ગયો. ત્યાં એક મુનિ જોવામાં આવ્યાં તે વજ્રસેન મુનિએ કોમળ વચનથી તેને આશ્વાસન આપ્યું. કપર્દિ વણકર બે હાથ જોડીને માથું નમાવીને ઉભો રહ્યો. મુનિવરે પોતાના જ્ઞાનથી કપર્દિને સુલભબોધી જાણ્યો. અને થોડા કલાકનું આયુષ્ય બાકી રહેલું જાણી, ધર્મનો ઉપદેશ આપ્યો.
કપર્દિએ કહ્યું, કે “મને યોગ્ય પ્રતિજ્ઞા કરાવો.
ગુરુમહારાજે ગંઠસીનું પચ્ચકખાણ કરાવ્યું. ગંઠસીનું પચ્ચક્ખાણ એટલે કપડાના છેડે ગાંઠ વાળી રાખવી, જ્યારે પાણી પીવું હોય, ખાવું હોય કે મોંમાં કઈ નાંખવું હોય ત્યારે નવકાર ગણીને અથવા “નમો અરિહંતાણં" બોલી ગાંઠ છોડીને પછી જ મોંમાં કોઈપણ વસ્તુ નાંખી શકાય. ખાધા પછી મોં ચોખ્ખું કરી પછી ગાંઠ વાળી દેવાની. જ્યાં સુધી ગાંઠ વાળેલી હેાય ત્યાં સુધી ચારે આહારના ત્યાગના પચ્ચક્ખાણનો લાભ મળે.
તે દિવસે સર્પના ગરલ (ઝેર) યુક્ત ભોજન કપર્દિના ખાવામાં આવ્યું અને મૃત્યુ પામ્યો, અને વ્યંતર નિકાયમાં દેવ તરીકે ઉત્પન્ન થયો.
કપર્દિ મરણ પામ્યાના સમાચાર સ્ત્રીઓએ જાણ્યા અને રાજા પાસે જઈને ફરિયાદ કરી કે ”આ સાધુડાએ અમારા ધણીને કંઈ ખવડાવીને મારી નાંખ્યો.
આથી રાજાએ શ્રી વજસેન મુનિને ચોકીમાં બેસાડયા. આ બાજુ વ્યંતર થયેલા કપર્દિએ જ્ઞાનથી જોયું, તો પોતાના ઉપકારી ગુરુને સંકટમાં સપડાયેલા જોયા, એટલે તુરત જ તે શહેરના જેટલી મોટી શિલા વિકુર્વી અને રાજા વગેરે લોકોને કહ્યું, કે “આ ગુરુ મહાઉપકારી છે તમે સર્વે તેમની પાસે જાઓ, પગમાં પડીને માફી માંગો, નહિતર આ શિલાથી મનુષ્યો સહિત આખી નગરીના ચૂરેચૂરા કરી નાખીશ.”
રાજા વગેરે ભય પામ્યા, ગુરુમહારાજ પાસે જઈ પગમાં પડ્યા અને માફી માંગી, બહુમાન પૂર્વક ઉપાશ્રયે મોકલ્યા.
નવા કપર્દિયક્ષે ગુરુને નમસ્કાર કરીને કહ્યું કે “હે પ્રભો ! પૂર્વભવમાં મેં ઘણા પાપો કર્યાં છે, તો તે પાપોથી બચવાનો ઉપાય બતાવો"..
ગુરુમહારાજે કહ્યું - શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો સહાયક બન.
કપર્દિયક્ષે તે વચન સ્વીકાર્યું, અને કોઈ કાર્ય હોય તો જણાવવા વિનંતિ કરી.
શ્રી વજ્રસ્વામીજીએ કહ્યું કે શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરવા માટે જાવડશાને સહાય કરજે. કપર્દિયક્ષે તે સ્વીકાર્યું..
શ્રી વજ્રસ્વામીજીના સાન્નિધ્યમાં જાવડશાએ શ્રી સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. પાલીતાણા આવતાં રસ્તામાં જુના કપર્દિયક્ષે ઘણા ઉપદ્રવ કર્યા પણ શ્રી વજ્રસ્વામીજીએ તે બધા ઉપદ્રવ દૂર કર્યા. અને સુખપૂર્વક પાલિતાણા આવી પહોંચ્યા.
તક્ષશિલાથી લાવેલી પ્રતિમાજી પણ સાથે હતી, તે ગિરિરાજ ઉપર ચઢાવવાના હતા. તે પ્રતિમાજી દિવસે જેટલી ઉપર ચઢાવી હોય તેટલી બીજે દિવસે સવારે જુઓ તો નીચે હોય. આમ દરરોજ બનવા લાગ્યું. આમ એકવીશ દિવસ સુધી મિથ્યાત્વી કપર્દિયક્ષે તે અર્હત્ બિમ્બને પર્વતથી નીચે ઉતાર્યું અને જાવડશાએ તે એકવીશ વખત ઉપર ચઢાવ્યું. યક્ષે કહ્યું કે “જુનો કપર્દિયક્ષ આ પ્રમાણે કરે છે. માટે હવે તમે અને તમારી પત્ની ગાડાના પૈડાં પાછળ સુઈ જજો અને આખો સંઘ કાઉસ્સગ્ગ કરજો. જેથી યક્ષનું જોર ચાલી શકશે નહિ.
યક્ષના કહેવા મુજબ કરવામાં આવ્યું. જાવડશાના શીલના પ્રભાવે યક્ષ ઉપદ્રવ કરી શક્યો નહિ. બીજે દિવસે સવારે શ્રી વજ્રસ્વામીજીએ મંત્રેલા અક્ષતો નાંખી સર્વ દુષ્ટ દેવતાજીઓને સ્થંભિત કરી દીધા. પ્રતિમાજી નિર્વિધ્ને ઉપર પહેાંચી ગઈ.
આખો ગિરિરાજ જે હાડકાં વગેરેથી અપવિત્ર થઈ ગયો હતો, તે બધી અશુચી દૂર કરાવીને આખો ગિરિરાજ શ્રી શત્રુંજય નદીના જળ અને દૂધ વગેરેથી ઘોવરાવી પવિત્ર બનાવ્યો. મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને થોડા ટાઈમમાં બધા મંદિરોનો જીર્ણોદ્ધાર તૈયાર થઈ ગયો.
ભગવાન શ્રી આદિનાથની લેપમય જુની મૂર્તિને ઉઠાવવામાં આવી ત્યારે જુના કપર્દિયક્ષે તેમાં પ્રવેશ કર્યો અને મહાભયંકર અવાજ કર્યો. આથી આખો ગિરિરાજ કંપી ઉઠ્યો અને કહેવાય છે કે તેથી ગિરિરાજના ઉત્તર દક્ષિણ બે ભાગ થઈ ગયા. શ્રી વજ્રસ્વામીજી, જાવડશા અને તેમનાં પત્ની આ ત્રણ સિવાય સઘળાં મૂર્ચ્છાવશ થઈ ગયાં. પરંતું શ્રી વજસ્વામીજીએ બધાને સચેતન કર્યા અને સ્થંભિત થયેલા દેવોને વજસ્વામીજીએ છુટા કર્યા. નવા કપર્દિયક્ષે બધા ક્ષુદ્ર દેવોને ભગાડી મૂક્યા.
ત્યાર પછી મોટો પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો. અને સારા મુહૂર્તે નવા શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિષ્ઠા કરવામાં આવી. જાવડશા અને તેમનાં સુપત્ની ધ્વજા ચઢાવતાં ખૂબ હર્ષમાં આવી ગયાં. અને અતિહર્ષના યોગે હૃદય બંધ પડી જવાથી (નીચે પડી જવાથી) મૃત્યુ પામ્યાં અને ચોથા દેવલોકમાં દેવ થયાં.
જાવડશાનો પુત્ર ઝજનાગ વિલાપ કરવા લાગ્યો. ત્યારે વજ્રસ્વામીજી અને ચક્રેશ્વરીદેવીએ તેમને શાંત્વન આપ્યું અને કહ્યું કે આમાં શોક કેવો? તમારા માતા-પિતા તો ઉત્તમ કાર્ય કરી ગયા છે. અને મૃત્યુ પામી ચોથા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે.
વ્યંતરદેવોએ બંનેના મૃતદેહને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યાં.
જાવડશા તક્ષશિલાથી શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિમાજી શ્રી સિદ્ધિગિરિજી લાવ્યા, તેમાં નવલાખ સોના મહોરોનો વ્યય કર્યો હતો અને પ્રતિષ્ઠા મહોત્સવમાં દશલાખ સોના મહોરો વાપરી હતી. જિર્ણોદ્ધારમાં તો કેટલો ખર્ચ કર્યો હશે તે વાંચકો આ ઉપરથી સ્વયં સમજી લે.
ધન્ય હો પાંચમા આરામાં પ્રથમ ઉદ્ધાર કરાવનાર જાવડશા મહાપુરુષને ! કે જેમણે લક્ષ્મીની મૂર્છા ઉતારી તીર્થોદ્ધારના ઉત્તમ કાર્યમાં લક્ષ્મીનો સદ્વ્યય કર્યો.🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો