શુક્રવાર, 15 નવેમ્બર, 2024

કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે

 

એમની જન્મ જયંતિ (વિ સં ૧૧૪૫)


      જૈન ધર્મનું બીજું નામ અહિંસા. અહિંસા એ જૈન ધર્મનો પ્રાણ છે. જગતના હરએક જીવનું કલ્યાણ કરવાની બળકટ વૃત્તિમાંથી ઉદભવનારી શક્તિનું નામ છે અહિંસા. અહિંસાની આ શક્તિને પોતાના રોમ-રોમમાં ખીલવનારા એક યુગપુરુષ આજથી ૯૩૫ વર્ષો પૂર્વે ગુજરાતમાં થઇ ગયા તે હેમચંદ્રાચાર્ય 


મૂળે ધંધુકાના મોઢવણિક ચાચિગ અને માતા પાહિણીના લાખ ખોટના દીકરા. નામ ચાંગદેવ. એમના જન્મ પહેલાં પાહિણીને સ્વપ્ન આવેલું. તેમાં પોતાને લાખેણા અને તેજોમય રત્નની પ્રાપ્તિ થયાનું તેણે જોયેલું. એ રત્ન તે જ ચાંગદેવ એવી શ્રદ્ધા તેને ગુરુવચને બેઠેલી. 


એકદા, પાંચ વર્ષના ચાંગદેવને લઇને પાહિણી જિનમંદિરે ગઇ. ત્યાંથી ઉપાશ્રયે ગુરુવંદને ગઇ. તો ત્યાં ગુરુજી બહાર ગયા હોવાથી આસન ખાલી હતું. એમનું આસન ખાલી જોઇને બાળક ચાંગદેવ તે ઉપર એકાએક બેસી ગયો. આ જોઇને ગભરાયેલી પાહિણીને તેજ પળે બહારથી પધારેલા ગુરુ દેવચંદ્રસૂરિએ શાંત કરી, અને આ રતન જેવું બાળક ભવિષ્યમાં શાસનનું અમૂલું રત્ન નીવડશે તેવી આગાહી કરી તેને પોતાને સમર્પિત કરી દેવાની માગણી મૂકી. પાહિણીએ તે પ્રેરણા હરખભેર ઝીલી, અને ચાંગદેવને ગુરુ ચરણે સમર્પિત કરી દીધો.


કાળક્રમે ચાંગદેવને ગુરુજીએ દીક્ષા આપી તેને મુનિ સોમચંદ્ર નામ આપ્યું. નાની ઉંમર છતાં તેમની ક્ષમતાઓ અસાધારણ હતી. 


એક પ્રસંગે તેઓ ગુરુજી સાથે કોઇ ગરીબ ગૃહસ્થને ત્યાં આહારાર્થે ગયા, તો ત્યાં એક ખૂણામાં તેમણે સોનાનો ઢગલો ખડકાયેલો જોયો. તેમણે ગુરુજીને કહ્યું કે આટલું બધું સોનું છે છતાં આ આવી રીતે કેમ રહે છે ? પેલો ગૃહસ્થ ચકોર હતો. તેણે વાત પકડી લીધી, ને ગુરુજી કાંઇ સમજે તે પહેલાં તો તેણે બાળ સાધુને ઉંચકીને પેલા ઢગલા ઉપર બેસાડી દીધા ! વાસ્તવમાં તે ઢગલો કોલસાનો હતો, પણ પુણ્યવંત મુનિના પ્રભાવથી તે સુવર્ણમાં પરિણમતા તે ગૃહસ્થની દશા સુધરી ગઇ. આ પછી તો સરસ્વતી દેવીને પ્રસન્ન કરીને સિદ્ધ સારસ્વત બનેલા મુનિ સોમચંદ્રને ગુરુએ ૨૧ વર્ષની વયે આચાર્ય પદાર્પણ કર્યું. ત્યારથી તેઓ હેમચંદ્રાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા.


ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહના અનુરોધથી તેમણે સિદ્ધહેમ વ્યાકરણની અદભુત રચના કરી, જેના હર્ષમાં રાજાએ હાથીની અંબાડી પર તે ગ્રંથ પધરાવીને જ્ઞાન યાત્રાનો ભવ્ય વરઘોડો ચડાવ્યો.


આ ઉપરાંત પણ તેમણે ઘણા ગ્રંથો લખ્યા.સિદ્ધરાજના ક્રોધનો ભોગ બનેલા કુમારપાળને તેમણે ખંભાતમાં પોતાના ગ્રંથભંડારમાં સંતાડીને રાજસુભટોથી બચાવી લીધો અને કાળાંતરે કુમારપાળ રાજા થતાં તેને પ્રતિબોધીને ગુજરાત સહિત ૧૮ દેશોમાં અહિંસા ધર્મનું પ્રવર્તન કરાવ્યું. સાત વ્યસનો નાબુદ કરાવ્યાં.


ગુજરાતમાં અહિંસા, સદાચાર અને નિર્વ્યસનનાં ઊંડાં મૂળિયાં આ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે રોપ્યાં છે....


✍️શ્રીવિજય શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ

----------------------------------------------------------------------------------------------------------------


કવિ ભોજના  સમકાલીન, ગુજરાતના સુવર્ણયુગના સંસ્કૃતિ- પુરુષ, પ્રાકૃત- અપભ્રંશ અને સંસ્કૃતભાષાના વિદ્વાન કવિ, કાલિકાલ- સર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય એક મહાન વિભૂતિ હતા. તેમનો જન્મ અમદાવાદ પાસે આવેલા ધંધુકા નામના ગામમાં થયો હતો. 


તેમનો જીવનકાળ ઇ.સ.૧૦૮૯ થી ૧૧૭૩નો ગણાય છે. (જન્મતિથિ : વિ.સં.૧૧૪૫ કાર્તિકી પૂર્ણિમાં) હેમચંદ્રાચાર્યનું વતન મેડતા હતું. તેમનું પૂર્વાશ્રમનું નામ ચાંગદેવ હતું. 


તેમના પિતાનું નામ ચાંચદેવ અને માતાનું નામ પાહિણીદેવી હતું. તેઓ જ્ઞાાતિએ મોઢ વણિક હતા. તેમણે ઇ.સ.૧૦૯૮માં એટલે કે આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. ઇ.સ.૧૧૧૦માં તેઓ આચાર્યપદ પામ્યા. અને હેમચંદ્રાચાર્ય તરીકે જાણીતા થયા.


ગુજરાતની સાંસ્કૃતિક ચેતના ઘડવામાં હેમચંદ્રાચાર્યનો  ફાળો નોંધપાત્ર છે. ગુરુ દેવચન્દ્રસૂરિ કાળધર્મ પામ્યા ત્યારબાદ તેઓ પાટણમાં આવ્યા. પાટણમાં રહીને તેઓ સમગ્ર રાષ્ટ્રમાં વિદ્યા, સંસ્કારિતા અને ધાર્મિકતાનો પ્રાણ પૂરતાં પૂરતાં સાહિત્ય અને સત્ય- ધર્મ દ્વારા સર્વ પ્રજાજનોને પ્રેરણાપીયૂષ પાતા રહ્યા. 


સમયાંતરે તેમણે 'સિદ્ધહેમ શબ્દાનુ શાસન' નામના વ્યાકરણગ્રંથની રચના કરી. એ સમયના પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ તેમના એ ગ્રંથથી ખૂબ પ્રભાવિત થયા. રાજાએ એ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકીને પાટણમાં એની શોભાયાત્રા કાઢી. આ ગ્રંથની રચના દ્વારા ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધી. 


ગુજરાતી ભાષામાં જે નિખાર આવ્યો તેમાં હેમચંદ્રાચાર્યનું આ વ્યાકરણ ખૂબ જ ઉપયોગી બન્યું. ગુજરાતી ભાષાના તેઓ આદ્ય સર્જક છે. આ દૃષ્ટિને કેન્દ્રમાં રાખી ઇ.સ. ૨૦૦૩માં ગુજરાત સરકારે 'શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુ.યુનિવર્સિટી' એવું નામ આપી ગુજરાતી પ્રજાને આનંદ થાય એવું પ્રશંસનીય કામ કર્યું છે.


હેમચંદ્રાચાર્યનો બીજો ગ્રંથ ' યોગશાસ્ત્ર' છે. જેમાં તન અને મનની તંદુરસ્તી કેમ જાળવવી એ મુખ્ય વિષય છે. યોગ મનુષ્યના મનને ઘડે છે. યોગ પાપને દૂર કરે છે. સદાચાર શ્રેષ્ઠ ધન છે. નીતિથી કમાવું અને નીતિથી જીવવું એ ધનનો સદાચાર છે.


જો પ્રજામાં વિદ્યા, સંસ્કાર અને સર્વધર્મ સમભાવ હશે તો તે પ્રજા પરોપકારી બની શકશે. આમ આ ગ્રંથમાં જીવનસાફલ્યનો મર્મ સરળ શબ્દોમાં અભિવ્યકત થયો છે.


હેમચંદ્રાચાર્યની અન્ય કૃતિઓ :


૧) ત્રિશષ્ટિ શલાકા પુરુષ : ચરિત્ર-


આ ગ્રંથમાં જૈનધર્મના ૬૩ મહાપુરુષોનું જીવનચરિત્ર છે. 


૨) દ્વયાશ્રય કાવ્ય -


આ મહાકાવ્યમાં ચાલુક્યવંશનું વર્ણન છે. જેમાં કુમારપાળના રાજ્યાભિષેકની કથા છે.


૩) પ્રાકૃત દ્વયાશ્રય-


આ મહાકાવ્યમાં કુમારપાળનું ચરિત્રવર્ણન છે.


આ ઉપરાંત હેમચંદ્રાચાર્યના ત્રણ ગ્રંથો જે 'અનુશાસનત્રયી' નામથી ઓળખાય છે. તેમાં કાવ્યાનુશાસન, શબ્દાનુશાસન અને છંદાનું શાસનની ગણના થાય છે.


હેમચંદ્રાચાર્યનાં વચનામૃતો


માણસમાત્રના જીવનમાં ઉપયોગી બને એવાં તેમનાં વચનામૃતો નીચે મુજબ છે.


👉તપથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. મરણ સમયે જેવા વિચારો આવે એવી ગતિ થાય છે. ડાહ્યા માણસો નક્કી કરેલા કાર્યમાં આળસ કરતા નથી. જાતિ કે જન્મથી કોઈ સ્વામી કે સેવક નથી એ બધું શક્તિ આધીન છે. પૂર્વમાં કર્મો અનુસાર પ્રાણીઓની બુદ્ધિ થાય છે. સત્યવાદી પ્રાણ જાય તો પણ અસત્ય બોલતો નથી. ઉદ્યમ મનુષ્યને ફળ આપનાર નીવડે છે. સ્નેહ હોય ત્યાં જુદાપણું નથી. જે સમયને ઓળખે છે તે માણસ છે.


હેમચંદ્રાચાર્યના વિપુલ સાહિત્ય સર્જનને કારણે તેમને 'કાલિકાલસર્વજ્ઞા' નું બિરુદ મળ્યું હતું. તેઓ ઇ.સ.૧૧૭૩માં કાળધર્મ પામ્યા.


કવિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્યને શતશ : કોટી વંદન...🙏

➖➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top