(રચના: પૂજ્ય પંન્યાસ ઉદયરત્ન વિજયજી મ. સા.)
શ્યામ! કહોને ક્યારે મળશું?
ડુંગરની ટોચેથી દેખો
અમે પ્રભુ! ટળવળશું…
શ્યામ! કહોને ક્યારે મળશું?
નથી ભૂલ્યા અમે તમને વ્હાલા,
ભૂલ્યા અમારી જાતને વ્હાલા,
તમથી છેટા રહીને અમથા અગ્નિમાં પરજળશું!
શ્યામ! કહોને ક્યારે મળશું?
આમ તેમ અમે ભટક્યા કરીએ
ધીમે પગલે વળગ્યા કરીએ,
બોલો સ્વામી, એક બીજામાં
કદી હવે ઓગળશું?
શ્યામ! કહોને ક્યારે મળશું?
થાય અમોને ગિરનારે તુજ ટેરવા પકડી ચડીએ,
થાય કદી તમને એવું કે: ચાલ ‘આંગળી’ દઈએ…?
તમે અમે સંગાથે ક્યારે રાજુલ જેમ વિહરશું…?
શ્યામ! કહોને ક્યારે મળશું?
સાચુ કહેજો : વ્હાલમ તમને
મળવાનું મન થાય છે અમને?
અમે વિયોગી છઈએ
તમે મળશો તો રણઝણશું
શ્યામ! કહોને ક્યારે મળશું?
તમારા મનની વાતો અમે
અમારા દિલની વાતો તમે
“ઉદય" કહે એક બીજામાં
કદી હવે ઓગળશું…?
શ્યામ! કહોને ક્યારે મળશું?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો