જીર્ણોદ્ધાર એટલે જીર્ણ (જૂના, પ્રાચિન અથવા જર્જરીત) થયેલાનું ઉદ્ધાર (સારી સ્થિતિમાં લાવવા)ની પ્રવૃત્તિ. જીર્ણોદ્ધાર કોઇપણ વસ્તુનો થઇ શકે. પરંતું, અહીં જિનાલય સંબંધિત વિચારણા છે.
જીર્ણોદ્ધારની
વિશેષતા સમજવી બહુ જ જરુરી છે. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી તેની બહુમૂલ્યતા ન
સમજાય. વિશ્વમાં સૌથી પ્રાચીન ધર્મ જૈન છે, જેનો કોઇ આદિ નથી તે અનાદિ છે. અનંત અવસર્પિણી કાળથી ચાલ્યું આવે છે. અનંત
ચોવીસીઓ થઇ અને થશે. જિનેશ્વર પ્રરૂપતિ ધર્મનો જેમાં સમાવેશ થાય છે તે જૈન ધર્મ.
જિનાલયમાં આરાધ્ય, પરમ શ્રદ્ધેય જિનેશ્વર દેવ બિરાજમાન હોય છે. ઘણાં હજારો વર્ષોથી અધિક પ્રાચિન
પ્રતિમાઓ આજે જિનાલયમાં બિરાજમાન હોય છે. જ્યારે જિનાલયનું આયુષ્ય વધુમાં વધુ ૪૦૦
વર્ષ, પછી તેનો જીર્ણોદ્ધાર અવશ્ય કરાવવો જ પડે. તેમાં રહેલી
સીમેન્ટ, ચૂનો, ગોળ વગેરેનું પણ એક
નિર્ધારિત આયુષ્ય હોય છે, પછી તેમાં ફેરફાર અવશ્ય આવે છે. તો પછી શું કરવું? તે એક પ્રશ્ન ઉદભવે.
આધુનિક જગતમાં લોકો
વધુ બુદ્ધિશાળી બન્યા છે. જે દેખાય છે અને જે નરી આંખે સાબિત થાય તો જ તેમાં
શ્રદ્ધા બેસે, નહીંતર તેમાં અંધશ્રદ્ધા છે તેવું અચૂક માને. આજે સૌથી મોટી
સમસ્યાઓ છે જિનાલય જીર્ણોદ્ધાર બાબતે. કેમ કે તેના વિશેષ ફળની સામાન્યજનોને
બિલ્કુલ ખબર નથી. નવા જિનાલય બનાવવા કદાચ સરળ હોઇ શકે, પરંતું, પ્રાચિન જિનાલયનો જીર્ણોદ્ધાર કરવો વધુ મુશ્કેલ હોય છે.
જીર્ણોદ્ધાર બાબતે ખર્ચ નૂતન
મંદિર જેટલો, તે માટે દાનનો અભાવ, પ્રાચિન જિનાલયો જ્યાં છે ત્યાં જૈનોની વસતિ નહીંવત્ છે. લોકો હવે પોતાની સગવડ
અને પોતે રહેતા પરિસરની આસપાસ દેરાસર બનાવે છે. દાતાઓને સમજાવવું ખૂબ જ કઠીન હોય
છે. તેમના પ્રશ્નો આ પ્રમાણે હોય છે: પત્થરમાં પૈસા શું કામ? ત્યાં કોણ દર્શન કરવા જશે? આપણે રકમ લખાવશું
તો ત્યાં તેની કોણ નોંધ લેશે? આપણાં દાનના નામો
ક્યાંય અંકિત નહીં થાય? આપણાં નામો લખાવશું તો ત્યાં આપણને કોણ ઓળખે છે? ત્યાં અમે તો જતાં નથી તો અમને તે સંબંધિત લેવા કે દેવા? હોસ્પિટલમાં સાધર્મિકોને મદદ કરવી જોઇએ, લોકોને અભ્યાસ માટે મદદ કરવી જોઇએ, લોકોના ઘર બનાવી આપવા જોઇએ, લોકોને આર્થિક મદદ
કરવી જોઇએ, સામાજિક મદદ કરવી જોઇએ તેવા વિકલ્પો પ્રત્યુત્તરમાં આપતાં
હોય છે.
હા! મદદ અવશ્ય કરવી જોઇએ.
પરંતું, આપણને વારસામાં મળેલા જિનાલયને શું ભૂમિગત કરીશું? ઘરમાં વડીલોને શું જબરદસ્તીથી સ્મશાનમાં લઇ જઇશું કે તમે જીવશો તો બિમારીનો
ખર્ચો અમને આવશે. તમારા સંડાસ-પેસાબ અમારે સાફ કરવા પડશે. આખો દિવસ ખાંસતા હોય છો
તો રાત્રે અમને ઊંઘ નથી આવતી! જેમ પરિવાર પ્રત્યે વિવેક - વિનય અને વર્તણૂંક
સભ્યતા હોય છે. તેમ આપણને વારસામાં મળેલાં જિનાલયને અવશ્ય સારસંભાળ લેવી જોઇએ.
પૂર્વભવના પુણ્યોદયે પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સદઉપયોગ કરી નવું અને અનેકગણું પુણ્ય
બનાવતાં રહેવું જોઇએ. જૈન દર્શનમાં પુણ્યાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પાપ આ બે
વિકલ્પો પુણ્યના બંધ કરાવે છે બાકીના બે પાપના બંધ કરાવે છે. આપ કુલ ચાર બંધમાંથી
ક્યાં બેસો છો તે આપ નક્કી કરો. લેખ લાંબો થાય છે એટલે ટૂંકસાર જણાવું છું કે, નવા જિનાલય નિર્માણ કરવાં કરતાં પ્રાચિન જિનાલયનો જીર્ણોદ્ધાર અનંતગણું ફળ આપે
છે બુદ્ધિશાળી લોકો શાણમાં સમજી જશે, વેપારીવૃત્તિવાળા અને વ્યાજની ગણતરીવાળા લોકોને જલદીથી સમજાઇ જશે.
✍️જીજ્ઞેશ ચંદ્રકાન્ત લોડાયા (વારાપધર-ડોંબિવલી)
➖➖➖➖➖➖➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો