રવિવાર, 9 માર્ચ, 2025

Jain Question Answer 333

શિલ્પ વિધિ પ્રશ્નમંચ

 

પ્રશ્ન 333 : પ્રતિષ્ઠાવિધિ આદિ ગ્રંથોમાં વાંચ્યું છે કે શ્રી મહાવીર સ્વામી, શ્રી નેમિનાથ તથા શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિમા કેવળ વૈરાગ્યપ્રેરક હોવાથી તેને ગૃહજિનાલયમાં સ્થપાય નહિ, તો શું આ યોગ્ય છે ? જો પ્રભુ કેવળ વૈરાગ્યપ્રેરક હોય તો વધુ સારું ન કહેવાય ? સંયમગ્રહણ કરવાની ઈચ્છા વધુ ન જાગે ? જો કોઈ આ પરમાત્માની પ્રતિમા ઘરે સ્થાપન કરે તો શું દોષ લાગે ?

(અર્પિત શાહ, કલકત્તા)

 

જવાબ 333 : માનવભવનો સાર સંયમ છે. માનવજીવનનું મહત્ત્વ પણ મોક્ષમાર્ગની આરાધનાને અનુલક્ષીને જ છે. એ માટે વૈરાગ્યપૂર્વકનું સંયમ આ ભવમાં પ્રાપ્ત થાય એથી વધુ રૃડું શું હોઈ શકે ? એટલે તે તો ઉપાદેય જ હોય અને તેથી વૈરાગ્ય જેના જેનાથી થાય, તે પણ ઉપાદેય જ હોય. તેમ છતાં સંસારમાં કર્મોની વિચિત્રતા, વિધિની વક્રતા, ભવિતવ્યતા, સંયોગો, પરિસ્થિતિ; આ બધાને કારણે જ્યાં સુધી સંસારમાં છે, ત્યાં સુધી જીવને જો ક્વચિત્ ઉપદ્રવો આવે કે સંતાન પરંપરામાં પ્રશ્નો આવે તો સત્ત્વની કચાશવાળા જીવો કે અજ્ઞાની જીવો પોતાના કર્મનો દોષ કાઢવાને બદલે આ ભગવાન પર દોષારોપણ કરતાં વાર ન લગાડે. એટલે પાણી પહેલાં પાળ બાંધવા સ્વરૃપે શ્રી સકલચંદ્રજી કૃત પ્રતિષ્ઠાકલ્પમાં આ ત્રણ ભગવાનને ગૃહજિનાલયમાં સ્થાપવા નિષેધ કર્યો સંભવે છે.

  વૈરાગ્ય થાય અને ચારિત્ર મળે એ તો ઉત્તમ જ છે, પરંતુ જ્યારે કોઈ પણ નિયમ બનાવાતો હોય ત્યારે સમષ્ટિગત અનેક જીવોને ધ્યાનમાં રાખીને તેમના સંયોગો – જીવદળ વગેરેને અનુરૃપ બનતો હોય છે અને તેથી ગૃહજિનાલયમાં આ ત્રણ ભગવાન પધરાવવા નિષિદ્ધ જાણવા.

  વળી, સંઘજિનાલયમાં તો આ ત્રણ ભગવાન બિરાજમાન કરી જ શકાય છે તથા તેમની વિશિષ્ટ ભક્તિ દ્વારા વૈરાગ્ય અને સંયમગ્રહણના માર્ગે આગળ વધી જ શકાય છે. વળી, અન્ય પણ સર્વ તીર્થંકરો સ્વયં સંયમ સ્વીકારીને તથા જગતને સંયમનો માર્ગ બતાવીને જ મોક્ષે ગયા છે. એટલે વૈરાગ્ય તથા સંયમગ્રહણની પ્રેરણા તથા ભાવના સર્વ કોઈ તીર્થંકરની ભક્તિથી થઈ શકે છે. માટે આ સર્વ વિચારણાએ આ ત્રણ ભગવાનનો ગૃહજિનાલયમાં નિષેધ કર્યો સંભવે છે.

 

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

📝 मुनि सौम्‍यरत्न विजयजी

 Shilp Vidhi

જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.

 

.

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top