રવિવાર, 9 માર્ચ, 2025

Taranga Jain Temple

રાતનો સમય છે. અજવાળી રાત છે.

આખુ પાટણ શહેર સૂઈ ગયું છે. શહેરની વચ્ચે આવેલા એક પુરાણા લાકડાના ઉપાશ્રયની ઓસરીમાં રાજા કુમારપાલ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી બેઠા છે. આચાર્ય મહારાજના ચરણોમાં બેસી રાજા પોતાના અંગત જીવનની વાતો કરે છે. આચાર્ય મહારાજ સાંભળે છે. રાજા કહે છે : સાહેબ ! એક વાત તો કહેવાની જ રહી ગઈ. આપને યાદ છે ને કે,

એક વાર હું ખંભાત આવ્યો હતો ને આપશ્રીએ મને સૈનિકોથી બચાવી લીધો હતો. પછી હું ખંભાતથી ભાગ્યો. સિદ્ધરાજના ભયથી છુપાતો છુપાતો છેક અરવલ્લી પહોંચ્યો. ત્યાંના પહાડોમાં ફરતો હતો. ખૂબ થાક્યો હતો. એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. મને ઊંઘ આવી જ જાત પણ ત્યાં અચાનક જ મેં એક જોરદાર દશ્ય જોયું.

મારી સામે એક વૃક્ષ હતું. એની નીચેથી એક ઉંદર નીકળ્યો. તેના મોઢામાં એક સોનાનો સિક્કો હતો. ઉંદરે નીચે સિક્કો મૂક્યો ને દરમા ગયો. ફરી એક સિક્કો લઈ બહાર નીકળ્યો. ફરી મૂક્યો. ફરી દરમાં ગયો. ત્રીજી વાર - ચોથીવાર - પાંચમી વાર આમ ૩૨ વાર દરમાં ગયો ને ૩૨ સિક્કા લઈને આવ્યો અને સિક્કા જોઈ જોઈને નાચવા લાગ્યો.

હું પણ એ સિક્કા જોઈ મનમાં ને મનમાં નાચવા લાગ્યો. કેટલાય દિવસોનો હું ભૂખ્યો-તરસ્યો હતો. મારી પાસે કાંઈ હતું નહીં. ને મને થયું કે ઉંદરને આ સોનાના સિક્કા કોઈ કામના નથી. જ્યારે મને તો ખૂબ કામ લાગશે. ઉંદર જેવો દરમાં ગયો કે મેં બધા સિક્કા લઈને મારું ધોતિયામાં ગાંઠ વાળીને બાંધી દીધા.

થોડી ક્ષણોમાં ઉંદર દરમાંથી બહાર આવ્યો. એણે સિક્કા જોયા નહીં. એટલે ચારે તરફ શોધવા લાગ્યો. સિક્કા ન મળવાથી એક પથ્થર ઉપર એણે માથું પછાડયુ. એક વાર - બે વાર - ત્રણ વાર ને ઉંદર મરી ગયો. સાહેબ! હું એ વાત યાદ કરું છું કે મને આજે ય કમ્પારી છૂટે છે. મેં આ કેટલું મોટું પાપ કર્યું?

આટલું કહેતા રાજાની આંખો ભીની થઈ ગઈ. ચાંદની રાતના અજવાળામાં રાજાની આંખમાંથી નીકળતા આંસુના બુંદ આચાર્ય મહારાજે જોયા.

ફરી ગદ્ ગદ્ સ્વરે રાજાએ કહ્યું: સાહેબજી! મારા પાપનું પ્રાયશ્ચિત આપો.

આચાર્ય મહારાજે કહ્યું કે કુમારપાલ ! ઉદરને - તિર્યંચને પણ લોભ હોય છે. સોનામહોર ચાંદીમહોર ને પૈસા એમને

પણ ગમે. તમે ઉંદરના સોનાના સિક્કા લીધા એટલે ઉંદર મરી ગયો. એનું પ્રાયશ્ચિત એટલું જ છે કે તમે જે જગ્યાએ ઉંદર મૃત્યુ પામ્યો ત્યાં જ દેરાસર બનાવો. આ એની આલોચના છે.

જી ગુરુ મહારાજ’ કુમારપાલે કહ્યું,

બીજા દિવસથી રાજાએ તૈયારી કરી દીધી. રાજાને ક્યાં વાર લાગે તેવું હતું ? પથ્થરો મંગાવ્યા. જગ્યા સાફ કરાવી. ખનન વિધિ થઈ ને થોડા મહિનામાં ભવ્ય દેરાસર બંધાવ્યું. ઊંચું શિખરબંધી ને મોટું દેરાસર આજે પણ છે. એમાં ભવ્યાતિભવ્ય અજિતનાથ પ્રભુને બિરાજ્માન કર્યાં. આ વાતને આજે ૧૦૦૦ વરસ થવા આવ્યા. એ દેરાસરનું નામ છે તારંગા... રાજાના પ્રાયશ્ચિતમાં બનેલા આ દેરાસર પાછળ ઉદરની આ કથા ગૂંથાયેલી છે. ઇતિહાસમાં આ કથા અમર છે.

✍️ સંકલન: લલિત ડી શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top