શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

ધર્મનાથ ભગવાનનું જન્મ કલ્યાણક

આજે મહા સુદ ત્રીજ શ્રી 

ધર્મનાથ ભગવાનનું જન્મ કલ્યાણક

શ્રી ધર્મનાથ ભગવાન હાલના વયના પંદરમા (૧૫) મા જૈન તીર્થંકર છે.શ્રી ધર્મનાથ ભગવાનના ૩ ભવ થયા. પૂર્વ ભવનો પ્રભુનો આત્મા વિજય નામના વિમાનમાં હતા ત્યાં ૩૨ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં રહેલ મતિજ્ઞાન , શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના રત્નપુરી નગરીના રાજા ભાનુની મહારાણી સુવ્રતાની કુક્ષીએ વૈશાખ સુદ સાતમના દિવસે કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં ચ્યવન થયું. ત્યારે માતાએ ૧૪ સ્વપ્ન જોયા.તે સંકેત હતો એક ભવ્ય આત્માના જન્મનો જે ત્રણેય લોકમાં ધર્મ જ્ઞાનના દીપક ઉજાગર કરશે. ધાતકીખંડ દ્વીપના પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં ભરત નામના વિજયમાં 

ભદ્રિલ નામે એક નગર હતું. આ નગરના અધિપતિ દૃઢરથ રાજા હતા. ખૂબ વિશાળ આધિપત્ય તેમજ વિશિષ્ટ સંપતિવાન હોવા છતાં તે આસક્ત ન હતા. તેમનો વૈરાગ્ય વધી રહ્યો હતો. વિમલવાહન મુનિરાજનો સંયોગ થતાં તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રને તપના ઉત્તમ આચરણથી તીર્થંકર નામકર્મ ઉપાજર્ન કર્યું અને ધર્મ આરાધના કરતાં કરતાં સંથારાપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા. તે દૃઢરથ રાજાનો જીવ મહારાણી શ્રી સુવ્રતાદેવીના કૂખે ઉત્પન્ન થયો.

પ્રભુ માતાના ઉદરમાં ૮ માસ અને ૨૬ દિવસ રહ્યા. મહા સુદ ત્રીજના દિવસે પુષ્ય નક્ષત્રમાં મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થયો. ૫૬ દિક્કકુમારીકાઓએ આવીને સૂતિ કર્મ કર્યું. ૬૪ ઈન્દ્રોએ મેરુ પર્વત પર ૧ કરોડ ૬૦ લાખ કળશો વડે જન્માભિષેક મહોત્સવ કર્યો. પ્રાતઃ કાલે પ્રભુના પિતાએ જન્મોત્સવ મનાવ્યો.

પ્રભુ જન્મથી ૪ અતિશય યુક્ત હોય છે. પ્રભુની જમણી જાંઘ વજ્રનું લંછન હતું. કાંચન વર્ણના અને ૪૫ ધનુષ્યની કાયાવાળા હતા. પ્રભુ ૨.૫ લાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. ૫ લાખ વર્ષ રાજ્યનું પાલન કર્યું. પ્રભુને ૧૯ પુત્ર હતા.

પ્રથમ દેશના 

કષાયને નષ્ટ કરવાની પ્રેરણાઃ

સંસારમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારમાં મોક્ષનું સ્થાન સર્વપરિ છે. આત્મા પોતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ છે. જે આત્મા એ કષાય અને ઈન્દ્રિયને જીતે છે તે જ મુક્ત છે. સંસાર ભ્રમણ માટેના કષાયો ચાર છે. ૧) ક્રોધ, ૨) માન, ૩) માયા, ૪) લોભ.

શ્રી ધર્મનાથ ભગવાનની જય 

જાપ - ૨૦ નવકારવાળી

જન્મ કલ્યાણકે

ૐ હ્રીં શ્રી ધર્મનાથ અર્હતે નમઃ

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top