શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

દાનસૂરિજી મહારાજ સાહેબ

સકલાગમ રહસ્યવેદી શ્રી દાનસૂરિજી મહારાજ સાહેબ

 

               પ્રભુ મહાવીર દેવની ૭૫મી પાટને શોભાવનારા પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાના નામ-કામ ભૂલ્યા ભૂલાય એમ નથી. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવા બે અણમોલ રત્નોનાં ઘડવૈયા તરીકે તેમણે જૈન-શાસનને જે પ્રદાન કર્યું, એનું તો મૂલ્ય આંકી શકાય એમ જ નથી ! પૂજયશ્રી નો જન્મ વિક્રમ સંવત 1924 કારતક સુદ 4 ના દિવસે થયો હતો. ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની યુવાન વયે વિક્રમ સંવત 1946 માગશર સુદ 5 ના દિવસે ઘોઘામાં વચનલબ્ધિ સંપન્ન ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મ.સા. હાથે સંયમ સ્વીકારીને જ્ઞાન-ધ્યાન અને તપ - જપની એવી તો ભીષ્મ સાધના કરી - કરાવી કે, એ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્ર પાલક અને ભીમ-કાંત ગુણના અનેરા ધારક તરીકે તેઓશ્રીના નામ-કામ એકી અવાજે વખણાઈ ગયા.

 

                 પૂજયશ્રી ને પંન્યાસ પદ વિક્રમ સંવત 1962 માગશર સુદ પૂનમના દિવસે ખંભાતમાં આપવામાં આવ્યું હતું. પૂજયશ્રી ને આચાર્ય પદવી વિક્રમ સંવત 1981 માગશર સુદ 5 ના દિવસે છાણીમાં આપવામાં આવ્યું હતું. જ્યોતિષ વિષયક જ્ઞાનના તેઓ અજોડ અભ્યાસી હતા. તેમણે આપેલા અંતિમ પવિત્ર મુહૂર્તે સૂરિરામની આચાર્ય પદવી થઇ હતી જે તેમના જીવનમાં ઘણી પ્રભાવક નીવડી હતી. એ રીતે સકલ-આગમોના રહસ્યના એવા જ વેત્તા હતા. એથી ‘સકલાગમ-રહસ્યવેદી’ તરીકે સુપ્રસિદ્ધ બનેલા આ પુણ્યપૂરુષનો પ્રભાવ જ કોઈ ઓર હતો. સાધુસંસ્થા જયારે ઓટમાં આવી હતી, ત્યારે એમણે ૬૦-૭૦ શિષ્યોનું કરેલું સર્જન એ વાત એવી શાખ પૂરી જાય છે કે, કઠોર ચારિત્ર-ચર્યાના સાધક આરાધક પુરુષને એવો શિષ્ય સમુદાય મોટી સંખ્યામાં મળી રહે છે.

 

                  કોઈનીય ભૂલ થાય તો એની સામે પુણ્યપ્રકોપ ઠાલવવાની જવાબદારી અદા કરનારા અને પછી એટલું જ વાત્સલ્ય વહાવનારા આ પુણ્યપુરુષે જ્ઞાન અને ચારિત્રના એવાં બીજ વાવ્યા કે, એને વિકસાવનારા બે મહાપુરુષો શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપમાં એમને મળી આવ્યા.

 

                  ચર્ચાસ્પદ કોઈ બાબત બને ત્યારે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજનો બોલ અંતિમ પ્રમાણ ગણાતો. આટલી હદ સુધીની તેઓશ્રીની જે છાપ-પ્રતિષ્ઠા હતી, એના મૂળમાં એમનું અગાધ જ્ઞાન અને એમની ઊંડી ચારિત્રનિષ્ઠાનું બળ હતું.

 

                  ચૂસ્ત ચારિત્રપાલન, કડક ગચ્છનેતૃત્વ, અનુલ્લંધનીય આજ્ઞાપાલન, ઊંડી વિદ્વત્તા, કઠોર કોમળ સ્વભાવની વિશેષતા, અજબગજબનું ચારિત્ર ઘડતર, પ્રભાવશાળી શિષ્ય-પ્રશિષ્યોનું સર્જન આદિ અગણિત વિરલ વિશેષતાઓના સરવાળા સમું જીવન ધરાવતા શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા એક યુગ સર્જી ગયા.

 

                   જે કાળમાં દીક્ષા દુર્લભ હતી, એટલું જ નહિ, વૃદ્ધવયે પણ દીક્ષિત થનારને ઘણો સામનો કરવો પડતો, એ કાળમાં ૨૨ વર્ષની ઉગતી યુવાનીમાં પોલીસ પટેલ જેવા પ્રતિષ્ઠિત પદનો ત્યાગ કરીને દીપચંદભાઈમાંથી પૂ.આ.શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા સુધીની પ્રગતિ-પ્રતિષ્ઠા પામનારા આ એક વિરલ મહાપુરુષ હતા, તેમના હાથે પ્રતિષ્ઠિત પ્રભુ હારીજમાં બિરાજમાન છે.

 

           શંખેશ્વરથી નજીક પાટડી ગામે વિ.સં. ૧૯૯૨ના મહા સુદ-૨ જે અપૂર્વ સમાધિ સાધી લેનારા આ પુષ્પ પુરુષની ગઈકાલે ૮૬મી પુણ્યતિથિ હતી. તેઓશ્રીના ચરણે ભાવ પૂર્વક વંદના .

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top