Ogho Che Anmolo Jain Diksa Song
ઓઘો છે અણમૂલો જૈન દીક્ષા ગીત
ઓઘો છે અણમૂલો એનું ખુબ જતન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો...
આ વેશ આપ્યો તમને અમે એવી શ્રધ્ધાથી,
ઉપયોગ સદા કરજો તમે પૂરી નિષ્ઠાથી,
આધાર લઇ એનું ધર્મ આરાધન કરજો... ઓઘો છે...
આ વેશ વિરાગીનો, એનું માન ઘણું જગમાં,
માં-બાપ નમે તમને, પડે રાજા પણ પગમાં,
આ માન નથી મુજને, એવું અર્થઘટન કરજો...ઓઘો છે...
આ ટુકડા કાપડના, કદી ઢાલ બની રહેશે,
દાવાનળ લાગે તો, દિવાલ બની રહેશે,
એના તાણા-વાણામાં, તપનું સિંચન કરજો... ઓઘો છે...
આ પાવન વસ્ત્રો છે, તારી કાયાનું ઢાંકણ,
બની જાયે ના જો જે એ, માયાનું ઢાંકણ,
ચોક્ખું ને ઝગમગતું, દિલનું દર્પણ કરજો... ઓઘો છે...
મેલા કે ધોયેલા, લિસા કે ખરબચડા
ફાટેલાં કે આખા, સૌ સરખા છે કપડાં
જ્યારે મોહદશા જાગે, ત્ર્યારે આ ચિંતન કરજો... ઓઘો છે....
આ વેશ ઉગારે છે, એને જે અજવાળે છે,
ગાફેલ રહે એને, આ વેશ ડુબાડે છે,
ડૂબવું કે તરવું છે, મનમાં મંથન કરજો...ઓઘો છે...
- પ્રવીણ ભાઈ દેસાઈ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો