બુધવાર, 9 ડિસેમ્બર, 2020

Gurutatv - Bhavya Sundar vijay Maharaj Saheb

*પૂ. મુ. શ્રી ભવ્યસુંદર વિ. મ.સા. ના પ્રવચનના અંશો*
અષાઢ વદ ૧૩, ૩૦.૭.૧૯, મંગળવાર

*અહો જિનશાસનમ્ – ૨૯ (ગુરુતત્ત્વ)*

# પ્રભુની આજ્ઞાનું પાલન એ ધર્મ. પ્રભુની આજ્ઞાનો ભંગ, એ અધર્મ.
એ રીતે
ગુરૂની આજ્ઞાનું પાલન એ ધર્મ છે અને ગુરૂની આજ્ઞાનો ભંગ એ અધર્મ છે.
તો પ્રશ્ન એ થાય કે, જ્યારે પ્રભુની આજ્ઞા કરતાં ગુરૂની આજ્ઞા જુદી હોય ત્યારે શું કરવું ?

# સામાન્યથી ગુરૂની આજ્ઞા ભગવાનની આજ્ઞાને અનુસરતી જ હોય. પણ ક્યારેક સ્થૂળ બુદ્ધિથી ભગવાનની આજ્ઞા કરતા જુદી લાગે, એવી આજ્ઞા પણ ગુરૂ કરે.
જેમ કે, એકાસણું કરવું એ ભગવાનની આજ્ઞા છે.
અને મને ગુરૂદેવ બેસણું કરવાની આજ્ઞા કરે, તો સ્થૂળ બુદ્ધિથી ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ લાગે.

# *‘સ્થૂળ બુદ્ધિ’ એમ હું એટલા માટે કહી રહ્યો છું કે ‘સૂક્ષ્મ બુદ્ધિ’થી વિચારતાં, ગુરૂની આજ્ઞા, ભગવાનની આજ્ઞાને અનુસરતી જ હોઇ શકે છે. ભગવાને જેટલા ઉત્સર્ગ બતાવ્યા છે, તેટલા જ અપવાદ કહ્યા છે. ઉત્સર્ગ એ જેમ ભગવાનની આજ્ઞા છે, તેમ કારણ હોય ત્યારે અપવાદ પણ ભગવાનની જ આજ્ઞા છે.*
એકાસણું એ ભગવાનની આજ્ઞા છે, તો કારણે બેસણું પણ ભગવાનની જ આજ્ઞા છે.
સ્થૂળ બુદ્ધિવાળા મને એ કારણ ન દેખાતું હોય તેથી ગુરૂદેવની આજ્ઞા, ભગવાનની આજ્ઞા કરતાં જુદી લાગે.
સૂક્ષ્મ બુદ્ધિવાળા ગુરૂદેવને કારણ દેખાતું હોય, એટલે અપવાદની આજ્ઞા કરતા હોય.

# *આપણી પાત્રતા ન હોય તો ગુરૂ કારણ ન પણ જણાવે. સાચો શિષ્ય કદી કારણ જાણવાની જિજ્ઞાસા ન કરે.*
ગુરૂ કારણ ન જણાવે તો માની લે કે મારી જાણવાની પાત્રતા નથી.

# *અયોગ્યને દીક્ષા આપવી એ જેમ ગુનો છે, તેમ યોગ્યને ના પાડવી, તે પણ ગુનો છે. કારણકે તેના કારણે તે સંસારમાં પડે, જે પાપો કરે – તે બધામાં નિમિત્ત બનવાનું પાપ લાગે.*
એટલે જે જ્ઞાની છે, સમર્થ છે, ગુરૂએ જેને અધિકાર આપ્યો છે, તેણે યોગ્યને ના ન પડાય.

# *જ્યારે આપણને સ્થૂળ બુદ્ધિથી ગુરૂની આજ્ઞા, ભગવાનની આજ્ઞા કરતાં જુદી જણાય, ત્યારે ગુરૂની આજ્ઞા સ્વીકારી લેવી – એ જ ભગવાનની આજ્ઞા છે.*
અલબત્ત, ગુરૂ સંવિગ્ન-ગીતાર્થ હોવા જોઇએ – એ વાત પૂર્વે થઇ ગઇ છે.

# *ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે – જે ગુરૂની આજ્ઞા નથી માનતો, તે ભગવાનની આજ્ઞા નથી માનતો...*

# અમારા ગુરૂદેવ સરસ રીતે આ વાત સમજાવતા.
તમે કાર લઇને જઇ રહ્યા છો – ચાર રસ્તા પર સિગ્નલ ગ્રીન હોય, અને ટ્રાફિક પોલીસ હાથ આડો કરીને ગાડી અટકાવે તો તમે શું કરો ?
સભા : ઊભા રહીએ...
અને જાવ તો દંડ થાય. ત્યાં દલીલ ન ચાલે કે ‘હું તો ગ્રીન સિગ્નલ જોઇને ગયો.’
તે રીતે, સિગ્નલ રેડ હોય અને પોલીસ ઇશારો કરે, તો તમે જાવ પણ ખરા જ.
તેનું કારણ એ છે કે, સિગ્નલ પ્રોગ્રામિંગ પ્રમાણે ચાલ્યા કરે. પણ તે કાળે પરિસ્થિતિ જોઇને પોલીસ જે નિર્ણય કરે, તે સિગ્નલ કરતાં મહત્ત્વનો છે.
અમારા ગુરૂદેવ કહેતા – સિગ્નલના સ્થાને શાસ્ત્રોના વચન છે. પોલીસના સ્થાને ગુરૂદેવ.
*શાસ્ત્રવચન તો ત્રણે કાળ માટે લખાયેલા છે. વર્તમાનકાળની પરિસ્થિતિને જોઇને ગુરૂદેવ જે નિર્ણય કરે, તે જ આખરી ગણાય.*

# *શાસ્ત્રોમાં શબ્દોની મર્યાદા હોય છે. બધી જ પરિસ્થિતિમાં શું કરવું ? તે શાસ્ત્રકાર જણાવી શકે નહીં. સામાન્ય દિશાસૂચન કરે.*
*એટલે, તે-તે પરિસ્થિતિમાં ગુરૂ જે નિર્ણય કરે, તે જ આખરી ગણાય.*

# *પ્રભુશાસનની એક અપ્રતિમ વિશેષતા તમને અહીં જોવા મળશે. ભગવાન પોતે કહે છે - ‘મારી આજ્ઞા કરતાં – ગુરૂની આજ્ઞા બળવાન્ છે !’*

# *અમારા પૂ. ગચ્છાધિપતિશ્રીએ એકવાર સરસ હિતશિક્ષા આપેલી – જીવંત ગુરૂના વચન સામે સ્વર્ગસ્થ ગુરૂનું વચન ગૌણ બને.*
મારા ગુરૂદેવ મને કંઇ કરવાનું કહે, તો મારે એમ ન કહેવાય કે - ‘દાદા ગુરુદેવ તો જુદું કહેતા હતા.’
કારણકે, દાદાગુરૂદેવે કહ્યું હોય ત્યારની પરિસ્થિતિ જુદી હતી. વર્ષો વીતી ગયા પછીની પરિસ્થિતિ જુદી હોય. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ગુરૂદેવ જે કહે તે જ સ્વીકારવાનું હોય.

# અને જો સ્વર્ગસ્થ ગુરૂદેવને આગળ કરવાના હોય, તો પછી સુધર્માસ્વામી ભગવંતે જે કહ્યું – તે જ કરવાનું આવે... કારણકે બધા ગુરૂના તે ગુરૂ છે.

# આ વાત બીજી રીતે સમજાવું...
આ મુ. શ્રી મૃદુસુંદરવિ. મારા ગુરૂભાઇ છે. હું તેમને કંઇક કરવાનો આદેશ કરું... ત્યારે તેઓએ એવી દલીલ ન કરાય કે ‘આપણા (અમારા બંનેના) ગુરૂદેવે તો જુદું કહ્યું છે...’
કદાચ તેઓ તેવી દલીલ કરે, અને હું જો મારા ગુરૂદેવને ફરિયાદ કરું, તો નિશ્ચિતપણે ગુરૂદેવ તેમને ઠપકો આપે.
‘મેં ભલે કાંઇપણ કહ્યું હોય – ત્યાંની પરિસ્થિતિમાં ભવ્યસુંદરવિ. જે નિર્ણય કરે, તે તમારે સ્વીકારી જ લેવાનો...’
તેનું કારણ એ છે કે, ગુરૂદેવે સામાન્યથી વાત કરી હોય, અહીંની વર્તમાન પરિસ્થિતિ જુદી હોય – તેમાં નિર્ણય કરવાનો અધિકાર મને આપ્યો જ હોય.
હજી એક દૃષ્ટાંત આપું.
વિહારમાં બધા ૧૦-૧૧ સાધુઓ ભેગાં ન ચાલી શકે – બધાની ઝડપ જુદી-જુદી હોય. એટલે ૨-૩ ની ટુકડીઓ પાડીએ.
કયા રસ્તે જવાનું – મેં બધાને જણાવ્યું હોય.
હવે ૧ ટુકડીને રસ્તામાં કોઇ મળે – અને બીજો શોર્ટકટ બતાવે – અથવા જે રસ્તે જવાનું નક્કી થયું હોય ત્યાં પાણી છે – એમ કહીને બીજો રસ્તો બતાવે, ત્યારે ત્રણમાંના વડીલ એમ નિર્ણય કરે કે રસ્તો બદલી નાખવો, તો બાકીના બંનેએ તેને અનુસરવું જ પડે. તેમાંનો કોઇ દલીલ કરે કે ‘ગુરૂદેવે તો પેલા રસ્તે જવાનું કહેલું.’ તો ખબર પડે ત્યારે હું ઠપકો જ આપું...

# સભા : બીજા સાધુઓ ચર્ચા કરી શકે...?
ચર્ચા કરીને નિર્ણય કરવો – બીજાની સલાહ લેવી – કે એમ જ નિર્ણય કરવો – તે બધું વડીલે જ નક્કી કરવાનું હોય.

# અહીં વડીલનો અર્થ જ્ઞાની-વ્યવહારકુશળ, જેને ગુરૂએ અધિકાર સોંપ્યો હોય – તે સમજવાનો છે.
*દીક્ષા પર્યાયમાં મોટા હોવા છતાં ઓછું ભણેલા હોય – નાની ઉંમરના હોય – વ્યવહારસૂઝ ન ધરાવતા હોય – તો ગુરૂ બીજાને પણ અધિકાર સોંપે.*

# આ વાતમાં પ્રાચીન દૃષ્ટાંતો જોઇએ.
દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણ પ્રભુ વીર પછી લગભગ ૧૦૦૦ વર્ષે થયા. તેમણે ૫૦૦ આચાર્યો સાથે ૧૩ વર્ષ વલભીપુરમાં રહીને તે કાળે ઉપલબ્ધ બધાં જ ગ્રંથો – જેનું પ્રમાણ ૧ કરોડ શ્લોક હતું – તે લખાવ્યા. તે પૂર્વે બધું લખાયું નહોતું. કેમ ?
સભા : બધા યાદ રાખી શકતા હોવાથી જરૂર નહોતી.
જરૂર ન હોય – તે કામ ન થાય – તેવો નિયમ નથી.
વાસણામાં ૭-૮ દેરાસર છે. નવાની જરૂર નથી – દરેક વ્યક્તિની નજીકમાં છે જ. તેથી કોઇ પોતાના બંગલામાં ન જ બનાવે – તેવું જરૂરી નથી. અને બનાવે તો વિરોધ પણ ન થાય.
હકીકત એ છે કે શાસ્ત્રમાં જ, શાસ્ત્રો લખવાનો નિષેધ છે.
*એક અક્ષર લખવાનું પણ પ્રાયશ્ચિત્ત છે. સાધુઓને પુસ્તક રાખવાનો ય નિષેધ છે, પાનું ફેરવવામાં ય વિરાધના બતાવી છે. એટલે પૂર્વે શાસ્ત્રો લખાયા નહોતા.*
દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણને લાગ્યું કે – કાળ બદલાયો. હવે શાસ્ત્રો યાદ નહીં રહે. નહીં લખીએ તો ભૂલાઇ જશે – નાશ પામશે. એટલે બધું જ લખવાનો નિર્ણય કર્યો.
આને કદાચ ‘ક્રાંતિ’ જ કહી શકાય. ૧ અક્ષર લખવાની મનાઇ હોય અને ૧ કરોડ શ્લોક લખવાનું નક્કી કરવું, તે સાહસ જ છે ને ?
છતાં બધા આચાર્યોએ પણ તેમની વાત સ્વીકારી... અને તો જ આપણે શ્રુતજ્ઞાન પામ્યા. તો જ શાસન ટક્યું !
તે વખતે મારા જેવા – જડ બુદ્ધિવાળાઓએ વિરોધ પણ કર્યો હશે. પણ તેમને અવગણીને પણ દેવર્દ્ધિગણિએ લખાવ્યું... જો ન લખાવ્યું હોત તો...?

# *અત્યારે અમે જે આચાર પાળીએ છીએ – તેમાં પ્રભુની આજ્ઞા અનુસારે ૧૦-૨૦% હશે... બાકીનું તો પછીના ગુરૂ ભગવંતોએ બદલેલું છે.*

# શાસ્ત્રોમાં ‘તરપણી-ચેતના’ નામના ઉપકરણ જ નથી. તરપણીનું સંસ્કૃત નામ શું ? તે મને આજે ય ખબર નથી.
એટલું જ નહીં – શાસ્ત્રો તો મોટા પેટ-સાંકડા મોઢાવાળા ઉપકરણની મનાઇ કરે છે – એટલે તરપણીની મનાઇ છે.
છતાં શ્વેતાંબર મૂર્તિપૂજક બધા જ સાધુઓ રાખે છે – દીક્ષાના દિવસે ચડાવો બોલીને વહોરાવાય છે.
અને કોણે ? ક્યારે ? તરપણી અપનાવી/માન્ય કરી, તેનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. છતાં ગુર્વાજ્ઞાથી જ તે માન્ય થાય છે.
આજે તરપણીની મનાઇ કરીને પાત્રામાં જ દૂધ-દાળ – બધું લાવવાનું કહેવાય તો કોને ફાવે ?

# શાસ્ત્રોમાં ગોચરી માટે એક જ પાત્રુ રાખવાનું વિધાન છે. રોટલી-દાળ-ભાત-શાક-દૂધ... બધું એકમાં જ વહોરવાનું... આવો નિયમ કરાય, તો કોણ દીક્ષા લેવા તૈયાર થાય ?
*એટલે પડતા કાળમાં શાસન બચાવવા – સાધુસંસ્થા ટકાવવા માટે ગીતાર્થ ગુરૂ ભગવંતોએ આ આચારો બદલ્યા – તો શાસન ટક્યું છે.*

# *દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસારે ફેરફાર ન કરાય, તો કોઇ સંસ્થા ટકી શકે નહીં.*
*એટલે જ ભગવાને પોતાની આજ્ઞાને બદલવાની ગીતાર્થ ગુરૂ ભગવંતોને છૂટ આપી છે !*

# અહીંયા એક પ્રશ્ન થઇ શકે.
ગીતાર્થ પણ કેવળજ્ઞાની નથી. છદ્મસ્થ છે. તેમની પણ ભૂલ થઇ શકે.
તેઓ આજ્ઞા કરવામાં ભૂલ કરે, તો તેનું પાલન કરનાર શિષ્યને લાભ થાય કે નુકસાન ?
*તો આવશ્યક નિર્યુક્તિમાં શાસ્ત્રકાર કહે છે, સંવિગ્ન ગીતાર્થના વચનને અનુસરનાર શિષ્યને એકાંતે લાભ જ થાય !*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top