ગુરુવાર, 26 ઑગસ્ટ, 2021

Jirawala Parshwanath

ભગવાન પાર્શ્વનાથની હયાતીમાં બનેલી જિનપ્રતિમા એટલે શ્રી જીરાવલા પ્રાશ્વેનાથ!


જ્ય હો જીરાવલા પાર્શ્વનાથનો !

Jiravala Paswanath

જેનાં દર્શન કરીએ અને જીવન ધન્ય થઈ જાય તેવી જિનપ્રતિમા જીરાવલા નામના ગામમા બિરાજમાન છે. સૌ તેને જીરાવલા પાર્શ્વનાથના નામે ઓળખે છે.


સેંકડો વર્ષો પહેલાંની વાત છે.


જીરાવલા ગામની નજીક આવેલા વરમણ ગામમાં એક એવી ઘટના બની જેણે પોતાનો સુવર્ણ ઇતિહાસ ખડો કરી દીધો: એક વયોવૃધ્ધ સ્ત્રી વરમાણ ગામમાં રહે. તેની એક ગાય. એ સ્ત્રી ગાયને લઈને રોજ જંગલમાં ચરાવવા જાય. એકદા એણે જોયું કે ગાય એક વૃક્ષ તળે ઊભી રહે છે. દૂધ સ્વયં ઝરી જાય છે. ધરતી પર અભિષેક થઈ જાય છે.


ડોશીમાં ચમક્યાં . બીજા દિવસે એ સ્ત્રીએ ધ્યાન રાખ્યું. ગાયે એ દિવસે પણ એમ જ કર્યું. આમ રોજ થતું હતુ.


વરમાણમાં એક શેઠ રહે. નામે ઘાંઘલ શેઠ. ધર્મે જૈન અને પાક્કા વહેપારી. રાતના સમયે શેઠને સ્વપ્નમાં કોઈ શાસનદેવે આવીને ઘાંઘલ શેઠને કહ્યું, 'આજથી ૨૮૦૦ વર્ષ પહેલાં જ્યારે પાર્શ્વનાથ ભગવાન જીવંત હતા. ત્યારની વાત છે. તે સમયે ચંદ્રયશ નામના રાજાએ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવી. એ મૂર્તિ ખૂબ પ્રભાવશાળી છે. વરમાણની બહાર વૃક્ષતળે દટાયેલી છે. એ પ્રતિમા પર એક ગાય ભક્તિથી રોજ દૂધનો અભિષેક કરે છે. એ તેની નિશાની છે. તો એ પ્રતિમા બહાર કાઢ અને જિનમંદિર બનાવીને સ્થાપિત કર.'


સવારનો સૂર્યોદય થયો. ઘાંઘલ શેઠ સ્વપ્ન યાદ રાખીને ગામની બહાર દોડયા. જોયું તો એક ગામ વૃક્ષતળે ઊભી છે. તેના આંચળમાંથી દૂધનો સ્વયં અભિષેક ધરતી પર થઈ રહ્યો છે. ઘાંઘલ શેઠને સ્વપ્નની વાતમાં તથ્ય લાગ્યું.


ઘાંઘલ શેઠે જૈનોને ભેગા કર્યાં. પોતાને આવેલા સ્વપ્નની વાત કહી. સૌનો સહકાર મેળવીને જમીન ખોદવામાં આવી સૌના આશ્વર્ય વચ્ચે ઝગમગતા તારલાનું રૃપ લઈને ઘડી હોય તેવી પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમા મળી. ચારે કોર હર્ષ છવાઈ ગયો. સૌએ જ્યનાદ કર્યો.


ઘાંઘલ શેઠે પ્રતિમાજી વરમાણ ગામમાં લઈ જવાની તૈયારી કરવા માંડી તે સમયે જીરાવલા ગામના જૈન આગેવાનો વચવામાં પડયાં. તેમણે કહ્યું કે પ્રતિમા અમારા ગામની હૃદમાં પ્રગટ થઈ છે, માટે તેનો હક્ક અમારો છે !


 તે સમયે એક ડાહ્યા માણસે સમાધાન કરતાં  કહ્યું કે એક ગાડું મંગાવો. તેમાં એક બળદ વરમાણનો જોડો, બીજો બળદ જીરાવલાનો જોડો. અને ગાડું જે દિશામાં જાય ત્યાં ભગવાનને લઈ જાવ. એમ જ થયું.


ગાડું જીરાવલાની દિશામાં ચાલ્યું. પર્વતની તળેટીમાં ઊભું રહી ગયું. ઘાંઘલ શેઠે કહ્યું.' પ્રભુની આ ઇચ્છા મને કબૂલ છે. અહીં જિનમંદિર બનાવીએ. પ્રભુને અહીં સ્થાપીએ. હું પણ મારા પરિવાર સાથે અહીં જ રહીશ અને જીવનભર પ્રભુની સેવા કરીશ.'


ઘાંઘલ શેઠે ભવ્ય જિનમંદિર ખડું કર્યું. વિ.સં. ૧૧૯૧નું તે વર્ષ.. ઘાંઘલ શેઠે તે સમયના પ્રસિધ્ધ જૈનાચાર્યશ્રી અજિતદેવસૂરીશ્વરના વરદ હસતે પ્રતિષ્ઠા કરાવી. અજિતદેવસૂરિજીએ કહ્યું,' પ્રભુ જ્યારે જીવંત હતા ત્યારે આ પ્રતિમાનું નિર્માણ થયું છે. આ પ્રતિમા અને આ તીર્થ ખૂબ પ્રભાવશાળી છે. હવે તેનો મહિમા ચારેકોર ખૂબ ફેલાશે. હવે જે કોઈ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનો રક્ષામંત્ર લખીને જ પ્રતિષ્ઠા થશે.'


જીરાવલા પાર્શ્વનાથનો ખૂબ મહિમા ફેલાયો. અસંખ્ય લોકો દર્શનાર્થે આવવા માંડયા. આજ સુધી સમગ્ર વિશ્વમાં જ્યાં પણ જિનમંદિરની સ્થાપના થાય છે ત્યાં જીરાવલા પાર્શ્વનાથનો રક્ષામંત્ર લખવામાં આવે છે.


કાળની ગતિ ભારે વિચિત્ર છે. સમયની અનેક થપાટો ખાતું જીરાવલા પોતાના અખંડ પ્રભાવ સાથે ટકી રહ્યું છે. જિનમંદિરના અનેક જીર્ણોધ્ધાર થયા. છેલ્લો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા પૂજ્ય હિમાચલસૂરિજી મહારાજે આજથી ૫૫ વર્ષ પહેલાં કરાવ્યા.


ભગવાન પાર્શ્વનાથનો મહિમા અચિંત્ય છે. જે પાર્શ્વનાથ પ્રભુનું નામ લે છે. તે ભવજલસંસાર તરી જાય છે.


- આચાર્ય શ્રી. વાત્સલ્યદીપસૂરિજી - ગુજરાત સમાચાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top