શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

Panchasara Parshwanath

શ્રી પંચાસરા પાર્શ્વનાથ

પ્રથમ નજરે પ્રતિમા દર્શન



પાટણના શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય અને ઐતિહાસિક જિનાલયમાં મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથના શ્વેત વર્ણના પદ્માસનસ્થ પ્રતિમાજી નયનમનોહર છે. દર્શકનાં નયનો પર કામણ કરતાં આ અલૌકિક પ્રતિમાજી એક કલાત્મક પરિકરમાં સાત મનોહર ફણાથી અલંકૃત છે. આ પ્રાચીન અને ઐતિહાસિક પ્રતિમાજીની ઊંચાઈ 45 ઈંચ અને પહોળાઈ 37 ઈંચ છે.


અતીતના ઊંડાણમાં એક ડૂબકી

❤💚💜💛💜💚❤💚💜

નાગેદ્રગચ્છના જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ વનરાજને શૈશવમાં શૌર્ય અને સંસ્કારનાં પીયૂષપાન કરાવીને વીર બનાવ્યો હતો. બાલ્ય કાળમાં વનરાજને આશ્રય આપનારા આચાર્ય ભગવંતે તેનું પાલન અને ઘડતર કર્ય઼ું હતું. ચાવડા વંશનો આ બાહોશ અને શૂરવીર રાજપુત્ર ક્રમે કરીને રાજવી બન્યો. વલ્લભીપુર અને ભિન્નમાલના પતન પછી તેનો સંસ્કાર વારસો સાચવી શકે એવી તીર્થ ભૂમિની શોધ કરનારા ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજની દૃષ્ટિ અણહિલ ભરવાડે સૂચવેલા `` લાખારામ ' ગામની ધરતી ઉપર પડી. સરસ્વતીનાં નિર્મળ નીરથી પાવન બનેલી એ ધરા ઉપર વિ.સં. 802 માં વૈશાખ સુદ 3 ને સોમવારે જૈન મંત્રોચ્ચાર પૂર્વક પાટણ નગરની સ્થાપના થઈ. ઉત્કર્ષના દ્વારે આવીને ઊભેલા કૃતજ્ઞચૂડામણિ વનરાજને પોતાના ઉત્કર્ષના મૂળમાં બેઠેલા જૈનાચાર્યે શ્રી શીલગુણસૂરિના ઉપકારોની સ્મૃતિ થઈ. પૂજ્યપાદશ્રીના ચરણોમાં તેણે રાજ્યની સમૃદ્ધિ ધરી દીધી. દુનિયાની તુચ્છ સમૃદ્ધિ છોડીને આત્માના વૈભવને પામવા સાધુ બનેલા આ સૂરિ પુંગવ નિઃસ્પૃહ શિરોમણિ હતા. કૃતજ્ઞતા અને નિઃસ્પૃહતાનો એક મીઠો કલહ ઉપસ્થિત થયો. આ કલહનાં સમાધાન સ્વરૂપ એક ભવ્ય જિનાલયનું નિર્માણ પાટણની સ્થાપના બાદ થોડાજ સમયમાં થયું. આ ભવ્ય જિનાલયમાં ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથના મનોહર જિનબિંબને પંચાસરથી લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું. પંચાસર વનરાજના પિતા જયશિખરીની રાજ્યભૂમિ હતી. તેથી , ત્યાંથી લાવેલા આ પાર્શ્વનાથ `` શ્રી પંચાસરા પાર્શ્વનાથ ' ના નામથી પ્રસિદ્ધિ પામ્યા. આ ચૈત્યમાં વનરાજે પોતાની આરાધક મૂર્તિ પણ સ્થાપિત કરી. 

નવમી સદીના પ્રારંભમાં નિર્મિત થયેલું આ જિનાલય ગુજરાતના પ્રાચીનતમ જિનાલયોમાનું એક છે. આ જિનપ્રાસાદનું નિર્માણ થતાં પાટણમાં મંદિર-િનર્માણની પ્રવૃત્તિના શ્રીગણેશ મંડાયા. વનરાજના મંત્રી નિન્નયે પાટણમાં ઋષભદેવ પ્રાસાદ બંધાવ્યો. વનરાજ , મૂળરાજ , સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સંસ્કારપ્રિય રાજવીઓએ વિમલ , ધવલ , આનંદ , પૃથ્વીપાલ , જાંબ , મુંજાલ , સાંતૂ , સજ્જન , આદિ ધર્મપ્રેમી મંત્રીઓએ અને અનેક ઉદાર શ્રેષ્ઠીઓએ પાટણની ભૂમિને જિનાલયોથી વિભૂષિત કરી દીધી. પાટણની સ્થાપનાથી માંડીને ચૌદમી સદીના પ્રારંભ સુધીમાં તો સેંકડો જિનાલયોથી પાટણ શોભી ઊઠયું. 

વનરાજે બંધાવેલું શ્રી પંચાસરા પાર્શ્વનાથનું જિન ચૈત્ય `` વનરાજ વિહાર ' ના નામથી પ્રચલિત બન્યું. તેરમી સદીમાં આસાક મંત્રીએ આ ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. આ ઉદ્ધાર કાર્યની સ્મૃતિમાં તેના પુત્ર અરિસિંહે સં. 1301 માં પોતાના પિતાની મૂર્તિ આ ચૈત્યમાં સ્થાપિત કરી. 

તેરમાં સૈકાના પ્રારંભમાં રચાયેલા હરિભદ્રસૂરિકૃત ચંદ્રપ્રભચરિત ની પ્રશસ્તિના ઉલ્લેખ અનુસાર જયસિંહ દેવ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાલે પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિન ચૈત્યમાં મંડપની રચના કરાવી હતી. 

જૈન મંત્રી વસ્તુપાલે પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથના આ જિનપ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો હતો. શ્રી ઉદયપ્રભસૂરિ કૃત `` ધર્માભ્યુદય ' મહાકાવ્યની પ્રશસ્તિ અનુસાર નાગેદ્ર ગચ્છના શ્રી વિજયસેનસૂરિ આ `` વનરાજવિહાર ' તીર્થમાં વ્યાખ્યાનો આપતા હતા. 

સંપત્તિ અને સમૃદ્ધિથી છલકાતા પાટણ નગરનું કર્ણ વાઘેલાના રાજ્યકાલમાં સંવત 1353 થી સં. 1356 ના ગાળામાં અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાફૂરના હસ્તે પતન થયું. અનેક જિનાલયો અને મહાલયો ધરાશયી બન્યાં. ગુલામીની જંજીરોમાં ગુજરાત જકડાઈ ગયું. 

પતન પામેલું પાટણ એકાદ-બે દશકામાં જ ફરી બેઠું થયું. અલાઉદ્દીનના આક્રમણનો ભોગ બનેલું પાટણ તેના જ સીમા પ્રદેશમાં ફરીથી વસ્યું. અને અનુક્રમે પુનઃ એક સમૃદ્ધ નગર બીને પોતાની પૂર્વ ખ્યાતિને તાજી રાખવા સમર્થ બન્યું. 

`` વનરાજ વિહાર ' જિનપ્રાસાદ જૂના પાટણમાં હતો , ત્યાંથી એ પ્રતિમાઓ નવા પાટણમાં ક્યારે અને કેવી રીતે લાવવામાં આવી હશે , એ વિષે , કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. છેલ્લા જીર્ણોદ્ધાર પૂર્વેના મંદિરનું સ્થાપત્ય સોળમાં સૈકાનું જણાતું હતું. 

સંવત 1613 માં શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં નવ જિનબિંબો વિદ્યમાન હતાં. અને , એક જ પટાંગણમાં પાંચ જિનાલયો હતાં. તેમાં 83 પ્રતિમાઓથી યુક્ત એક શ્રી આદિનાથ પ્રભુનું પણ જિનાલય હતું. આ જિનાલય આજે વિદ્યમાન નથી. સત્તરમા સૈકાના મધ્યભાગમાં પણ આ એક જ પટાંગણમાં પાંચ જિનાલયો હતાં. અને શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાં કુલ આઠ જિનબિંબો બિરાજમાન હતાં. 

ત્યારબાદ , આજ પટાંગણમાં એક ગુરુમંદિરનું નિર્માણ થયું. આ ગુરુ મંદિર `` હીરવિહાર ' તરીકે ઓળખાતું હતું. સંવત 1662 માં શ્રી હીરવિજયસૂરિની અને સંવત 1664 માં શ્રી વિજયસેનસૂરિ તથા શ્રી વિજયદેવસૂરિની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. છેલ્લા જીર્ણોદ્ધત જિનાલયનું ખાત મુહૂર્ત સંવત 1998 ના ફાગણ વદ- 5 ને શુભદિને કરવામાં આવ્યું હતું. અને સંવત 2011 ના મહા સુદ- 6 ના દિને પરમાત્મ-જિન બિબોનો જિનાલયમાં પ્રવેશ થયો. સંવત 2011 ના જેઠ સુદ- 5 ના દિને પૂ. આચાર્ય દેવ શ્રી સમુદ્રસૂરિશ્વરજી તથા પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિની નિશ્રામાં આ નૂતન જીર્ણોદ્ધત જિનાલયની ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. મુખ્ય મંદિરને ફરતી એકાવન દેવકુલિકાઓ છે. આ દેવકુલિકાઓનું ખાત મુહૂર્ત સં 2013 ના માગસર સુ. 4 ના દિને થયું હતું. આ દેવકુલિકાઓમાં સં. 2016 ના જેઠ સુદ 6 ના શુભ દિને જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ભવ્ય જિનાલયના પ્રવેશદ્વાર પાસેના ગોખલાઓમાં દક્ષિણ દિશાના પહેલા ગોખલામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની અર્વાચીન મૂર્તિ છે. તેની સામેના ઉત્તરના ગોખમાં આસાક મંત્રીની પ્રાચીન મૂર્તિ છે. બીજા ગોખમાં પાર્શ્વયક્ષની મૂર્તિ છે. અને તેની સામેના ગોખમાં પદ્માવતીની મૂર્તિ છે. ત્રીજા ગોખમાં શ્રી શીલગુણ સૂરિની અર્વાચીન મૂર્તિ છે. તેની સામેના ગોખમાં વનરાજની પ્રાચીન મૂર્તિ છે. દેરીઓની શરૂઆતમાં મુખ આગળના બે ગોખમાં સરસ્વતીની બે પ્રાચીન મૂર્તિઓ છે. દેરીઓની અંતે મુખ આગળના બે ગોખમાં બે ક્ષેત્રપાલની પ્રાચીન મૂર્તિઓ છે. મંદિરની બાજુમાં નવા બંધાયેલા ગુરુમંદિરમાં શીલગુણસૂરિ , તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ , શ્રી હીરવિજયસૂરિ , શ્રી સેનસૂરીશ્વરજી , શ્રી દેવસૂરીશ્વરજી , શ્રી કાન્તિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાયેલી છે. આ ઉપરાંત આ જ મંદિરના પટાંગણમાં શ્રી પાર્શ્વનાથજીનું ચૌમુખ જિનાલય તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ , શ્રી શાંતિનાથ , શ્રી મહાવીર સ્વામી , શ્રી ધર્મનાથ , શ્રી સુપાર્શ્વનાથ , શ્રી નવખંડા પાર્શ્વનાથ આદિ જિનાલયો દર્શનીય છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ જિનાલયના ગર્ભગૃહના મુખ્ય દ્વારની શાખાઓ અને ઉત્તરંગોમાં સોળ વિદ્યાદેવીઓનાં સ્વરૂપો કોતરેલાં છે. તેમજ આરસના સર્વ દ્વારોમાં જૈન પ્રતિહારોનાં સ્વરૂપો દિશા અનુસાર કોતરવામાં આવ્યાં છે. દ્વારોનાં બારણાં રત્નજડિત અને કલાત્મક છે. `` મંડોવર ' ના નામથી ઓળખાતી મુખ્ય મંદિરને ફરતી દીવાલોના પ્રત્યેક ઘરો શિલ્પ કલાના ભરપૂર નકશીકામવાળાં છે. તેમાં તીર્થંકર ભગવંતોના કલ્યાણક આદિ જીવન પ્રસંગોનાં દ્રશ્યો તથા દેવાંગનાઓ , દિક્પાલો , ગંધર્વો , કિન્નરો , યક્ષો , આદિનાં મનોરમ્ય સ્વરૂપો કંડારેલાં છે. આ મનોહર જિનપ્રાસાદ જમીનની સપાટીથી 75 ફૂટ ઊંચો છે. બેનમૂન ભવ્ય દેવકુલિકાઓથી પરિવૃત્ત થયેલો આ જિનપ્રાસાદ દેવવિમાન સદૃશ શોભી રહ્યો છે.


પ્રભુનાં ધામની પિછાણ

❤💚💜💛❤💚

એકાવન મનોહર દેવકુલિકાઓથી પરિવરેલો શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનો ઉત્તુંગ અને ભવ્ય જિનપ્રાસાદ મહેસાણા જિલ્લાના પ્રાચીન નગર અણહિલપુર પાટણમાં વિદ્યમાન છે. બીજા પણ અનેકાનેક તીર્થસદૃશ જિનાલયોથી મંડિત આ પાટણ પ્રાચીન તીર્થભૂમિ છે. અહીંના જ્ઞાન ભંડારો એ જૈન સંસ્કૃતિનો અમર વારસો છે.


ધર્મશાળાઓ , ઉપાશ્રયો , ભોજનશાળાઓ , આયંબિલ ભુવન , જ્ઞાન ભંડારો , પાઠશાળાઓ , વિદ્યામંદિરો , છાત્રાલયો આદિથી શોભતું આ નગર વર્તમાનમાં પણ જૈન ધર્મની અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓથી ખ્યાતિને પામેલું છે.


એડ્રેસ

શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસર ટ્રસ્ટ 

હેમચંદ્રાચાર્ય રોડ , પીપળાની શેરી , જિ. મહેસાણા , પાટણ , પીન- 384265

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top