પ્રથમ નજરે પ્રતિમા દર્શન:- ચાણસ્મા તીર્થમંડન શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુનું નાનકડું બિંબ અત્યંત સોહામણું છે . ભૂખરા વર્ણનાં આ વેખુનાં પ્રતિમાજી પદ્માસનસ્થ છે . પરમાત્માના મસ્તકે સાત ફણાનું મનોહર છત્ર છે . 3 ઈંચ ઊંચા આ પ્રતિમાજીની ફણાસહિત ઊંચાઈ 9 ઈંચ છે . કલાત્મક પરિકર વચ્ચે શોભતા આ પ્રતિમાજીની પહોળાઈ 3 ઈંચ છે . મૂર્તિની બંને બાજુએ પારિપાર્શ્વિક દેવ છે . ઉપરના ભાગમાં બંને બાજુ માલધારીઓ છે . નીચેના ભાગમાં બન્ને બાજુમાં સિંહ અને વચ્ચે આડું ધર્મચક્ર છે . પદ્માસણની નીચે સ્વતંત્ર બે બાજુ થાંભલાવાળી મંડવિકામાં સિંહના વાહન યુક્ત અંબિકા દેવીના ડાબા ખોળામાં નાનું બાળક છે . અને બે બાજુ ચામરધારીઓ છે .
અતીતના ઊંડાણમાં એક ડૂબકી :- આ મહામહિમાશાલી મનોહારિણી મૂર્તિના ઉદ્ગમને જાણવા અતીતના પેટાળમાં પ્રવેશ કરીને વર્તમાન ચોવીશીના એકવીશમાં તીર્થપતિ શ્રી નમિનાથ પ્રભુના શાસનમાં પહોંચવું જરૂરી બને છે . અંગદેશની ચંપાનગરીના તત્કાલીન રાજા પ્રજાપાલ અને મંત્રી બુધ્ધિસાગરે બે જાતિવંત અશ્વની પરીક્ષા કરવા તેના પર સવાર થઈને લગામ ખેંચી . નિરંકુશપણે બન્ને અશ્વોએ દોટ મૂકી . અશ્વોની ગતિ રોકવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા અને થોડીવારમાં તો અશ્વો નગરથી બાર યોજન દૂર એક નિબિડ જંગલમાં પહોંચી ગયા . ઘોડાઓને રોકવાનું અશક્ય જણાતાં બુધિમાન મંત્રીએ એક યુક્તિ સૂચવી . તે યુક્તિ અનુસાર માર્ગ પર લટકતી વડવાઈઓવાળા વિશાળ ઘેઘૂર વડલાના વૃક્ષ તળે અશ્વો પસાર થતાં જ લટકતી વડવાઈને મજબૂત પકડી લઈને અશ્વોના ત્રાસથી છૂટવાનો બંનેએ પ્રયત્ન કયો . બંનેએ ડાળી પકડી લીધી અને અશ્વો પણ લગામ ઢીલી થવાથી ત્યાં ઊભા રહી ગયા .
શ્રમથી અત્યંત ક્લાન્ત બનેલ રાજા અને મંત્રીએ વટવૃક્ષ નીચે જ રાત્રી પસાર કરવાનો નિર્ણય કર્યો . રાજા નિરાંતે આરામ કરી શકે , તેથી મંત્રીએ જાગરણ કર્ય઼ું . રાત્રીના બે પ્રહર વીત્યા અને દૂરથી દિવ્ય સંગીતના ધ્વનિ કાને પડવા લાગ્યા . દૈવી વાજિંત્રોના મધુર નાદો સાંભળી તેમને સુખદ કુતૂહલ ઉત્પન્ન થયું . ઊપજેલા કુતૂહલને શમાવવા તે નિબિડ અંધકાર અને ગાઢ જંગલમાં પણ અવાજની દિશામાં ચાલ્યા .
એક યોજન ચાલ્યા બાદ તે સ્થાને પહોંચ્યા . શ્રી નરઘોષ નામના મુનિરાજના કેવલજ્ઞાનનો દેવો મહોત્સવ ઊજવી રહયા હતા . મુનિવરના કેવલ્ય - પ્રાગટ્યના આ દૈવી મહોત્સવને બન્ને જણાવિસ્મિત નયને નિહાળી રહયા . કેવલી ભગવંતના દર્શનથી પરમ ધન્યતા અનુભવી . કેવલી ભગવંતે દેશનામાં જિન - ભક્તિનો પરમ મહિમા ગાયો . ભવ - તારણી દેશનાનું અમૃતપાન કરીને રાજા તથા મંત્રીએ જિનપૂજા વિના અન્ન - જલ ન લેવાનો અભિગૃહ કર્યો . કેવલી ભગવંતને વારંવાર વંદીને વટવૃક્ષ તળે પાછા ફર્યા .
પહેલા જ દિવસે તેમનો અભિગૃહ કસોટીની એરણ પર ચડયો . આ ઘોર અટવીમાં જિનબિંબ ક્યાં મળે ? સૂર્ય આકાશમાં ચડતો ગયો અને રાજવીની કોમળ કાયા ભોજન અને જળના અભાવે કરમાવા લાગી . ચિંતાતુર મંત્રી નગરનો માર્ગ શોધવાના બહાને થોડો દૂર ગયો . એક તળાવની શુધ્ધ અને ભીની માટીમાંથી આગામી ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વ પ્રભુની મનોહર મૂર્તિ બનાવી . એકાગ્ર મને નવકાર મંત્રનું સ્મરણ કરી તે મૂર્તિને પૂજનીય બનાવી અને હર્ષપૂર્ણ હૃદયે રાજા પાસે લઈ આવ્યો .
મનોહર પરમાત્મ બિંબને નિહાળી રાજવી હર્ષાન્વિત બન્યો . પ્રબળ ભક્તિભાવથી પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજા કરવા તે ઉદ્યુત બન્યો . પણ , વેળુના આ બિંબની જલપૂજા કેમ કરવી ? મૂંઝવણનો ઉકેલ શોધવા બંને પરમાત્મા સામે ધ્યાનસ્થ મુદ્રાએ બેઠા . પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ થઈને કહયું કે , "તમારી દૃઢતા અને અપૂર્વ ભક્તિના બળે વેળુની આ પ્રતિમા વજ્રમય બની ગઈ છે ." પદ્માવતીના આ વચનથી મૂંઝવણ દૂર થતાં રાજાએ અત્યંત ભાવોલ્લાસથી જલપૂજા કરીને પોતાના ગલીચ કર્મમળને ધોયા . પદ્માવતી દેવી અને વન દેવતાએ પણ પ્રત્યક્ષ થઈને દૈવી નાચગાન દ્વારા ભક્તિ મહોત્સવ ઊજવ્યો .
જંગલની નિબિડતા અને નિર્જનતાથી ભયભીત બનેલા રાજાનો ભય ટાળનારા આ પાર્શ્વપ્રભુ ભટેવા પાર્શ્વનાથ તરીકે ઓળખાયા . અતિ પ્રશસ્ય દેવને સંસ્કૃતમાં ભટ્ટદેવ કહેવાય છે . ભટ્ટદેવ શબ્દનું અપભ્રંશ ભટેવ બન્યું હોય તેમ પણ કેટલાક વિદ્વાનો માને છે .
પરમાત્મ - ભક્તિથી અતિ તુષ્ટ થયેલા રાજાએ તે સ્થળે ભટેવા નગર વસાવીને ઉત્તું અને મનોહર જિનાલયમાં આ પરમાત્મ બિંબને સ્થાપિત કર્ય઼ું . આ પરમાત્માની પૂજના અને સ્તવનાથી અનેક પુણ્યાત્માઓ નિત્ય ઈષ્ટફળની પ્રાપ્તિ કરવા લાગ્યા .
કાળપુરુષે અવિરતપણે તેની ગતિ ચાલુ રાખી .
ઉપરોક્ત ઘટનાને ત્રીસ હજાર વર્ષનાં વહાણાં વીતી ગયાં. કુંતલપુર નામનું નગર હતું, તેમાં ન્યાય નીતિમાં નિપુણ એવો રાજા ભૂધર તે રાજ્ય નું રૂડી રીતે પાલન કરતો હતો.તેને પ્રીતિમતી નામની રાણી હતી.અને ગુણસુંદર નામે પુત્ર હતો.પૂર્વના અશુભ કર્મના યોગે રાજકુમાર જન્મથી જ આંધળો બહેરો અને મૂંગો હતો,એટલુજ નહિ પણ પોતાના સમસ્ત શરીરે દાહ્જ્વર રોગથી પીડાતો હતો.રાજકુમારના એ રોગનું શમન કરવા માટે રાજાએ અનેક ઉપચારો કરાવ્યા છતાં કંઈ ફેર પડ્યો નહિ.
એ સમયે સદભાગ્યે એજ નગરના બહારના ઉદ્યાનમાં શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ સહપરિવાર પધાર્યા.સર્વને ખબર પડતા ખુદ રાજા સપરિવાર સાથે નગરની જનતા સહિત ખુબ ઠાઠથી ત્યાં આવી વંદન કરી પૂજ્ય આચાર્ય મહારાજ ની સામે બેઠા.
પૂજ્ય આચાર્યદેવે મધુર સ્વરે ધર્મદેશના આપતા કહ્યું કે સંસારી જીવોને ' પાપથી દુઃખ અને ધર્મથી સુખ ' પ્રાપ્ત થાય છે. ઇત્યાદિ ધર્મદેશના શ્રવણ કર્યા બાદ રાજાએ વિનય પૂર્વક પૂછ્યું, પૂજ્ય ગુરુદેવ ! આપતો જ્ઞાની છો.ભગવાન ! મારા કુંવરને જન્મથી જ અંધપણું મૂંગાપણું, બહેરાપણું અને આખા શરીરે દાહ કેમ ? તેને પૂર્વભવ માં એવું શું પાપ કર્યું કે જેને લઈને આ ભવમાં આ બધું દુઃખ ભોગવી રહેલ છે ?
ગુણસુંદર રાજકુમારનો પૂર્વભવ:- આચાર્ય ભગવંતે પ્રત્યુત્તરમાં કહ્યું ' હે રાજન ! તારો પુત્ર ગત ભવમાં આ જંબુદ્વીપ નામના દ્વીપમાં આવેલ ઐરાવત ક્ષેત્રના લીલાવતી નામની નગરીમાં સોમદત્ત નામનો કુલપતિ હતો,તે ભવમાં તેને પાપ કર્મનો ઉદયને લઈને જ્ઞાનની અત્યંત આશાતના-વિરાધના કરી એટલુજ નહિ પણ જ્ઞાનના ઉપકરણ પુસ્તકાદિ બાળી ભસ્મીભૂત કરી નાખ્યા.જ્ઞાની મહાપુરુષોની સદ્દ્ગુરુઓની અને સાધુ સંતોની નિંદા કરી,સદ્દધર્મની ખુબ અવહેલના કરી,તથા ધર્મી લોકોનો પણ અતિ ઉપહાસ આદિ અનેક પાપ કરવાના પરિણામથી ગાઢ નિકાચિત બાંધેલું એવું કર્મ આ ભવમાં તારા પુત્રને અહી ઉદયમાં આવ્યું છે.
રાજકુમારનો રોગ-દુઃખને દૂર કરવાનો ઉત્તમ ઉપાય:- પ્રભો ! એ રાજકુમારનું દુઃખ કંઈ રીતે દૂર થાય ?
આચાર્ય ભગવંતે કહ્યું કે - ' રાજન ! સુદેવ સુગુરુ અને સુધર્મ એ ત્રિવેણી સંગમરૂપ જૈનશાસનની યથાવ્સ્થિત આરાધના કરવાથી ગમે તેવા ગાઢ નિકાચિત કર્મો હોય તેની પણ અવશ્ય નિર્જરા થઇ જાય છે.વિશેષ કરીને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં આવેલ ભટેવા નગરમાં વિરાજતી શ્રી ભટેવાપાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિના ન્હવણ જળથી હે રાજન ! તારા પુત્રના સર્વ રોગ અને દુઃખ દુર થશે.
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબના મુખથી આવું સાંભળી અતિ હર્ષિત થયેલ એવા ભૂધર રાજાએ વિધિ પૂર્વક આચાર્ય મહારાજને વંદન કરી સ્વસ્થાનકે- રાજમહેલે આવ્યા,પછી ઉચિત સર્વ તૈયારી કરી પરિવાર સાથે રાજા રાણી પુત્ર- ગુણસુંદર રાજકુમારને સાથે લઈને જ્યાં ભટેવા(ભટેસર) નગરમાં આવી શ્રી ભટેવાપાર્શ્વનાથ પ્રભુની સન્મુખ ભક્તિભાવ પૂર્વક દર્શન-પૂજન ગીત-ગાન સ્તવનાદિ કર્યા, પછી પ્રભુનું ન્હાવણ જલના છંટકાવથી રાજકુમાર ગુણ સુંદરના સર્વ રોગ દુર થયા જે દુઃખ હતું તે ચાલ્યું ગયું.મહાપ્રભાવિક અને ચમત્કારિક એવી શ્રી ભટેવાપાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિને નિહાળતા અને અંત:કરણમાં ભાવોલ્લાસના વિશુદ્ધ પરિણામ થતાં એ રાજકુમારે શુદ્ધ એવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું.આથી સર્વને અત્યંત આનંદ થયો,પ્રભુ મૂર્તિના મહિમાની સુવાસ સર્વત્ર પ્રસરી. રાજા-રાણી એ રાજકુમાર આદિ પરિવાર સહિત પોતાના નગરે પાછા આવી અનુપમ શાસન પ્રભાવના પૂર્વક મંગળ મહોત્સવ કર્યો,નીરોગી થયેલ રાજકુમારને જોવા અનેક લોકો આવ્યા,અને સાક્ષાત પ્રભુભક્તિનો અપૂર્વ મહિમા નિહાળી અનેક લોકો પ્રભુ ભક્તિમાં શ્રધ્ધાવંત બન્યા.સમય જતા ભૂધર રાજાએ ગુણસુંદર નો રાજ્યાભિષેક કર્યો, નિવૃત થયે રાજા ધર્મારાધના કરતાં સમાધીપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગયા.
અભિનવ ગુણસુંદર રાજા ન્યાયનીતિ પૂર્વક રાજ્યનું પાલન કરી અંત સમયે અનસન વ્રત કરી સમાધીપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં મહર્દ્વિક દેવ રૂપે ઉત્પન્ન થયા.
શ્રી ભટેવાપાર્શ્વપ્રભુની મૂર્તિ દેવલોકમાં:- દેવલોકમાં ઉત્પન્ન થતાજ અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વ ભવ જાણ્યો,તેમાં મહાન ઉપકારી શ્રી ભટેવાપાર્શ્વ પ્રભુની મહા પ્રભાવિક અને ચમત્કારિક મૂર્તિ જોઈ તત્કાલ ભટેવાનગર માંથી તે મૂર્તિ દેવલોકમાં લાવી પોતાના વિમાનમાં પધરાવી.આ રીતે દેવ વિમાનમાં શ્રી ભટેવાપાર્શ્વ પ્રભુની મૂર્તિ પાંચ લાખ ચોવીશ હજાર આઠસો વર્ષ (૫૨૪૮૦૦)વર્ષ પૂજાઈ.
શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની મૂર્તિ પૂનઃ મનુષ્ય લોકમાં:- તે સમયમાં શ્રી ભટેવા નગરમાં સુર સુંદર નામના મુનિરાજ ભવ્ય જીવોને જિનવાણીનું પાન પ્રતિદિન કરાવી રહ્યા છે,તે નગરમાં સુરચંદ નામનો એક વણિક રહેતો હતો.તેને વ્યાપારમાં પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળી તેથી તે પોતાના પુણ્યની ખામી અને અંતરાય કર્મનો ઉદય સમજી મળેલ મનુષ્ય ભવની સાર્થકતા માટે વિવિધ પ્રકારની ધર્મારાધનામાં લીન રહેવા લાગ્યો.તથા સુરસુંદર ગુરૂ મહારાજ પાસે ઉપાશ્રયમાં જ બેસી રહેતો,એક દિવસ તેના માતાપિતા એ ઠપકો આપ્યો કે સંસારના કાર્યોમાં નીરુદ્યમી તરીકે ટકોર કરી.આવું સંભાળીને સુરચંદને ઘણું દુઃખ થયું .ઉદાસીન ચહેરે સુરસુંદર ગુરૂ મહારાજ પાસે આવીને બેઠો,તેના ઉદાસીન ચહેરાને જોતાં ગુરુદેવે ઉદાસીન રહેવાનું કારણ પૂછ્યું.ગુરુદેવ ! હું ધર્મારાધના કરું છું,પણ વ્યાપાર નહી કરતો હોવાથી મારા માતા-પિતા અને કુટુંબીજનોની નજરમાં અદેખો બન્યો છું. શુ કરું? આપ યોગ્ય માર્ગદર્શન આપોતો ધર્મની હિલનામાં શાસનની નિંદામાં હું નિમિત્ત ન બનું.
જ્ઞાની ગુરુદેવે કહ્યું મહાનુભાવ !તમારે બાર વરસનું અંતરાયકર્મ ઉદયમાં આવ્યું છે,તેથી કોઈ ગમેતેમ કહે તે ઉપર લક્ષ નહી આપતાઆત્માની અંતરંગ પરિણતીને ધર્મારાધનાથી વાસિત બનાવી સમભાવમાં રહો.
સુરચંદ કહે છે-ગુરુદેવ!આપણી વાત સાચી,પણ ઉદ્યમ પુરુષાર્થથી સર્વ સિદ્ધ થાય છે તે ધ્વારા કર્મની સકામ નિર્જરા પણ થઇ શકે છે.માટે મને યોગ્ય પુરુષાર્થનો માર્ગ એવો બતાવો કે જેથી મારી ચિત્તની સમાધી સ્થિર રહી શકે અને સંકલેશના પરિણામો પ્રબળ ન બને.
ગુરૂ મહારાજે કહ્યું - હે સુરચંદ શેઠ ! ધન્ય છે તારી ધર્મશ્રધ્ધાને ! એટલુજ નહિ પણ આત્મ પરિણતીને નિર્મળ રાખવાની તારી ઉત્તમ ભાવના ખુબજ અનુમોદનીય છે.ભલે તારું અંતરાયકર્મ બાર વરસનું હોય ! એથી તારે ગભરાવાની જરૂર નથી,મને લાગે છે કે તુ પૌષધ સહીત અઠ્ઠમ તપ કરવા પૂર્વક શ્રી પાર્શ્વનાથપ્રભુના શાસનદેવી શ્રીપદ્માવતીદેવીની આરાધના કરીશ તો જરૂર તરી ઈચ્છા પૂરી થશે અને કાર્ય પણ સિદ્ધ થશે.
આ સાંભળી સુરચંદ શેઠ ખુબ ખુશ થયા,ગુરુદેવે જણાવેલ યોગ્ય દિવસે અઠ્ઠમ નો તપ અને પૌષધ યુક્ત શ્રી પદ્માવતી દેવીની આરાધના વિધિ સહિત શરુ કરી,વિશુદ્ધ આરાધના ના બળે ત્રીજા દિવસે શ્રી પદ્માવતી દેવી પ્રસન્ન થઈને બોલી કે કેમ મને યાદ કરી ? શેઠે કહ્યું હે દેવી ! મારું દુઃખ દુર કરો.
સુરચંદ શેઠની ધર્મશ્રદ્ધા, ભક્તિ,અને અભિલાષાથી પ્રસન્ન થયેલ શ્રી પદ્માવતી દેવીએ કહ્યું કે સુરચંદ !તારે અઠ્ઠમના તપ પૂર્વક શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાન ની આરાધના કરવાની રહેશે.આ આરાધના થી તારું દુઃખ દુર થશે, તારી મનોકામના પૂર્ણ થશે.એ પ્રમાણે કહી દેવી અદ્રશ્ય થઇ ગઈ. આ બાજુ સુરચંદ શેઠ ગુરૂ મહારાજ પાસે આવ્યા અને બનેલી સર્વ ઘટનાથી વાકેફ કર્યા, સહર્ષ ગુરૂ મહારાજે પણ દેવીની વાતનું સમર્થન કરવા પૂર્વક શેઠને આરાધના ની વિધિ બતાવી અને શ્રેષ્ઠ મુહુર્ત પણ આપ્યું.ગુરુદેવ ની આજ્ઞા અને સુચના સવિનય સ્વીકારી શેઠ પોતાના ઘરે ગયા.
મુહુર્ત અનુસાર શુભ દિવસે સુરચંદશેઠ ઉપાશ્રયે આવી અને ગુરુભગવંત ની સંમતી લઇ અઠ્ઠમ તપ સાથે આરાધના શરુ કરી. શેઠની ધર્મ શ્રદ્ધા અને દૃઢતા ને લઈને ત્રીજા દિવસની રાત્રીના ચોથા પ્રહારના પ્રારંભ માં એક અદ્દભુત ઘટના બની. મહાપ્રભાવિક અને ચમત્કારિક એવી ભટેવા પાર્શ્વનાથપ્રભુની ભવ્ય મૂર્તિને પોતાના હાથમાં લઇ એક દેવ સુરચંદશેઠની સન્મુખ પ્રત્યક્ષ હાજર થયો.એ દેવ બીજું કોઈ નહિ પણ ગુણસુંદરનો જ આત્મા હતો. જે પૂર્વ ભવમાં ભટેવા પાર્શ્વપ્રભુના નવ્હણ જળથી સર્વ રોગ મુક્ત થયો હતો,અને એમના વિમાનમાં એજ મૂર્તિ હતી.દેવે સુરચંદ શેઠ સમક્ષ હાજર થઈને કહ્યું - આ મૂર્તિના પ્રભાવથી હવે તારું સર્વ દુઃખ દુર થશે, તુ સુખી બની જઈશ માટે અતિ ભાવથી પ્રભુ ભક્તિ કરી જીવનને કૃતાર્થ બનાવજે,ઇત્યાદિ કહી એ દેવ અદ્રશ્ય થયો.
દેવની આવી વાણી સાંભળી સુરચંદ શેઠ અતિ આનંદમાં આવી ગુરુદેવ પાસે ગયો બધી વાત જણાવી ગુરૂ દેવ પણ પ્રભુના દર્શન કરી ભાવથી દાદાને ભેટ્યા.પછી ગુરૂ ભગવંતે કહ્યુકે-સુરચંદ શેઠ ? આ મૂર્તિને તમારા ઘરે લઇ જાવ અને તેની કોઈપણ પ્રકારે આશાતના ન થાય એ રીતે ઘરના એક શુદ્ધ ખંડમાં પધરાવી ત્રિકાલ પૂજા આદિનો લાભ લેજો.ગુરુદેવની આજ્ઞા મુજબ શેઠે મૂર્તિ પોતાના ઘરમાં પધરાવી અને ભક્તિ પૂર્વક ત્રિકાલ પૂજા આદિ કરવા લાગ્યા.
શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની ભક્તિ કરતાં પરિણામે સુરચંદ શેઠનું અંતરાય કર્મ ધીરે ધીરે દુર થયું, દિન પ્રતિદિન વેપાર-ધંધામાં વૃદ્ધિ થવા લાગી, સમય જતા વિશિષ્ટ ઐશ્વર્યશાળી શેઠ બન્યા.આખા ગામમાં સુરચંદ શેઠની વાહવાહ જામી,અને તેમની સુવાસ ચારે બાજુ પ્રસરી ગઈ.એ વખતે ઇડર ગઢના મહારાજાના કાને પણ આ વાત આવી.સુરચંદ શેઠની પાસે મહાપ્રભાવિક અને ચમત્કારિક શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની ભવ્ય મૂર્તિ છે, તેના પ્રભાવે તેની દિન પ્રતિદિન પ્રગતિ થઇ રહી છે.વિશાલ સમૃદ્ધિ અને વિપુલ લક્ષ્મી પણ વધી રહી છે.તથા કીર્તિ સુવાસ સર્વત્ર પ્રસરી રહી છે.
અરે ! આવી ચમત્કારિક મૂર્તિ જો આપના ભંડારમાં આવી જાયતો રાજનો ખજાનો -રાજભંડાર ભરપુર થઇ જાય.એવી ભવ્ય મૂર્તિતો રાજ ભંડારે જ શોભે.એ રીતે રાજસત્તા ના સિંહાસને બેઠેલા મહારાજાએ વિચારી કોઈની પણ સલાહ લીધા સિવાય તત્કાલ પોતાના સેવકને બોલાવી આજ્ઞા કરી,જલ્દી સુરચંદ શેઠને ત્યાં જાવ અને તેની પાસે રહેલી ભગવાન ની મૂર્તિ લઇ આવો.
મહારાજની આજ્ઞાથી સેવકો સુરચંદ શેઠને ત્યાં પહોચ્યા સર્વ વાત જણાવી પ્રભુમૂર્તિની માંગણી કરી,સંભાળીને સુરચંદશેઠતો આભા બની ગયા. ચિંતામાં પડી ગયા. શુ કરવું ? વિચાર ને વિચારમાં મગ્ન બની ગયાં.
અરે ! એ મૂર્તિતો મારા પ્રાણ કરતા પણ અધિક છે,રાજા માંગે તેટલું ધન,માલ મિલકત બધું આપી દઉં,પણ તરણ તારણહાર એવા મારા આરાધ્ય દેવની મૂર્તિ હું ન આપી શકું.સુરચંદ શેઠે રાજ સેવકોને કહ્યું.
આ સાંભળી રાજસેવકોએ કહ્યું શેઠ અમને તો મહારાજનો હુકમ છે એટલે અમે કોઇપણ ભોગે તમારી પાસેથી એ મૂર્તિ લઇ જવાના.તમે એ મૂર્તિ ક્યાંથી લાવ્યા એનો જવાબ પણ આપવો પડશે.નહીતો તમારા પર ચોરીનો આરોપ આવશે. સમજી લેજો,
આ સાંભળી સુરચંદ શેઠે વિચાર્યું, અત્યારે બળથી નહિ કળથી કામ કરવું પડશે.આ રીતે વિચારી વાણી તથા બીજી રીતે રાજસેવકોને ખુશ કરી પોતે બહારગામ ગયા છે એવું બહાનું કાઢી ફરી આવવા કહ્યું.રાજસેવકો ત્યાંથી ચાલ્યા ગયાં.સમય સુચકતા વાપરી મધ્યરાત્રીએ પોતાના ઘરના પાછલા બારણેથી ગુપ્તપણે ગામની બહાર રામા પટેલના ખેતરમાં યોગ્ય જગ્યા જોઈ ઊંડો ખાડો કરી તેમાં દુખતા દિલે અને અશ્રુભીની આખે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની પ્રતિમા ને પધરાવી દીધી. અને સાવચેતી પૂર્વક ખાડો પૂરી દીધો.તે ભૂમિને પુનઃ પુનઃ નમસ્કાર કરતા ભારે હૈયે સુરચંદ શેઠ પાછા વળ્યા.
એક દિવસ ફરી રાજાના માણસો શેઠને ઘેર આવ્યા.આખું ઘર તપાસ્યું પણ પ્રભુ મૂર્તિ ન મળી,એટલે નિરાશ થઈને પાછા ફર્યા અને સર્વ સમાચારથી રાજાને વાકેફ કર્યા.
પ્રભુ મૂર્તિ વિના શેઠના દિવસો અતિ સુસ્ત રીતે વીતવા લાગ્યા.શેષ જિંદગી ધર્મ આરાધનામાં વિતાવી છેવટે સમાધી પૂર્વક મૃત્યુ પામી સુરચંદ શેઠનો આત્મા દેવગતિમાં યક્ષ નિકાયમાં યક્ષ રૂપે ઉતપન્ન થયો.
રમા પટેલના ખેતરમાં ભંડારેલી શ્રી ભટેવાપાર્શ્વપ્રભુની મૂર્તિ બે હજારવર્ષ સુધી રહી ત્યાં પણ દેવોધ્વારાપૂજાઈ. -
શ્રી ભટેવા પાર્શ્વપ્રભુ ની ભવ્ય મૂર્તિની પુનઃ ચાણસ્મામાં પધરામણી:- સમય જતા દુષ્કાળ દુર થયો, ચાણસ્માની વસાહત પુનઃ ભરપુર બની.સહુના દિલમાં એમ થયું કે હવે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુને આપણા ગામમાં પધરાવો.આ સંબંધમાં સંઘના આગેવાનો ભેગા થઇ પાટણ ગયા.અને નગર શેઠને મળ્યા.ઘણી ચર્ચા વિચારણા અને વાટાઘાટો પણ થઇ. પાટણના નગરશેઠે ચાણસ્મા ના આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે પ્રતિમાજીને લઇ જવાની વાત તો ભૂલી જ જજો.આ રીતે નગરશેઠની આપખુદી અને દાદાગિરી થી ચાણસ્માનો સંઘ ચોંકી ઉઠ્યો અને રોષે ભરાયો,વાતાવરણ માં દિનપ્રતિદિન ગરમી રહી.હવે શુ કરવું ? એની વિચારણામાં એક દિવસ પાટીદાર કોમના પટેલ કસલદાસ જેકણદાસ અને માળી કોમના રામી નાથા ચતુર (એ સમયનો પુજારી) પણ આવ્યા.નિરુત્સાહ બનેલ ચાણસ્મા સંઘની વાત અને પાટણના નગરશેઠની આપખુદી અને દાદાગિરી ની વાત સાંભળી ને પટેલ કસલદાસ અને માળી નાથા ચતુર બન્ને જણ રોષે ભરાયા અને ત્યાં જ આગળ આવીને મહાજન ને કહેવા લાગ્યા કે ગભરાશો નહીં,પ્રાણાંત ભોગે પણ અમો પાટણ જઈ ને નગર શેઠના ત્યાંથી ભગવાન લાવીશું જ.
બીજે દિવસે પટેલ કસલદાસ અને રામી નાથા ચતુર બન્ને જણ ઘોડી પર બેસી ને પાટણ પહોચ્યા અને સીધા નગરશેઠના ઘરે ગયા.પ્રભુમુર્તિ નાં દર્શન કર્યા બાદ નગર શેઠને મળ્યા ચાણસ્મા ગામ માં મૂર્તિ લઇ જવા માટે જોરદાર માંગણી કરી,છતાં પણ નગરશેઠે પ્રતિમાજી આપવાની ના જ કહી. ઘણાં સમજાવ્યા તો પણ શેઠ ન સમજ્યા.સંઘર્ષ પેદા થયો અને ઉશ્કેરાટ વધ્યો, છેવટે બન્ને જણ હિંમતપૂર્વક શ્રી ભટેવાદાદા ની મૂર્તિ હાથમાં લઇ ઘોડી પર સવાર થઇ રવાના થયા.
આ બાજુ નગરશેઠે રાજ્ય માં ફરિયાદ કરી અને નગરના બારે દરવાજા બંધ કરાવ્યા.તેથી દરવાજે પહોચેલ પટેલ અને રામી બન્ને જણ વિચારમાં પડી ગયા હવે શુ કરવું ? આ તો ફસાયા,તત્કાલ બુધ્ધી સુજી અને ખુબ હિંમત રાખી બન્ને જણે બન્ને ઘોડીઓ ને પાછી પાડી લગામ ખેચી ને કુદાવી.આબાદ રીતે બન્ને ઘોડી મહારાજા કુમારપાળે બંધાવેલો જબરજસ્ત કિલ્લો કુદીને બહારની બાજુએ પડી.
આથી બન્ને જણ આશ્ચર્યયુક્ત આનંદમાં આવી ગયાં. અરે ! આ ઘોડીએ તો ગજબ કર્યો ! પાટણ નો ગઢ સર કરી દીધો.પ્રભુની મૂર્તિ સુરક્ષિત અમો બન્ને સુરક્ષિત અને બન્ને ઘોડી પણ સુરક્ષિત વાહ રે વાહ એ સર્વ પ્રભાવ આ શ્રી ભટેવાદાદા ના અધિષ્ઠાયક દેવનો છે.
નગરશેઠે ઘોડે સવારો ને પકડવા અને મૂર્તિ પછી મેળવવા તેમની પાછળ સૈનિકો ની ટુકડી તત્કાલ રવાના કરાવી,આ બાજુ બનેલ ઘટના ની જાણકારી ચાણસ્મા ગામ માં અતિ વેગે પહોચી ગઈ.તેથી લોક્વર્ગ પાટણ રસ્તે ઉમટ્યું. સબોસન અને વાવડીવચ્ચે બન્ને પક્ષ સામસામા થયા.પાટણ અને ચાણસ્મા વચ્ચે યુદ્ધ જામ્યું.આમ એકબીજા તરફ ઝઝુમતા રાત પડી છેવટે પાટણ થી આવેલ ટુકડીની પીછેહઠ થઇ.
વિજયવંત થયેલ ચાણસ્મા નો લોક્વર્ગ " શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની જય " એ પ્રમાણે ની વારંવાર ઉદ્દઘોષના કરતો તથા પટેલ કસલદાસ અને રામી નાથાચતુરની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરતો ચાણસ્મા આવી પહોચ્યો.પૂજારી નાથા ચતુર ના ઘરે શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુની મૂર્તિ પરોણા તરીકે પધરાવી.એ સમયે પ્રભુ મૂર્તિની પૂજાસેવા કાજે પટેલ કસલદાસ જેકણદાસે પોતાની જમીન માંથી આઠ વિઘા જમીન આપી પોતાની પ્રત્યેની ભક્તિ હર્ષયુક્ત વ્યક્ત કરી.
ચાણસ્માના સંઘમાં આનંદ અને ઉત્સાહની છોળો ઉછળવા લાગી.ભવ્ય જિન મંદિર નિર્માણ કરવા મારવાડમાં બિરાજતા શ્રી પુજ ગોરજીને આગ્રહ ભરી વિનંતી કરી ચાણસ્મામાં ચાતુર્માસ કરાવ્યું,તેમની પ્રભાવશાળી વાણીથી સંઘના કાર્યમાં અતિ વેગ મળ્યો અને શિલ્પકળા નિષ્ણાત સલાટ કેશુ અને કડીયા ભુદરજી મારફત જિનમંદિર અઢાર વર્ષે ના પરિશ્રમ થી તૈયાર થયું.આ જિનમંદિર ના નિર્માણ કાર્યમાં ધાંગધ્રા માં ઘડતા પથ્થરો લાવવા માટે પાટીદારના ગાડાનો સદુપયોગ થતો હોવાથી પાટીદારો પણ પોતાને અહોભાગી માનતા.
વિક્રમ સંવત ૧૮૭૨ ની સાલ માં ફાગણ - સુદ-૩(ત્રીજ) ના દિવસે આચાર્ય શ્રી જીનેન્દ્રસૂરી મહારાજની નિશ્રામાં શ્રી સંઘે જૈન અને જૈનેતર ના અતિ ઉત્સાહ સાથે ભવ્ય મહોત્સવ પૂર્વક વિશાળકાય જિન મંદિરમાં શ્રી ભટેવાપાર્શ્વપ્રભુની મૂર્તિની સ્થાપના કરી.જયજયકાર વર્ત્યો. પ્રતિવર્ષ જ્યારે આ પ્રતિષ્ઠાનો દિવસ ફાગણ-સુદ-ત્રીજ આવે છે ત્યારે સૌના આનંદમાં અભિવૃદ્ધિ થાય છે.સર્વે ધ્વજા રોહણના ઉત્સવને સુંદર રીતે ઉજવે છે. ગામમાં ધજા દર્શનાર્થે વરઘોડો કાઢવામાં આવે છે.અને સત્તરભેદી પૂજા ભણાવાય છે.શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય થાય છે.
જય ભટેવા.......જય ભટેવા.......જય ભટેવા........જય ભટેવા........જય ભટેવા.......જય ભટેવા.........જય ભટેવા........જય ભટેવા........
ચંદ્રાવતીનગરી (આજનું ચાણસ્મા)માં આવેલી ભટેવા પાર્શ્વપ્રભુની મૂર્તિ:- પૂર્વ આજ ચંદ્રાવતી નગરીમાં રવચંદ શેઠ નામના એક ધર્માત્મા પ્રતિદિન પ્રભુભક્તિમાં લીન રહેતા હતા,પૂર્વના અશુભ કર્મો નો ઉદય થવાથી તેઓ ખુબજ મુશ્કેલીમાં પોતાનું જીવન પસાર કરતાં હતા.એક દિવસ પ્રતિક્રમણ આદિ ક્રિયા કરી નવકારમંત્રનું સ્મરણ કરી પથારીમાં ભર નિંદ્રામાં પોઢી ગયા હતા,મધ્ય રાત્રીએ સુંદર સ્વપ્ન આવ્યું.તેમાં તેમને જોયુકે મારી સામે એક યક્ષદેવ ઉભા છે,અને કહી રહ્યા છે રવચંદ શેઠ ! સાબદા બનો આજથી તમારું દુઃખ દુર થયું સમજો !
અહીંથી પૂર્વ દિશામાં આવેલ ઇડર ગામ છે,તેની દક્ષિણ દિશામાં રહેલ વન ના ભૂગર્ભ માં શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની મૂર્તિ છે,ત્યાં તમારે રથ લઈને જવાનું અને ભૂગર્ભ માંથી એ પાર્શ્વનાથ પ્રભુની બહાર કાઢી રથ માં પધરાવી અહી લાવી એક વિશાલ નૂતન જિનમંદિર બંધાવી તેમાં પધરાવવાની છે.આવો અત્યુત્તમ લાભ અવશ્ય તમને મળવાનો છે.આ પ્રમાણે કહી દેવ અદ્રશ્ય થઇ ગયો.
રવચંદ શેઠ નિંદ્રા ત્યજી જાગૃત થયા.આવેલ સુંદર સ્વપ્નનો સાર વિચારવા લાગ્યા.રાઈ પ્રતિક્રમણ કર્યા બાદ પ્રાત:કાલે સ્નાન કરી.પ્રભુજીની અષ્ટ પ્રકારી પૂજા કરી. અન્ય આગેવાન શ્રાવકોને સ્વપ્નની વાત થી વાકેફ કર્યા.એ સાંભળી સર્વને આનંદ થયો.
પ્રભુજીને પધરાવવા યોગ્ય બધી પૂજન-સામગ્રી એકઠી કરી,રવચંદ શેઠ અને અન્ય ત્રણ શ્રાવકો રથમાં બેસી જ્યાં ભટેવાનગર છે,ત્યાં આવી પહોચ્યા.સ્વપ્ન આપનાર યક્ષદેવનું પુનઃ સ્મરણ કર્યું. તુરંત યક્ષ પ્રગટ થયા અને તેમને દક્ષિણ દિશામાં આવેલા વનમાં જવા સૂચવ્યું,ત્યાં એક મોટું સરોવર છે,તેના કિનારે અશોક્વ્રુક્ષની નીચે, સફેદ સર્પ નૃત્ય કરતો હશે,તેની નજીક માં રહેલા મોતીના સ્વસ્તિક નીચે ભટેવા પાર્શ્વપ્રભુની પ્રતિમા છે,અન્ય ત્યાં હીરા,મણિ,માણેકની ખાણ પણ છે.
યક્ષદેવની વાત સાંભળી સૌ હર્ષોલ્લાસ સાથે એ સ્થળે પહોચ્યા.બરાબર એવુજ દ્રશ્ય દેખાયું.શુદ્ધ વસ્ત્રો ધારણ કરી, જળ અને ચંદનનો છંટકાવ કરી પુષ્પ ચઢાવી ભૂમિ પૂજન કર્યું.અને મંત્રોચ્ચાર વચ્ચે શેઠે ખોદકામ શરુ કર્યું.જોત જોતામાં શ્રી ભટેવા પાર્શ્વ પ્રભુના દર્શન થયા.................
સૌ આનંદ વિભોર બન્યા.રવચંદ શેઠનું સ્વપ્ન સફળ થયું,પાર્શ્વપ્રભુની પ્રતિમા રથમાં પધરાવી અને યક્ષદેવના કહ્યા મુજબ હીરા-માણેકઆદિ રત્નો ખાણમાંથી એકઠા કરી. ચંદ્રાવતીનગર જવા રવાના થતાંજ ભટેસરનગર ના લોકોએ પોતાના નગરની હદ માંથી નીકળેલ મૂર્તિ સોપી દેવા માંગણી કરી,અને ખુબજ પ્રયત્ન કર્યો.પણ રવચંદ શેઠ અને સાથે રહેલ શ્રાવકોએ "શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાનની જય" બોલતા ની સાથે રથને જોડેલા બન્ને વૃષભ (બળદ) એકદમ દોડવા લાગ્યા.આવો આશ્ચર્યજનક ચમત્કાર જોઈ ભટેસર ના લોકો અચંબો પામી ગયાં.
માર્ગ પસાર કરતો કરતો રથ ચંદ્રાવતી (ચાણસ્મા) નગરની સીમામાં આવી પહોચ્યો,ગામની સીમાએ રથ ઉભો રાખી રવચંદ શેઠે ગામમાં સમાચાર પહોચાડ્યા. ચમત્કારિક -અલૌકિક એવી પાર્શ્વપ્રભુની મૂર્તિ લઈને રવચંદ શેઠ અને શ્રાવકો ગામની સીમા એ આવ્યા છે એવા શુભ સમાચાર મળતાં જ જૈન-જૈનેતરના ટોળે-ટોળાં ઉમટયા. ગામની સીમાએ.શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિના સૌએ ભાવવિભોર બની દર્શન કર્યા,જયનાદ ના અવાજ થી ગગન ગુંજી રહ્યું હતું,ચારે તરફ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું હતું. જૈન-જૈનેતરની વિશાલ જનમેદની સાથે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુનો નગર પ્રવેશ થયો, ભાવુકો પ્રભુજીને સોના-રૂપા અને અક્ષતથી વધાવવા લાગ્યા.રવચંદ શેઠે અતિઠાઠ અને મંગળ વધામણા સાથે પ્રભુજીને પોંખણા કરી સુંદર સજાવેલ પોતાના મકાનમાં એક ગૃહ વિભાગમાં પધરાવી. પ્રાતે: પ્રભાવના લઇ સૌ જન વિખરાયા.
એક વખત રવચંદ શેઠ રાતના પ્રભુમૂર્તિના વિચાર માં સમય પસાર કરી રહ્યા હતા,ત્યાં પુનઃ શ્રી યક્ષદેવ પ્રગટ થયા.હે રવચંદ શેઠ ! તારો પ્રબળ પુણ્યોદય છે,અનેરૂ ભાગ્ય ખીલી ઉઠ્યું છે,તને પ્રાપ્ત થયેલ હીરા-માણેક મણિનો સદ્દુપયોગ કરવાનો સુઅવસર પાક્યો છે.માટે વિલંબ નહિ કરતાં એક ભવ્ય જિનમંદિર આ નગરની પૂર્વ દિશા તરફ બંધાવ અને મહામંગલકારી પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી એ પ્રભુમૂર્તિને પધરાવ.એમ કહી યક્ષ અદ્રશ્ય થયા.
શ્રી યક્ષરાજનું કથન સાંભળી બીજા દિવસે રવચંદ શેઠે આખા શ્રી સંઘને પોતાના ઘરે આમંત્રી પોતાનો વિચાર સંઘની સમક્ષ રજુ કર્યો.સંઘે સહર્ષ વાતને વધાવી શેઠને પૂર્ણ સહકારની ખાત્રી સાથે નૂતન જિનમંદિર નિર્માણનો આદેશ આપ્યો.અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક રવચંદ શેઠે સંઘનું બહુમાન કર્યું.ત્યાર પછી સંઘ ત્યાંથી વિખરાયો.
શિલ્પકળા માં નિષ્ણાત એવા ઉત્તમ શિલ્પીઓને બોલાવી અને તેઓની પાસે એક અતિ સુંદર વિશાલ નૂતન જિનમંદિર નો નકશો તૈયાર કરાવ્યો.ત્યાર પછી તદ્દનુસાર રવચંદ શેઠે શ્રી સંઘના પૂર્ણ સહકાર સાથે શુભ મુહુર્તે ખાત મુહુર્ત અને શિલાન્યાસ કરાવવા પૂર્વક મંદિરનું કામ શરુ કરાવ્યું.જોતજોતામાં અને ટૂંક સમયમાં ચાણસ્મામાં એક વિશાળકાય ભવ્ય જિનમંદિરનું નિર્માણ થયું. મૂળનાયક તરીકે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની ભવ્ય મૂર્તિને સ્થાપન કરવાનો શુભ અવસર શ્રી સંઘને પ્રાપ્ત થયો.વિક્રમ સંવત ૧૫૩૫ ના વૈશાખ સુદ-૩ ના દિવસે શુભ મુહુર્તે નૂતન જિનમંદિર માં મૂળનાયક તરીકે અતિ પ્રાચીન એવી શ્રી ભટેવા પાર્શ્વપ્રભુ ની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.નૂતન જિનમંદિર બંધાવનાર રવચંદ શેઠે શ્રી સંઘના અનેરા ઉમંગ અને ઉત્સાહ ઉલાસ સાથે પરમ શાસન પ્રભાવના પૂર્વક મહાપ્રભાવિક અને ચમત્કારિક એવા શ્રી ભટેવા પાર્શ્વનાથ દાદાને ગાદીનશીન -પ્રતિષ્ઠિત કર્યા.
શ્રી ભટેવા દાદાની મૂર્તિનું ઉત્થાપન અને પાટણમાં પધરામણી:- સંવત ૧૫૩૫ ની મંગલપ્રતિષ્ઠા ને એક શતાબ્દી પસાર થઇ ગયાં બાદ કુદરતી કોપ થતાં વિ.સંવત ૧૬૪૧ ની સાલ માં દુષ્કાળ પડ્યો.પાણી વિના ખેતી-વેપાર ધંધા ભાગી પડ્યા,પ્રજાજનો અને પશુધન બહાર જવા મજબૂર થયું.જિનાલય ની રક્ષા પણ મુશ્કેલી ભરી સ્થિતિમાં મુકાઇ ગઈ.સંઘના આગેવાનો એકઠા થયા.પરિસ્થિતિનો વિચાર કરી પાટણ માં મહેતાના પાડા માં રહેતા નગરશેઠ રતન શાહના ત્યાં મૂર્તિને તેમના ઘર દહેરાસરમાં પરોણા તરીકે રાખવાનું નક્કી કર્યું. રતનશાહને વાત કરી શુભ દિવસે શ્રી ભટેવા પાર્શ્વપ્રભુની ભવ્ય મૂર્તિને ઉત્થાપન કરી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો