શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

Ratnakar Pachisi Rachana

શ્રી રત્નાકરસૂરિ વિદ્વત્તાને વરેલા, પ્રખર વ્યાખ્યાતા, અત્યંત જ્ઞાની સંત હતા. એમના ઉત્કૃષ્ટ કોટિના ત્યાગ અને તપ હતા. એમની વાણીમાં ઓજસ્ હતું. પ્રવચન આપતા ત્યારે એમની જીભ પર જાણે સરસ્વતી બિરાજમાન હોય તેવો જનસમુદાય પર પ્રભાવ પડતો.


એકદા વિચરણ કરતાં કરતાં તેઓ બહોળા શિષ્ય પરિવાર સાથે ગુજરાતના રાયખંડ વડલી ગામમાં પધાર્યા. એમની જોશીલી વાણીનો પ્રવાહ લોકોના અંતરને સ્પર્શી જતો. કેટલાક વૈરાગ્ય પામી સંત બન્યા તો કેટલાક વ્રતધારી શ્રાવકો બન્યા.


સુધન નામનો શ્રાવક ધંધુકાનો રહીશ, રૂનો મોટો વેપારી  રાયખંડ વડલી આવી ધમધોકાર વેપાર કરતો હતો. એના હ્રદયમાં માવિત્રો તરફથી મળેલા ધર્મના સંસ્કારો ને કારણે ધર્મભાવના તો હતી જ. તેમણે તપાસ કરી કે કોઈ સંતસતીજી અહીં બિરાજે છે ? – તો ખબર પડી કે રત્નાકર સૂરિ પરિવાર સહિત બિરાજે છે. સુધન પ્રવચન સાંભળવા આવ્યો, સાંભળ્યા બાદ એને સંસાર પ્રત્યે વિરકિત જાગી..


ખારા સંસારસાગર તરફ વહેતા જીવનપ્રવાહને પલટાવી દીધો. રાતદિવસ બજારમાં રખડનારો સુધન હવે કલાક બેકલાક પણ બજારમાં જતો ન હતો.


 દુન્યવી વહેવાર તરફ એને તિરસ્કાર છૂટયો હતો, હવે એને ધર્મનો વ્યવહાર વહાલો લાગ્યો હતો.


સુધનના હૈયાની સિતાર ઉપર ધર્મનું સૂરીલુ સંગીત વહેતુ મુકનાર બીજુ કોઈ નહીં પણ એ તરુણયોગી, અધ્યાત્મ યોગીરાજ શ્રી રત્નાકરસૂરિ જ હતા.


એમની વાણીએ સુધન પર ગજબનું કામણ કર્યું. સુધનના જીવનનું આમુલ પરિવર્તન થઈ ગયુ.


સુધનને મન રત્નાકરસૂરિ માત્ર ગુરુદેવ નહિ, ભગવાન સમાન હતા..


આચાર્યને મન સુધન ભક્ત કે શિષ્ય સમાન હતો. પરસ્પર બન્ને ધર્મસંબંધથી જોડાયેલા હતા.


સુધન સતત ઉપાશ્રયમાં રહી ગુરુ પાસેથી જ્ઞાનધ્યાનનો લાભ મેળવતો અને ધર્મકરણીમાં સમય વિતાવતો..


રત્નાકરસૂરિ પૂર્વજીવનમાં અબજોપતિ શ્રીમંતના પુત્ર હતા. તેઓ એક સોનાની વીંટી પહેરતા. તેમાં કેટલાય સાચા રત્નો જડેલા હતા.


સંસાર ત્યાગી અને સંયમી બન્યા પણ રત્નો પ્રત્યેની આસક્તિથી વીંટીમાંથી એ રત્નો કઢાવી પોતાની સાથે એક સફેદ કપડાની પોટલી બનાવી, તેમાં રત્નો બાંધી દીધા.


 રજોહરણની અંદર એ પોટલીને ગુપ્તપણે રાખી લીધી. રજોહરણનું પડિલેહણ સ્વયં કરી લેતા.


ધીમેધીમે જ્ઞાનમાં પ્રગતિ સાધી. અનેક યુવાનો એમના શિષ્ય થયા, પણ શિષ્યોને ક્યારેય રજોહરણનું પડિલેહણ કરવા ન આપતા .


શિષ્યો જ્યારે અન્ય ક્રિયાઓમાં વ્યસ્ત હોય, ત્યારે રત્નાકરસૂરિ પોટલી ખોલીને રત્નોને જોઈ લેતા અને  આનંદ પામતા.


એક વાર આચાર્યના હાથમાં રત્નોની પોટલી જોઈ, સુધનની આંખો મીંચાઈ ગઈ. તેનું  મન તર્ક વિતર્કમાં ચડયું.


 મારા આવા બહુશ્રુત ગુરુદેવ જરૂર જાણતા જ હોય કે, પરિગ્રહ પાપનું મુળ છે.

      હજારો શ્રોતાજનોને “પરિગ્રહ પરિમાણ વ્રત” આપનારા ગુરુદેવ રત્નોને પરિગ્રહ જાણ્યા છતાં કેમ પોતાની પાસે રાખતા હશે?


અહો! આખો સંસાર છૂટયો અને આ રત્નો ન છૂટયા? સુધન આવા વિચારોમાં લીન હતો ત્યાં તો સૂરિજીએ પોટલી બાંધી રજોહરણમાં મૂકી દીધી..


અતૂટ વિશ્વાસ, અચલ શ્રદ્ધાથી આચાર્યના ચરણોમાં જીવન સમર્પ્યું હતું.


અન્ય કોઈએ કહ્યું હોય કે આચાર્યશ્રી રત્નો રાખે છે તો સુધન એ વાત ધરાર ન માનત. કદાચ સુધન એને મારવા પણ દોડત..


પણ આ તો પોતે પ્રત્યક્ષ જોયું છે. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો પહાડ આજે તૂટી રહ્યો છે.


સુધન સામાયિક કરવા બેઠો, પણ એ જ વિચારો સતત મનમાં ઘુમરાયા કરે છે.


 મારા અનંત ઉપકારી, મહાન ઉપકારી ગુરુદેવને મારે શું કહેવું? એ ન મળ્યા હોત તો મારો ઉદ્ધાર કેમ થાત? ધર્મના અમૂલ્ય તત્વો કોણ સમજાવત?


 મારાથી ગુરુદેવને કાંઈ કહેવાય નહિ. અવર્ણવાદ બોલાય નહીં..


 એમની ક્ષતિ બતાવવા માટે હું બહુ ટૂંકો પડું છતાં આવા જ્ઞાની ગુરુવર્યના સંયમરત્ન પર પરિગ્રહની મમતાનો પડદો પડયો છે તેને કોઈપણ ઉપાયે દૂર તો કરવો જ પડશે..


 એથી હું તેમના ઉપકારનો બદલો વાળી શકીશ. પણ આચાર્યશ્રીને કહેવાય કેમ?


 અન્યસંતોને કહેવાથી તો શિષ્યોની ગુરુભક્તિમાં ખામી આવવાની સંભાવના છે...


 સમર્થ ગુરુને સન્માર્ગે લાવવા ઉપાય પણ સમર્થ જોઈએ. જેવો તેવો ઉપાય હોય તો અર્થનો અનર્થ થઈ જાય..


 ગુરુની ખામી જોવા છતાં ગુરુ પ્રત્યેના બહુમાનભાવમાં અંશમાત્ર ખામી ન આવવા દીધી...


રોજના નિયમાનુસાર સુધન આવે, વંદન કરે, સુખશાતા ની પૃચ્છા કરે, સામાયિક કરે. એને શ્રદ્ધા છે કે પ્રેમથી કાર્ય થશે, દ્વેષ કે તિરસ્કારથી નહિ, પ્રેમ પ્રેમને પ્રગટાવશે..


 રત્નાકરસૂરિને એવું જાણવા પણ ન દીધું કે સુધન મારા સંયમ પ્રત્યે કે સાધુતા પ્રત્યે શંકાશીલ છે..


 દિવસો પર દિવસો પસાર થતા જાય છે, સુધનને ઉપાય જડતો નથી. સીધેસીધું એમ કેમ કહેવાય કે આપ સાધુ થઇને રત્નો કેમ રાખો છો? 


શિષ્યોના ગુરુ પ્રત્યેના બહુમાનમાં ફરક પણ ન પડે અને મારા ગુરુ રત્નોનો મોહ છોડી દે એવો કંઇક ઉપાય શોધી કાઢું...


 સુધન વિચારે છે કે શાસ્ત્રની એવી કોઇ ગાથા મળી જાય, ગ્રન્થોમાંથી કોઇ એવો શ્લોક મળી જાય જેનો અર્થ કરાવવા ગુરુ પાસે જાઉં, એનો અર્થ કરાવતાં એ શબ્દો એમના હૃદયને સ્પર્શી જાય, પરિગ્રહ પ્રત્યે ધૃણા જન્મે અને પરિગ્રહને ફગાવી દે તો કામ થઇ જાય...


  એવો શ્લોક ક્યાંથી મળે? હજારો શ્લોક કંઠસ્થ કરનાર લોકોને એમના અર્થ ભાવાર્થ સમજાવનાર આચાર્યને એક શ્લોકમાં સમજાવવા એ સહેલ નથી, છતાં સુધનને શ્રદ્ધા છે કે જરૂર મને આ કાર્યમાં સફળતા મળશે...


સુધન હૈયાની હામથી, અંતરની ધગશથી, ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી શાસ્ત્રાે ઉથલાવી રહ્યો છે..


 કેટલા પુસ્તકો! કેટલા ગ્રંથોને જોયા, વાંચ્યા, ઘણા દિવસોની મથામણના અંતે શાસ્ત્રાેના મહાસાગરમાંથી ચાર ચરણવાળો શ્લોક જડયો..


 જેમાં ચાર હજાર લીટીના ભાવો ભર્યા હતા. “ઉપદેશમાળા” નામક ગ્રન્થનો એ શ્લોક લઈ સુધન ઉપાશ્રયે આવ્યો...


ગુરુદેવને એ શ્લોક બતાવી તેનો અર્થ પૂછયો. સુધન આ શ્લોક લઈને આવ્યો ત્યારે પણ ગુરુદેવના અન્ય સર્વ શિષ્યો ત્યાં હાજર ન હતા...


 ગુરુદેવ રજોહરણનું પડિલેહણ કરતા હતા અને પોટલી ખોલીને રત્નો જોતા હતા. સુધનને જોઈ જરા ખચકાયા, કેમ અત્યારે ? આ ગ્રન્થ શાનો છે ?


 ગુરુદેવ! આ “ઉપદેશમાળા” ગ્રન્થ છે. એમાંથી એક શ્લોકનો અર્થ બરાબર બેસતો નથી. આપને શાતા હોય તો મને એનો અર્થ સમજાવો!’...


મોહનો નશો ઉતરનાર ગારુડીમંત્ર સમો શ્લોક

ઉપરોક્ત શ્લોક આચાર્યના હાથમાં આવતાં જ તેઓ કહે છે - `સાવ સહેલો શ્લોક છે, સુધન!!


પરિગ્રહ રાખનાર સાધુને ઉદ્દેશીને આ શ્લોક કહેવાયો છે..


 એનો અર્થ આ પ્રમાણે છે. સાંભળ! શ્લોકનો અર્થ.. ધન એ એક, બે નહી પણ સેંકડો દોષોનું મૂળ અને સેંકડો દોષોને ખેંચી લાવનારી જાળ છે, તેથી પૂર્વના ઋષીઓએ એનો ત્યાગ કર્યો છે.


 હે મુનિ! એ અનર્થકારી ધનને જો તું પાસે રાખતો હોય તો પછી ફોગટ શા માટે તપ કરે છે?’


‘સુધન! આવો સીધો સાદો અર્થ આ શ્લોકનો છે – સમજાયો અર્થ?’


 `ગુરુદેવ! આપે તો બરાબર જ અર્થ કર્યો, પરંતુ મને હજુ એ સમજાતો નથી.’ 


આચાર્ય કહે છે, `કાલે તને વધુ સારી રીતે સમજાવીશ..


 હજારો ભક્તોના જટિલ પ્રશ્નોનું  સેકંડમાં સમાધાન કરનાર ગુરુ પોતાના અંગત ભક્તના મનનું સમાધાન ન કરી શકે તો થઇ રહ્યુંને?


 રોજ અર્થ સમજાવે.. સુધન રોજ કહે `હજી અર્થ નથી સમજાતો...છ માસ વીત્યા, પણ ન સમજાયો....


 સમતામૂર્તિ ગુરુમહારાજને લેશમાત્ર ક્રોધ નથી આવતો કે કેટલીવાર એના એ શ્લોકનો અર્થ સમજાવું?


 ધન્ય ગુરુદેવ ! ધન્ય એમનો અનન્યભક્ત!


છેવટે ગુરુદેવની ઊંઘ હરામ થઇ! ભુખ ભાગી ગઇ! રાત્રે ઊંઘમાં પણ બકીને જાગી જતા.....


 છ છ મહિનાથી સુધનને એક સામાન્ય શ્લોકનો અર્થ મગજમાં બેસાડી શકાતો નથી એનો અમને ભારે ખેદ થાય છે..


 હજારો લાખો લોકો મારી વિદ્વત્તાને વખાણે અને હું એક સામાન્ય શ્લોકનો અર્થ મારા અનન્ય ભક્તજનને ગળે ન ઉતારી શકું? 

આવી વિદ્વતા શું કામની?’


જગત ઊંઘતું હતું - સૂરિજી જાગી ગયા

આખું નગર નિદ્રાધીન બન્યું છે, શિષ્યો પણ સ્વાધ્યાય કરીને સૂઈ ગયા છે...


 રાયખંડવડલીના એ ધર્મસ્થાનકમાં એક માત્ર આચાર્ય જાગે છે, નિદ્રાદેવી રૂઠ્યા છે, ઘણી રાતો એ શ્લોકના અર્થના ચિંતનમાં વિતાવી છે....


 છ મહિના પૂર્ણ થયા. આજે સાતમા માસની પ્રથમ મધરાત! આંખમાં આંસુ આવી ગયા! હું કેમ સમજાવી શકતો નથી? 


પેલી રત્નોની પોટલી યાદ આવી. `અહો! હું શું કરી રહ્યો છું? ન જોઇએ એ બહુમૂલા રત્નો?’


 પ્રાતઃકાળે સુધન આવ્યો ત્યારે એ પોટલી ખોલી, રત્નો બહાર કાઢી પથ્થર વડે ચૂરો કરવા લાગ્યા, ફેંકવા લાગ્યા. સુધનની ભાવના ફળી, મહેનત કામયાબ નીવડી....


 શ્લોકના અર્થના બહાને ધારેલ કાર્ય પૂર્ણ થયું. સુધન શ્રાવક કહે, `ગુરુદેવ ! આ શું કરો છો? આવા કિંમતી રત્નોને ભાંગીને આમ ધૂળ ભેગાં કરાય?’


 `સુધન! તારા શ્લોકનો અર્થ આજસુધી બેસાડી ન શક્યો તેનું કારણ આ રત્નો જ હતા...


 લાવ તારો શ્લોક!’ એ જ અર્થ ફરીવાર કર્યો. સુધન કહે હવે બરાબર અર્થ સમજાઇ ગયો. ધન સેંકડો અનર્થોનંથ મૂળ છે ....


 ગુરુદેવ કૃતાર્થભાવે કહે છે `સુધન! તું મારો શિષ્ય નહિ, પણ મારી શિથિલતાને દૂર કરી સન્માર્ગે લાવનારો મારો સાચો ગુરુ છો!’


એ દિવસથી આચાર્ય જીવનની તમામ શિથિલતાઓને દૂર કરી, પશ્ચયાતાપ કરવા લાગ્યા......


 `અહો! આજ સુધી હું સાધુ ન હતો, માત્ર બાહ્ય દેખાવ જ હતો. મારું શું થશે? `ઠગવા વિભુ! આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા!” બહારથી સાધુવેષ! અંદરમાં દંભ! અરે ! મેં લોકોને ઠગ્યા! અજ્ઞાનવશ મેં સમ્યજ્ઞાનદર્શનચારિત્રના રત્નો ગુમાવી આ કાચના ટુકડામાં મમત્વ રાખ્યું.......


 રત્નાકરસૂરિએ પોતાના હૈયાની આ વેદના સ્તુતિરૂપે ઠાલવી......


 પચ્ચીસ પચ્ચીસ શ્લોકો દ્વારા એમણે પાપનો પસ્તાવો કર્યો અને જગતને `રત્નાકર પચ્ચીસી’ ની ભેટ મળી ....


 આ મહાપુરુષની આંતરવેદના જગતને આશીર્વાદરૂપ બની....


 ઇતિહાસ કહે છે વિ.સં. 1384માં રત્નાકરસૂરિ કાળધર્મ પામ્યા, પણ એમની અમરકૃતિ આજે જૈનોના મોઢે ગવાઇ રહી છે. જેના દ્વારા અનેક લોકો પશ્ચાત્તાપની પાવનગંગામાં પાપ મેલને ધોઇને શુદ્ધ-વિશુદ્ધ બને છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top