ગુરુવાર, 26 ઑગસ્ટ, 2021

Maun Ekadashi

ચૌમાસી ચૌદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે.  આ દિવસે ત્રણ ચોવીશીના તીર્થંકરોના 150 કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે, આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ. આ તિથીની આરાધના કરનાર સુવ્રત શેઠની કથા ટૂંકાણમાં અહીં કહેવાય છે.


એક વાર બાવીશમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં સમોસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા. પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી. દેશનાને અંતે શ્રી કૃષ્ણ મહારાજે પૂછ્યું કે "ભગવાન! વર્ષના 360 દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદી તપ પણ ઘણું ફળ આપે?"


જવાબમાં પ્રભુએ જણાવ્યું કે, "હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે તે દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના 150 કલ્યાણકો આવે છે. તે આ પ્રમાણે :- આ ભરત ક્ષેત્રમાં  વર્તમાન ચોવીસીમાં આ દિવસે -

1). 18માં શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી.

2). 21માં શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.

3-4-5). 19માં શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ, દીક્ષા,કેવલજ્ઞાન એમ ત્રણ કલ્યાણકો આ જ દિવસે થયા હતા.


એમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે. એ પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી  50 કલ્યાણકો થયાં. આ પ્રમાણે વર્તમાન ચોવીસીના 50, અતીત(ગઈ) ચોવીસીના 50 અને અનાગત(આવતી) ચોવીસીના 50 એમ કુલ 150 કલ્યાણકો આ તિથિએ થયાં  છે. માટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ 150 ઉપવાસનું ફળ મળે છે.  અને જે આ તપની વિધિપૂર્વક આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું? આ તપ 11 વર્ષે પૂરો થાય છે. આ દિવસે મુખ્યતા મૌન જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી તરીકે ઓળખાય છે."


કૃષણ મહારાજે ફરીથી પ્રભુને પૂછ્યું કે, "હે ભગવંત! પૂર્વે કોઈ ભાગ્યશાળી જીવે આ પર્વની આરાધના કરી છે? તેમજ આ આરાધના કરવાથી તેને શું ફળ પ્રાપ્ત થયું? તે કૃપા કરી જણાવો."


ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સુવ્રત શેઠની કથા કહી, તેનો સાર આ પ્રમાણે:


ધાતકી ખંડમાં દક્ષિણ ભરતાર્થમાં વિજયપુર નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રાવતી નામે રાણી હતી. તે નગરમાં સૂર નામે મોટો વેપારી રહેતો હતો. તે ઘણો ધનવાન તથા દેવ-ગુરૂ નો પરમ ભક્ત હતો.


તે શેઠે એકવાર ગુરૂને પૂછ્યું કે, "મારાથી રોજ ધર્મ થઇ શકતો નથી. માટે મને એવો એક દિવસ કહો કે જે દિવસે કરેલો ધર્મ ઘણા ફળવાળો થાય." તે વખતે ગુરૂએ શેઠને મૌન એકાદશીનો મહિમા કહ્યો. તે દિવસે ચૌવિહાર ઉપવાસ, આઠ પહોરનો પૌષધ વગેરે વિધિ જણાવી. શેઠે આદરપૂર્વક તે તપ શરૂ કર્યો અને વિધિપૂર્વક તે તપની આરાધના કરી આયુષ્ય પૂર્ણ થયે શેઠ મરણ પામીને આરણ નામના અગિયારમાં દેવલોકમાં દેવ થયા.


ત્યાં દેવતાઈ સુખ ભોગવીને આયુષ્ય પૂર્ણ થયે જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં સૌરીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી સ્ત્રીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે વખતે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ. તેણીએ પૂર્ણ માસે સુંદર પુત્રને જન્મ આપ્યો. મધ્ય રાતે બાળકના નાળને છેદીને ભૂમિમાં દાટતાં નિધાન નીકળ્યું, તેનાથી પુત્રનો મોટો જન્મોત્સવ કર્યો. ગર્ભમાં હતો ત્યારે માતાને વ્રત પાળવાની ઈચ્છા થઇ તેથી તે બાળકનું નામ સુવ્રત પાડ્યું.


પાંચ ધાવ માતાથી લાલન-પાલન કરતો તે સુવ્રત આઠ વર્ષનો થયો ત્યારે મોટા ઉત્સવપૂર્વક નિશાળે ભણવા મુક્યો. ત્યાં તે સઘળી કલાઓ શીખ્યો. અનુક્રમે યુવાવસ્થામાં આવ્યો ત્યારે પિતાએ 11 સુંદર કન્યાઓ પરણાવી. તેમની સાથે વિષય સુખ ભોગવતો તે કાળ પસાર કરતો હતો.


સમુદ્રદત્તે પુત્રની યોગ્યતા જોઈને તેને ઘરનો ભાર સોંપ્યો અને પોતે સામાયિક, પ્રતિક્રમણાદિ  ધર્મ કાર્ય કરવામાં સાવધાન થયા અને અનશન કરી મરણ પામી દેવલોકમાં દેવ થયા. ત્યાર પછી સુવ્રત શેઠ 11 ક્રોડ ધનના માલિક થયા. લોકોમાં પણ માનનીય થયા.


એક વખતે તે નગરના ઉદ્યાનમાં શીલસુંદર નામે ચાર જ્ઞાની આચાર્ય પધાર્યા. વનપાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે ગુરુને વાંદવા ગયો. તે વખતે સુવ્રત શેઠ પણ ગુરુને વાંદવા આવ્યા. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપ્યો. તેમાં મૌન એકાદશીનું મહાત્મ્ય જણાવ્યું. મૌન એકાદશીના તપની હકીકત સાંભળી સુવ્રત શેઠને તેનો વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું. તેથી પોતે દેવ ભવના પૂર્વ ભવમાં આ તિથિની આરાધના કરી તેથી દેવ થયો અને ત્યાંથી ચ્યવી અહીં સુવ્રત શેઠ થયો એમ જાણ્યું. આ પ્રમાણે પોતાનો પૂર્વભવ જાણીને ઉભા થઈને બે હાથ જોડીને સુવ્રત શેઠે ગુરુને કહ્યું કે, "મારે અંગીકાર કરવા જેવો યોગ્ય ધર્મ જણાવો." તે વખતે ગુરુએ પણ સભા સમક્ષ સુવ્રત શેઠનો પૂર્વભવ વર્ણવીને કહ્યું કે તમે પૂર્વભવમાં મૌન એકાદશીનું તપ કર્યું તેથી આ ભવમાં આવી ઋદ્ધિ પામ્યા છો. અને હવે પણ તે જ તપ કરો જેથી મોક્ષનાં સુખ પણ મળશે.


શેઠે પણ ભાવપૂર્વક કુટુંબ સહિત મૌન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું. મૌન અગિયારસને દિવસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચોર લોકો તે શેઠને ઘેર ચોરી કરવા આવ્યા. ચોરોને જોવા છતાં શેઠ મૌન જ રહ્યા અને ધર્મધ્યાનમાં નિશ્ચલ રહ્યા. પરંતુ શાસનદેવીએ ચોરોને થંભાવી દીધા, તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહિ.


સવારે શેઠ કુટુંબ સાથે ધર્મશાળાએ જઈને ગુરુને વાંદીને પોષહ પારીને જ્ઞાનની પૂજા કરીને ઘેર આવ્યા. ચોરોને તેવી જ અવસ્થામાં ઉભેલા જોયા. પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ. રાજાએ ચોરોને પકડવા સુભટોને મોકલ્યા. રાજાના સુભટો ના મારે એવો ચોરો ઉપર શેઠનો દયાભાવ થવાથી સુભટો પણ શેઠના તપના પ્રભાવે થંભી ગયા. આ વાત જાણીને રાજા પોતે ત્યાં આવ્યો. શેઠે રાજાનો આદર-સત્કાર કર્યો. શેઠે નમીને ચોરોને અભયદાન અપાવ્યું. શેઠની ઈચ્છા જાણીને શાસન દેવે ચોરો તથા સુભટોને મુક્ત કર્યા. સર્વે સ્વસ્થાને ગયા. આથી જૈનશાસનનો મહિમા વધ્યો.


એક વાર મૌન એકાદશીને દિવસે નગરમાં આગ લાગી. તે આગ ફેલાતી ફેલાતી શેઠ પોષહમાં રહ્યા હતા ત્યાં સુધી આવી પહોંચી. લોકોએ શેઠને ઘરમાંથી નીકળી જવા કહ્યું. પરંતુ શેઠ તો કુટુંબ સહિત કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. શેઠના ધર્મના પ્રભાવથી તેમના ઘર,હાટ, વખારો, પૌષધશાળા વગેરે સઘળું બચી ગયું, તે સિવાય બધું નગર બળી ગયું.


શેઠની સઘળી સંપત્તિ બચી ગયેલી જોઇને સર્વ લોકો આશ્ચર્ય પામ્યા, શેઠની ધર્મશ્રદ્ધાનાં વખાણ કરવા લાગ્યા. આ વાત જાણીને રાજા પણ મંત્રી, સામંતાદિ પરિવાર સાથે શેઠને ત્યાં આવ્યો. તે પણ શેઠની સર્વ સંપત્તિ અખંડ રહેલી જોઇને આશ્ચર્ય પામ્યો. સર્વેએ જૈન ધર્મનાં વખાણ કર્યાં. અને આજે જૈન ધર્મનો પ્રભાવ નજરે જોયો એમ બોલવા લાગ્યા. શેઠે પણ તપ પૂરો થયો ત્યારે તપનું મોટું ઉજમણું કર્યું અને ધર્મના અનેક કાર્યો કર્યાં.


શેઠને અનેક પુત્ર, પુત્રીનો પરિવાર હતો, તે બધાંને પરણાવ્યા પછી વૃદ્ધ ઉંમરે પહોંચેલા શેઠે વિચાર કર્યો કે હવે મારે ગુરુ પાસે ચારિત્ર લઇ જન્મ સફળ કરવો જોઇએ. પુણ્યયોગે ચાર જ્ઞાની ગુણસુંદર નામે આચાર્ય ત્યાં પધાર્યા. શેઠે મોટા પુત્રને ઘર સોંપીને તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે ઘણું દ્રવ્ય વાપર્યું. શેઠની 11 સ્ત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી.


એક વાર મૌન એકાદશીના દિવસે સુવ્રત સાધુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા, તે વખતે મિથ્યત્વી દેવે તેમની પરીક્ષા કરી. તે દેવે અન્ય સાધુના શરીરમાં પ્રવેશ કરીને સુવ્રત સાધુને ઓઘો માર્યો. તે વખતે સુવ્રત સાધુ કોપ નહીં કરતાં ક્ષમા પૂર્વક વિચારણા કરવા લાગ્યા. વિચારણામાં શુક્લ ધ્યાનમાં ચઢી ઘાતી કર્મ ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. દેવોએ મોટો ઉત્સવ કર્યો.


ત્યાર પછી સુવ્રત કેવલી અનેક જીવોને ધર્મ પમાડી ઘણાં વર્ષો કેવલી પર્યાય પાળી છેવટે અનશન કરી મોક્ષે ગયા. બીજા પણ ઘણા જીવો આ તપનું આરાધન કરી અનેક ઋદ્ધિઓ પામી મોક્ષે ગયા છે.


આ પ્રમાણે શ્રી નેમિનાથ ભગવાને કૃષ્ણ વાસુદેવને મૌન એકાદશીનો મહિમા કહ્યો. તે સાંભળી કૃષ્ણ વાસુદેવ પણ ધર્મ કાર્યમાં ઉદ્યમી થયા.


કથાના વાંચનાર ભવ્ય જીવો પણ કથા વાંચી આ તપના આરાધક બનો.


મૌન એકાદશીના દેવવંદનના રચયિતા શ્રી પં રૂપવિજયજીનું જન્મ સ્થાન તેમજ માતા - પિતા વગેરેની  પ્રાપ્ત થતી નથી. પરંતુ તેમનો દીક્ષા પર્યાય લગભગ 50 વર્ષનો હશે. કારણકે તેમના ગુરુ સં 1862ના ચૈત્ર સુદ પાંચમના દિવસે સ્વર્ગવાસી થયા હતાં. તેઓશ્રી સં 1905માં સ્વર્ગવાસી થયા હતાં. તેઓએ સ્નાત્ર પુજા, પંચકલ્યાણક પૂજા, પંચ જ્ઞાન પૂજા, પિસ્તાલીસ આગમ પૂજા, વીસ સ્થાનાક પૂજા વગેરે કૃતિઓ બનાવી છે. ઉપરાંત પૃથ્વીચંદ્ર ચરિત્ર સંસ્કૃત ભાષામાં કાવ્ય બનાવ્યું છે. તેમજ તેઓશ્રીને પં કીર્તિ વિજયજી ગણિ, પં અમીવિજયજી ગણિ, પં ઉદ્યોત વિજયજી, મોહન વિજયજી(લટકાળા) વગેરે શિષ્યો હતા. આજે વિજય પદને શોભાવનારા ઘણાં ખરા મુનીઓ પ્રાયઃ તેઓશ્રીની પરંપરાના છે. તેઓશ્રીની વિશેષ માહિતી પ્રાપ્ત નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top