શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

Kalikund

વર્તમાન સમયનું ધોળકા પ્રાચીન સમયમાં ગુજરાત નું પાટનગર અને વ્યાપારનું મુખ્ય મથક હતું. પૂર્વે આ નગરમાં 108 જિનાલય  તથા 80 પૌષધ શાળાઓ આવેલી એમ કહેવાય છે. અનેક જૈનાચાર્યોથી પાવન આ નગરીનો ભવ્ય ભૂતકાળ છે. તેમજ કલીકુંડ તીર્થનો આગવો ઈતિહાસ છે.

kalikund

પ્રાચીન કાળની આ વાત છે. ચંપાનગરી અને તેમાં દધિવાહન નામે રાજા રાજ કરતો હતો. તે નગરમાં એક વામન કદનો એક બાળક રહેતો જેને જોઇને લોકો હસતા અને ટીખળ કરતાં. તે જાણે લોકો માટે એક રમકડું હોય તેમ કોઈ તેને શાંતિથી જીવવા દેતું નહોતું. લોકોની આ રીતની હેરાનગતિથી કંટાળીને એક દિવસ તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને તે ચંપાનગરી પાસે આવેલા કાલી પર્વત પર પહોંચ્યો. તે જ્યાં ટોચ ઉપરથી કુદવાની તૈયારીમાં હતો એવામાં તેને એક અવાજ સંભળાયો. 


આ અવાજ એક કરુણામૂર્તિ એવા શ્રી મુનિરાજનો હતો. બાજુનાં જ વનનિકુંજમાંથી શ્રી મુનીરાજે તેને સાદ પાડ્યો - "હે વત્સ! આત્મહત્યા જેવું કોઈ પાપ નથી અને તું શા કારણે અકાળે કાળનો કોળીયો બનવા જઈ રહ્યો છે!"


આરીતે પહેલીવાર જીવનમાં મીઠાં શબ્દોથી તેને કોઈએ સંબોધ્યો હતો. તે તરત જ એ મુનિરાજ પાસે પહોંચી ગયો અને આંસુ નીતરતી આખે નતમસ્તક થઇ હાથ જોડીને ઉભો રહી ગયો. તેની જોડે એક પણ શબ્દ બોલવાની હિંમત તો હતી જ નહિ.


મુનિરાજે કહ્યું -"વત્સ! ગભરાઈશ નહિ, આત્મહત્યા જેવું બીજું કોઈ પાપ નથી અને તું એ પાપ કરવા તૈયાર થઇ ગયો! આ ભવમાં પડેલા દુઃખો આત્મહત્યાથી દુર થવાના નથી અને પરભવમાં પીછો છોડવાના નથી. તેતો આવતાં ભવમાં પણ ભોગવવા જ પડશે!"


પ્રત્યુત્તરમાં આદ્ર સ્વરે ઠીંગુજીએ કહ્યું - "પ્રભુ હું જાણું છું પણ મારી વામણી કાયાને લીધે હું આ જીવનમાં શાંતિથી બેસી પણ નથી શકતો. લોકોને મન તો હું એક રમકડું જ છું. આવી અવસ્થામાં મૃત્યુ સિવાય કોઈ માર્ગ દેખાતો નથી, હું શું કરું એ જ મને સમજાતું નથી." 


મુનિરાજે વૈરાગ્યસભર વાણીથી કહ્યું -" વત્સ! તૈયાર થઇ જા, સકળ કુકર્મને મૂળમાંથી ઉખેડી નાખવા સંયમ જ સમર્થ છે. " મુનીની વાણી સાંભળી તેને અપાર શાંતિનો અનુભવ થયો અને તેણે સદા માટે તેમનું શરણું સ્વીકારી લીધું અને સાધુવેશ પહેરી લીધો. અંતરમાંથી વૈરાગ્યનો ધોધ વહેવા લાગ્યો અને શાસ્ત્રનો બોધ વધવા લાગ્યો.


વામનજી મુનિ મહિનાના પારણે મહિનાના ઉપવાસ કરે છે, પણ અંતરના કોઈ ખૂણામાં હજુ પણ જુની સ્મૃતિઓ સાપોલિયાંની જેમ સળવળી ઉઠે છે. પોતાની વામણી કાયા કાળજામાં ખૂંચી રહે છે. વિરાટ કાયા મળી હોત તો કેવું સારું હોત તેમ છુપી ઈચ્છા સતાવે છે. 


કાળચક્ર તેની ગતિએ ફરે છે અને અંતરમાં રહેલી વિરાટ કાયાની આકાંક્ષા સાથે વામનજી મુનિ કાળધર્મ પામે છે. આ વામનજી મુનિ બીજા ભવમાં ચંપાનગરીની બહાર કાદમ્બરી જંગલમાં વિશાલ કાયાવાળા હાથી તરીકે ઉત્પન્ન થાય છે. 


આ બાજુ ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ સાધના કાળમાં આ જંગલમાં પધાર્યા હતા. કાઉસગ્ગ મુદ્રામાં ઉભેલા પ્રભુને જોઇને આ હાથીને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પોતાની વિરાટ કાયા પામવાની ઝંખનામાં મનુષ્ય ભવ અને મળેલ સાધુપણું બંને ગુમાવ્યાનું જ્ઞાન થાય છે. પછી તે નિશ્ચય કરે છે કે હું આ પ્રભુની સેવા કરીશ અને મારા આ જન્મને સફળ બનાવીશ.  


આમ નિશ્ચય કરી હાથી બાજુમાં આવેલા કુંડ નામના સરોવરમાંથી કમલિનીના પડિયામાં પાણી લાવી પ્રભુને અભિષેક કરી કમળના પુષ્પ ચઢાવી પૂજા કરે છે. પ્રભુના દર્શન કરી પોતાના પૂર્વે બાંધેલા કર્મોને ખપાવે છે.


હાથીની આ અજબ ભક્તિની વાત ચંપા નગરીમાં ચોતરફ ફેલાઈ જાય છે. દધિવાહન રાજા જયારે પ્રભુની પધરામણી વિષે જાણે છે ત્યારે તે બીજા દિવસે સવારે જઈ પ્રભુનાં દર્શન - વંદન કરવાનો  નિશ્ચય કરે છે. પરંતુ સવાર પડતાંની સાથે પ્રભુ અન્યત્ર વિહાર કરી જાય છે અને જયારે રાજા દધિવાહન કાદમ્બરી જંગલમાં પહોંચે છે ત્યારે હાથીને પ્રભુની પાદુકા પાસે નતમસ્તક ઉભેલો જુએ છે. રાજા દુઃખી મને પાછો ફરે છે અને પભુ જ્યાં કૌસગ્ગ મુદ્રામાં જે સ્થાને ઉભા હતા ત્યાં પ્રભુની સુંદર પ્રતિમા સાથે વિશાળ જિનાલય બનાવવાનો નિશ્ચય કરે છે.


રાજાએ કલી પર્વત અને કુંડ સરોવરની મધ્યમાં આ જિનાલય  બનાવ્યું હતું તેથી આ તીર્થનું નામ "કલીકુંડ" પડ્યું અને "કલીકુંડ પાર્શ્વનાથ" નામ વિખ્યાત થયું.  હાથી જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી પ્રભુની પૂજા કરતો રહ્યો અને પભુના ધ્યાનમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી "કલીકુંડ"ના અધિષ્ઠાયક દેવ તરીકે ઉત્પન્ન થયો.


આજે આ કલિકુંડ દેરાસરની પાસે એક લાખ ચોરસ ફૂટ જમીન ઉપર શ્રી શત્રુંજય તીર્થની પ્રતિકૃતિ ઉભી કરાયી છે. ૪૫ ફૂટ ઊંચા આ ગીરીરાજ પર્વત ઉપર ૨૫ હજાર ચોરસ ફૂટમાં મંદિરોની નગરી જાણે ઉભી થઇ છે. શત્રુંજય તીર્થની યાત્રા કરવા અસમર્થ ભાવિકો અહીં યાત્રા કરીને સંતોષ માને છે.કલીકુંડ દેરાસરની સામે એક દાદાવાડી પણ છે.


આજે આ તીર્થ પ્રભુના દર્શને આવતા ભાવિકોના કર્મ મળને દુર કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top