બુધવાર, 4 ઑગસ્ટ, 2021

સામયિકનું ફળ Samayik nu Fal

 સામયિકનું ફળ 

samayik


     જાણીયે પુણીયા શ્રાવકના સામાયિકને... વાંચો પૂરી પોસ્ટ.


       શુદ્ધિપૂર્વકના એક સામયિકથી (૯ર, પ૯, રપ, ૯રપ૮, ૯અ૧/૩) બાણું, ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર અને નવસો પચીસ ઉપર એક તૃતિયાંશ સહિત આઠ નવમાંશ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય.


     સામાયિકથી જીવનમાં આવતાં લાભ અલાભ, સુખ દુ:ખ, જીવન મરણ, નિંદા પ્રશંસા તેવી દરેક ઘટનાઓમાં સમતાભાવ રાખવો, મનુષ્યની સાધનાનું સર્વોચ્ચ શિખર છે. સામાયિક આત્માનો ખોરાક છે. સામાયિક કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધીમાંથી મુક્તિ મળે છે. સામાયિકથી સંકલ્પબળ, આત્મબળ, તથા મનોબળનો વિકાસ થાય છે. સામાયિક શુદ્ધ નિસ્વાર્થભાવથી કરશો તો આધ્યાત્મિક લાભ એટલે કર્મની નિર્ઝરા વિશેષ થશે. સામયિક એટલે સમતાભાવ અને આત્મશુદ્ધિ....


    ભગવાન મહાવીરના મુખે જેના વખાણ થયા તે પૂણીયા શ્રાવકને ધન્ય છે...


        પુણીયો શ્રાવક પ્રભુ મહાવીરનો ખરેખરો ભક્ત હતો. વીરની વાણી સાંભળી તેને ખરેખર સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો.આજીવિકા ચલાવવા તે રૂ ની પૂણીઓ બનાવી વેચીને તેમાંથી મળતા બે આના માંથી તે સંતોષ માનતો.લાભાન્તરાય ના ઉદયથી તેને વધારે કઈ મળતું નહી.તે અને તેની પત્ની સાધર્મિક ભક્તિ કરવાના હેતુથી એકાંતરે ઉપવાસ કરતા હતા.રસોઈ બે જણની થતી છતાં તેમાંથી એક ઉપવાસ કરે અને બહારના એક જણ ને જમાડે.આ પ્રમાણે નિયમિત એક સાધર્મીકને જમાડતા અને પતિ-પત્ની વારાફરથી ઉપવાસ કરતા.પોતાની સ્થિતિથી સંતોષ માની સુખપૂર્વક બન્ને રહેતા હતાં અને નિયમિત સાથે બેસી સામાયિક કરતા હતાં. એક દિવસ પુણીયા એ સામયિકમાં ચિત્ત સ્થિર ન રહેતા પોતાની પત્ની ને પૂછ્યું, કેમ આજે સામયિકમાં ચિત્ત ઠેકાણે રહેતું નથી.તેનું કારણ શું હશે ? તું કઈ અદત્તનું કે અનીતિ નું દ્રવ્ય લાવી લાગે છે ?

 

     શ્રાવિકાએ જવાબ આપ્યો માર્ગમાં અડાના છાણાં પડ્યા હતાં તે લાવી હતી. બીજું કાઈ લાવી નથી. પુણીયાએ કહ્યું કે રસ્તામાં પડેલી ચીજ આપણાથી કેમ લેવાય ? તે તો રાજ્ય દ્રવ્ય ગણાય મતલબ રાજાની કહેવાય. માટે છાણા પાછા મૂકી દેજો.અને હવે પછી આવી કોઈ ચીજ રસ્તા પર પડેલી હોયતો લાવશો નહી. આપણ ને અનહક્ક નું કશું ખપે નહીં. શ્રાવિકાએ તુરંત છાણા જ્યાંથી લીધા હતા ત્યાં મૂકી દીધા ત્યારે પુણીયાનું ચિત્ત સ્થિર થયું.


        એક વખત વીરપ્રભુ ની દેશનામાં શ્રેણિક રાજાએ પૂછ્યું,ભગવંત ! મારી નરક ટળે એવો કોઈ ઉપાય બતાવો.

 

     પ્રભુએ ત્રણ રસ્તા બતાવ્યા જેમાં એક રસ્તો હતો કે જો તને પુણીયા શ્રાવકના એક સામયિકનું ફળ મળી જાય તો તારી નરક ટળી જાય.

 

    શ્રેણિકમહારાજને ભગવાન ની આ વાત સહેલી લાગી અને પુણીયા પાસે સામાયિક નું ફળ માગવા ગયા.અને કહ્યું તમારા એક સામાયિકનું ફળ મને વેચાતું આપો,તમે જે કિંમત માગશો તે આપવા હું તૈયાર છું.બોલો તમારે કેટલી કિંમત જોઈએ છે ?

 

    પુણીયા શ્રાવકે કહ્યું,ધાર્મિક ક્રિયાનું ફળ એ રીતે વેચી ન શકાય.અને એની કિંમત કેટલી ગણાય એનો મને ખ્યાલ નથી,પણ તમને જેણે પણ આ સામયિકનું ફળ લેવાનું કહ્યું તેમને જ આની કિંમત પૂછો.

 

      મહારાજા શ્રેણીકે ભગવાન પાસે આવીને શ્રાવકનો જવાબ સંભળાવ્યો.અને વિનંતી કરીકે, આ શ્રાવકના સામાયિકની કિંમત કેટલી કહેવાય ? એ મને કહો પ્રભુ.ત્યારે ભગવાને જણાવ્યું કે તારું સમગ્ર રાજ્ય અને રિદ્ધિ આપી દે તોપણ તેની કિંમત ભરપાઈ થાય નહિ,ફક્ત તેની દલાલી ચૂકવી શકાય.કિંમત તો બાકી જ રહે.બીજી રીતે સમજાવતા કહ્યુકે કોઈ અશ્વ ખરીદ કરવા જાય,તેની લગામની કિંમત જેટલી તારી સમગ્ર રાજઋદ્ધિ ગણાય.અને અશ્વની કીમત તો બાકી જ રહે.તેમ આ પુણીયા શ્રાવકનું સામાયિક અમુલ્ય છે,તેની કીમત આંકી શકાતીજ નથી.આ સાંભળી શ્રેણિકરાજા નિરાશ તો થયા.પણ પુણીયા શ્રાવકના સામાયિકની પ્રશંસા કરવા લાગ્યા.


       તો આજથી નિયમ લો કે  દરરોજ ઍક સામાયિક કરવાની.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top