ચારે બાજુ વન. વનના થડા, વનના થળ, વનની ભૂમિ. ગામનું નામ પડી ગયું વનથળી. જતે દિવસે થઈ ગયું વંથળી. કોઈ વળી વંથલી પણ કહેતા થઈ ગયા.
જેટલાં વન ઉદાર એટલા જ વંથલીના માણસોય ઉદાર. એવા ઉદાર માણસોમાંય એક સવાયો માણસ. નામ એનું સવચંદ. સવચંદમાં બધા ગુણો સવાયાં પણ ભલાઈની તો હદ નહિ. ટેકનું અચૂક પાલન કરે. બોલેલા બોલ પાળે. ન બોલેલા બોલની પણ લાજ રાખે.એ સવાઈ માનવીનો વેપાર પણ સવાયો. ગામ-પરગામમાં પેઢીઓ ચાલે. નગર નગરમાં વેપાર વહે. દેશદેશાવરમાં વહાણો તરે. લોકો શેઠને ઘરે થાપણ મૂકે. સવચંદ એ થાપણ સાચવે. સવાઈ કરીને પાછી આપે. શેઠ કોઈની પાસે મફત કામ ન કરાવે. કામ કરનારનાં માન જાળવે. ગરીબોને રોજી-રોટી આપે. ઠેકાણે પાડે. આંગણે આવેલાનાં દુઃખ સમજી લે, જાણી લે. ઓટલો, રોટલો અને પોટલો તો આપે જ, ઉપરથી ગોટલોય આપે. ગોટલાનો કોથળો આપે: ભાઈ ! આ ગોટલા વાવજે. આંબા ઊગશે. અમીફળ પેદા થશે. જનમજનમનાં દળદર ફીટી જશે. ખાનાર ખાઈને આશિષ દેશે, તારું શીશ ઊંચું રહેશે.
સવચંદ શેઠના વેપારની કોઈ સીમા નહિ. અનાજ અને અકીક, કાપડ અને ઊન, રેશમ અને શણ, હીરા અને મોતી, તલ અને તેલ, એવી બધી ચીજોના એમના ખેલ. એકાદ વેપાર નકામો જાય તો બીજે સોનાના સૂરજ ઊગે. પણ ભૈ વેપાર કોને કહે છે ? સૂરજ તો ઊગેય ખરો અને આથમેય ખરો.
એક સમયે એવું જ બની ગયું. દેશાવર ગયેલાં વહાણો તોફાને ફસાયાં. દરિયાનાં મોજાં અવળાં સાબિત થયાં. વહાણો બીજે ધકેલાઈ ગયાં. જમીન પરની ખેપો લડાઈમાં અટવાઈ ગઈ. ઠેરઠેર લડાઈ ચાલે. લડાઈમાં મોટું નુકસાન વેપારને. વાત વહેતી થઈ કે સવચંદ શેઠ પડે છે. પેઢી કાચી ઊતરે છે. વેપાર વણસે છે ને કારોબાર કણસે છે. એમ જ હતું, પણ શેઠ હજી હેમખેમ હતા. તન સાબૂત, મન મજબૂત. હૈયે પૂરી હામ અને હીંચકે ધીરજનાં ધામ. લોકો મૂડી ઉપાડવા આવે છે. પાઈ-પૈસો પાછો લેવા દોડે છે. થાપણ પાછી લેવા ધસમસે છે. શેઠનો હુકમ છે : આપો. જેનું જે હોય તે આપો. સવાયું કરીને આપો. અબઘડી આપો. માગનાર પાછો ન જવો જોઈએ. આવનાર ખાલી હાથે ન જવો જોઈએ.
મુનીમ અને મહેતાજી બસ આપે જ જાય છે. શેઠ સામે જુએ છે. શેઠની તો એક જ ઈશારત : આપો. તિજોરીનું તળિયું આવી ગયું. પેટી ખખડવા લાગી. ભીંતો ખાલી થઈ ગઈ. ભંડકિયાં ભેંકાર બની ગયાં. સંચય સૂના પડી ગયા. કબાટો કમકમીને રહી ગયાં.
મુનીમ કહે : શેઠજી ! હવે શું કરીશું ?
શેઠ પૂછે છે : કોઈ બાકી તો નથી ને ?
મુનીમ કહે : ના જી. બાકી તો કોઈ નથી. હાલ તો લાજ રહી ગઈ છે, પણ...
શેઠ હસીને કહે : ટેક એટલે ટેક. બસ ટેક છે તો બધું છે.
તે જ વખતે હસુલાલની પધરામણી થઈ. તેઓ ગભરાયેલા છે, ડરેલા છે, થાકેલા છે, હાંફેલા છે. ઉપરનો દમ ઉપર છે, નીચેનો નીચે.
તેઓ આવીને કહે : શેઠજી ! મારા લાખ...
સવચંદ હસીને કહે : લાખ નહિ, સવા લાખ. જમા જ છે. ચિંતાનું કારણ નથી. દૂધે ધોઈને સિલક પાછી મળશે.
હસુલાલને ધરપત નથી. તેઓ કહે : શેઠજી ! અમદાવાદ જવું છે. પૈસાની જરૃર પડે તેમ છે અબઘડી...
સવચંદ કહે : હા, હા, અબઘડી. પણ શાંત થાઓ. થાક ઉતારો. ભોજન કરો. પછી કહો કે રોકડા લેશો કે હૂંડી લખી આપીએ.
હસુલાલે ભાવતાં ભોજન માણી લીધાં. ઠંડી છાશ, ઠંડાં પાણી પી લીધાં. શાતા થઈ. વિચાર કરીને કહે : શેઠજી ! રોકડા લઈને જવું ઠીક નથી. લાંબી સફર છે. વાટ વિકટ છે. હૂંડી જ લખી આપો.
સવચંદ શેઠનેય ચિંતા તો હતી જ. હસુલાલ ભોજન કરે એટલામાં વિચારી લીધું હતું. હવેલી ગિરવે મૂકીનેય થાપણ તો દેવી જ, સવાઈ દેવી. પણ હસુલાલે હૂંડી માગી. હવે શું થાય ?
'જય આદિનાથ' તેમણે ભગવાનનું નામ લઈ લીધું. મુનીમજીને કહી દીધું : અમદાવાદનાં સોમચંદ શેઠ પર હૂંડી લખી દો. સવા લાખની હૂંડી લખજો. બીજા ખરચાની જોગવાઈ કરજો.
મુનીમજીના હાથ કંપે છે. સહી કરતાં સવચંદ શેઠ શોષ અનુભવે છે. પણ શાખમાં શંકા નથી. કલમ કસીને પકડી અને પૂરી હિંમતથી સહી કરી દીધી. જોકે સહી કરતાં બે આંસુડાં ઘેરાયાં. ટપક ટપક ટપકીને પડી ગયાં.
એ આંસુ ન હતાં, અરજી હતી, આરતી હતી : આ મારી કસોટી છે. પાર પાડજે દેવ ! કદી ખોટું થવા દીધું નથી. ખોટું થવા દઈશ નહિ.
હૂંડી લઈ હસુલાલે ઓટીમાં મૂકી. સવચંદ શેઠનો આભાર માની લીધો. પૂરા આનંદ સાથે સફર શરૂ કરી. હેમખેમ રીતે મુસાફરી પાર પાડી. તેઓ તો હાજર થયા અમદાવાદના સોમચંદ શેઠની પેઢીએ. એક નહિ અગિયાર મુનીમો બેઠા છે. ચોપડાઓ લખાય છે, ચુકવણીઓ થાય છે, હિસાબ મંડાય છે. વાતાવરણ ખુશખુશાલ છે. બધા આનંદ-વિનોદમાં છે. જેનું છે તેનાથી કંઈક વધુ જ મળે છે. લોકો હસીને આવે છે, હસીને જાય છે.
અને હોંશીલા હસુલાલે હૂંડી રજૂ કરી.
એક પછી એક અગિયાર મુનીમોના હાથમાંથી હૂંડી પસાર થઈ ગઈ. મોટા મુનીમ પાસે તે પાછી ફરી. મોટા મુનીમ શેઠજી પાસે પહોંચી ગયા. હૂંડી તેમના હાથમાં મૂકી.
સોમચંદ શેઠ પૂછે : શું છે મુનીમજી ?
મુનીમજી કહે : હૂંડી છે - વંથલીની.
'મોટી રકમની છે ?'
'ના જી. સવા લાખની જ છે. સાથમાં ખરચો...'
'તો પછી વાત શી છે ?'
'આપણે ચોપડે શેઠ સવચંદજીનું કોઈ ખાતું નથી. વંથલીની કોઈ વહી નથી.'
સોમચંદ શેઠ કહે : લાવો હૂંડી.
તેમણે હૂંડી જોઈ. બરાબર જોઈ. લખનારે બરાબર લખી હતી. સહી કરનારે બરાબર સહી કરી હતી. કોઈ કચાશ ન હતી. કોઈ છેતરપિંડી ન હતી. બે જગાએ સુકાયેલી ભીનાશ હતી. બે આંસુનાં ટીપાંય હોઈ શકે.
સોમચંદ શેઠ સમજી ગયા. વાત પામી ગયા. વેપારમાં આડા-અવળા દિવસો કોના નથી આવતા ? લખનારે કેવાં હેત અને હળવાશથી હૂંડી લખી હશે ? કેવી હિંમત અને હામથી આપણને યાદ કરી લીધા હશે ? સાચ સિવાય આ કસોટી બીજું કોઈ ન કરી શકે.
સોમચંદજી પૂછે છે : શીદ છે હસુલાલજી ?
મુનીમ કહે : નાવણ-ધોવણ પતાવી ભોજન લે છે.
હૂંડીને વંદન કરી સોમચંદજી કહે : ખરચ ખાતે લખી નાખો. સવા લાખ. ઉપરથી બીજી ખરચી જુદી આપો.
પોતાની સામે જોઈ રહેલા મુનીમજીને સોમચંદજી કહે : બધું બરાબર છે. ખરચના ખાતામાં હું સહી કરીશ. આપને ઊની આંચ નહિ આવે. અને જોજો સવચંદજીનું નામ ન લખાય, કોઈ જગાએ નહિ.
હસુલાલ તાજામાજા થયા તો સવા લાખ રોકડા મળી ગયા. ઉપરથી વાહ બોલી જવાય તેવી વાટખરચી મળી. તેઓ પૂછે : બધું બરાબર છે ને ?
સોમચંદજી કહે : બધું બરાબર છે. આવજો, માયા-મમતા રાખજો.
હસુહસુ થતાં હસુલાલ ગયા. તેમના ચહેરા પર લાલમલાલ ખુશી હતી. મુખ પર વંથલીના શેઠ સવચંદનાં ગીત હતાં. ઠેરઠેર તેઓ કહે છેઃ શેઠ એટલે સવચંદજી. સવાયા શાહુકાર છે. દોઢા માનવી છે. બમણા વણોતર છે.
આવી જ કોઈક શાખ હશે, આવા જ કોઈક આશિષ હશે. દિવસો તો આવે છે અને જાય છે. દરિયો તો ઊછળે છે અને શાંત થઈ જાય છે. અટવાયેલાં મોજાંય સીધી હરોળમાં આવી જાય છે. અટવાયેલાં એ મોજાંઓએ અટવાયેલાં જહાજને કિનારે પહોંચાડી દીધાં.
વંથલીના સવચંદ શેઠનો સોનાનો સૂરજ પાછો દેખાતો થઈ ગયો. અટવાયેલાં જહાજો બંદરે બંદરે ફરીને, બમણો વેપાર કરી પાછાં હાજર થઈ ગયાં. સવચંદ શેઠ ઊભા થઈ ગયા. દોડતા થઈ ગયા. વેપારને દોડાવતા થઈ ગયા. ઓટલા-રોટલા-પોટલા અને ગોટલાની લહાણીઓ પૂરબહારમાં પાછી શરૂ થઈ ગઈ.
અને તેમને યાદ આવી ગયા અમદાવાદનાં શેઠ સોમચંદજી. એમને મળવા તો જાતે જ જવું પડે. માણસમાંનો ભગવાન છે સોમચંદ. અરે માણસ શાનો, જાતે જ ભગવાન છે સોમચંદ.
બંને શેઠો કદી એકબીજાને ઓળખતા નથી. અગાઉ કદી મળવાનું થયું નથી. પણ જેવી મુલાકાત થઈ કે હેતની હેલ છલકાઈ રહી. આનંદનાં આંસુઓ નદી બનીને વહેતાં થઈ ગયા.
સવચંદ કહે : સોમચંદજી ! તમે તો મારી આબરૂ સાચવી...
સોમચંદ કહે : બોલશો જ નહિ સવચંદજી ! આપણે સહધરમી કહેવાઈએ. આપણે સતધરમી કહેવાઈએ. સાચ, શાખ અને સહીના આપણે સેવકો. વેપારમાં વહાણો તો કોનાં નથી ડોલી જતાં ! આજે તમારાં તો કાલે મારાં.
વંથલીના શેઠ સવચંદજીએ દોઢ લાખની રકમ રજૂ કરી : આ લો સોમચંદજી ! સવા લાખ આપે હસુલાલને દીધા તે, અને બીજા બાકીના સમયનાં.
સોમચંદ કહે : કેવા સવા લાખ ? કેવા હસુલાલ ? કેવો સમય ?
સવચંદ કહે : હવે વધુ ન સતાવો સોમચંદજી ! આ હૈયા પરનો ભાર હળવો કરો.
સોમચંદ કહે : ભાર શેનો વળી ? અને આ ચુકવણું શેનું કરો છો ? અમારે ચોપડે આપનું કોઈ ખાતું જ નથી. અમે, આપના નામે કે આપના કોઈ માણસને, કોઈ રકમ આપી જ નથી, પછી વહી કેવી ને વાત કેવી ?
અગિયારે અગિયાર મુનીમો હાજર થઈ ગયા. તેઓ નમન-વંદન કરીને કહે : ના શેઠજી, અમારે ચોપડે આપનું કોઈ ખાતું નથી. વંથલીની કોઈ વહી નથી. આપની કોઈ રકમ અમારાથી ન લેવાય, ન લેવાય, ન લેવાય.
સવચંદ વિચારતા થઈ ગયા. તેઓ મનમાં જ કહે : લોકો મને સવાયો માનવી કહે છે, પણ સવાયો માનવી તો આ છે સોમચંદ. અરે સવાયાનોય સવાયો.
તેઓ કહે : સોમચંદજી ! હવે વધુ પાડ ન ચઢાવો. આ રકમ હું પાછી નહિ લઉં તે નહિ જ લઉં. વંથલીથી અહીં સુધી આવેલી આ રકમ વંથલી પાછી નહિ જ જઈ શકે.
ભારે રકઝક થઈ.
એક આપવા તૈયાર છે.
બીજો લેવા તૈયાર નથી.
સોમચંદજીએ તો ઉપરથી કહી દીધું : શેઠજી ! આટલી જ બીજી રકમ હું ઉમેરું છું. એ બધી રકમમાંથી આપણે પેઢી ઊભી કરીએ, સાચની પેઢી, સતની પેઢી, ટેકની પેઢી. એમાંથી પડી ભાંગેલા વેપારીઓ, પડી ભાંગેલા માનવીઓ ભલે ઊભા થાય, ફરી પાછા ઊભા થઈને આ ટેકનો વહેવાર આગળ વધારે.
એમ જ થયું. ધરમનો સાચો મરમ ઊભો થયો. માનવ માનવનો થયો. માનવ એકબીજાનાં સુખદુઃખનાં સાથી થયાં.
નહિ વંથલીમાં, નહિ અમદાવાદમાં પણ પાલિતાણા ખાતે એક ટૂંક ઊભી થઈ. ટેકની ટૂંક. એક ધરમશાળા, એક મંદિર. એક પેઢી, એક પરબ.
અમદાવાદના સોમચંદ શેઠે તેની શિલા રોપી. નામ આપી દીધું : સવચંદની ટૂંક. પણ સવચંદ એ નામ શેના મંજૂર કરે ? ટેક કોની વધારે હતી ?
તેઓ કહે : આ ટૂંકનું નામ રહેશે સોમચંદની ટૂંક. જતે દિવસે એ ટૂંક સવા-સોમાની ટૂંકને નામે જાણીતી થઈ. આજેય જાણીતી છે.
ટૂંકની ટેક, ટેકની ટૂંક - તીરથની કથા તીરથથી કંઈ ઊતરતી નથી હોતી હા !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો