જંબુદ્ધીપના પૂર્વ મહાવિદેહમાં આવેલી પુંડરીકિણી નગરીના રાજા ધનરથ અને પ્રિયમતીને ત્યાં રાજકુમાર મેઘરથનો જન્મ થયો. આ મેઘરથકુમાર સમય જતાં રાજગાદી પર આવ્યા અને એકવાર તેઓ ઉપાશ્રયમાં વ્યાખ્યાનનું શ્રવણ કરતાં હતા,
ત્યારે એકાએક એક કબૂતર એમના ખોળામાં આવીને પડયું. એ કબૂતર ભયથી કાંપતું હતું. સામે મૃત્યુ જોતું હોય તેમ થરથરતું હતું. એની આંખોમાં અકથ્ય વેદના હતી. બે પગ વચ્ચે ડોક નાખીને રાજાના ખોળામાં બેઠું.
કબૂતરે માનવીની ભાષામાં રાજા પાસે અભયની માગણી કરી. રાજા મેઘરથે કહ્યું, 'રાજા જેવો રાજા હું બેઠો છું. આખી પૃથ્વીને પાળનાર એવો આ મેઘરથ જીવે છે, ત્યારે તને ભય શેનો ?'
આમ કહીને એણે ભોળા કબૂતરને આશ્વાસન આપ્યું અને રાજા પોતાના ધર્મ વિશે વિચારી રહ્યો. પણ હજી વધુ વિચારે ત્યાં તો તીરના વેગે એક શિકારી બાજ અંદર ધસી આવ્યો અને એણે રાજાના ખોળામાં બેઠેલા કબૂતર પર હુમલો કર્યો.
એણે કહ્યું કે 'આ તો મારૃ ભોજન છે. મને સત્વરે તું આપી દે.'
રાજા મેઘરથે શિકારી બાજને સમજાવતા કહ્યું, 'જો હું ક્ષત્રિય રાજવી છું. આ ભોળું કબૂતર મારે શરણે આવ્યું છે. તું જાણે છે કે ક્ષત્રિયનો ધર્મ છે કે એની શરણાગતે આવે એને જરૃર પડે તો પોતાનો પ્રાણ આપીને પણ બચાવવો. વળી બીજી વાત એ કે આને તું તારુ ભક્ષ્ય માને છે, પણ વિચાર તો કર કે કોઇનું ભક્ષણ કરવાથી એને કેટલી બધી તીવ્ર વેદના થતી હશે. તારા પેટની એક ટંકની આગ ઠારવા માટે આ ભોળા કબૂતરનો ભોગ લેવા વિચારે છે ?'
બાજ પક્ષીને જાણે વાણી ફૂટી. એણે કહ્યું, 'તમે રાજા છો, તમારે સહુનો વિચાર કરવો પડે. જેમ એ પક્ષી છે તો હું પણ પક્ષી છું. વળી આ કબૂતર પર મારો હક છે. તમે રાજા થઇને મને કેમ ના પાડો છો ?'
રાજા મેઘરથે કહ્યું, 'બાજ, જરા સમજ. હું ક્ષત્રિય છું અને ભોળા કબૂતરના જીવની વેદના જાણું છું. કોઇને મારી નાખીએ, ત્યારે એના જીવને કેટલી બધી વેદના થતી હોય ! મારે કોઇ પણ ભોગે દયાધર્મનું પાલન કરવાનું હોય છે.'
બાજે અકળાઇને કહ્યું, 'તમારો ધર્મ તમારી પાસે, મારે તો તાજું-મીઠું માંસ જોઇએ. તમે મને કોઇ પણ રીતે તાજુ માંસ લાવી આપો તો હું આ કબૂતરને છોડી દઉં. પણ હા, એટલું પાકું કે આ કબૂતરનાં ભારોભાર માંસ મારે જોઇએ.'
રાજા મેઘરથ વિચારમાં પડયા. આટલું તાજુ માંસ બાજને આપવું કઇ રીતે ? વળી આટલું માંસ આપવું હોય તો એને ત્રાજવે તોળવું પણ પડે. એ વધુ કે ઓછું હોય તે ન ચાલે.
રાજાએ મનોમન નિર્ધાર કર્યો કે કબૂતરના વજન જેટલું માંસ મારા દેહમાંથી કાઢીને આપીશ અને બરાબર ભારોભાર માંસ મળે તે માટે રાજાએ એક ત્રાજવું મંગાવ્યું. ત્રાજવાના એક પલ્લામાં કબૂતરને બેસાડયું અને બીજા પલ્લામાં પોતાના શરીરમાંથી માંસ કાપીને મૂકવા લાગ્યો.
એમણે હાથ કાપ્યા, પગ કાપ્યા છતાં બન્યું એવું કે કબૂતરના વજન કરતા એ બધાનું વજન ઓછું થાય. છેવટે પોતાનું મસ્તક કાપીને ત્રાજવામાં મુકવા તૈયાર થયા. આખા પરિવારમાં હાહાકાર મચી ગયો. ચતુર મંત્રીએ રાજાને વિનંતી કરતાં કહ્યું.
'મહારાજ ! આપે તો આખારાજ્યનું રક્ષણ કરવાનું હોય, માત્ર કબૂતરના રક્ષણને કાજે શરીરનો ભોગ આપવાનો ન હોય. વળી અમને તો આ કબૂતર પણ માયાવી લાગે છે. કોઇ પંખીનું વજન તમારા દેહ કરતાં તો વધુ હોય જ નહી.
આમ બધા વિચારમાં હતા. સહુના મનમાં જુદી જુદી શંકાઓ થતી હતી, પણ રાજા તો તલવાર લઇને પોતાના મસ્તક પર ઉગામવા ગયો ત્યાં એકદમ કોઇએ એનો હાથ પકડી લીધો. મુગટ, કુંડળ અને માળા ધારણ કરેલા દેવ પ્રગટ થયાં. ચોતરફ એમનું અજવાળું પથરાઇ ગયું. દેવે કહ્યું,
'ધન્ય રાજન ! ધન્ય છે તમારો દયાધર્મ. તમે સાચે જ મેરુ પર્વત જેવા છો. તમારા નિશ્ચયમાંથી સહેજે ડગ્યા નહી.'
એકાએક દિવ્ય વાજિંત્રો વાગવાં લાગ્યાં. દિશાઓ પ્રકાશથી ભરાઇ ગઇ. હવામાં સુગંધ વહેવા લાગી અને અલૌકિક તેજ ધરાવતા પ્રગટ થયેલા દેવે કહ્યું, 'અમને ક્ષમા કરો. અમારાથી ભૂલ થઇ ગઇ.'
રાજા મેઘરથે આશ્ચર્ય પ્રગટ કરતાં એમની સામે જોયું, એમણે કહ્યું, 'તમારાથી તો વળી કઇ ભૂલ થઇ ? એવી તે ક્યાં કોઇ વાત જ છે.'
પેલા દેવે કહ્યું, 'ઇશાનેન્દ્રે એમની સભામાં તમારી પ્રશંસા કરી હતી. અમને એ પસંદ પડયું નહોતું. આથી અમે કહ્યું કે અમે રાજાની પરીક્ષા કરીશું. તમારી વાત સાવ ખોટી છે અને અમે તમારી પરીક્ષા કરવા આવ્યા. તમને ઓળખ્યા નહી અને મોટો અપરાધ કરી બેઠા. હવે અમને અમારા અપરાધની ક્ષમા આપો.'
રાજાએ ક્ષમા આપી અને દેવોએ મેઘરથ રાજાના દેહના અંગો જોડીને એમને અગાઉ જેવા હતા તેવા કરી દીધા. ચોતરફ આનંદ પામી રહ્યો. સહુને થયું કે રાજા મેઘરથે નાનામાં નાના કર્તવ્યના પાલન માટે સૌથી મોટું બલિદાન આપવા તૈયાર થયા. તે બદલ એમને ધન્ય છે. દેવો સ્વર્ગમાં ગયા. સમય જતાં ધર્માત્મા મેઘરથ રાજાએ સંયમ લીધો અને એમનો આત્મા ઉચ્ચ શ્રેણીઓ ચડતો ચડતો શ્રી શાંતિનાથ ભગવાનના રૃપે પૃથ્વીના ઉધ્ધાર માટે આવ્યો. શ્રી શાંતિનાથ ભગવાન સોળમાં તીર્થંકર થયા.
ગોચરી
જીવનના બંધનોમાં જકડાયેલો માનવી વારંવાર એ બંધનો તોડવાનો વિચાર કરે છે. ક્યારેક એકાએક આવા બંધનો તોડી નાખવા માટે ઉત્સુક થાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એણે મૂળને પાણી પાવાની જરૃર હોય છે, પાંદડાને નહી.
પહેલા બંધનને પારખવાની જરૃર છે, એને સમજવાની જરૃર છે, એને અનુભવવાની જરૃર છે. પછી એના સ્વરૃપને સમ્યગરીતે પામ્યા બાદ એને દૂર કરવાનો વિચાર કરવો જોઇએ. બંધનની ગાંઠ બુદ્ધિ અને સમજથી ખોલવી જોઇએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો