બુધવાર, 4 ઑગસ્ટ, 2021

Seth Motisha

motisha seth


લાવે લાવે મોતીશા શેઠ, નમણ જળ લાવે છે ! શેઠ મોતીશાહ ઃ કાયાના કુંભ પર કીર્તિકળશ

- આંખ છીપ, અંતર મોતી

શેઠ મોતીશાહે જીવનકાળ દરમ્યાન અસંખ્ય ધર્મ અને માનવતાના શુભ કાર્યો કર્યા. તેમના સમયમાં ગોડીજી દેરાસરનું નિર્માણ થયું. તેના પોતે ટ્રસ્ટી પણ બન્યા. ભાયખલાનું દેરાસર બન્યું. પાયઘુનીનું આદિશ્વરજીનું અને ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર બન્યું. અગાસીનું જિનમંદિર બન્યું. આ તમામ કામોમાં તેઓ સ્વયં ઘ્યાન આપતાં. ઘોડાગાડીમાં બેસીને રોજ દેખરેખ માટે જતા શ્રી ગોડીજી પાર્શ્વનાથ ઉપર તેમને અપૂર્વ શ્રઘ્ધા હતી.

પરમ પવિત્ર શત્રુંજય તીર્થ પર તેમણે એક ટૂંક બંધાવી.

પાલીતાણાના પવિત્ર શત્રુંજય પર શેઠ મોતીશાહે ટૂંક બનાવી ત્યારે એ ભૂમિ પસંદ કરવા અમદાવાદના શેઠ હેમાભાઇ સાથે ગયેલા. પર્વતની ટોચે એ મોટી ખીણની જમીન હતી. શેઠ મોતીશાહે એ પસંદ કરી. શ્રી હેમાભાઇ ખચકાયા ઃ ‘પણ શેઠ એ તો ખીણ છે!’

‘વાંધો નહિ.’ મોતીશાહે ઉત્સાહથી કહ્યું ઃ ‘એમાં હું ચીની માટી ભરીશ. ભવ્ય જિનમંદિર બનાવીશ.’ એ ગગનચુંબી જિનમંદિરો ચણાયા. તેના થોડાક મહિના પૂર્વે શેઠ મોતીશાહે દેહ છોડ્યો. પછી શેઠાણી પણ ગયાં. શેઠ ખીમચંદભાઇએ પૂરા ભારતના સંઘો બોલાવીને પ્રતિષ્ઠા કરાવી ત્યારે કહે છે કે આકાશમાંથી અમી ઝર્યા ને ત્યાં ઉપસ્થિત હજારો સાઘુ, સાઘ્વી, શ્રાવક અને શ્રાવિકાના સંઘસમુદાયે ભક્તિભાવ સ્વરે ગાયું ઃ

‘લાવે લાવે મોતીશા શેઠ, નમણ જળ લાવે છે!

નવરાવે મરુદેવા નંદ, નમણ જળ લાવે છે!’

ભક્તિના શિખર પર ગવાયેલી આ પંક્તિઓ અદ્યાપિ જૈન સંઘ પ્રાતઃકાળે ગાય છે!

શેઠ મોતીશાહ તેમના સમયના ભારતના મોટા વેપારી હતા. મુંબઇ અને ભારતના બીજા શહેરોમાં તેમનો બહોળો વેપાર હતો. ચીન, ઈજિપ્ત, ઈરાક વગેરે દેશોમાં તેમની પેઢીઓ ચાલતી. તેમના વહાણો બારે મહિના દુનિયાભરના સમુદ્રોમાં ધુમતા અને વેપાર ખેડતા. તેમના જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્ય પાલીતાણાના શત્રુંજય તીર્થ પર તેમની બાંધેલી ‘શેઠ મોતીશાહની ટૂંક’ છે. શ્રી મોતીચંદ ગીરધરલાલ કાપડિયાએ શેઠ મોતીશાહનું વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું છે.

શેઠ મોતીશાહ (સં. ૧૮૩૮ - સં. ૧૮૯૨) એટલે કાયાના કુંભ પર કીર્તિકળશ! આવો દાનવી અને આવો ઉદ્યોગપતિ, ન ભૂતો ન ભવિષ્યતિ!

પ્રભાવના

‘સૂત્રકૃત્રાંગ’ નામના જૈનાગમનું આ વચન પ્રત્યેક જૈન ધર્મીએ શિક્ષાવ્રતની જેમ શીખી લેવું જોઇએ કે ‘જે વ્યક્તિ જૂનું પાપ ધોઇ નાંખે છે ને નવું બાંધતો નથી તે મોક્ષમાં જાય છે!’

આવું પવિત્ર જીવન જીવીએ.

આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top