સોવનવાડી ફૂલડે છાઈ, છાબ ભરી હું લાવુંજી,
ફૂલજ લાવું ને હાર ગુંથાવું, પ્રભુજીને કંઠે સોહાવુંજી,
ઉપવાસ કરું તો ભૂખજ લાગે, ઉનું પાણી નવિ ભાવેજી,
આંબિલ કરૂં તો લુખું ન ભાવે, નીવી એ ડૂચા આવેજી.. (૧)
એકાસણું કરું તો ભૂખે ન રહી શકું, સુખે ખાઉં ત્રણ ટંકજી,
સામયિક કરૂં તો બેસી ન શકું, નિંદ્રા કરું સારી રાતજી,
દેરે જાઉં તો ખોટી થાઉં, ઘરનો ધંધો ચુકુજી,
દાન દઉં તો હાથજ ધ્રૂજે, હૈયે કંપારી છૂટેજી.. (૨)
જીવને જમડાનુ તેડું આવ્યું, સર્વ મેલીને ચાલોજી,
રહો રહો જમડાજી આજનો દહાડો, શત્રુંજે જઈને આવુજી,
શત્રુંજે જઈને દ્રવ્યજ ખર્ચુ, મોક્ષ માર્ગ હું માંગુજી,
ઘેલા જીવડા ઘેલું શું બોલે? આટલા દિવસ શું કીધુંજી.. (૩)
જાતે જે જીવે પાછળ ભાતું, શું શું આવે સાથેજી,
કાચી ફૂલેરને ખોખરી હાંડી, કાષ્ટના ભારા સાથેજી,
“જ્ઞાનવિમલ” ગુરૂ એણિ પેરે ભાખે, દ્યાવો અધ્યાતમ ધ્યાનજી,
ભાવ ભક્તિ શું જીનજીને પૂજો, સમકિત ને અજવાળોજી.. (૪)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો