શનિવાર, 6 નવેમ્બર, 2021

Shripalras Navpad Ayambil શ્રીપાલરાસ નવપદજી ઓળી

 શ્રી નવપદજી ઓળી છઠ્ઠો દિવસ.

ૐ હ્રીં નમો દંસણસ્સ.


દર્શન સપ્તક ( ચાર અનંતાનુબંધી,સમકિતમોહનીય,મિશ્રમોહનિય,મિથ્યાત્વમોહનિય) રૂપી કર્મ મલને ઉપશમાવવાથી ઉપશમ સમ્યક્ત્વ,ક્ષયોપશમ કરવાથી ક્ષયોપશમ સમ્યક્ત્વ અને ક્ષય કરવાથી ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે..


એમ ત્રણ પ્રકારના અભંગ તે સમ્યગદર્શનને હું નમસ્કાર કરૂં છું.


*શ્રીપાલરાસ વિભાગ૦૬*


જ્ઞાની ગુરૂની આજ્ઞા દ્વારા શ્રીપાલ-મયણા નવપદની ઓળીનો પ્રારંભ


અહીં કવી કલ્પના કરે છે કે તે વખતે જાણે કોઇથી ચલિત ન કરાય તેવા અને ઉજ્જવલ શીલવાળી મયણાસુંદરીના મુખને જોવા માટે જ  જાણે સૂર્ય પ્રભાત સમયે ઉદયાચલ પર્વત ઉપર ચડયો ! હોય તેમ હું માનું છું. આ પ્રમાણે ચક્રવાક અને ચક્રવાકીના વિરહનો નાશ કરનાર,સૂર્યવિકાશી કમળોને વિકસાવતો અને જગતના જીવોના ચક્ષુ સમાન સૂર્ય જ્યારે ઉદય પામ્યો, ત્યારે પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાયો. તે સમયે પ્રભાત થતાં મયણાસુંદરી પોતાના પતિને કહેવા લાગી કે 

હે સ્વામિનાથ ! ચાલો આપણે ઋષભદેવ ભગવાનના મંદિરે જઇ યુગાદિદેવનાં દર્શન કરીએ કારણકે આદીશ્વર ભગવાનનું મુખ જોતાં જ દુ:ખ અને ક્લેશ નાશ પામે છે. એ પ્રમાણેનાં મયણાસુંદરીના વચનો સાંભળી ઉંમરરાણો જિનેશ્વર ભગવાનના મંદિરે આવ્યો, અને આદીશ્વર ભગવાનનું મુખ જોતાં જ તેને મનમાં અત્યંત હર્ષ થયો. તેથી સ્તુતિ કરવા લાગ્યો કે 

હે ત્રિભુવન નાયક પ્રભુ! તું જ આ  જગતમાં મોટો છે, તારા સમાન બીજો કોઇ નથી. તે સમયે મયણાસુંદરીએ કેશર, ચંદન, પુષ્પ, કપૂર વિગેરેથી જિનેશ્વર ભગવાનની પૂજા કરી અને  સુગંધથી ભરપૂર લાખેણો હાર જિનેશ્વર ભગવાનના કંઠમાં સ્થાપન કર્યો. પછી ચૈત્યવંદન કરી, ભાવના ભાવી, ભાવથી કાઉસગ્ગ કરી,ચિંતવવા લાગી કે હે  પ્રભો ! જય પામો, જય પામો, તમે ચિંતામણિ રત્ન સમાન છો, તેમ જ તમે મોક્ષ માર્ગના આપનાર છો. વળી આભવ અને પરભવમાં  તમારા વિના બીજો કોઇ શરણ નથી, તેથી હે પ્રભુ ! શરણે આવેલા આ સેવકને પણ આપ જ આધાર છો. અમારા દુ:ખ અને દુર્ભાગ્યને દૂર  કરો. તે વખતે ભગવંતના પોતાના કંઠમાંથી ફુલની માળા તથા હાથમાંથી બીજોરું (ફળ) જિનેશ્વર ભગવાનની ભક્તિના પ્રતાપથી શાસનદેવે ઉંમરરાણાને સર્વ લોકો જોતાં  આપ્યું અને તે બન્ને વસ્તુઓ તેણે હર્ષથી લીધી. મયણાસુંદરીએ કાઉસગ્ગ પાર્યો, તે વખતે તેના હૃદયમાં હર્ષ માતો નથી. તે મનમાં વિચારવા લાગી કે નિશ્ચિત શાસનદેવતાએ અમારા ઉપર કૃપા કરી છે. 

આ પ્રમાણે જિનેશ્વર ભગવંતને જુહારીને પછી મયણાસુંદરી કહેવા લાગી કે હે સ્વામિન્! નજીકમાં પૌષધશાળામાં ગુણના નિધાન ગુરુમહારાજ બિરાજે છે. અને તેઓ દેશના આપે છે, તો ચાલો, આપણે તેમનો ઉપદેશ સાંભળીએ. એમ કહી તે સ્ત્રી ભર્તાર બન્નેજણાં  ત્યાં આવ્યાં, અને ગુરુમહારાજના  ચરણોમાં વિધિ મુજબ વંદના કરી પોતાને યોગ્ય એવા બેસવાના સ્થાને બેઠાં. તે વખતે ગુરુમહારાજે પણ પ્રથમ ધર્મલાભ આપી, પછી ધર્મ સ્નેહ લાવીને ``યોગ્ય જીવો છે'' એમ જાણી તેમને ધર્મદેશના આપવા લાગ્યા.હે ભવ્ય જીવો! આ અનાદિ સંસારમાં ભમતાં ભમતાં દુર્લભ એવો મનુષ્ય ભવ મળી ચુક્યો છે. તો પ્રમાદરૂપી નિદ્રાને છોડી દઇને આત્માના પોતાના સ્વાર્થરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધના કરી લ્યો. કારણકે આવી દુર્લભ ધર્મ સામગ્રી મનુષ્ય ભવ સિવાય બીજે ક્યાંય મળવાની નથી. તો હે ચેતન ! ચિત્તમાં ચેતનાને લાવીને ચેતી જાઓ. જે મનુષ્ય ધર્મ સર્વ સામગ્રી  મળવા છતાં પણ તેનો સદુપયોગ કરતો નથી અને પ્રમાદથી ફોગટ ગુમાવે છે, તે મનુષ્યને પેલી માખીને જેમ હાથ ઘસવા પૂર્વક પસ્તાવાનો જ  વખત આવે છે. માખી ફુલોમાંથી ટીપું ટીપું રસ લઇ મધ ભેગું કરે છે. મહેનત કરે છે પણ પોતે ખાતી નથી, તેમ તે મધ  કોઇને લેવા દેતી નથી. અને ઓચિંતો શિકારી તે મધ લઇ લે છે ત્યારે હાથ ઘસતી રહે છે તેમ મનુષ્ય પણ ધર્મ સામગ્રીને ગુમાવીને પાછળથી પશ્ચાતાપ કરે છે. જેમ કોઇ મનુષ્ય ઘણા ઠાઠમાઠ સાથે જાન લઇને પરણવા જાય પરંતુ લગ્નની ઘડી ઉંઘમાં ચાલી જાય  પછી જાગવાથી જેમ ઘણો પશ્ચાતાપ થાય છે તેમ આ પ્રાપ્ત થયેલો મનુષ્ય જન્મ તથા ધર્મસામગ્રીને આરાધના વડે સફળ ન કરે, તો પશ્ચાતાપ કરવાથી પછી કંઇ થઇ શકતું નથી. માટે મળેલી ધર્મ સામગ્રીને સફળ કરવી જોઇએ. આ પ્રમાણે દેશના આપી ભવ્ય જીવો ઉપર ઉપકાર કર્યો. ત્યાર પછી ગુરુએ મયણાસુંદરીને ઓળખી લીધી અને તેને બોલાવી. 

હે મયણાસુંદરી! તુ તો રાજાની પુત્રી છે અને અભ્યાસ કરતાં તને સંશય પડે ત્યારે મોટા સૈન્ય તથા પરિવાર સાથે અમને અર્થનું રહસ્ય પૂછવા તું ઉપાશ્રયે આવતી હતી. પણ આજે તું આમ એકલી કેમ છે? આ કોણ નર રત્ન તારી સાથે છે ? એ પ્રમાણે ગુરુના વચનો સાંભળી મયણાસુંદરીએ મનને સ્થિર કરી શરૂઆતથી સર્વ વાત ગુરુને કહી સંભળાવી. ત્યારે વળી વિશેષમાં તેણીએ કહ્યું કે હે પૂજ્ય ગુરુદેવ!  બીજી બાજુ કોઇ પણ દુ:ખ મનમાં યાદ આવતું નથી, પરંતુ અજ્ઞાની લોકો જૈનશાસનની જેમ ફાવે તેમ નિંદા કરે છે. તે દુ:ખ મનમાં  ખટકે છે. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે હે મયણાસુંદરી ! તું મનમાં જરાપણ ઓછું લાવીશ નહી. કારણ કે ધર્મના પ્રતાપથી તારા હાથમાં  આ ચિંતામણી રત્ન આવ્યું છે. 

આ નરરત્ન વર તે શ્રેષ્ઠ પુરુષ (ઉત્તમક્ષત્રીય) છે. અર્થાત્ મહાભાગ્યશાળી છે. વળી આ પુરુષનો એવો ચડતો કાળ આવશે કે રાજાઓનો પણ રાજા થશે તથા જૈન શાસનની શોભા વધારશે. અને જગત આખુંય તેના ચરણોમાં નમસ્કાર કરશે. ત્યારે મયણાસુંદરી એ ગુરુને વિનંતી કરી કે હે પૂજ્ય ગુરુદેવ!આગમને વિશે ઉપયોગ મુકીને કોઇ પણ ઉપાય કરી તમારા આ શ્રાવકનો શરીરનો કોઢ રોગ દૂર કરો. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે યંત્ર, તંત્ર, જડીબુટ્ટી, મણિ, મંત્ર, ઔષધી તથા બીજા ઉપચારો કહેવા તે જૈનમુનિઓના ઉત્તમ આચાર નથી . પરંતુ આ મહાપુરુષ છે અને એનાથી ધર્મનો ઉદ્યોત થનાર છે તેથી એક મંત્ર બતાવું છું કે જે મંત્રનો જગતમાં જાગતી જ્યોત ભર્યો ચશ છે (એટલે કે સદા ઝળહળતા પ્રભાવવાળો એક મંત્ર બતાવીશ) પછી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજે જેમ દહીં વલોવીને માખણ કાઢવામાં આવે છે  તેમ આગમના ગ્રંથોને વલોવીને એટલે જોઇ જોઇને તેનામાંથી 

શ્રી સિદ્ધચક્રજીનો યંત્ર તૈયાર કર્યો અને મયણાને બતાવ્યો. જે મંત્રમાં ૐ હ્રીઁ  પદથી સહિત અરિહંત વિગેરે નવપદો છે. તેમાં વળી બીજા પણ નવા મંત્રાક્ષરો છે તેનું તત્ત્વગુરૂગમથી મેળવવું. 

તે સિદ્ધચક્રજીની સ્થાપના 

આ રીતે કરવી કે પ્રથમ મધ્યમાં અરિહંત પદ અને ચારે દિશામાં સિદ્ધ વગેરે ચાર પદો તથા વિદિશાઓમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ રીતે સિદ્ધચક્રજીનું ધ્યાન કરવું. આ પ્રમાણે આઠ કમળના પાંદડા વાળું, સકળયંત્રોમાં મુકુટ સમાન શ્રી સિદ્ધચક્રજીનું યંત્ર છે. તેને નિર્મળ મન અને શુદ્ધ કાયાથી સેવન કરે, તેના સઘળા ઇચ્છિત કાર્યો પૂર્ણ થાય છે. આ તપ આસો સુદી સાતમથી શરૂ કરી નિર્મળ એવાં નવ આયંબિલ કરી ગુણોના મંદિર સરખા આ નવપદની આરાધના કરવી. વળી વિધિપૂર્વક શુદ્ધ ધોતિયાં અને ઉત્તરાસંગ પહેરી  ઉત્સાહ વાળા થઇને સવાર, બપોર, સાંજ એમ ત્રિકાળ જિનેશ્વરભગવંતની જળ-ચંદન-પુષ્પ-ધૂપ-દીપક-અક્ષત-નૈવેદ્ય-ફળ એમ 

અષ્ટપ્રકારી પૂજા કરવી. 

તેમ જ નિર્મળ જીવ જન્તુ વિનાની સ્વચ્છ ભૂમિ ઉપર સંથારો કરવો, તથા જગતમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું અને એક એક પદની  વીશ વીશ નવકારવાળી ગણવી. વળી દરરોજ આઠ થોય વડે દેવવંદન ત્રણ વખત કરવું. દરરોજ સવાર સાંજ બન્નેપ્રતિક્રમણ કરવા, અને ગુરુમહારાજ ની ઉત્તમ પ્રકારે વૈયાવચ્ચ કરવી. વળી કાયાને સંયમમાં રાખવી, વચનો વિચાર પૂર્વકબોલવાં અને નિર્મલ (સ્થિર) મનથી ધર્મનું ધ્યાન ધરવું.  દહીં, દુધ, ઘી, સાકર, અને પાણી એ પંચામૃત ભેગાં કરી સિદ્ધચક્રજીના યંત્રપટ્ટનો પ્રક્ષાલ કરવો. આ રીતે પૂજા કરી નવમે દીવસે સિદ્ધચક્રજીની  વિસ્તારથી ભક્તિ પૂજા કરવી. 

આ પ્રમાણે ચૈત્ર સુદી સાતમથી ચૈત્ર સુદી પુનમ સુધી નવ આયંબિલના નિયમવાળી આ ઓળીનું આરાધન કરવું. આ પ્રમાણે કપટ રહિત એકાશી આયંબિલ વડે આ તપ સાડા ચાર વર્ષે પૂર્ણ થાય છે. આ પ્રમાણે 

આ તપ પૂર્ણ થયે પોતાની શક્તિ અનુસાર ઉદ્યાપન મહોત્સવ પણ કરવો . આ તપના પ્રભાવથી આ ભવ અને પરભવમાં અનેક સુખો ભોગવીને આત્મા સંસારના પારને પામે છે. વળી આ તપની આરાધનાનાં ફળો આ ભવમાં પણ આ પ્રમાણે મળે છે કોઇ તેની આજ્ઞાનું ખંડન કરતું નથી. તથા જેમ પ્રચંડ પવન વડે મેઘ વિખરાઇ જાય છે તેમ રોગ, દૌર્ભાગ્ય અને સર્વે દુઃખો શાન્ત થાય છે. વળી શ્રી સિદ્ધચક્રજીના ન્હવણજળથી અઢારે પ્રકારના કોઢ નાશપામે છે. વળી ચોરાસી પ્રકારના વાયુ શાંત પામે છે તથા ગડગુમડાં અને ઘા પણ મટી જાય છે. તેમજ વળી ભયંકર ભગંદર ના રોગનો ભય પણ નાશ પામે છે, જલોદર રોગ દૂર ભાગી જાય છે વિવિધ પ્રકારની પીડા શરીરની વેદના, અને દુષ્ટ તાવ વગેરે નાશ પામે છે.ખાંસી, ક્ષય, ખસ, આંખના રોગો, સન્નિપાત રોગ, વિગેરે રોગો નાશ પામે છે. તથા ચોર, ભૂત અને ડાકિણીઓ વિગેરે પણ ઉપઘાતકરી શકતાં નથી. હીક રોગ, મસા, હેડકી આવવી શરીરના અંગોમાં નારાં-પોલાણ પડવા, નાસુરની વ્યાધિ, પાઠાં-ગુદા ઉપરની ચાંદીઓ, તથા પેટની પીડા એ સર્વે તથા દંતશુલ (દાંતનીપીડા) પણ નાશ પામે છે. તથા નિર્ધન મનુષ્યોને ધન પ્રાપ્ત થાય છે.અને અપુત્રીયા (પુત્રવિનાના) હોય તેઓને પુત્ર પ્રાપ્ત થાય છે. 

(આ શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવે સર્વ વાંછિતો પૂર્ણથાય છે, તેથી વિશેષ શું કહેવું) આ સિદ્ધચક્રજી ના ગુણો ખરેખર કેવલી ભગવંત વિના બીજો કોઇ પણ મનુષ્ય કહી શકે તેમ નથી. 

આ પ્રમાણે શ્રી મુનિભગવંતે સિદ્ધચક્રજીનો યંત્રપટ બનાવીને આપ્યો અને કહ્યું કે આના પ્રભાવથી આ ભવ અને પરભવમાં મનોવાંછિત સિદ્ધિઓ પ્રાપ્ત થશે. તે સમયે ગુરુ ભગવંતે ત્યાં બેઠેલા બીજા શ્રાવકોને ઉદ્દેશીને કહ્યું કે આ બન્નેજીવો સારા ગુણોના ભંડાર છે આવા સાધર્મિકો  કોઇક વખત મળે છે, માટે તમો સાવધાનપણે તેઓની ભક્તિ કરો. વળી સાધર્મિકના સગપણ જેવું બીજું કોઇ ઉત્તમ સગપણ જગતમાં નથી કારણકે સાધર્મિક ભક્તિ કરવાથી સમ્યકત્વ નિર્મળ થાય છે. એ પ્રમાણે ગુરુભગવંતના વચનો સાંભળી આદર સત્કાર પૂર્વક શ્રદ્ધાળુ શ્રાવકો તે બન્નેને પોતાના ઘેર  લઇ ગયા. અને ચિત્તમાં ઉલ્લાસ લાવીને વિવિધ પ્રકારે તેમની ભક્તિ કરવા લાગ્યા. ત્યારે તે બન્ને જણાં સાધર્મિક બંધુને ઘેર રહીને નવપદજીનું પૂજન તથા વિશેષ પ્રકારે આયંબીલ તપ વિગેરે સઘળો વિધિ ગુરૂની આજ્ઞા અનુસાર કરે છે. 

હવે તે સ્ત્રી અને ભરતારે શુભ ભાવપૂર્વક આયંબિલની ઓળી શરૂ કરી, તથા પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા કરવા પૂર્વક મનને સંયમમાં રાખી આયંબિલ  કરવા શરૂ કર્યા. ત્યાં પહેલા આયંબિલે જે મનને અનુકુળ થાય તેમ રોગનું મૂળ નાશ પામ્યું. જેથી અંતરનો દાહ (અંતરની બળતરા-પીડા) સર્વ શાંત થયો અને તેથી શ્રી સિદ્ધચક્રજી ના યંત્રનો મહિમા મનમાં રમવા લાગ્યો એટલે વારંવાર યાદ આવવા લાગ્યો. શ્રદ્ધા સહિત પવિત્ર ભાવ વડે  

શ્રી સિદ્ધચક્રજીનો જાપ જપવાથી બહારની ચામડી પણ નિર્મળ થઇ પછી દિવસે દિવસે શરીરની કાન્તિ વધવા લાગી તેથી શરીર સુવર્ણ જેવું થયું . વળી નવમાં આયંબિલના દિવસે શ્રી સિદ્ધચક્રજી ના યંત્રના ન્હવણ જળને શરીરે લગાડવાથી શરીર રોગ વિનાનું થયું તેથી હે પ્રાણીઓ! સિદ્ધચક્રજીનો  પ્રભાવ તો દેખો! આ પ્રભાવને જોઇને સર્વ લોકોને મનમાં અચંભો થયો. તે વખતે મયણાસુંદરી કહેવા લાગી કે હે સ્વામિન્ ! પૂજ્ય ગુરુદેવની મહેરબાનીથી આ સર્વ સુખ થયું છે. માતા, પિતા, ભાઇ, પુત્ર એ સર્વ હિતકારી છે. તો પણ ગુરુની સમાન કોઇ પણ પરમહિત ને કરનાર નથી.

વળી પૂજ્ય ગુરુભગવંત આ લોકમાં દુઃખનો નાશ કરે છે અને પરલોકમાં દુર્ગતિથી રક્ષણ કરે છે. તથા સુગુરુની સેવા કરવાથી સારી બુદ્ધિ  મળે છે તેથી ગુરુ દીપક સમાન છે અને ગુરુ દેવ સરખા છે. ત્યારે લોકો કહેવા લાગ્યા કે ધન્ય છે આવા જ્ઞાની ગુરુને ! અને  ધન્ય છે આ ધર્મને! તે વખતે જૈનધર્મની સૌ કોઇ પ્રશંસા કરવા લાગ્યા અને ઘણા જીવો બોધિબીજ (સમ્યકત્વ) પામ્યા. વળી જે સાતસો  કોઢીયા હતા તે બધાના પણ રોગો સિદ્ધચક્રજીના યંત્રના ન્હવણને શરીરે લગાડવાથી નાશ પામ્યા. તેથી તે સર્વે સુખી થયા. અને પોતપોતાના સ્થાનકે  જતા રહ્યા.

🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top