શનિવાર, 6 નવેમ્બર, 2021

Jamnagar Nemimanth Bhagavan

 #જામનગર ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશે આવેલું શહેર. ચાંદી બઝારે શત્રુંજય તીર્થ સમાન જિનાલયોની હારમાળા. એક જિનાલયથી પ્રવેશ કરો અને બીજા જિનાલયથી બહાર નીકળો, ભૂલભૂલામણી ભરેલી જિનાલયની રચના સમજવું મુશ્કેલ બને તેવા પ્રાચીન તીર્થધામ.


     જામનગરમાં ૨૨ માં તીર્થંકર શ્રી #નેમનાથ દાદાની જીવિત પ્રતિમા. જીવિત એટલે જ્યારે તીર્થંકર પરમાત્મા વિચરતાં હોય ત્યારે પ્રતિમાનું નિર્માણ થયું હોય તેમને જીવિત પ્રતિમા કહેવાય. આ જિનપ્રતિમા ૯માં વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજાએ ભરાવી, પોતાના રાજમહેલમાં ગૃહજિનાલયમાં પધરાવી નિત્ય જિનદર્શન અને અષ્ટપ્રકારી પૂજા સાથે ત્રિકાળ ભક્તિ કરતાં.

     

       કાળક્રમે દ્વેપાયનમહર્ષિના શ્રાપથી દ્વારવતી (દ્વારિકા) નગરીનું વિનાશ થયું. આ જિનપ્રતિમા કાળક્રમે (જામનગરમાં કેવી રીતે બિરાજમાન થયા તેનો પણ લાંબો ઇતિહાસ છે) જામનગરમાં ચાંદીબઝાર નજીકમાં જ એક હવેલીમાં ભવ્ય પ્રતિષ્ઠા સાથે બિરાજમાન થયા. આજેય શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવથી પ્રભુના પાંચેય કલ્યાણકો ખૂબ શ્રદ્ધા ભાવથી હર્ષોલ્લાસથી ઉજવે છે.

      

        એક શ્રદ્ધાળું નિત્યક્રમમાં જિનપૂજા અને પ્રભુ પક્ષાલના આગ્રહી હતાં. નિત્ય સવારે ૫:૦૦ કલાકે ગૃહ જિનાલયે પહોંચી જતાં. કાજો (ગૃહ જિનાલયમાં ઝાડું કાઢવું), જિનપ્રતિમા નિર્માલ્ય, વાસક્ષેપ પૂજા, પક્ષાલની પૂર્વ તૈયારી તેમની સાથે જોડાનાર બીજા અન્ય શ્રદ્ધાળુઓ સ્વયંભૂ સેવા આપતાં. 


     બધું જ રાબેતા મુજબ થતું, પ્રભુ પક્ષાલના નિત્ય ચડાવા થતાં. શંખ, ઢોલ, નગારા, ઝાલર, ઘંટનાદ, છડી, ચામર નૃત્ય એક રાજાધિરાજ, દેવાધિદેવની ઠાઠમાઠથી છડી પોકારતાં પછી પ્રભુ પ્રક્ષાલન થતું. ભવ્ય નજારો જોનારને દ્રષ્ટિ હટાવવાનું મન ન થાય. નયનના પલકારા પણ ન પડે. ગીરનાર તીર્થમંડન શ્રી નેમનાથ દાદાની આબેહૂબ પક્ષાલ ભક્તિસમાન. સતત ૩૦ મિનિટ સુધી અખંડધારાએ પ્રભુ પક્ષાલ થાય. 


      એક દિવસ શ્રદ્ધાળુને ત્યાં એક સાધર્મિક પધાર્યા. સુંદર આતિથ્ય સાથે વહેલી પરોઢે ગૃહજિનાલયે શ્રી નેમનાથ દાદાના પક્ષાલ અને જિનપૂજા માટે સાધર્મિકને સાથે લઇ આવ્યા. પક્ષાલનો ચડાવો થયો. શ્રદ્ધાળુએ પક્ષાલનો લાભ લીધો. પોતે નિયમિત શંખનાદ કરતાં. શંખનાદ કરવું સામાન્ય માણસનું ગજુ નથી, ફેફસાં મજબૂત જોઇએ નહીંતર શંખમાંથી ધ્વની (નાદ) ન નીકળે! સાથે પધારનાર સાધર્મિક પૂજાનો વેશ પરિધાન કર્યો હતો. શ્રદ્ધાળુઓએ સાધર્મિકને કહ્યું પ્રથમ પક્ષાલ આપ કરજો. સાધર્મિકે આવું ભવ્ય જિનપ્રતિમા પ્રક્ષાલન જીંદગીમાં ક્યારેય કર્યું ન હતું. આનંદવિભોર સાથે મન સાથે શરીરપણ નૃત્ય કરવા તત્પર હતું. 


     શ્રદ્ધાળુંની ઉદારતા કેટલી? ચડાવાથી લાભ પોતે લીધો પણ ઘરે પધારનાર સાધર્મિકને પક્ષાલનું લાભ અપાવતાં. તેમને પ્રભુ સાથે પ્રીત અને ભક્તિ હતી. આવું પ્રથમવાર ન હતું, જ્યારે પણ કોઇ સાધર્મિક મહેમાન પધારે ત્યારે અવશ્ય કરતાં. ક્યારેક સાંસારિક વ્યવહારે બહારે જતાં પણ તેમને પ્રભુ ભક્તિનો વિયોગ સહન ન થતો અને બેચેન રહેતાં. તેઓ લગભગ બહાર જવાનું ટાળતા. પ્રભુની કૃપાથી સાધનસંપન્ન શ્રીમંત બન્યા હતાં. આવી અતૂટ પ્રભુ ભક્તિ! *શંખનાદ* જીંદગીનો શ્વાસ હતો. 


      અચલગચ્છ સંપ્રદાયના પ. પૂ. સાધ્વી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ. સા. ના સાંસારિક પરિવારના એક સદસ્યની વાત છે. પ્રભુભક્તિ તેમની પાસેથી શીખવા જેવી છે સાથે કંઇક પામવા જેવું છે. તેમનો સાંસારિક પરિવાર સાધર્મિકો માટે પ્રેરણાદાયી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top