શનિવાર, 20 નવેમ્બર, 2021

Navkar Chhatrisi નવકાર છત્રીસી

રચયિતા: પૂ. મુનિ શ્રી વિરાગ સાગરજી


જેના પ્રચંડ પ્રભાવ થી, વિખરાય વાદળ કર્મના,

ત્રણ લોકના જીવો મળી, કરે હર્ષ ધરીને વર્ણના

જેના સ્મરણથી થાય છે પાપો તણી નિકંદના

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧||


જે ચૌદ પૂર્વનો સાર છેને, મંત્રમાં શિરદાર છે

સંસાર સાગરે ડુબતાં, જીવો તણો આધાર છે

સુર-નર-તિરિને નારકીઓ,જેહની કરે ઝંખના

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૨||


આદિ નહિ આ મંત્રની,ભૂત ભાવિમાં છે શાશ્વતો

સુખ શાંતિને પામે સદા, શુભ ભાવથી જે સાધતો

ચૌદ રાજના ત્રણ ભુવનનાં સહુ જિવને હરખાવતો

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૩||


તીર્થો મહીં શેત્રુંજયો તીર્થાધીરાજ કહેવાય છે

પર્વો મહીં પર્યુષણા પર્વાધી રાજ મનાય છે

તિમ મંત્રોમાં નમસ્કાર જે, મંત્રાધીરાજ ગણાય છે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૪||


જે તરણ તારણ સુગતિકારક્ દુઃખ નિવારક મંત્ર છે

સંસાર સાગરે ડુબતી નૈયા-સુકાની મંત્ર છે

દુઃખો તણા દાવાનલે જલ સિંચનારો મંત્ર જે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૫||


મુજ હ્રદયનાં ધબકારમાં, રટણા કરુ હું જેહની

પ્રતિ શ્વાસને ઉચ્છશ્વાસમાં, સ્મરણાં કરુ હું જેહની

મન-વચન કાયાથકી, કરું અર્ચના હું જેહની

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૬||


જે સૃષ્ટિનો શણગાર છે,ને પૃથ્વીનો આધાર છે

આનંદનો અવતાર છે, પરમાર્થ પારાવાર છે

વળી,સકલ આગમ શાસ્ત્રમાં,મહિમા અનંત અપાર છે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૭||


જે કામધેનુ કલ્પતરુ ચિંતામણીથી અધીક છે

જેના શરણમાં આવેલો મુગતી થકી નજદીક છે

વળી, શક્તિ એવી જેહમાં, બંધન હરે સંસારના

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૮||


બે ભેદ છે જે મંત્રના, અડસઠ અક્ષર માં સહી

ગુરુ-સાત અક્ષર સ્મરણ કરતા, સાત-નરક પામે નહિ

દર્શન થતાં લઘુ ઇગ્સઠ્ઠી, અક્ષરે મહાશક્તિના,

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૯||


અરિહંત-સિધ્ધ-આચાર્ય-પાઠક્,શોભતા સાધુ વળી,

દર્શન્-જ્ઞાન-ચારિત્ર-તમને, વંદના કરુ લળી-લળી

જે મંત્રને પામી અમારા, દ્વાર ખુલ્યા ભાગ્યનાં

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૦||


અંતર રિપુને હન્ત કરતા,એવા શ્રી અરિહંત છે

શિવ સુંદરીને ભોગતા એવા પ્રભુજી સિધ્ધ છે

સુવિશુધ્ધ એવા દેવ તત્વની જેહમાં છે વર્ણના

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૧||


આચાર્ય -ઉપાધ્યાય્-સાધુ, શોભતાં ગુરુ તત્વમાં

સુદેવ -ગુરુને નમન કરતાં પાપ નાશે પલકમાં

સવિ મંગલોમાં શ્રેષ્ઠતમ છે,સ્થાન જેનું આદ્યમાં

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૨||


અરિહંતનાં ગુણ બાર છે ને સિધ્ધના ગુણ આઠ છે

આચાર્યના છત્રીશને પાઠકના પચ્ચ વીશ છે

વળી સપ્તવીશ સાધુ તણા, ઇમ કુલ એકસો આઠ છે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૩||


નવ પદ છે રળીયામણા, જે અર્પતા નવ-નિધિને

અને સંપદા છે આઠ જેની અર્પતી બહુ રિધ્ધિને

વળી પંચ છે પરમેષ્ઠિ જેમાં, આપતા બહુ સિધ્ધિને

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૪||


અષ્ટા પદ- સિધ્ધાચલ વળી તીર્થ આબુ શોભતું

ઉજ્જિંતશૈલ તીર્થને સમ્મેત શીખર છે ગાજતું

આ પાંચે મુખ્ય તીર્થને, જે મંત્રમાં ખુદને શમાવતુ

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૫||


જે દિનથી નવકાર મારા હોઠને હૈયે ચઢ્યો

તે દિનથી મુજ કરમહિ, ચિંતામણી આવી વસ્યો

જેના મિલનનાં સ્પંદને,મુજ આતમા પાવન થયો

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૬||


જાણી જગતની રીત જુઠી,પ્રીત કરી મે જેહની

છોડી જગતનીવાતડી મે ઝંખના કરી સ્નેહની

વળી રોગ-શોકને ભય મહિ હું અર્ચના કરું જેહની

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૭||


નવકાર જેના હ્રદયમાં, સંસાર તેને શું કરે?

રક્ષક બની સંસારમાં, દુર્ધ્યાન ને દુર્ગુણ કરે

આરાધના જેની કરી શિવસુંદરી સહસા વરે

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||૧૮||


અંધારુ ભાળુ ચોતરફ ત્યારે શરણ ગ્રહું જેહનું,

દુ:ખો તથ સંકટ મહિ પણ સ્મરણ કરતો તેહનું

વાત્સલ્યતા મામતાભર્યો. જેને બિરુદ જગ-માતનુ

ઍવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||19||


ગુણ ગાવુ છું એ મંત્રના,જે પાપ હરતો જીવનના,

વળી.નમન એને લળી-લળી,જે તાપ હરતો શરીરના

ભાવે ભજું એને સદા, સંતાપ હરતો હ્રદયના

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||20||


જે ધ્યેય છે, જે શ્રેય છે, શ્રધ્ધેય ને વળી ગેય છે

શિરતાજ છે જે ત્રણ લોકનો,ગુણ જેહના અમેય છે

વળી હેય એવા ભવ-વને,જે મંત્ર સાચો ગ્નેય છે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||21||


ગત જન્મ ના પુણ્યોદયે, જે મંત્ર મુજ આવી મળ્યો

દિલની ધરા સુકી છતા, આમંત્ર કલ્પતરુ ફળ્યો

ત્રણ કાળમાં, સહુ મંત્રમાં, શિરોમણી જેને કહ્યો

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||22||


સ્વારથ ભરેલી આ જિંદગીનો, કેવો દુર વ્યવહાર છે

વૈભવ અને સુખ ચેન માં પણ, દુ:ખ પારાવાર છે

સાચો સહારો જીવનનો, બસ એક નવકાર છે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||23||


વ્હાલેશ્વરો વિશ્વેશ્વરો, પ્રાણેશ્વરો નવકાર છે

જ્વનેશ્વરો સર્વેશ્વરો, દીનેશ્વરો નવકાર છે

મંત્રેશ્વરો સિધ્ધેશ્વરો, ગુણ જેહ ના અપાર છે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||24||


ને જે જન્મ મૃત્યુને ટાળતોને, રોગ-શોકને નિવારતો

વળી વિષયના વિષપાસને, પળવારમાં જે કાપતો

ને જીવનમાં મનભાવતાં સુખ સંપદા ને આપતો

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||25||


જે રંકને રાજા બનાવતો, રોગીને નિરોગી કરે જે

રાગીને વિરાગી બનાવે, ભોગીને વળી ત્યાગી જે,

પાપીને પાવન જે કરે, આપત્તિને સંપત્તિ કરે જે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||26||


જે મંત્રનાં ગુણ વર્ણવા, મા શારદા પાછા પડે

જે મંત્રની શક્તિ થકી, પરમંત્ર સહુ ઝાંખા પડે

આપે વચન જે મંત્ર સહુને, દુર્ગતિ કદિ થાય ના

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||27||


વ્યાધિ સતાવે દેહને, અકળાવે આધિ હ્રદયને

ઉપાધિના તોફાન માં ખોઇ રહ્યો મુજ જીવનને

વ્યાધિ ત્રયીનાં ત્રાસમાં,જે રક્ષતો સહુ જીવને

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||28||


અગ્ની તણી જ્વાલા થકી, જેણે બચાવ્યો અમરને,

ધરણેન્દ્રનું પદ અર્પીને, સુઉધ્ધાર્યો ફણિધરને

વળી જેહનાં પ્રભાવથી, સમડી બની સુદર્શના

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||29||


વનરાજનો, ગજરાજનો, ભોરિંગનો, મહામારીનો

તસ્કરતણો, શત્રુ તણો રાજાતણો, બિમારીનો

એકેય ભય શાને સતાવે? છે પ્રભાવ જે મંત્રનો

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||30||


ભૂત-પ્રેત ને પિશાચ કેરા, ભય બધા દુરે ટળે

કોઢાદિ વ્યાધિ વિનાશ પામે, સુખ સહુ આવી મળે

જે મંત્રનાં સ્મરણ થી, ભક્તો તણા વાંછિત ફળે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||31||

એક લાખ મંત્રનાં જાપથી, અરિહંતની પદવી મળે,


નવ લાખ મંત્રના જાપથી, નરકો તણા દુ:ખો ગળે

નવ ક્રોડના વળી જાપથી ત્રીજે ભવે મુક્તિ મળે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||32||


ઇહલોકન – પરલોકના જે પૂર્ણ કરતો આશને

જીવી રહ્યોછુ ભવ-વને રાખી ઘણા વિશ્વાસને

જેનુ સ્મરણ કરતા થકાં, છોડીશ હું મુજ શ્વાસને

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||33||


જન્મો જનમના સાથ ને સંગાથ જેનો હું ચહું

મુક્તિ મળે ના જ્યાં લગી, જેનું સ્મરણ પ્રેમે ગ્રહું

પામી સદા સાનિધ્ય જેનું, મન હવે મુંઝાય ના

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||34||


ભક્તિ સ્વરુપી પ્રાર્થના આ, કવચ સમ રક્ષા કરે

ને ભાવથી આરાધતા, ભવો ભવ તણા પાપ હરે

વળી ધ્યાન ધરતા જેહનું, ભવિ જીવના આતમ હરે

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||35||


મહામંત્ર તુજને શું કહું? ફરિયાદ મુજ સ્વિકાર‘તો

વિનવી રહ્યો છું તુજને વિતરાગ મુજને બનાવ‘તો

જીવો અનંતા ઉધ્ધર્યા,મુજ આત્મા ઉધ્ધાર‘તો

એવા શ્રી નવકાર મંત્રને , ભાવે કરું હું વંદના ||36||

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top