મંગળવાર, 12 એપ્રિલ, 2022

Hemvallabh Maharaj

✅ *અનુમોદનાના ભાવ જગાડતી સત્યઘટના હૃદયને ઝંકોરી દેશે.... અવશ્ય વાંચશોજી.*
પૂજ્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબ તેમના શિષ્ય પરિવારમાંથી કોઈપણ બે મહાત્માઓને એક વર્ષ માટે પરમ પૂજ્ય તપસ્વી આ. ભ. 
શ્રી હિમાંશુસુરીશ્વરજી મહારાજાની વૈયાવચ્ચ માટે મોકલતા. વર્ષ પૂરું થયે મહાત્માઓની ફેર બદલી થતી. 

એક વખત મુનિરાજ 
શ્રી હેમવલ્લભવિજયજીનો વારો આવ્યો. તેઓ "ગુરુઆજ્ઞા તહત્તિ" કરીને ગિરનાર મુકામે પૂજ્ય આચાર્ય ભગવંતની ભક્તિપૂર્વક સુંદર વૈયાવચ્ચ કરવા લાગ્યા. વર્ષ પૂર્ણ થતા પહેલા તપસ્વી આ.ભ. દ્વારા પંન્યાસજી મહારાજ પાસે વધુ એક વર્ષ રોકાવાની માગણી મુકાઈ. પંન્યાસજી 
મહારાજે માગણી હર્ષભેર સ્વીકારી અને પોતાના શિષ્યને વધુ એક વર્ષ રહેવાની આજ્ઞા કરી. મુનિરાજ હેમવલ્લભવિજય ફરી "ગુરુ આજ્ઞા તહત્તિ" કરીને રોકાઈ ગયા.

તેમણે એવી અદભુત ભક્તિ અને વૈયાવચ્ચ કરી કે તપસ્વી આચાર્ય ભગવંતે બીજું વર્ષ પૂર્ણ થાય તે પહેલા પંન્યાસીજીને કહેવડાવ્યું કે મને હવે બીજા કોઈ મહાત્માઓનો ખપ નથી. આપને અનુકૂળ હોય તો હેમવલ્લભને મારી પાસે જ રહેવા દો.

પંન્યાસજીએ શિષ્ય 
હેમવલ્લભને આ વાત પત્ર દ્વારા જણાવી અને તેમની ઇચ્છા પૂછી ત્યારે હેમવલ્લભે ઉત્તર લખ્યો કે હું આ સેવા અને વૈયાવચ્ચ કરીશ તો આપની પાસે ભણીશ ક્યારે ? પંન્યાસજી મહારાજે પત્ર લખીને જણાવ્યું કે તમે આ મહાત્માની હૃદયથી ભક્તિ કરો તો આપને જ્ઞાન તો એમની કૃપાદ્રષ્ટિથી જ પ્રાપ્ત થઈ જશે.

ફરીથી "ગુરુ આજ્ઞા તહત્તિ" કરીને હેમવલ્લભવિજય તપસ્વી આચાર્ય ભગવંતની સેવામાં લાગી ગયા. તેમણે કેવી સુંદર ભક્તિ અને ઉચ્ચ કોટિની વૈયાવચ્ચ કરી તે વાતો આગલાં એપિસોડમાં...

2...


મુનિ હેમવલ્લભવિજયજી પૂજ્ય તપસ્વી આચાર્ય ભગવંતને અનુકૂળ આવે એવા દ્રવ્યો વ્હોરી લાવવા માટે જરૂર પડે તો ઉપાશ્રયની ચારે દિશાઓમાં એક એક કિલોમીટર એટલે કે કુલ ચાર કિલોમીટર સુધી ભ્રમણ કરે. ગૌચરી લઈને ઉપાશ્રય પાછા ફરે. આચાર્ય ભગવંતને વાપરવાની વિનંતી કરે. બપોરે ત્રણ વાગે વાપરીશ એવો ઉત્તર મળે એટલે પછી પોતાને માટે ગૌચરી વ્હોરવા નીકળે. વ્હોરીને ઉપાશ્રયમાં પાછા ફરીને આચાર્ય ભગવંતને પુનઃ વિનંતી કરીને વપરાવે અને તત્પશ્ચાત લગભગ સાંજના ચાર વાગે પોતે વાપરે. આવું લગભગ રોજ બને પરંતુ મનની પ્રસન્નતામાં ક્યારેય સ્ખલન થવા ન દે.

એક વાર હેમવલ્લભવિજયજીએ આચાર મુજબ પોતાની વાર્ષિક આલોચનાની ચોપડી પોતાના ગુરુદેવ પંન્યાસજી મહારાજને મોકલાવી. પંન્યાસજી મહારાજે એ ચોપડી તપસ્વી આચાર્ય ભગવંતને મોકલાવીને 
હેમવલ્લભને સ્વયં ઉચિત પ્રાયશ્ચિત આપવાની વિનંતી કરી. 

આચાર્ય ભગવંતે 
હેમવલ્લભને સાદ પાડીને બોલાવ્યો અને પોતાની પાટ પાસે બેસાડ્યો. માથે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવતા ફેરવતા પૃચ્છા કરી કે આલોચનાની ચોપડી તારી જ છે? પંન્યાસજીએ મારી આલોચનાની ચોપડી આચાર્ય ભગવંતને કેમ મોકલાવી એવા આશ્ચર્ય અંકિત થયેલા ચહેરાના ભાવ સાથે ઉત્તર આપ્યો કે હા, આ ચોપડી મારી જ છે.

તેમના મનની ગડમથલ પામી ગયેલા આચાર્ય ભગવંતે જણાવ્યું કે તારા ગુરુએ તું હાલમાં મારી પાસે રહેતો હોવાને કારણે તને પ્રાયશ્ચિત આપવાનું ઉત્તરદાયિત્વ મને સોંપ્યું છે. પરંતુ સાંભળ, મારે તારી આલોચનાની ચોપડીનું એક પણ પાનું ખોલવાની જરૂર નથી. હું તારી પરિણતીઓને ખૂબ સારી રીતે જાણું છું. અને એના આધારે તને કોઈ જ પ્રાયશ્ચિત્ત નથી આવતું એમ હું તને ભારપૂર્વક જણાવું છું. ત્યારબાદ આચાર્ય ભગવંતે પૂન્યાસજીને પત્ર લખીને જણાવ્યું કે તમારા આ પનોતા શિષ્યને કોઈ જ પ્રાયશ્ચિત આવતું નથી.

મિત્રો, શાંત ચિત્તે વિચાર કરજો કે જે ગુરુકુળવાસમાં રહેવા માટે અને વિશેષ તો ભણવા માટે દીક્ષા લીધી હોય અને તેનાથી વિપરીત ઘટના બને કે જેનાથી ન તો ગુરુકુળવાસ મળે કે ન તો ભણવા મળે અને તે છતાંય પ્રાયશ્ચિત્ત ન આવે એવી પરિણતિમાં જ રત રહેવું કેટલું દુષ્કર હશે?

વધુ આગલા એપિસોડમાં..

3...

તપસ્વી આચાર્ય ભગવંત ૮૬ વર્ષની વૃધ્ધ વયે પણ ડોળીના ઉપયોગ વગર, 
મુનિ હેમવલ્લભ મ.સા. નો ટેકો લઈને વિહાર હંમેશા બપોરે ૧૧ વાગ્યા પછી જ કરતા. 

*એકવાર ૧૨ કિલોમીટરના વિહારમાં લગભગ અડધો માર્ગ એટલે કે પાંચ કે છ કિલોમીટર પસાર થયા બાદ અશક્તિ લાગવાને કારણે આચાર્ય ભગવંતે* 
*મુનિ હેમવલ્લભ મ.સા.ને જણાવ્યું કે હવે થોડો વિશ્રામ કરવો પડશે. અને ગૌચરી પણ અહીં જ વાપરવી પડશે.* 

મુનિ હેમવલ્લભ મ.સા.એ તુરંત એક ઘટાટોપ વૃક્ષની છાયામાં આચાર્ય ભગવંતને વિશ્રામ કરવાની ગોઠવણ કરી. થોડી વાર પગ દબાવ્યા અને પછી છ કિલોમીટર દૂર રહેલા આગલા સ્થાને ગૌચરી લેવા નીકળી ગયાં. *છ કિલોમીટર આગળના સ્થાને પહોંચવાના અને છ કિલોમીટર આચાર્ય ભગવંત પાસે પાછા પહોંચવાના એમ કુલ ૧૨ કિલોમીટરનું ભ્રમણ કરીને ગૌચરી લાવીને આચાર્ય ભગવંતને વૃક્ષના છાંયડામાં જ આયંબિલ કરાવ્યું.*

આચાર્ય ભગવંતને થોડી સ્વસ્થતા થઈ એટલે બાકીનો વિહાર પૂર્ણ કરવા માટે નીકળી ગયા. *ગંતવ્ય સ્થાને પહોંચી ગયા બાદ આચાર્ય ભગવંતના કમર,પગ, મસ્તક આદિ દાબી આપવાની*
*વૈયાવચ્ચ કરીને પોતાને માટે ગૌચરી લેવા માટે નીકળ્યા ત્યારે સમય લગભગ સાંજના ચાર વાગ્યાનો હતો. પ્રાયઃ સાંજના પાંચ વાગ્યે વધૅમાન અને ઉલ્લસતા ભાવે ગૌચરી વાપરી.*

*આવી ઘટનાઓ અવારનવાર બનતી પરંતુ મુનિ હેમવલ્લભ મ.સા.ની પ્રસન્નતા અને પરિણતિ ક્યારેય હીયમાન થઈ નહોતી*

વધુ આગલા એપિસોડમાં..

4....

તપસ્વી આચાર્ય ભગવંતની વૃદ્ધાવસ્થાને કારણે શક્તિઓ ક્ષીણ થતી ગઈ અને વિહાર દુષ્કર થતો ગયો. 

*દર અઢીસો મીટરે મુનિ હેમવલ્લભ મ.સા. આચાર્ય ભગવંતને પગ ઉપર માલિશ કરે પછી ફરી આગળનો વિહાર પ્રારંભ થાય. એક* *કિલોમીટરના વિહારમાં ચાર ચાર વાર માલિશ કરવી પડે છતાં ચિત્તની પ્રસન્નતા જાળવીને સૌમ્ય વ્યવહાર સાથે* 
*હેમવલ્લભમુનિ આચાર્ય ભગવંતને વિહાર કરાવડાવે. વચ્ચે આવશ્યકતા હોય તે પ્રમાણે બે-ત્રણ સ્થાને વિશ્રામ કરાવે. અગાઉના એપિસોડમાં જણાવ્યું તે પ્રમાણે આગલા કે પાછલા સ્થાનેથી ગૌચરી લાવીને વપરાવે. નિશ્ચિત કરેલા સ્થાને પહોંચ્યા બાદ વૈયાવચ્ચ કરે, પછી પોતાની ગૌચરી લાવે અને વાપરે.* આ લગભગ નિત્યક્રમ થઈ ગયો હતો.

એકવાર આચાર્યશ્રી એ મુનિને બોલાવી ને કહ્યું કે હેમવલ્લભ મહારાજ, આપણો જૂનાગઢમાં સ્થિરતાનો સારો એવો સમય પસાર થઈ ગયો છે પણ મેં ઘણા અઠવાડિયાઓથી શ્રી નેમિનાથ દાદાના દર્શન કર્યા નથી. તો મારી ઈચ્છા છે કે તને અનુકુળતા હોય તો આપણે આવતીકાલે સહસાવનમાં બિરાજત  
શ્રી નેમનાથ દાદાની જાત્રા કરીએ. મુનિ હેમવલ્લભ મ.સાએ તુરંત જ તહત્તિ કરી અને કહ્યું કે હું જૂનાગઢના શ્રીસંઘના ટ્રસ્ટીઓને વાત કરીને આપની યાત્રા માટે ડોળી,ગૌચરી આદિનો બંદોબસ્ત કરાવું છું.

*આચાર્ય ભગવંતે સ્મિત સાથે જણાવ્યું કે મારે* 
*હેમવલ્લભ મહારાજના ટેકે પગે ચાલીને નેમનાથ ભગવાનને ભેટવા જવું છે. મુનિ*
*હેમવલ્લભ સ્તબ્ધ થઈ ગયા અને આચાર્ય ભગવંતની ચિંતામાં ડૂબી ગયા કે આ ૯૨ વર્ષની જૈફ ઉંમરે, આટલી અશક્ત કાયાથી આવી કષ્ટમય યાત્રા કેવી રીતે થશે?*

*આચાર્ય ભગવંત તેમના મનની દ્વિધા સમજી ગયા અને માત્ર એટલું જ કહ્યું કે હેમ, તું મને ટેકો આપજે બાકીનો બધું જ નેમનાથ દાદા ઉપર છોડી દઈએ.* 

હેમવલ્લભમુનિનું મન માનતું નહોતું પરંતુ આચાર્ય ભગવંતની દ્રઢ શ્રદ્ધા અને યાત્રાના આગ્રહને કારણે વાત સ્વીકારી લીધી.

5....& 6....

પાછલી રાતે નક્કી થયા મુજબ વહેલા ઊઠીને પરોઢીયાના સમયે આ અનોખી બેલડીએ જુનાગઢ નગરમાં સ્થિત બાબુના વંડેથી (નગરની જૂની ધર્મશાળાથી) જાત્રા માટે પ્રયાણ કર્યું. 

પૂ.આચાર્ય ભગવંત થોડો વિહાર કરીને શ્રમિત થઈ જાય એટલે પૂ.મુનિશ્રી હેમવલ્લભ ઝોળામાંથી તેલ કાઢીને પગે માલિશ કરી આપે અને યાત્રાપ્રવાસ ફરી શરૂ થાય.

ગિરનારજીના હજી તો 
૧૫ % પગથિયા ચડ્યા હશે ત્યાં તો ગૌચરી વાપરવાનો સમય થઈ ગયો. આચાર્ય ભગવંતને વૃક્ષ નીચે વિશ્રામની વ્યવસ્થા કરીને 
પૂ.મુનિશ્રી હેમવલ્લભમુનિ ગૌચરી વ્હોરવા નીચે ઉતરવા માંડ્યા. તળેટીની ધર્મશાળાના આયંબિલ ખાતાના દ્રવ્યો ન વ્હોરતા નિર્દોષ ગૌચરી માટે ધોમધખતા તડકામાં નગરમાં પહોંચ્યા. નિર્દોષ દ્રવ્યો વ્હોરીને ગિરનારજીના આકરાં પગથિયાઓ ચઢીને પાછા ઉપર આવ્યા. પૂ.આચાર્ય ભગવંતને વપરાવીને આ અનન્ય બેલડીની *"બાપુ - ગાડી"* ઠુચુક ઠુચુક કરતી ઉપર ચઢવા લાગી. સૂર્યાસ્તનો સમય થયો ત્યાં સુધીમાં તો માત્ર ૩૦ ટકા માર્ગ જ કપાયો હતો.

પૂ.આચાર્ય ભગવંતે 
પૂ.મુનિશ્રી હેમવલ્લભમુનિને કહ્યું કે આપણે હવે પ્રતિક્રમણ કરીને અહીંયા જ સંથારી જઈએ.
*પૂ.મુનિશ્રી હેમવલ્લભમુનિ તો વિસ્મિત નજરે આચાર્યને નિહાળી રહ્યા. થોડીક મિનિટો બાદ પૂ.મુનિશ્રી હેમવલ્લભમુનિએ આચાર્ય ભગવંતને સ્મરણ કરાવતાં જણાવ્યું કે અહીં રાત્રિના સમયે સાવજો ખુલ્લા ફરતા હોય છે. વધુમાં હળવા મૂડમાં એમ પણ કહ્યું કે આપણે સંથારી ગયા હોઈએ અને જો સાવજ આવે તો આપની આયંબિલવાળી કાયાને બેસ્વાદ ગણીને છોડી દે અને મારો કોળિયો કરી જશે. પૂ.આચાર્ય ભગવંતે પૂ. મુનિશ્રી હેમ વલ્લભની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું કે તું ચિંતા ન કર. તારું ને મારું રક્ષણ કરવાની જવાબદારી શ્રી નેમનાથ દાદાની છે. અને ખરેખર આ બેલડીનો સંથારો ગિરનારજીના પગથિયા ઉપર થયો.*

વધુ આગલા એપિસોડમાં..

 *રાત્રિ પસાર થઈ. પરોઢિયે "બાપુ-ગાડી" ફરી ઠિચૂક ઠિચૂક કરતી આગળ ચાલી.* *પાછલા દિવસની જેમ ફરી વાપરવાનો સમય થયો અને આચાર્યશ્રીને વૃક્ષની છાયામાં બેસાડીને* 
*હેમવલ્લભમુનિ ગૌચરી વ્હોરવા નીચે પહોંચીને નગર સુધીનો વિહાર કરીને સુઝતો આહાર વ્હોરી લાવીને આચાર્યશ્રીને વપરાવ્યું. ફરક એટલો કે પાછલા દિવસ કરતા આજે ડબલ પગથિયા ઉતરવાના અને ચડવાના થયા. તે પણ બપોરના ધોમધખતા* *તડકામાં. ફરી થોડું આરોહણ કર્યું અને સૂર્યાસ્તનો સમય થઈ ગયો. પાછલા દિવસની જેમ જ પ્રતિક્રમણ કરીને બીજી રાત્રે પણ ગિરનારજીના પગથીયા ઉપર આ બેલડીનો સંથારો થયો.*

ત્રીજા દિવસનો સૂર્યોદય થયો. નિત્ય ક્રિયાઓ પતાવીને આ બેલડીએ આરોહણ શરૂ કર્યું. *વાપરવાનો સમય થયો એટલે હેમવલ્લભમુનિ આગલા દિવસોની જેમ ફરી પાછા નીચે ઉતર્યા. નગરમાંથી નિર્દોષ ગૌચરી મેળવીને ઉપર આવ્યા. આચાર્યશ્રીને વપરાવ્યું. છેવટે બાકીનું આરોહણ પૂર્ણ કરીને* *સૂર્યાસ્ત સમયે*  
*શ્રી નેમનાથ દાદાને ભેટ્યા. ખૂબ ઉલ્લાસપૂર્વક ભક્તિ કરીને રાત્રે સ્થિરતા કરી.*

જાત્રા કરીને નીચે પાછા ફરતાં અગાઉ જણાવ્યા મુજબનો જ નિત્ય ક્રમ રહ્યો. *બે રાત્રિ‌ ગિરનારજીના પગથીયા ઉપર જ સંથારી ગયા. બે દિવસ દરમિયાન વાપરવાના સમયે* 
*હેમવલ્લભમુનિ ગૌચરી માટે નીચે જઈને નગરમાંથી જ નિર્દોષ ગોચરી લાવીને આચાર્યશ્રીને વપરાવતા.*

આ પ્રમાણે આ બેલડીએ છ દિવસે સહસાવનની જાત્રા પૂર્ણ કરી.

વધુ આગલા એપિસોડમાં..

*આવા અત્યંત પવિત્ર અને સત્ત્વશાળી આચાર્ય ભગવંતે પોતાનો અંતિમ સમય જાણીને હેમવલ્લભમુનિને કહ્યું કે તું મને એક વચન આપ.*

*હેમવલ્લભ મ.સા.એ વચન આપતા પહેલા પૃચ્છા કરી ત્યારે આચાર્યશ્રીએ પોતાની ચિંતા અને હૃદયની વ્યથા પ્રગટ કરતાં જણાવ્યું કે મેં તો શ્રી સંઘની એકતા માટે યાવજ્જીવ આયંબિલ કર્યા પરંતુ હવે મારું આયુષ્ય પૂર્ણ થવામાં છે અને સંઘ એકતા હજી સધાઇ નથી. તો હું એવું ઈચ્છું છું કે જ્યાં સુધી સંઘ એકતા ન થાય ત્યાં સુધી તું આ આયંબિલની શૃંખલાને આગળ વધાર. હું તને તે માટે યાવજ્જીવના જે પચ્ચક્ખાણ આપુ તે તું ગ્રહણ કર.* 

*હેમવલ્લભમુનિએ ધ્રૂજતા સાદે કહ્યું કે મારુ આપના જેવું સામર્થ્ય નથી કે નથી મારામાં આપના જેવું સત્વ. તો હું આપની વાતને કેવી રીતે સ્વીકારૂ.*

*પરંતુ સંઘ‌એકતાના દ્રઢ નિશ્ચયી આચાર્ય ભગવંતે વાત્સલ્યપૂર્વક આગ્રહ કર્યો ત્યારે* 
*હેમવલ્લભમુનિએ આચાર્યશ્રીના બંને હાથ પોતાના હાથમાં ધરીને વચન માગ્યું કે આપ જે પણ દેવલોકમાં હો ત્યાંથી મને સત્વ અને સામર્થ્ય આપતા રહેશો તો એ શરતે હું આપની વાત સ્વીકારું.* 

*અને આચાર્યશ્રીએ હેમવલ્લભમુનિને સ્વમુખેથી પચ્ચક્ખાણ આપ્યા ત્યારથી આજ સુધી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભ સૂરીશ્વરજી મહારાજે આયંબિલ તપ ચાલુ રાખ્યો છે.*

*મિત્રો,*

*આજે આપણે સૌ એક અઠ્ઠમ, છઠ્ઠ કે છેવટે એક જ ઉપવાસનો તપ કરવો હોય તો પણ ઉત્તર પારણાની કેટલી બધી પૂર્વ તૈયારીઓ અને તપની પૂર્ણાહુતિમાં પારણે શું વાપરવું તેની પણ વિશેષ તૈયારીઓ કરતા હોઈએ છીએ ત્યારે આ પૂજ્ય મહાત્માએ પાછલી ક્ષણે સ્વયં અજાણ છે કે આગલી ક્ષણે આવી ભિષ્મ પ્રતિજ્ઞા લેવાની છે. અને તેમ છતાં શ્રી સંઘની એકતાના વિશિષ્ટ લક્ષ્ય સાથે તત્ક્ષણ ફ્રુટ, સૂકો મેવો અને અન્ય માલમલિદા સહિત છ વિગ‌ઈઓનો યાવજ્જીવ ત્યાગ કરી દીધો. દૂધ જેવું સામાન્ય દ્રવ્ય પણ હવે તેઓ આવતાં ભવોમાં જ વાપરશે.*

*પૂજ્ય આચાર્ય ભગવંત અને શ્રી સંઘ પ્રત્યે તેમનું કેવું અપ્રતિમ સમપૅણ હશે?*

વધુ આગલા એપિસોડમાં..

*પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હિમાંશુ સુરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા પછી* 
*પૂજ્ય મુનિરાજ હેમવલ્લભવિજયજી મહારાજે જુનાગઢથી તેમના ગુરુદેવ પૂજ્ય પંન્યાસજી મહારાજ સાહેબની જ્યાં સ્થિરતા હતી તે નવસારીના તપોવન તરફ વિહાર શરૂ કર્યો. ઉતાવળે ડગલે વિહાર કરતાં કરતાં છેવટે ગુરુ-શિષ્યના મિલનને એક રાત્રિ નું અંતર બાકી રહ્યું. છેલ્લી રાતની સ્થિરતા પૂરી કરીને વહેલા પરોઢિયે તપોવન તરફ દોટ મૂકી. અને દોટ કેમ ન મૂકે ?*

*આજે પોતાના ગુરૂના પાવન દર્શન બાર બાર વર્ષ પછી થવાના હતા.* 

*તપોવન લગભગ બે* *કિલોમીટર દૂર હતું ત્યારે* 
*હેમવલ્લભમુનિ એ જે દ્રશ્ય જોયું તે તેમની કલ્પના બહારનું હતું.* 

*અત્યંત નાદુરસ્ત તબિયતને કારણે જેમને સંથારા ઉપર થી ઊઠવાની પણ મનાઈ હતી તે પૂજ્ય પંન્યાસજી ભગવંત તેમના કેટલાક શિષ્યો સાથે હેમવલ્લભમુનિના સ્વાગત માટે સ્વયં બે કિલોમીટરનો વિહાર કરીને સામા પધાર્યા હતા.*

*હવે હેમવલ્લભમુનિથી રહેવાયું નહીં અને ગડગડતી દોટ મૂકીને પંન્યાસજી ભગવંતના ચરણોમાં માથું મૂકી દીધું.*

*તેમના અશ્રુઓ ક્યાંય સુધી ગુરુના ચરણોને પખાળતા રહ્યા. પરમ પૂજ્ય પંન્યાસ ભગવંતને પણ ગળે ડુમો બાઝી ગયો અને આંખોમાંથી આંસુની ગંગા જમની વહેતી રહી. અન્ય શિષ્યોના પણ આ દ્રશ્ય જોઈને આંખના ખૂણા ભીના થઇ ગયા.*

*બંનેને થોડીક કળ વળી ત્યારે મુનિ હેમવલ્લભ મહારાજે ખૂબ કડક શબ્દોમાં ફરિયાદ કરી કે ગુરુદેવ, આપને સંથારેથી ઊઠવાની સદંતર મનાઈ છે ત્યારે આપ મારા જેવા એક સામાન્ય શિષ્યને લેવા સામા પધાર્યા તે કોઈ રીતે ઉચિત નથી. જો આપની તબિયત ને કંઈક નુકસાન થાય તો મને નિમિત્ત બન્યાનું ભયંકર પાપ લાગશે અને મને એનો આજીવન વસવસો રહેશે.*

*ત્યારે પ્રત્યુતર આપતા પૂજ્ય પંન્યાસજી ભગવંતે કહ્યું કે* 
*હેમવલ્લભ, તું શું કરીને* *આવ્યો છે એનો તને કોઈ અંદાજ જ નથી. બાર બાર* *વર્ષ સુધી ગુરુકુળવાસથી દૂર રહીને તે આજના કાળના* *અત્યંત પવિત્ર આચાર્ય ભગવંતની ઉત્કૃષ્ટ* *વૈયાવચ્ચ કરીને જે પુણ્યનું ઉપાર્જન કર્યું છે તેનું દસમા ભાગનું પણ પુણ્ય જો મને મળી જાય તો મારો આ જન્મ સાર્થક થઈ જાય. તે મારું નામ ઉજાળ્યું, મારું શિષ્યત્વ ઉજાળ્યું અને હું તારી અનુમોદના કરવા આટલું ન કરું તો મને તારા આ સુકૃત્યમાં ભાગીદારી કેવી રીતે મળે?*

*વર્ષો પહેલા શંખેશ્વર તીર્થ મુકામે અઠ્ઠમ તપ કરવા માટે ભેગા થયેલાં મારા જેવા દસેક હજાર આરાધકોને, સ્ટેજ ઉપર પાછલી હરોળમાં બેઠેલા* 
*શ્રી હેમવલ્લભમુનિને ઉભા કરીને તેમનો પરિચય* *આપતા શ્રી માનસ મંદિર તીર્થ પ્રેરક પૂજ્ય આ.ભ.* 
*શ્રી હેમરત્નસુરીજી મહારાજસાહેબે જણાવ્યું હતું કે અમારા આ મહાત્મા મુગટમાં જડવા માટેના* 
*બહુમૂલ્યવાન રત્ન જેવા છે.* *એમણે તપસ્વી અને એ પણ વૃદ્ધ અને વળી ગ્લાન આચાર્ય મહારાજની જે ભક્તિ કરી છે તે જો મારે કરવાની આવે તો હું બે દિવસમાં જ ભાગી જાઉં.*

*આજના કાળમાં પોતાના જ સમુદાયના વડીલ કે ગ્લાન સાધુઓના* *સ્વાસ્થ્યની ક્યારેક ઉપેક્ષા થતી હોય ત્યારે અન્ય સમુદાયનાં આચાર્ય ભગવંતની બાર બાર વર્ષ સુધી આવી અનન્ય વૈયાવચ્ચ કરનારા અને વળી બાર બાર વર્ષમાં બનેલા વૈયાવચ્ચના આવા અનેક પ્રસંગોને આજ સુધી ગોપિત રાખનારા પૂજ્ય આચાર્ય ભગવંત*
*શ્રી હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબની અનુમોદના કરવા માટે શબ્દકોશ ઓછો પડે તેમ છે.*

*હકીકત તો એ છે કે શ્રીસંઘની એકતા માટે પ્રાયઃ ૪૨ વર્ષ લાગલગાટ ૧૫૦૦૦ આયંબિલ અને ૯ વર્ષોમાં ૩૦૦૦ ઉપવાસ એટલે કે કુલ ૫૧ વર્ષો તપ કરનારા પરમ પૂજ્ય આચાર્ય* *ભગવંત શ્રી હિમાંશુસુરીશ્વરજી મહારાજા...*

*શ્રી હેમવલ્લભ વિજયજી (હાલમાં આચાર્ય) જેવા શાસનના હિરલા પકવનારા પરમ પૂજ્ય પન્યાસજી મહારાજા શ્રી ચંદ્રશેખરવિજયજી...* 

*અને વૈયાવચ્ચનું ઉત્કૃષ્ટ જીવતું જાગતું ઉદાહરણ બનનારા પૂજ્ય આચાર્ય શ્રી હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજા...*

*આ ત્રિપુટીમાંથી કોની, કેટલી અને કેવી રીતે અનુમોદના કરવી તે મારા ક્ષયોપશમની બહારનો વિષય છે.*

*બસ, નત મસ્તકે અંતઃકરણપૂર્વક અનુમોદના...*

🌹🌹🌹🌹🌹🌹🌹

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top