શનિવાર, 2 એપ્રિલ, 2022

Mantriswar pethadashah

*મંત્રીશ્વર પેથડશાહ*

                      *માંડવગઢના મહામંત્રી પેથડશાહ જેમનું નામ ઈતિહાસના પાના પર સ્વર્ણાક્ષરમાં લખાયેલું છે. જો આપણે એમના જીવન પર દૃષ્ટિપાત કરીએ તો ખબર પડશે કે મંત્રીપદ પર આસીન થવા પૂર્વ દરિદ્રાવસ્થાના કેટલાંય દુઃખદ અનુભવોમાંથી એમને પસાર થવું પડ્યું.*

                     *એક વાર માલવા દેશના મુખ્ય નગરમાં પ્રવેશ કરતાં જ સર્પને માર્ગ કાપતા જોઈ પેથડશાહ ત્યાં જ ઊભા રહ્યા. તે સમયે ત્યાં એક વિદ્વાન શુકન શાસ્ત્રી આવી પહોંચ્યા. એમણે પેથડને પૂછ્યું, “આપ અહીં કેમ ઊભા છો ?’’ ત્યારે તેણે માર્ગ કાપેલા સર્પને બતાડ્યો. શુકન વિદ્વાને સર્પની તરફ દૃષ્ટિ કરી જોયું તો એના મસ્તિષ્ક પર કાળી દેવી (ચિડિયા) બેઠેલી દેખાઈ. તે તત્કાળ બોલ્યા “જો આપ અટક્યા વગર ચાલ્યા હોત તો આપ માલવાના રાજા બની જાત. હવે આ શુકનને માન આપી આ જ સમયે પ્રવેશ કરો, એનાથી આપ મહા ધનવાન બની જશો.’’ સ્વયંને પ્રાપ્ત થયેલા શુકનનું ફળ જાણી પેથડે તત્કાળ નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ધોધા રાણાના મંત્રીના ઘરે સેવક બની રહ્યા. રાજાએ પેથડની ચતુરાઈ જોઈ તેમને મંત્રી બનાવ્યા અને ધીરે ધીરે પેથડશાહ મહા ધનવાન બની ગયા. મંત્રીપદ પર આસીન હોવા છતાં પણ પેથડશાહની પ્રભુભક્તિ આકાશની ઊંચાઈને સ્પર્શ કરી રહી હતી. પ્રભુભક્તિ કરવા જ્યારે પેથડશાહ બેસી જતા હતા ત્યારે તેમને તેમના મંત્રીપદની કોઈ ચિંતા સતાવતી ન હતી.*

                *એક દિવસ પ્રભુભક્તિમાં બેઠેલા પેથડશાહ પ્રભુની પુષ્પ દ્વારા અંગરચના કરી રહ્યા હતા. તે જ સમયે રાજાનો એક વ્યક્તિ રાજાની આજ્ઞાથી પેથડશાહ મંત્રીને બોલાવવા આવ્યો. ત્યારે મંદિરના દ્વાર પર ઊભેલા પેથડશાહના સેવકે તેને બહાર જ ઊભો રાખી દીધો ત્યારે રાજાના સેવકે કહ્યું -*

*રાજાનો સેવક : ‘‘હું મંત્રીશ્વર માટે રાજાનો સંદેશ લાવ્યો છું."*

*પેથડશાહનો સેવક : “પરંતુ આપ હમણા મંત્રીશ્વરને નહીં મળી શકો.’’*

*રાજાનો સેવક :- ‘‘પણ રાજા સ્વયં એમને બોલાવી રહ્યા છે.”*

*પેથડશાહનો સેવક :- ‘‘પરંતુ મંત્રીશ્વર હમણા દેવાધિદેવની ભક્તિ કરી રહ્યા છે.’*

                 *આ પ્રકારનો જવાબ સાંભળી રાજાના સેવકે ગુસ્સામાં આવી બધી વાતો રાજાને કહી. રાજા આવેશમાં આવી સ્વયં પેથડશાહને બોલાવવા મંદિરમાં પહોંચી ગયા. પેથડશાહના સેવકે રાજાને પણ ત્યાં જ ઊભા રાખ્યા ત્યારે રાજાએ કહ્યું - ‘‘હું પેથડની ભક્તિમાં કોઈ પ્રકારની અંતરાય નહીં કરું એવું વચન આપું છું.’’ આ સાંભળી સેવકે રાજાને મંદિરમાં જવાની અનુમતિ આપી.*

                *રાજાએ મંદિ૨માં જઈ જે દ્રશ્ય જોયું તે જોઈ તે સ્તબ્ધ રહી ગયા. એમની પાછળ બેઠેલો સેવક એમને હાથમાં અલગ અલગ વર્ણના અને જાતિના પુષ્પ આપી રહ્યો હતો અને તે પુષ્પોથી અલગ અલગ અંગરચના બનાવી પેથડશાહ લીનતાપૂર્વક ભક્તિ કરી રહ્યા હતા. આવું જોઈ રાજાએ પાછળ બેઠેલા સેવકને ઉઠાડી સ્વયં તે જગ્યા પર બેસી પેથડશાહને પુષ્પ આપવા લાગ્યા. પેથડશાહ ભક્તિમાં એટલા લીન હતા કે પાછળ કોણ આવી બેઠું છે તે પણ તેમને ખબર ન પડી. પરંતુ અંગરચનામાં અચાનક અલગ અલગ વર્ણના પુષ્પોનો બદલતો ક્રમ આવતો જોઈ પેથડશાહનું ધ્યાન ભંગ થયું અને જયારે તે પાછળ ફરી પોતાના સેવકને કંઈ કહેવા જાય ત્યાં તો અચાનક રાજાને પાછળ બેઠેલા જોઈ પેથડશાહ અસમંજસમાં પડી ગયા. રાજાએ કહ્યું - હું આપની પ્રભુભક્તિથી ખૂબ ખુશ છું અને પીઠ થપથપાવતા કહ્યું કે, ‘ધન્ય છે ! આપની પ્રભુભક્તિની તલ્લીનતાને !'*

                     *આ રીતે પ્રભુભક્તિમાં તલ્લીન રહેવાવાળા પેથડશાહના જીવનમાં એક વાર ભારે ધર્મસંકટ આવ્યું. ખંભાતના એક શ્રેષ્ઠીએ હિંદુસ્તાનના બધા બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલા વ્રતધારીઓને પોતાના તરફથી એક-એક રત્ન કાંબળી ભેટ આપી. એક દિવસ શ્રેષ્ઠીની આજ્ઞાનુસાર એક સેવક રત્ન કાંબળી પેથડશાહને ભેટ આપવા આવ્યો ત્યારે -*

*પેથડશાહ :- “મને કાંબળી કેમ ?’’ :*

*સેવક :- “અમારા શેઠની વિશેષ સૂચનાથી...”*

*પેથડશાહ :- ‘‘પણ મેં તો બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું નથી."*

*સેવક :- ‘‘ભલે આપે વ્રતનો અંગીકાર કર્યો નથી પરંતુ અમારા શેઠની વિશેષ સૂચના છે કે આપને કાંબળી ભેટ આપવામાં આવે."*

*પેથડશાહ :- ‘‘મારાથી આ કાંબળી નહીં સ્વીકારવામાં આવે."*

*તે સમય કાંબળી સ્વીકાર કરવાની મનાઈ પેથડશાહની ધર્મપત્નીને ખટકવા લાગી. તે પેથડશાહની પાસે આવી અને કહ્યું -*

*પેથડશાહની ધર્મપત્ની : “સાધર્મિકની તરફથી મળેલી ભેટ રૂપી નજરાણાને ઈન્કાર કરવાથી તીર્થંકર ભગવંતની આશાતનાનો દોષ લાગે છે. એ વાતનો આપને ખ્યાલ તો છે ને ?”*

*પેથડશાહ :- “હાં !"*

*પેથડશાહની ધર્મપત્ની :- “તો પછી આપ તે કાંબળીનો સ્વીકાર કેમ નથી કરી રહ્યા છો?"*

*પેથડશાહ :- “એનું કારણ એ છે કે આપણે હજી સુધી બ્રહ્મચર્ય વ્રત અંગીકાર નથી કર્યું."*

*પેથડશાહની ધર્મપત્ની :- ‘‘તો હવે સ્વીકાર કરી લઈએ.”*

                    *પત્નીના શબ્દો સાંભળી પેથડશાહ તે જ સમયે પોતાની પત્નીને લઈ ઉપાશ્રયમાં બિરાજિત આચાર્ય ભગવંતની પાસે પહોંચી ગયા. 32 વર્ષની ભરયુવાનીમાં આજીવન બ્રહ્મચર્ય વ્રતનો અંગીકાર કરી લીધો. ધન્ય છે શાસનના શાનરૂપ આ યુગલને !*

                *મંત્રીશ્વર પેથડશાહને દેવગિરિમાં જિનાલય બનાવવા માટે જગ્યાની આવશ્યકતા હતી. પરંતુ જૈન ધર્મનો દ્વેષી રાજા બિલ્કુલ તૈયાર ન હતો. પેથડશાહે બુદ્ધિથી કામ લઈ રાજ્યમંત્રી હેમડના નામથી દાનશાળા શરૂ કરી. જેમાં પ્રતિદિન હજારો યાચકોને પાંચ પકવાન ખવડાવવામાં આવતા હતા. લોકોમાં હેમડમંત્રીની વાહ-વાહ થવા લાગી. નિરંતર ત્રણ વર્ષથી ચાલતી આ દાનશાળાના વિશે જ્યારે હેમડને ખબર પડી, ત્યારે એનું નામ કોણ રોશન કરી રહ્યું છે ? તે જાણવાની જિજ્ઞાસાથી સ્વયં ત્યાં ભોજન કરવા બેસી ગયા અને ત્યાં સંચાલકોને પૂછ્યું - આ દાનશાળા કોણ ચલાવે છે ? જવાબ મળ્યો, મંત્રીશ્વર હેમડ. આશ્ચર્યની સાથે હેમડ બોલ્યો - ‘અરે ! હું સ્વયં જ હેમડ છું. મેં તો કોઈ દાનશાળા નથી ખોલી.’* *સંચાલકે હેમડને પેથડશાહથી મેળાવ્યા. પેથડશાહે અહીં - તહીંની વાત કરી હેમડને કહ્યું કે - ‘જો આપને મારા પર પ્રેમ હોય તો દેવગિરિમાં કોઈ શુભ સ્થાન પર જિનાલય બનાવવા માટે મને જગ્યા આપો.’*

                   *હેમડે રાજાને પ્રસન્ન કરી પેથડશાહને જગ્યા અપાવી. પાયો ખોદતાં જ જમીનમાંથી મીઠું પાણી નીકળ્યું. બ્રાહ્મણોએ જઈ રાજાના કાન ભર્યા કે આખું નગર ખારું પાણી પીએ છે. અને મંદિરના પાયા માટે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે, તે સ્થાન પર મીઠું જળ નીકળ્યું છે. એટલે ત્યાં મંદિર ન બનાવીને બાવડી બનાવવામાં આવે.*

                    *પેથડશાહને આ વાતની ખબર પડતાં જ રાતોરાત તેમણે સાંઢણિયો દોડાવી અને મીઠાની ગુણી લાવી મંદિરના ખાડામાં નખાવી દીધા. સવારે રાજા પાણીની પરીક્ષા કરવા આવ્યા. એક પ્યાલામાં પાણી ભરી રાજાને આપવામાં આવ્યું. પહેલો ઘૂંટ લેતાં જ રાજા થૂ-થૂ કરવા લાગ્યા. બ્રાહ્મણ ત્યાંથી ભાગી ગયા. કરોડો રૂપિયાના વ્યયથી પેથડશાહે ત્યાં સુવિશાળ જિનાલય બનાવ્યું.*

                *( કાળક્રમથી થોડું જીર્ણ, મુસ્લિમોના આક્રમણનો શિકાર બનેલું અને જૈનો દ્વારા જ ઉપેક્ષિત બનેલ તે મંદિર આજે પણ દેવિગિર (દૌલતાબાદ - ઔરંગાબાદ) માં ખંડેરના રૂપમાં વિદ્યમાન છે. ભારત સરકારે એને હિંદમાતા મંદિર ઘોષિત કરી કેન્દ્રસ્થાનમાં હિંદમાતાનું પૂતળું સ્થાપિત કર્યું છે. મંદિરનું રંગમંડપ એટલું વિશાળ છે કે ત્રણ હજાર લોકો એકસાથે બેસી ચૈત્યવંદન કરી શકે છે. એક-એક સ્તંભ પર જિનબિંબોની કોતરણી પણ દેખાય છે.)*

                   *એની સાથે જ પેથડશાહે છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ દેવદ્રવ્યમાં આપી ઈન્દ્રમાળા પહેરી અને ગિરનાર તીર્થને દિગંબરોના કબ્જામાં જતા જતા બચાવી લીધો. સિધ્ધગિરિ પર શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યને એકવીસ ઘડી સુવર્ણથી મઢી સુવર્ણમય બનાવ્યું, આ રીતે ઘણું બધું દ્રવ્ય ધર્મકાર્યમાં લગાડ્યું.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top