*શ્રી કુંથુનાથ પ્રભુના ૩ ભવ થયા. પૂર્વ ભવમાં પ્રભુનો આત્મા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં હતા ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં રહેલ મતિજ્ઞાન , શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના કુરુ દેશની હસ્તિનાપુર નગરીના રાજા શૂરસેનની રાણી શ્રી દેવીની કુક્ષીએ અષાઢ વદ નોમના દિવસે વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં ચ્યવન થયું. ત્યારે માતાએ ૧૪ સ્વપ્ન જોયા.*
*પ્રભુ માતાના ઉદરમાં ૯ મહિના ૫ દિવસ રહ્યા. ચૈત્ર વદ ચૌદસના દિવસે કૃતિકા નક્ષત્રમાં મધ્યરાત્રિએ જન્મ થયો. પ્રભુની જમણી જાંઘ પર બકરાનું લંછન હતું. કાંચન વર્ણ અને ૩૫ ધનુષ્યની કાયા હતી.*
*પ્રભુ ૨૩૭૫૦ વર્ષ ચક્રવર્તી રહ્યા અને*
*રાજ્ય પાલન કર્યું.*
*પ્રભુ એક વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપે છે. હસ્તિનાપુર નગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળે છે. પ્રભુ વિજયા શિબિકામાં બેસીને સહસ્રામ્ર વનમાં પધારે છે.*
*ત્યાં અશોકવૃક્ષની નીચે છઠ્ઠનો તપ કરતાં ૭૧૨૫૦ વર્ષની પાછલી ઉંમરે ચૈત્ર વદ પાચમના દિવસે વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓની સાથે દીક્ષા લે છે. ત્યારે પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન થાય છે. દીક્ષા પછી ચક્રપુરમાં વ્યાધ્રસિંહ રાજાને ઘરે દીક્ષાના બીજા દિવસે ખીરથી પ્રથમ પારણું કરે છે. ત્યારે પંચ દિવ્ય પ્રગટ થાય છે. સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થાય છે. પ્રભુ દીક્ષા પછી ૧૬ વર્ષ પ્રમાદ નિંદ્રા કર્યા વગર અપ્રમત્તપણે આર્ય દેશમાં વિચરતાં હસ્તિનાપુર નગરીના સહસ્રામ્ર ઉધાનમાં છઠ્ઠનો તપ કરતાં તિલક વૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે ચૈત્ર સુદ ત્રીજના દિવસે કૃતિકા નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. લોકાલોકના સર્વ ભાવોને દેખતાં અને જાણતાં થયા. પ્રભુ ૧૮ દોષ રહિત થયા.*
*૮ પ્રતિહાર્ય અને ૩૪ અતિશય યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુએ મધ્ય સિંહાસને ૪૨૦ ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે બેસીને ચાર મુખે મન શુદ્ધિ કેમ રહે તેને સમજાવતી ૩૫ ગુણથી યુક્ત વાણી વડે દેશના આપી. દેશના સાંભળીને અનેક સ્ત્રી પુરુષે દીક્ષા લીધી. શંબ આદિ ૩૫ ગણધર થયા. પ્રભુના શાસનમાં ઉત્તમ પુરુષો પોતે છઠ્ઠા ચક્રવર્તી કુંથુનાથ થયેલ. પ્રભુના ભક્ત રાજા કુબેર હતા.*
*શ્રી કુંથુનાથ સ્વામી ભગવાનની જય🙏🏻🙏🏻*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો