સોમવાર, 4 એપ્રિલ, 2022

Sansar ni Durlabh Vastu

🏵️ *સંસારની અતિ દુર્લભ પાંચ વસ્તુઓ*
➖➖➖➖➖➖➖➖➖
    આ વિષમ સંસારમાં આ પાંચ વસ્તુ મળવી અતિ દુર્લભ છે. ૧. સદ્દ્રવ્ય ૨.સુકુળમાં જન્મ ૩. સિદ્ધક્ષેત્ર 
 ૪. સમાધિ ૫. સંઘ 

*૧. સદ્દ્રવ્ય :* - જે ધન પ્રામાણિકપણે મેળવેલું હોય, મહેનત-મજુરી કરી, વિશ્વાસઘાત વિના મેળવ્યું હોય, તેવા દ્રવ્યને ન્યાયોપાર્જિત દ્રવ્ય કહેવાય છે. ન્યાયનું દ્રવ્ય જ સદ્બુદ્ધિ પેદા કરે.....સન્માર્ગે ચાલવાની પ્રેરણા પણ ન્યાયપૂર્વકના ધનવાળાને જ પેદા થાય છે. અન્યાયથી મેળવેલું દ્રવ્ય પુણ્ય પૂરું થતા બધું જ ચાલ્યું જાય છે અને પાપોનું ફળ દુ:ખ , અવશ્ય ભોગવવું જ પડે છે.

*૨. સુકુળમાં જન્મ :* - આર્યદેશ - આર્યજાતિ - આર્ય-સંસ્કારથી વાસિત કુળમાં જન્મ થવો દુર્લભ છે. સુકુળમાં જન્મેલાનું હ્રદય દયાળું, કોમળ, ઉદાર, ધર્મવાસિત અને પરોપકાર પરાયણ હોય છે. પોતે સદ્ ધર્મની સાધના કરી, આત્મકલ્યાણ સાધી શકે છે અને તેના સમાગમમાં આવનાર સૌ કોઈ જીવોને ઉચ્ચ નિમિત્ત આપી સન્માર્ગે દોરી શકે છે. 

*૩. સિદ્ધક્ષેત્ર:* - શ્રી શત્રુંજયતીર્થની સ્પર્શના થવી દુર્લભ છે. આ તીર્થ ઉપર અનંતાનંત આત્માઓ મુક્તિપદને પામ્યા છે. આ તીર્થની રજ પણ પવિત્ર છે. કારતક સુદ પૂનમના દિવસે દ્રાવિડ અને વારિખિલ્લજી ૧૦ ક્રોડ મુનિઓની સાથે અનશન કરી પરમાત્માનું ધ્યાન કરી, અજરામરપણાને પામ્યા છે. આ તીર્થની ભાવપૂર્વક જે યાત્રા-સ્પર્શના કરે છે તે પાંચ સાત ભવમાં મુક્તિ પામે છે.

*૪. સમાધિ:* - સમાધિપૂર્વકનું મૃત્યુ અતિ દુર્લભ છે. જે જીવાત્માઓ આ જન્મમાં જિનભક્તિ, સુપાત્રદાન, શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન, અહિંસા, સંયમ, તપ, દયા, દાન, પરોપકાર કરી પોતાના જીવનને પવિત્ર બનાવે છે. તે જીવો મૃત્યુને સમાધિમય બનાવે છે. મૃત્યુના સમયે જેણે ધન -ઘર -બંગલા -કુટુંંબ-શરીર વગેરેની સાથે કનેકશન કાપી નાખ્યું હોય અને પરમાત્માનું નામ - આકૃતિ, જીવો સાથે ક્ષમાપના, સુકૃત અનુમોદના, દુષ્કૃતગર્હા, શરણાગમન, શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન વગેરેમાં ઉપયોગને જોડી જે આત્મા મૃત્યુ પામે તેવા મૃત્યુને સમાધિમૃત્યુ કહેવાય છે. પણ, આવું સમાધિમય મૃત્યુ અત્યંત દુર્લભ ગણાય છે.

*૫. સંઘ:* - પૂ. સાધુ - સાધ્વી - શ્રાવક - શ્રાવિકા સ્વરૂપ આ ચતુર્વિધ સંઘની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. આ તીર્થ એટલે જ મોક્ષમાર્ગ. જેના દ્વારા જીવાત્માઓ દેવ - ગુરુ - ધર્મ સ્વરૂપ તત્ત્વત્રયીની આરાધના કરી અને દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપી રત્નત્રયીને પ્રગટાવી ભવનો અંત કરી પરમાત્માને પામે છે. એવા ચતુર્વિધ સંઘનો સમાગમ અત્યંત દુર્લભ છે. 

આ પાંચમાંથી સુકુળજન્મ - શત્રુંજય અને સંઘસમાગમ આ ત્રણ વસ્તુઓ તો આપણને મળેલી છે. બસ, હવે સદ્દ્રવ્ય અને સમાધિ મેળવવા માટે જીવનનો સદુપયોગ થાય તો આપણો મનુષ્યજન્મ સફળ બની જાય...

સંકલન:-મીતા શાહ
➖➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top