એક ગામ હતું જેમાં સહુ ગામવાસીઓ આંધળા રહેતા હતાં. દરેક ઘર અંધ લોકોના અને તેમાં પણ ઘરના દરેક સદસ્યો પણ આંધળા હતા. આ પણ એક આશ્ચર્ય જ હતું. એક દિવસ ગામમાં હાથી આવ્યો. હાથી ઉપર મહાવત બેઠો હતો. ગળામાં ઘંટ બાંધ્યો હોવાથી હાથીના આગમનની સુચના ગામજનોને મળતાં સહુ ગામવાસીઓ ભેગા થયા.
લોકો ભલે આંધળા હતાં પરંતું, હાથીને પૂર્ણ રીતે સમજવાનો ઉત્સાહજનક પ્રયાસ હતો. સહુ ગામવાસીઓએ મહાવતને વિનંતી કરી કે હાથીને ઊભો રાખો અમારે તેને પૂરી રીતે સમજવું છે. મહાવત વિચારમાં પડી ગયો, અરે! તમે હાથીને કેવી રીતે જોઇ શકશો? તમે તો જન્મજાત આંધળા છો. ગામવાસીઓએ પ્રત્યુત્તર આપ્યો અમે આંધળા ભલે છીએ પણ ભગવાને અમને હાથ આપ્યા છે એટલે સ્પર્શ કરી હાથી વિશે સમજી લઇશું.
મહાવતે હા! કહી મંજુરી દર્શાવી. ગામના દરેક આંધળાઓ એક પછી એક જણા હાથી પાસે આવ્યા અને હાથીને સ્પર્શીને મહાવતને એક-એક રૂપિયો દાનમાં આપતાં ગયા. મહાવતને પણ ખૂબ જ આનંદ થયો. ગામના દરેક સદસ્યોએ હાથીના શરીરની સ્પર્શના કરતાં રૂપિયાનો વરસાદ થઇ ગયો. ધારણા કરતાં વધુ રૂપિયા પ્રાપ્ત થયા. મહાવતે હાથી સાથે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
હવે બધા ગામવાસીઓ આનંદિત થઇ હાથી વિશે પોતાની ધારણા પ્રમાણે અભિપ્રાય આપવા લાગ્યા. એક વ્યક્તિએ કહ્યું કે હાથી ઝાડના થડ જેવો હોય છે, કેમકે તેણે હાથીનો પગનો સ્પર્શ કર્યો હતો. બીજી વ્યક્તિએ કહ્યું, ના! હાથી અનાજ સાફ કરવાના સૂપડા જેવો હોય છે, કારણ તેણે હાથીના કાનનો સ્પર્શ કર્યો હતો. ત્રીજાનો પ્રત્યુત્તર આવ્યો, તમે ખોટું બોલો છો! હાથી લાકડી જેવો હોય છે તેના ઉપર વાળનો ગુચ્છો હોય છે, કારણ તેણે હાથીની પૂંછનો સ્પર્શ કર્યો હતો.
ચોથો વ્યક્તિ આગળ આવ્યો તમે બધા જ ખોટા છો, હકીકતમાં હાથી પહોળો હોય છે, કારણ તેણે હાથીના પીઠનો સ્પર્શ કર્યો હતો. એટલામાં એક માજી આગળ આવ્યા, મારી આખી જીંદગી વીતાવી છે મારો અનુભવ ખોટો ન હોય! હાથી કેળાના થડ જેવો પોચો હોય, કેમ કે તેણે સૂંઢની સ્પર્શના કરી હતી.
ગામનો સરપંચ આગળ આવ્યો, બધા ખોટા છો, મેં ગામનું નેતૃત્વ કર્યું છે મારા અનુભવ અને નિર્ણયો હંમેશા નિર્ણાયક રહ્યા છે તેણે કહ્યું હાથી વાંકી લાકડી જેવો જ હોય છે તેમાં આગળ થોડો અણિયાળું અને પાછળનો ભાગ જાડો, મજબૂત અને ભરાવદાર હોય છે કારણ તેણે હાથીના દાંતનો સ્પર્શ કર્યો હતો. આ પ્રમાણે દરેક જણા એકબીજાને ખોટા સાબિત કર્યા અને પોતે જ સાચા છે તે જ સત્ય સાબિત કરવું હતું. અહીં દરેક આંધળાઓને પોતે ખોટા સાબિત થયા છે તેવું લાગતાં ગામમાં દરેકના ઝગડા થયા અને એકબીજા સાથે અબોલા થયા.
અહીં ઝગડાનું કારણ *ધારણા* હતી. દ્રષ્ટિ તો કોઇપણ વ્યક્તિને ન હતી જેથી પોતે જ સાચો છે તે માટે મહાવત જ નિર્ણય કરી શકે તેમ હતો. ચાર દિવસ પછી ફરી મહાવત આવ્યો અને ગામવાસીઓ ભેગા થયા. તકરાર વાતો મહાવત સમક્ષ રજૂઆત થઇ. મહાવતે પ્રત્યુત્તર આપતા ના! કહ્યું. હું ઉત્તર આપવા અસમર્થ છું. કેમ? ગામવાસીઓએ આતુરતાથી પૂછ્યું. મહાવતે કહ્યું તમે દ્રષ્ટિહીન છો તમને કેવી રીતે સમજાવી શકું? હાથીને સમજવા દ્રષ્ટિ જોઇએ. હાથી એક હોવા છતાં પણ અલગ ધારણાઓ હોવાથી દરેકના દ્રષ્ટિકોણ બદલાયા હતાં. તેમ જિનેશ્વર એક હતાં, જિનવાણી એક હતી છતાં પણ દ્રષ્ટિહીનતા - મતિહીનતા - સ્વ ધારણાઓના કારણે *સંપ્રદાયવાદ* !
*✍️જીજ્ઞેશ ચંદ્રકાન્ત લોડાયા (વારાપધર-ડોંબિવલી)*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો