શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022

સ્નાત્રમાં શાંતિનાથ ભગવાન જ કેમ બિરાજમાન કરાય છે ? બીજા કેમ નહિ ?

સ્નાત્રમાં શાંતિનાથ ભગવાન જ કેમ બિરાજમાન કરાય છે ? બીજા કેમ નહિ ?

➖➖➖➖➖➖➖➖➖

સ્નાત્ર ભણાવવા માટે શ્રી શાંતિનાથ ભગવાન જ બિરાજમાન કરાય છે એવું નથી, શ્રી પાર્શ્વનાથ ભગવાન પણ બિરાજમાન કરી શકાય છે. વળી, વિશિષ્ટ અવસરે શ્રીસંઘના કોઈપણ મૂળનાયક ભગવાન ઉપર પણ સ્નાત્ર ભણાવી શકાય છે. વળી, સ્નાત્રના શ્રી શાંતિનાથ કે શ્રી પાર્શ્વનાથ ભગવાન પણ પંચતીર્થીવાળા કે ચોવીશીવાળા પરિકરયુક્ત લેવાય છે. આ મૂળભૂત વાત થઈ. તેમ છતાં, મોટેભાગે તો શ્રી શાંતિનાથજી જ સ્નાત્ર માટે ત્રિગડામાં બિરાજમાન કરવાની આપણા પૂર્વના મહાપુરુષોએ પ્રવર્તાવેલી પરંપરા છે, જે અત્યંત ઉચિત છે, જેનાં કેટલાંક કારણો નીચે મુજબ છે.

 (1) શ્રીસંઘમાં મારી-મરકી-રોગ-શોક-અંતરાય-ઉપદ્રવ આદિમાં શ્રીસંઘમાં વિઘ્નનિવારણ કરીને શાંતિ સ્થાપવા અંગે રચાયેલા અતિપ્રસિદ્ધ ત્રણ સ્તોત્રો જેવા કે લઘુ શાંતિ, મોટી શાંતિ અને સંતિકરં જે શ્રી શાંતિનાથ ભગવાનના જ છે. અજિતશાંતિ સ્તોત્રમાં પણ શાંતિનાથ ભગવાનની સ્તવના છે. આ બધા સ્તોત્રોના અર્થ જોઈએ તો વારંવાર, નામમાત્રથી શાંતિ કરનારા, રોગ-ઉપદ્રવાદિ હરનાર તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તવના કરાઈ છે. આવા શ્રી શાંતિનાથજીની ભક્તિ શ્રી સંઘને - આરાધકોને પણ શાંતિ કરનાર છે.

 (2) શ્રી શાંતિનાથ ભગવાનનું તથાભવ્યત્વ એક વિશિષ્ટ પ્રકારનું છે. તેઓને સમ્યક્ત્વ પામ્યા પછી બારમા ભવે મોક્ષે ગયા ત્યાં સુધીમાં કોઈ પણ જીવ સાથે તીવ્રવૈરાનુબંધજનક વૈર-વિરોધ થયા નથી.

 (3) શ્રી શાંતિનાથ ભગવાનના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ બાર ભવોમાં નરક-તિર્યંચના દુર્ગતિસ્વરૃપ એક પણ ભવ થયા નથી. બધા જ ભવો મનુષ્ય-દેવના છે.

 જેમાં સાત ભવ મનુષ્યના, ચાર ભવ દેવલોકના અને અંતિમ ભવે તીર્થંકર થયા. કુલ બે વાર ચક્રવર્તી પદવી પ્રાપ્ત કરી છે, તથા દેવલોકના ભવમાં પણ ઉત્તરોત્તર આગળ વધ્યા છે.

 (4) પિતા વિશ્વસેન રાજાના રાજ્યમાં ફેલાયેલ મરકીનો રોગ, શ્રી શાંતિનાથજીનો જીવ માતાની કુક્ષિમાં આવતાં, માતા અચિરાજી દ્વારા જળનો છંટકાવ કરવાથી, પ્રભુના પ્રભાવે દૂર થયો. તેથી રોગનિવારણાદિમાં શ્રી શાંતિનાથ પ્રભુનો વિશેષ પ્રભાવ જોવાય છે.

 (5) શ્રી શાંતિનાથજી ભગવાન એક જ ભવમાં ચક્રવર્તીપણું અને તીર્થંકરપણું એમ બે પદવી પામ્યા છે. અર્થાત્ આ સંસારના વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ પુણ્યસંપદાના તેઓ ધારક હતા. તેઓની ઉપાસના શ્રીસંઘને પુણ્યથી પણ સમૃદ્ધ કરે છે.

 (6) શ્રી શાંતિનાથ પ્રભુના ચારિત્ર જીવનમાં પણ ક્યાંય કોઈ ઉપસર્ગ કે પરિસહ આવ્યા નથી.

 આમ, વિચાર કરતાં આ છ મુખ્ય કારણે સ્નાત્ર માટે શ્રી શાંતિનાથ ભગવાન પધરાવવાની પૂર્વના મહાપુરુષોએ પ્રવર્તાવેલી પરંપરા અત્યંત ઉચિત જણાય છે.

 

✍️मुनि सौम्‍यरत्न विजयजी

 Shilp Vidhi

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top