શનિવાર, 22 જાન્યુઆરી, 2022

ઉત્તરાધ્યયનસૂત્ર

એકાગ્રમન

 

જીવનનાં ચરમ સત્યો માંથી સાભાર.

 

एगग्गमणसंनिवेसणयाए णं भंते जीवे किं जणयइ? एगग्गमणसंनिवेसणयाए णं चित्तनिरोहं करेइ । 

 

મનને એકાગ્રપણે સ્થાપન કરવાથી જીવ હે ભંતે, શું પ્રાપ્ત કરે છે ? ” હે આયુષ્યનું, મનની એકાગ્રતા સ્થિર બનવાથી ચિત્ત નિરોધને જીવ સિદ્ધ કરે છે.

શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર || ૨૯-૨૫ II

 

મનની ગતિ અકળ છે. મન પોતે જ અજીબ ચીજ છે. સાવ નાનકડું મન છે પણ તેના ખેલ ભલભલા મરદના પાણી ઉતારે તેવા છે. કાયા ગમે તેટલી તોતિંગ હોય પણ એના પર રાજ તો મનનું જ ચાલે છે. માણસ આ બધું અનુભવે છે. એક બાજુ મનના કારણે નવી નવી સ્ફુરણાઓ થાય છે. મનના કારણે રાજીપો પેદા થાય તો મનના કારણે જ નારાજીનો પણ અનુભવ થાય છે. ચારે બાજુ આનંદ-પ્રમોદનું વાતાવરણ જાગ્યું હોય, સૌ મસ્તીમાં ઝૂમતા હોય તેમાં મન જરાક આડું ફાટે તો બધો જ આનંદ ઓસરી જાય. મનના કારણે ગમમાં ડૂબી જવાય. સામે છેડે તેનાથી વિપરીત પણ બને. રોક્કળ મચી ગઈ હોય, કોઈના ચહેરા પર હર્ષની નાનકડી લકીર પણ ઉત્પન્ન થતી નથી એવા સમયે મન ઉત્સાહમાં આવી ગયું તો શોકનું બધું જ વાતાવરણ વીખરાઈ જાય. મન એવા ખેલ કરી શકે છે જેની અગાઉથી કલ્પના પણ કરી શકાતી નથી. સંસારી જનોને તો મન નચાવે છે પણ સંસારથી પર બનેલા અધ્યાત્મના સાધકો પણ મનની અવળચંડાઈથી ત્રાસી જાય છે. અધ્યાત્મની સાધના મનથી સાધવાની છે તેથી મનને કાબૂમાં રાખવું પડે. મન એવું પારા જેવું ચંચળ છે કે ક્યાંય સ્થિર ન રહે. પારો હથેળીમાં રાખો તો હથેળી જરાક હલી જાય તો ઢળી પડે. ક્યાં ખોવાઈ જાય તેનો પતો પણ ન લાગે. જરાક સાવધાની ચૂકાય તો પારો હાથતાળી આપીને કણકણમાં વિખરાઈ જાય. આવું જ કામ મનનું છે. તમે જરાક અસાવધ બન્યા કે મન તમને છેતરીને ક્યાંનું ક્યાંય ભાગી જાય. પછી તેને પકડીને લાવવું, પાછું મનને અધ્યાત્મમાં જોડવું બહુ અઘરું પડી જાય. પકડમાં થોડો સમય રહે અને આપણને દોડાવે વધારે આનું નામ મન ! આવી મનની પરેશાની સૌના અનુભવની વાત છે. 

 

   આ જ મનની વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રકાર પણ ફરમાવે છે. એના માટેનો જે પ્રશ્નોત્તર રજુ કરે છે તેમાં મનને જીતવાનો ઉપાય પણ મળી રહે છે. સૂત્રકાર કહે છે: “હે ભગવન્, એકાગ્રમનની સ્થિરતાથી જીવને શું મળે છે? ઉત્તર આપતા કહ્યું કે આત્મા મનની એકાગ્રતા સ્થિર રાખે તો એને ચિત્તનિરોધની સિદ્ધિ મળે છે.

  આમાં તો મનને માટેની ઘણી મહત્ત્વની વાત કહી દીધી. આત્મા પછીની કોઈ જબરદસ્ત તાકાત હોય તો મનની છે. અપેક્ષાએ જુઓ તો આત્મા પણ મનનો સહારો લઈને અભૂતપૂર્વ કર્મક્ષય કરે છે. આત્માને પણ પોતાના કર્મોનો સર્વથા ક્ષય કરીને સ્વરૂપ પ્રગટ કરવું હોય તો તન અને વચન કરતાં પણ મનની સહાયથી જ ભીષ્મ પરાક્રમ કરી શકે છે. મનને કદી પણ નિર્બળ માનવું નહિ. સારાં કે નરસાં દરેક કાર્યમાં મનની શક્તિ અદ્ભુત કામ કરે છે. ચૌદ રાજલોકના નીચેના છેડે લઈ જાય તો આ મન લઈ જાય છે અને ચૌદ રાજલોકના અગ્રભાગે પહોંચાડે તો આ મન પહોંચાડે છે. ક્ષણમાં તળિયે પહોંચાડે અને ક્ષણમાં ટોચે બિરાજમાન કરે એ આ મનનું પરાક્રમ છે. આવા મનની આપણે ઉપેક્ષા કરી શકીએ નહિ.

 

   મનને જેઓ છૂટું મૂકી દે છે તેઓ મોટું જોખમ ઉઠાવે છે. આવું મન સર્વનાશ સર્જે છે. માટે જ મનની સાથે કેવી રીતે કામ લેવું જોઈએ તેની માર્મિક વાત આ સૂત્રમાં બતાવી. સૂત્રકાર કહે છે કે સૌ પ્રથમ મનને એકાગ્ર બનાવો અને પછી એકાગ્ર મનને સ્થિર રાખો. આટલા પ્રયત્ન પછી તમારે મન તરફથી કોઈ ભય રાખવાનો રહેતો નથી. મનનો નિરોધ થઈ જશે.

 

વાત મુદ્દાની છે. મન ચંચળ છે માટે તોફાન કરે છે. મનને જો એકાગ્ર બનાવ્યું તો મન તરફથી કોઈ ભય ઉત્પન્ન થશે નહિ. માટે બધાએ આ જ એક પુરુષાર્થ કરવાનો રહે છે ભટકતા મનને સ્થિર બનાવવું. એકાગ્ર બનાવવાનો અર્થ જ એવો થયો કે મનને એક જગ્યાએ બાંધી રાખો. આનો અર્થ એવો ન લેવો કે અશુભ વિચારોમાં મનને સ્થિર બનાવવું. આ રીતે અશુભ ભાવમાં સ્થિર બનેલું મન તો વધુમાં વધુ નુકશાન કરે. માટે શુભ વિચારોમાં મનને એકાગ્ર બનાવવું. આ મોટી સાધના છે. ક્ષણવાર મન એકાગ્ર બને તેટલા માત્રથી પણ કામ ન થાય. એ એકાગ્રતા પણ સ્થિર બનવી જોઈએ. એકાગ્રતાની સ્થિરતા સિદ્ધ થઈ જાય એટલે મનનો નિરોધ થાય છે. અશુભ અધ્યવસાયમાં દોડી જતા મનનો નિરોધ થયો એટલે સંસાર સાગરનો કિનારો આવ્યો. પછી તો શુભાશુભ સર્વ અધ્યવસાયોનો નિરોધ થાય અને આત્માને સ્વરૂપદશાની ઉપલબ્ધિ થાય. :

ચિત્તની એકાગ્રતા સાધના છે, ચિત્તનિરોધસિદ્ધિ છે.

અસ્તુ

જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખ્યું કે લખાયું હોય તો તે બદલ ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top