ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022

Jain Questions answers

ધર્મતીર્થ (ભાગ-૧)

(વ્યાખ્યાન પુસ્તક અંશ - ૪૧)

 

સભા : તો પછી બહુમાન ન આવે ને ?

સાહેબજી : કેમ ન આવે ? તમારાથી વધારે ગુણવાળા હોય તેને ગુરુ કરવાના છે કે ઓછા ગુણવાળાને ગુરુ કરવાના છે ? ગુરુ એટલે ગુણથી ગુરુ, વજનથી ગુરુ નહીં. તમારા કરતાં ગુણમાં અધિક છે તે જ તમારા ગુરુ બનવા લાયક છે, તેથી બહુમાન આવે જ, અને જેઓ ગુણને જોતા નથી અને ખાલી નામ-વેશથી ગુરુ માને છે, તે બધાને શાસ્ત્રમાં મિથ્યાત્વી-દ્રષ્ટિરાગી કહ્યા.

 

સભા : વેશ પૂજ્ય નથી

સાહેબજી : ના, માત્ર વેશ પૂજ્ય નથી.

 

સભા : માત્ર વેશ એટલે ?

સાહેબજી : ગુણથી નિરપેક્ષ, શાસ્ત્રમાં લખ્યું કે નામ અરિહંત, સ્થાપના અરિહંત, દ્રવ્ય અરિહંત પણ ભાવનિરપેક્ષ હોય તો પૂજનીય નથી. તમે બોલો છો કે “ચાર નિક્ષેપે ધ્યાઈએ...” તેનો અર્થ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, ચારે નિક્ષેપાથી અરિહંતનું ધ્યાન કરવું, પરંતુ તે માટે ભાવથી સાપેક્ષ બીજા ત્રણે નિક્ષેપા લેવાના.

 

પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ચોક્ખું લખ્યું કે, શુદ્ધભાવ જેહનો છે તેહના, ચાર નિક્ષેપા સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવિ કાચા. ભાવથી નિરપેક્ષ (ગુણશૂન્ય) નામઅરિહંત આદિ પૂજ્ય નથી. દા.ત. તમે તમારા દીકરાનું નામ કે મકાનનું નામ "મહાવીર" પાડ્યું, તો તે મકાન કે દીકરાને પગે ન લગાય; કેમ કે તે અરિહંતનું ભાવનિરપેક્ષ નામ છે. અમે તો ગુણ સાથે જોડાયેલા હોય તેવા મહાવીરના નામને પૂજીએ છીએ. જેમાં અરિહંતના ભાવનો છાંટો નથી તે મહાવીરને પગે ન લગાય. અમે મહાવીર નામ રોજ જપીએ છીએ. પણ કયા મહાવીર ? ભાવસાપેક્ષ, ગુણસાપેક્ષ. 

 

જેને ભાવ સાથે નાતો નથી તેવા ઋષભ, મહાવીરના માત્ર નામ સાથે અમારે કોઈ લેવાદેવા નથી. તેવી રીતે મહાવીરની મૂર્તિ લો તો તે મૂર્તિ પણ ભાવસાપેક્ષ જોઈએ. તમને બે દિવસ પહેલાં પણ કહેલું કે યશોદા સહિત કંડારેલ મહાવીરની મૂર્તિ મૂકો તો પણ હું હાથ જોડું નહીં. જોકે યશોદા સાથે પરણેલા મહાવીર પણ ગૃહસ્થાવસ્થામાં મહાગુણવાન હતા, છતાં ત્યારે પરમેશ્વર તરીકે પૂજવા લાયક ગુણ પ્રગટ્યા ન હતા.

 

સભા : તે વખતે દ્રવ્યનિક્ષેપ માનીને પૂજાય ?

સાહેબજી : દ્રવ્યનિક્ષેપે પૂજવા હોય તો મહાવીરની પૂજનીય અવસ્થા હોય તેટલો જ દ્રવ્યનિક્ષેપો લેવાય. ભાવનિરપેક્ષ દ્રવ્યનિક્ષેપો ન પૂજાય. દા.ત. ભગવાન મહાવીરે મરીચિના ભવમાં ઉત્સૂત્રભાષણ કર્યું, જેથી એક કોટાકોટિ સાગરોપમ સંસાર વધ્યો. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ૨૭ ભવ કહ્યા, તે તો સ્થૂલથી છે. વાસ્તવમાં એક કોટાકોટિ સાગરોપમમાં અસંખ્ય ભવ થાય, અને તેમાં પણ સૌથી વધારે ભવો પૃથ્વી, અપ, તેઉ, વાયુ અને વનસ્પતિમાં જ થયા. એકેન્દ્રિયમાં જ વધારે કાળ જશે; કેમ કે ત્રસમાં તો ૨૦૦૦ સાગરોપમ જ સળંગ રહેવાય. હવે પ્રભુનો આત્મા ઝાડના ભવમાં ગયો તો તે ઝાડને દ્રવ્યનિક્ષેપે પગે લગાય ?

ક્રમશઃ...

➡️forward to all...

 

 પ્રાવચનિક પ્રભાવક, આદ્ય ગચ્છસ્થાપક ગીતાર્થ ગુરુ, મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા. ના પટ્ટધર, ધર્મતીર્થ સંરક્ષક, શુધ્ધમાર્ગ પ્રરૂપક, ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબ (પંડિત મહારાજા) ના વ્યાખ્યાનના પુસ્તક

ધર્મતીર્થ (ભાગ-૧) માંથી સાભાર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top