સોમવાર, 10 જાન્યુઆરી, 2022

Qus - શું દેરાસરજીનો ભંડાર કોઈ શ્રાવકના ઘરે ગણી શકાય ?

જિજ્ઞાસા:-  શું દેરાસરજીનો ભંડાર કોઈ શ્રાવકના ઘરે ગણી શકાય ? જો ગણીએ તો શું શ્રાવકને દોષ લાગે ? જેટલા દિવસ શ્રાવકને ત્યાં રૃપિયા પડ્યા રહે, તેનું વ્યાજ શ્રાવકે ભરવું પડે ? શું દેરાસરજીના ભંડારના કે અન્ય દેવદ્રવ્યના રૃપિયા શ્રાવકને વ્યાજે આપી શકાય ? એ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરી શકાય?


સમાધાન :- પ્રથમ વિકલ્પે તો દેરાસરજીનો ભંડાર પેઢી કે ઉપાશ્રય વગેરે જેવા શ્રી સંઘના સ્થાને ગણાય તે યોગ્ય છે. ભંડાર ગણવા માટે શ્રી સંઘના વિશ્વાસુ શ્રાવકો – યુવાનો સેવા આપે તે યોગ્ય છે. ઘણે સ્થાને દેરાસર – ઉપાશ્રયના સ્ટાફ પાસે ભંડાર ગણાવાય છે, જે શક્ય હોય તો સુધારી લેવું. શક્ય ન હોય તો પણ મુખ્ય 2 – 4 શ્રાવકની દેખરેખમાં જ આવા કાર્ય થવા જોઈએ. એ માટે શ્રી સંઘના યુવાનોએ પણ જાગ્રત બનવું જોઈએ.
 કારણસંયોગે કોઈ વ્યક્તિગત શ્રાવકને ત્યાં દેરાસરજીનો ભંડાર ગણવાનો થાય તો, દેવદ્રવ્યનો એક રૃપિયો પણ, અજાણતાં પણ, શ્રાવકના પોતાના ઘરમાં ન આવી જાય, તેની ખાસ તકેદારી રાખવી.
 જે દિવસે ભંડાર ખૂલે તે જ દિવસે ભંડાર ગણાય અને તે જ દિવસે રૃપિયા તુરંત શ્રી સંઘની પેઢીમાં કે બૅન્ક વગેરેમાં યથાયોગ્ય વહીવટ અનુસાર જમા કરાવી દેવા જોઈએ. વગર કારણે દેવદ્રવ્યના રૃપિયા ઘરે મૂકી રાખવા કે ઘરમાં સંભાળવા યોગ્ય નથી. શ્રી સંઘે પણ રૃપિયા જમા કર્યા વિના પેઢીમાં રાખી મૂકવા કે કોઈ શ્રાવકને ઘરે દેવદ્રવ્યના રૃપિયા વિશેષ કારણ વિના સાચવવા પણ આપવા નહિ.

અલબત્ત, ક્યારેક, કો'ક કારણસર શ્રી સંઘની વ્યવસ્થાને અનુકૂળ આ રીતે ભંડારની (કે અન્ય દેવદ્રવ્ય / ધર્માદાની) રકમ 2 – 5 – 15 દિવસ કે થોડા દિવસ માટે શ્રી સંઘને કોઈ યોગ્ય શ્રાવકને ઘરે માત્ર સાચવવા પૂરતી રાખવી પડી હોય તો તેનું વ્યાજ તે શ્રાવકે ભરવાનું હોતું નથી, કે તે શ્રાવકને કોઈ દોષ પણ લાગતો નથી. કારણ કે શ્રી સંઘે સાચવવા આપ્યા છે અને પોતે વાપર્યા નથી. પરંતુ, બને ત્યાં સુધી દેવદ્રવ્ય કે અન્ય ધર્માદાના રૃપિયા ઘરમાં સંભાળવા નહિ તથા રોકડ રકમ માટે પ્રશ્ન ઊભો ન થાય તેની ખાસ કાળજી રાખવી.

શ્રાવકે ભંડારના કે અન્ય દેવદ્રવ્યના રૃપિયા વ્યાજે રાખવા નહિ તથા શ્રી સંઘે પણ દેવદ્રવ્યના રૃપિયા શ્રાવકોને વ્યાજે આપવા નહિ. આ રીતે વધુ વ્યાજ મેળવવા દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનો વિચાર પણ કરવો નહિ. સેનપ્રશ્ન ગ્રંથમાં તેનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. અનુચિત માર્ગે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની હોતી નથી.

મુનિ સૌમ્યરત્ન વિજયજી મ સા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top