શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022

નુતન દિક્ષિત મુની રામવિજયજી

પોષ સુદ તેરસ , વિક્રમ સંવત્ ૧૯૬૯ની યાદગાર ઘટના

પોષ સુદ તેરસ , વિક્રમ સંવત્ ૧૯૬૯ની યાદગાર ઘટના

રોજા ટંકારિયામાં પોષ સુદ તેરસનું પરોઢ જાગ્યું. ઠંડી કડકડી રહી હતી. ગામના ચોતરે તાપણું સળગાવીને ચોકીદાર જેવા બે-પાંચ લોકો શેકોટી લઈ રહ્યા હતા. જમીનમાંથી બરફની વરાળ નીકળતી હોય તેવો ઠાર ઉપર આવતો હતો. સમસમ વહેતી હવા જાણે ચાબખા વીંઝતી હતી. ચાર દીવાલની વચ્ચેનો અવકાશ પોતાની મેળે થીજતો જતો હતો. મકાનમાં સૂતેલા હોય તેમનાં પાથરણાં અને વસ્ત્રોની આરપાર એ બરફિલો સ્પર્શ નીકળતો હતો. ત્રણ મહાત્માઓ અને ત્રિભુવન આવી કારમી ઠંડીમાં સંથારા પર રાત વીતાવીને પ્રાત:કાળનું પ્રતિક્રમણ કરી રહ્યા હતા.

આજે ઉપવાસ નહીં કરતો, અત્યારે લાંબો વિહાર છે, સાંજે પણ વિહાર થશે. કાલ સવારે પણ વિહાર જ છે. એકાસણું કરજે.” શ્રી મંગળવિજયજી મ. એ ત્રિભુવનને કહ્યું. તપચિંતવણીના કાઉસગ્ગ પૂર્વે આ સૂચના ન મળી હોત તો ત્રિભુવને ઉપવાસ જ કર્યો હોત. તેણે આદેશ શિરોધાર્ય ગણીને એકાસણું ધાર્યું. પ્રતિક્રમણ પૂરું થયું. પ્રતિલેખન આદિ ક્રિયાઓ સંપન્ન થઈ.

 

મહાત્માઓ સાથે ત્રિભુવન નીકળ્યો ત્યારે રસ્તો દેખાય એટલું અજવાળું થઈ ગયું હતું. તેઓ ઉપયોગપૂર્વક ચાલવા લાગ્યા. આ ધૂળિયો રસ્તો ગંધાર તરફ જતો હતો. પગ નીચેની માટી, માટલાનાં પાણી કરતાંય વધારે ઠંડી હતી. પગમાં ઠાર લાગી જતો હતો. ચાલવાને લીધે તેની અસર વર્તાતી નહીં. આ માર્ગ પર વચ્ચે એક નાળું આવતું. દરિયાની ભરતી વખતે નાળામાં પાણી ભરાતું. ભરતી ઓસરે ત્યારે પાણી ચાલી જતું પણ નાળું કાદવથી લથબથ રહેતું. જતાં આવતાં આ કાદવ ખૂંદવો પડતો. એક ગાડાવાટ સહેજ ફરીને જતી હતી. એ રસ્તે કાદવ આવતો નહીં. તેઓ એ રસ્તેથી નીકળ્યા અને વિરાધના વિના નાળું પસાર કર્યું. ગંધાર નજીક આવતું ગયું તેમ ત્રિભુવનનો હરખ વધતો ગયો. દીક્ષા પછીનાં જીવનની સંપૂર્ણ કલ્પના તેનાં મનમાં હતી.

 

સાવદ્ય પ્રવૃત્તિઓનો સર્વકાલીન ત્યાગ કરવાનો હતો. હિંસા, મૃષા, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહનો ત્રિવિધભાવે પરિહાર કરવાનો હતો. રાત્રિભોજન આજીવન ત્યજવાનું હતું. ક્ષમા, મૃદુતા, ઋજુતા, ઈચ્છામુક્તિ, તપ, સંયમ, સત્ય, પવિત્રતા અને અકિંચનભાવ આ દશ ગુણોને સિદ્ધ કરવાના હતા. મન, વચન, કાયાને પાપરહિત કરી દેવાના હતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતાને આત્મસાત્ કરી લેવાની હતી. વૈરાગ્યની ભૂમિકાને ઊંચે સુધી પહોંચાડવા છ લક્ષ્ય બનાવ્યા હતા : (૧) ગુરુચરણોની સેવા અને ગુરુવચનોનું પાલન. (૨) કષાયરહિત મનોદશાનું યથાશક્ય નિર્માણ. (૩) સુખનાં આલંબનો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા. (૪) દુઃખનાં નિમિત્તો પ્રત્યે નિર્ભયભાવ અને અદ્વેષ અવસ્થાનું યથાસંભવ ઘડતર. (૫) પાપપ્રવૃત્તિ વિનાના એક એક દિવસની સુંદર માવજત. (૬) આગમગ્રંથો અને પ્રાચીન શાસ્ત્રોનો ગુરુમુખે અભ્યાસ. આટલું કરીએ તો સાધના સાર્થક છે તેવી નમ્ર માન્યતા હતી.

 

આ સિવાયનું બાહ્ય લક્ષ્ય હતું નહીં. વ્યાખ્યાન આપવાની ખ્વાહિશ નહોતી. જ્ઞાની કે તપસ્વી તરીકે માન, સન્માન મેળવી લેવાની વૃત્તિ નહોતી. શિષ્ય બનાવવાનો વિચાર સુદ્ધાં નહોતો. ફોટાઓ અને ચિત્રોમાં ચમકવાનો શોખ નહોતો. પુસ્તકોનાં પહેલાં પાને નામ આવે તેવી તમન્ના નહોતી. અનુષ્ઠાનોના નિશ્રાદાતા, પ્રસંગોના પ્રેરણાદાતા અને વાસ્તુઓના ઉપદેશદાતા બનવાની કલ્પના નહોતી. શાસનના ઇતિહાસમાં નામ ચમકાવી દેવાનો ધખારો નહોતો. લોકોથી દૂર અને લોકોના અભિપ્રાયથી બેપરવા રહેવાની તલપ હતી. જીવવું હતું આત્મા અને આજ્ઞા માટે. સ્વાધ્યાયના સથવારે સાધના કરવી હતી. આત્મશુદ્ધિનું લક્ષ્ય સાધી આપે એવી આરાધના કરવાના મનોરથ હતા. આ જન્મનાં થોડાક વરસોમાં એવું ધર્મવ્રત સાધી લેવું હતું કે આવતા ભવે જ મોક્ષ મળી જાય.

 

સંસારી અવસ્થાનો આજે અંતિમ દિવસ હતો. તડકો વધ્યો અને પડછાયા લાંબા થયા ત્યારે ગંધાર પહોંચ્યા. એક ધર્મશાળા હતી અને એક પ્રાચીન જિનાલય હતું. શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાન આદિ જિનબિંબોનાં દર્શન કર્યા. ચૈત્યવંદન કર્યું. ગુરુભગવંતો ધર્મશાળાના ઓરડામાં પધાર્યા. ત્રિભુવને ધર્મશાળા જોઈ. તે જમાનામાં ગંધારમાં માછીમારો સિવાયની કોઈ વસ્તી નહોતી. મંદિર પાસેની ધર્મશાળામાં લાકડાં પડ્યા રહેતાં. યાત્રાળુઓ આવે તે લાકડાં બાળી ચૂલો સળગાવે. સીધુંસામાન સાથે લાવ્યા હોય તેની રસોઈ બનાવે. વાસણ પણ યાત્રાળુના જ રહેતા. ભરૂચ અને આમોદનો સંઘ ગંધારનો વહીવટ સંભાળે. પેઢીનું નામ : શ્રી અમીઝરા પાર્શ્વનાથજી મહારાજની પેઢી, ગંધાર, તા. બાગરા.

 

મંદિરમાં એક પૂજારી હતો. તેને વાળંદની તપાસ કરવા માટે, મહારાજ સાહેબની સૂચના મળી. તે ઝૂંપડીઓમાં તપાસ કરવા નીકળ્યો. ત્રિભુવને સ્નાન કર્યું. પૂજાનાં વસ્ત્રો ધારણ કર્યા. જાતે કેસર, ચંદન ઘસ્યાં. પ્રભુના અભિષેકનો લાભ લીધો . અંગલૂંછણા કર્યા. બરાસપૂજા અને નવાંગીપૂજા કરી. પ્રભુને ફૂલ ચડાવ્યાં. પ્રભુ સમક્ષ ચામર અને દર્પણ ધર્યા. ધૂપ-દીપ પ્રકટાવ્યાં. પાટલો ઢાળીને અખંડ ચોખાનો સાથિયો કર્યો. હવાના ઝાપટાથી પાટલા પરના ચોખા વેરાવા લાગ્યા. એક હાથે આડશ ધરીને બીજા હાથે તેણે સાથિયો, રત્નત્રયી અને સિદ્ધશિલાની રચના કરી. ફળનૈવેદ્ય ધર્યા. દીક્ષા લેતાં પૂર્વે સ્નાત્રપૂજા ભણાવવાની વિધિ હોય છે. સ્નાત્ર પૂજા ભણાવી. આરતી, મંગળદીવો, શાંતિકળશ સંપન્ન થયા. દેરાસરના રંગમંડપમાં, એકની ઉપર એક ત્રણ બાજોઠ મૂકીને ત્રિગડું સ્થાપવામાં આવ્યું હતું. તેની પર ચઉમુખજી ભગવાન્ બિરાજમાન થયા.

 

દેરાસરનાં આંગણે બળદગાડું આવ્યું. બળદનાં ગળે વાગતા ઘુઘરા રણક્યા. આ જ હતું દીક્ષા પ્રસંગનાં શુકનનું સંગીત. કોઠારી પરિવાર જંબુસર, આમોદના રસ્તે થઈને સમયસર આવી પહોંચ્યો હતો. ચતુર્વિધ સંઘ નહોતો. સાધ્વીજી ભગવંતની ઉપસ્થિતિ નહોતી. વાયરો હેલે ચડ્યો હતો. દેરાસરની જીર્ણશીર્ણ દીવાલોની તિરાડોમાંથી હવા ધસી આવતી હતી. નાણ માંડવામાં આવી હતી. દીવાઓ પ્રભુ સમક્ષ મૂક્યા હતા તેની જ્યોત થરથર ધ્રુજતી હતી. એમ લાગતું હતું કે હમણાં એ બુઝાશે.

 

ક્રિયાનો પ્રારંભ થયો. હાથમાં શ્રીફળ અને રૂપાનાણું લઈને ત્રિભુવને ત્રણ પ્રદક્ષિણા આપી. એક એક પ્રદક્ષિણામાં ચારે ભગવાન સમક્ષ નવકાર ગણ્યા. આ રીતે બાર નવકારનું સ્મરણ થયું. શ્રીફળ પ્રભુ સમક્ષ મૂકીને ત્રિભુવને ચરવળોમુહપત્તિ હાથમાં લીધાં. તે કટાસણા પર ઊભો રહ્યો. ક્રિયાનો પ્રારંભ થયો. પૂ. મુનિરાજશ્રી મંગળવિજયજી મ. આદિ મુનિભગવંતો પાટ પર બિરાજમાન હતા. તેમની સમક્ષ સ્થાપનાચાર્ય ખુલ્લા મૂકાયા હતા. સૌપ્રથમ દેવવંદનની ક્રિયા થઈ. પ્રભુએ સંયમનું સર્વાગીણ પાલન કર્યું અને પ્રભુએ જ સંયમધર્મનો ઉપદેશ આપ્યો. દેવવંદન દ્વારા પ્રભુનું અને પ્રભુની ઉપાસના કરતા દિવ્યતત્ત્વોનું સ્મરણ થયું. દેવવંદન બાદ પ્રભુની આશાતના ન થાય તે રીતે ગુરુવંદનાની વિધિ થઈ. ગુરુ દીક્ષા પાળે છે અને દીક્ષા લેનારને દીક્ષા પાળવામાં માર્ગદર્શક થવાના છે તે માટે ગુરુને વાંદણા આપવા દ્વારા ગુરુનું બહુમાન થયું. સંસારી સંબંધોનાં વિસર્જનની માનસિકતા દઢ થાય તેવા આદેશો, એક પછી એક માંગવાની ક્રિયા થઈ. ટચલી આંગળીમાં મુહપત્તિ લઈને નંદીસૂત્રનું શ્રવણ કરવા દ્વારા દીક્ષાર્થીએ મહામંગલનો સંબંધ સાધ્યો. ક્રિયા દરમ્યાન માથે વાસક્ષેપ લીધો. ક્રિયાનો મુખ્ય તબક્કો આવ્યો. ત્રિભુવને ત્રણ આદેશ માંગ્યા. મુનિભગવંત બોલાવે તે મુજબ ત્રિભુવન ત્રણ વાક્યો બોલ્યો.

મન મુંડાવેહ (મારાં મસ્તકના વાળનો લોચ કરો.) મમ પવ્વાવેહ (મારી સંસારી અવસ્થાનો અંત કરો.) મમ વેસં સમપ્પેહ (મને શ્રમણનો વેષ આપો.)

 

દરિયે હિલોળા ઉઠી રહ્યા હતા. પવન પાગલ બનીને ધસી આવતો હતો. દીવાની જ્યોત ટમટમ થતી હોવા છતાં અણબુઝ ઊભી હતી. ત્રિભુવન ચરવળો, મુહપત્તિ અને કટાસણું છોડીને આવ્યો. તે હાથ જોડીને ગુરુભગવંત સમક્ષ ઊભો રહ્યો. સૂરજ આસમાનમાં ઊંચે પહોંચી ગયો હતો. તેના તડકામાં ખંભાતની ખાડી ઝળહળી રહી હતી. દેરાસરના દરવાજે ઊભેલા વૃષભ વારંવાર ડોક હલાવીને ઘૂઘરા રણકાવતા હતા. કોઠારી પરિવારના સભ્યો રોમાંચિત હતા. ત્રણેય મુનિભગવંતો પ્રસન્ન હતા. ત્રિભુવન આનંદની અંતિમ સીમાએ ઊભો હતો.

શ્રી મંગળવિજયજી મ. એ ઓઘો હાથમાં લીધો. બે મુનિભગવંતોએ તેમના હાથે ઓઘાને સ્પર્શ કર્યો. ત્રિભુવને નવકાર ગણ્યા. મુનિભગવંતે સુગ્ગહિયં કરેહ આ પવિત્ર અને મંગળ ઉચ્ચાર સાથે ત્રિભુવનના હાથમાં ઓઘો મૂક્યો. ત્રિભુવનનાં સાડા ત્રણ કરોડ રૂંવાડા નાચી ઉઠ્યા. તેને રજોહરણની પ્રાપ્તિ થઈ હતી. તેનું શમણું સાકાર થયું હતું. થાળી-ડંકો વાગ્યા. ત્રિભુવનને લઈને મહાત્માઓ દેરાસરની બહાર આવ્યા. પૂજારી વાળંદનાં ઘરેથી મુંડનનો સામાન લઈ આવ્યો હતો. વાળંદ આવ્યો નહોતો, તેની રાહ જોવાની હતી. સમય હતો નહીં. શ્રી મંગળવિજયજી મ. એ વાળંદની કાતર ઉઠાવી. ત્રિભુવનના રેશમી વાળ કપાવા લાગ્યા. વાળ જેમ જેમ ઉતરતા ગયા તેમ તેમ ત્રિભુવનનો ભાર જાણે ઉતરતો ગયો. થોડી જ વારમાં વાળંદ આવી પહોંચ્યો. તેણે મસ્તકની શિખા બાકી રાખીને તમામ વાળ ઉતારી દીધા. કોઠારી પરિવારે ત્રિભુવનને અંતિમ સચિત્ત જલ સ્નાન કરાવ્યું. સ્નાન બાદ તેનું શરીર લૂછીને કોરું થઈ જાય તેટલો સમય રાહ જોવામાં આવી. તેના નિર્જલ દેહ પર સંયમનું પ્રથમ વસ્ત્ર ચડ્યું : ચોળપટ્ટો. કમરે ચોળપટ્ટો વીંટાળ્યા બાદ, ચોળપટ્ટાની ઉપર કંદોરો બંધાયો. ઓઘાની દોરીમાં બાંધેલ મુહપત્તિ ખોલીને તેના હાથમાં મૂકવામાં આવી. જમણો ખભો ખુલ્લો રહે તે રીતે તેણે ઉપરનું વસ્ત્ર પહેર્યું : કપડો. તેના ડાબા ખભે કાંબળી મૂકવામાં આવી. ડાબા હાથની બગલમાં ઓઘો ગોઠવાયો. ઓઘાની દશીઓ ફૂલેલી હતી. તેના ગળામાં પાતરાની જોડ અને પોથીની ઝોળી મૂકાઈ. તેણે ડાબા હાથમાં દાંડો-દંડાસન પકડ્યા. તેનું રૂપ બદલાઈ ગયું. તેનાં વ્યક્તિત્વે કોઈ અપાર્થિવ તેજ ધારણ કરી લીધું. તે ત્રિભુવન મટી ચૂક્યો છે તે દેખાઈ આવ્યું.

 

થાળી-ડંકાના નાદ સાથે મહાત્માઓ, નૂતનદીક્ષિત અને કોઠારી પરિવાર દેરાસરના રંગમંડપમાં આવ્યા. દીક્ષાની વિધિ આગળ વધી. શુભ મુહૂર્ત મસ્તક શિખાના વાળનો લોચ થયો. ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નૂતનદીક્ષિતે શ્રમણધર્મને અનુરૂપ એવા દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉચ્ચ સાધનાનો સંકલ્પ સુસ્થિર બનાવ્યો. મુનિભગવંતોએ વાસક્ષેપ દ્વારા તેમને આશીર્વાદ આપ્યા.

કોઠારી પરિવારે અક્ષત દ્વારા તેમના સંકલ્પને વધાવ્યો . દિગ્ બંધનની અંતિમ ક્રિયા થઈ. શ્રી મંગળવિજયજી મ. એ ઉદ્ઘોષણા કરી :

 

કોટિ ગણ, વયરી શાખા, ચાન્દ્ર કુળ પૂ. આચાર્ય શ્રી કમલ સૂરીશ્વરજી મ., ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મ., તમારા ગુરુનું નામ મુનિરાજ શ્રી પ્રેમવિજયજી, તમારું નામ મુનિ શ્રી રામવિજયજી.”

 

આ ઉદ્ઘોષણા ત્રણ વખત થઈ. શેષ વિધિ સંપન્ન થઈ. અંતે ગુરુભગવંતે હિતશિક્ષા ફરમાવી. ક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવાનું જોર ઓછું થયું નહોતું. દીવાનું ઘી બળીને ઘટી ગયું હતું. આવી આંધીમાં પણ દીવાની જ્યોત બુઝાઈ નહીં તે શ્રી મંગળવિજયજી મ. એ નોંધ્યું. તેઓ બોલ્યા :

આ ઝંઝાવાતી પવનની સામે દીવાની જ્યોત બુઝાઈ જશે એમ લાગતું હતું. પણ જ્યોત બુઝાઈ નહીં. દીવાની જ્યોત અખંડ રહી. એવું લાગે છે કે રામવિજયજી સામે પણ મોટી આંધીઓ આવશે પણ કોઈ આંધી આમને ઝુકાવી નહીં શકે. આંધીઓની વચ્ચે આ અણનમ રહેશે.”

 

આ સાહજિક ઉદ્ગાર ભવિષ્યવાણી જેવા લાગતા હતા.

કોઠારી પરિવારે નૂતનદીક્ષિતને ભાવપૂર્વક પંચાંગ પ્રણિપાત વંદન કર્યા. નૂતનદીક્ષિતે દેરાસરના મૂળનાયક પ્રભુ સમક્ષ ચૈત્યવંદન કર્યું. ધર્મશાળામાં આવીને તેમણે રજોહરણથી ભૂમિ પ્રમાર્જીને આસન પાથર્યું. આસને બેસીને નવકારવાળી ગણી. સ્થાપનાજી સમક્ષ પચ્ચકખાણ પારવાની ક્રિયા કરી. ક્રિયા બાદ દશવૈકાલિક સૂત્રની સત્તર ગાથાનો સ્વાધ્યાય કર્યો. તે પછી નૂતન દીક્ષિતે દાંડાની માંડલીમાં બેસીને એકાસણું કર્યું. ત્રણ મહાત્માઓ તેમની નજર સામે ગોચરી-પાણી વાપરતા હતા, તે જોઈને તેઓ સંતુષ્ટ થયા. સાધુના સમુદાયમાં સંમીલિત થવા મળ્યું તેનો અંતરંગ આનંદ અપૂર્વ હતો. પ્રથમવાર પાતરામાં ગોચરી વાપરી. સ્વાદ વિનાનું આહાર ગ્રહણ કરવાનું યાદ હતું. ગોચરી વાપર્યા બાદ પાતરા ધોઈને પાણી વાપરી લીધું. ભીનાં પાતરાને વસ્ત્રથી લૂંંછ્યાં . એને લૂૂૂૂણું કહેવાય, તે જાણ્યું . આ પહેલું લૂણું લઈને પાતરાં લૂંછ્યાં બાદ એ જ પાતરાં બીજાં લૂણાથી ઘસીને લૂછ્યાં . પાતરા સ્વચ્છ અને કોરા થઈ ગયાં. પહેલું લૂણું ભીનું હતું તેને માંડલીમાં જ સૂકવ્યું. ગોચરી વાપર્યા બાદ જગચિંતામણિનું ચૈત્યવંદન કર્યું. ત્યાર બાદ પડિલેહણ શરૂ થયું. પડિલેહણના આદેશ તો આવડતા જ હતા. વસ્ત્રોનાં પડિલેહણનો ક્રમ મુનિભગવંતો પાસેથી જાણવા મળ્યો. પાંચ વાનાનો ક્રમ અને તે પછીની તમામ ઉપધિનો ક્રમ જાણીને તે મુજબ પડિલેહણ કર્યું. વડીલ મહાત્માઓનું પડિલેહણ પોતે ન કરી શકે કેમ કે તે માટેના જોગ થયા નહોતા તે નવી બાબત હતી. ભક્તિ કરવાની તક તેમને ગમતી. ભક્તિ લેવાની ન ગમતી. ઓઘાનું પડિલેહણ કરવાનું આવ્યું. બે દોરી, ઓઘારિયું, નિષેધિયું, પાટો, દશી અને દાંડીનું પડિલેહણ કેટલા બોલથી અને કયા ક્રમે કરવાનું છે તે સમજી લીધું. ઓઘો બાંધવાનું તો ખરેખર અઘરું હતું, એ શીખતાં વાર લાગશે તે સમજાયું. ઓઘો-મુહપત્તિ સતત સાથે રાખવાના છે તે સંસ્કાર તો હતો જ, દંડાસનનો ઉપયોગ કરતાં પણ આવડતું, કેમ કે ઘણાબધા પૌષધ કર્યા હતા. પડિલેહણ બાદ ઉપધિની એ રીતે ગડી કરવામાં આવી કે વિહાર વખતે ખભે બંધાઈ જાય.

 

વિહારમાં પીવાનાં પાણીનો ઘડો ઊંચકવાની ભાવના વ્યક્ત કરી. વડીલોએ ના કહી. તેઓ નૂતનદીક્ષિતની સેવા કરવા માંગતા હતા. આ કેવું ? નૂતનદીક્ષિતને વડીલોની સેવા કરવા ન મળે ? તેમને થયું. તેમના ભાવ પારખીને શ્રી મંગળવિજયજી મ. બોલ્યા:

વિહાર કાઠો છે, થાકી જશો – નવા મહારાજ !”

આ સંબોધન સ્પર્શી ગયું : નવા મહારાજ. જિનાલયે દર્શન કરીને સાંજે વિહાર કર્યો. હાથમાં દાંડો-દંડાસન હતા. ભેટમાં ઉપધિ હતી. ખભે અને માથે કપડાવાળી કાંબળી ઓઢી હતી. ચોળપટ્ટાની ઉપરના કંદોરામાં મુહપત્તિ હતી. ઓઘો બગલમાં હતો. કમરે કપડું બાંધીને ઓઘો બાંધી લીધો હતો. ખભાની પાછળ પાતરા લટકતા હતા. ખભાની આગળ છાતી પર પોથી લટકતી હતી. ચહેરા પર તેજ હતું. આંખોમાં ખુમારી હતી. નવા મહારાજને ત્રણેય મહાત્માઓ જોઈ રહ્યા.

સવારે, ત્રણ સાધુભગવંતો વિહાર કરીને ગંધાર આવ્યા હતા. સાંજે, ચાર સાધુભગવંતોએ ગંધારથી વિહાર કર્યો. ત્રિભુવનનાં પૂજાનાં વસ્ત્રો અને ઉપકરણો તેમજ સામાયિકનાં વસ્ત્રો અને ઉપકરણો કોઠારી પરિવારે યાદગીરીરૂપે પોતાની પાસે રાખી લીધા.

 

ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ગંધારના પ્રાચીન અવશેષો જમીનમાં ધરબાયેલાં છે. અનેક આસમાની સુલતાનીમાંથી પસાર થઈ ચૂકેલી ગંધારની ભૂમિ પર ઈતિહાસની યાદને ઊભી રાખતાં ખંડેરો પણ જોવા મળે છે. આ ભૂમિ પર જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાનું ચાતુર્માસ પણ થયેલું. ચાર મહાત્માઓએ આ ઐતિહાસિક ભૂમિ પરથી વિહાર કર્યો તે દિવસ હતો :

પોષ સુદ તેરસ, વિક્રમ સંવત્ ૧૯૬૯.

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top