ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022

જિનાલયમાં મોટા અવાજે સ્તુતિ – ચૈત્યવંદન વગેરે કરવા યોગ્ય છે ?

જિનાલયમાં મોટા અવાજે સ્તુતિ – ચૈત્યવંદન વગેરે કરવા યોગ્ય છે ? આ રીતે કરતાં બીજા બધાને પણ ધ્યાનભંગ થાય છે, તો શું તે યોગ્ય છે ? – ઉચિત માર્ગદર્શન આપશોજી.

 

જિનાલય એ શ્રી સંઘની માલિકીનું છે અને તેમાં સૌ કોઈને સેવા–પૂજા–ભક્તિ કરવાનો કર્તવ્ય સ્વરૃપ સમાન અધિકાર છે. વળી, દરેકની સેવા–પૂજાની રીત અને ભાવના અલગ-અલગ હોય છે. કોઈને ધીરેથી સ્તુતિ–સ્તવન બોલતા ભાવ આવતા હોય તો કોઈને મોટેથી બોલીને ભાવ આવે છે. વળી, કોઈના અવાજ જ મોટા હોય કે જે કંટ્રોલ ના થઈ શકતા હોય. વળી, ક્યારેક બધા સમૂહમાં ભેગા મળી ક્રિયા કરતા હોય ત્યારે પણ અવાજ ઊંચો થાય. દેરાસરમાં ચડાવાઓ બોલવાના હોય, દર્શનાર્થીઓ અને પૂજા કરનારાઓની અવરજવર ચાલુ હોય, વચ્ચે–વચ્ચે ઘંટનાદ થતા હોય, એ બધું જ શક્ય છે. તમે ચૈત્યવંદન કરતા હો, ત્યારે સામૂહિક અભિષેક ચાલતો હોય એવા બધા તમારું ધ્યાનભંગ કરતા અનેક પ્રસંગો શક્ય છે.

  શ્રી સંઘના જિનાલયમાં આ અને આવું બીજું ઘણું શક્ય છે તથા પ્રાયઃ કરીને આ બધું અટકાવી શકાય એવું હોતું નથી. તેને અટકાવવામાં તમારા સમય અને શક્તિ ઘણા જશે, તમારી ભક્તિભાવના વિચલિત થશે અને તેમ છતાં ધાર્યું પરિણામ મળવાની સંભાવનાઓ ઓછી છે. જેમાં આપણને એકપક્ષીય નુકસાન છે. તેથી જો આ પરિસ્થિતિને સ્વીકારી લઈએ, તો આપણે આપણી આરાધના સારી રીતે કરી શકીએ. દરેકને કંટ્રોલ કરવા આપણું કામ પણ નથી અને પુણ્ય પણ નથી. એ કરતાં આરાધનામાં આપણી એકાગ્રતા વધે તો આપણે સ્વયંની સુંદર આરાધના કરી શકીએ. માટે આપણે આપણી ખામી કે નબળાઈ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. તથા આ નિમિત્તને આગળ કરીને દેરાસરમાં ભક્તિ કરનાર ઉપર કે વહીવટકર્તા ટ્રસ્ટીઓ કે કાર્યકર્તા વગેરે પર આવો કોઈ પણ પ્રકારનો અસદ્ભાવ કરવો નહિ. તરવાના સ્થાનમાં આવીને ડૂબવું નહિ.

  (1) જો આપણી નબળાઈ હોય કે આપણને ધ્યાન જ ન રહેતું હોય તો (2) અથવા તો ગમે તે સમયે શાંતિપૂર્વક ભક્તિ કરવાના ભાવ હોય તો એ માટે શાસ્ત્રકારોએ ગૃહજિનાલયનો સુંદર વિકલ્પ બતાવ્યો જ છે.

  જિનાલયમાં બીજા આરાધકો પર અસદ્ભાવ કે સંક્લેશ થાય છે, માટે જિનાલય જ ન જવું – એવું માનવું કે કરવું નહિ. પ્રભુની ભક્તિથી આપણા દોષ કે નબળાઈ દૂર કરવા પ્રયત્ન કરવો. જિનાલયમાં આપણી આરાધનાને યોગ્ય સ્થાન અને સમય આપણે જાતે જ શોધી લેવો.

  બીજી બાજુ, જિનાલયમાં આરાધના–ભક્તિ કરનાર આરાધકોનું પણ એક ઔચિત્ય હોય છે. દરેક આરાધકે એ ધ્યાન રાખવાનું હોય છે કે હું જેમ ભક્તિ કરું છું, તેમ બીજા પણ અહીં ભક્તિ કરી રહ્યા છે. મારી ભક્તિની સાથે-સાથે મારે બીજાની ભક્તિની પણ દરકાર કરવાની છે. મારે એવી રીતે વર્તન ન કરાય, વચનો ન બોલાય, સ્તુતિઓ ન ગવાય, ચૈત્યવંદન ન કરાય કે જેથી બીજાની ભક્તિમાં ખલેલ પડે. સ્તુતિ–સ્તવન જોરથી બોલીએ તો જ ભગવાનને પહોંચે એવું નથી.

  શ્રી લલિતવિસ્તરા ગ્રંથની ટીકામાં પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ચૈત્યવંદનના અધિકારમાં ચૈત્યવંદનના આરાધક માટે ‘युक्त्तस्वरता’ એમ જે કહ્યું છે, તેનો અર્થ પણ ઉપર જણાવ્યાને અનુસરતો જ થાય છે.

  આરાધકની સૌપ્રથમની યોગ્યતા કહો કે નૈતિક ફરજ કહો, તે એ છે કે પોતાની આરાધનાની સાથે-સાથે બીજાની આરાધનાનો વિચાર કરવો જોઈએ. મારો રાગ સારો છે, માટે મોટેથી બધાને સંભળાવું, મારી હાજરી લોકોને જણાવી જોઈએ, મારું મહત્ત્વ રહેવું જોઈએ... આ બધા ઔદયિક ભાવો છે, જે ભક્તિમાં તથા આત્મકલ્યાણમાં બાધક છે, માટે તેનો ત્યાગ કરવો જોઈએ. આપણા નિમિત્તે બીજાને સંકલેશ ન થવો જોઈએ.

  જો આપણે ટ્રસ્ટી કે વહીવટકર્તા હોઈએ અથવા તો પછી આપણી શક્તિ–પહોંચ હોય તો જિનાલયમાં સૌ કોઈ શાંતિથી આરાધના કરી શકે, તેવી વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અન્યને સમાધિ આપવાનો લાભ અનેક ગણો છે, એ જાણવું.

 

✍️मुनि सौम्‍यरत्न विजयजी

 Shilp Vidhi

➖➖➖➖➖➖➖➖➖

Jainam Jayati Shasanam

WhatsApp-8898336677

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top