શ્રી ઋષિમંડલ સ્તોત્રની રચના ગૌતમ સ્વામીએ કરી છે.
અતિ તેજસ્વી એવા ઋષિમંડલ નામના મહાન સ્તોત્રને સ્મરણ માત્રથી પુણ્યની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. આ સ્તોત્રના પ્રભાવથી વિઘ્ન દુખના સમૂહ નાશ પામે છે. તેમને કદી પણ આપત્તિ દુઃખ પ્રાપ્ત થતું નથી. તથા સર્વ ઋદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
લડાઈમાં , અગ્નિમાં , રાજદરબારમાં , પાણીમાં , કિલ્લામાં , હાથી અને સિંહના ઉપદ્રવમાં , સ્મશાનમાં , ઘોર જંગલમાં સંકટ પ્રાપ્ત થાય ત્યારે આ સ્તવ મંત્રનું સ્મરણ કરવાથી મનુષ્યનું રક્ષણ થાય છે. આ ઋષિમંડલ સ્તોત્રના સ્મરણ કરવા માત્રથી સ્ત્રીની ઈચ્છાવાળાને સ્ત્રી , પુત્રની ઈચ્છાવાળાને પુત્ર અને ધનની ઈચ્છાવાળાને ધનની પ્રાપ્તિ થાય છે. આ ઋષિમંડલ સ્તોત્રના યંત્રને સોનાના , ચાંદી કે કાંસાના પટમાં લખીને જે મનુષ્ય પોતાના ઘરમાં પૂજા કરે છે , તેના ઘરમાં સદા આઠ મહાસિદ્ધિઓ રહે છે.
સ્વર્ગ , પાતાળ અને મનુષ્ય એ ત્રણે લોકમાં રહેલાં જે શાશ્વતા જિનોશ્વરો છે તે સર્વની સ્તુતિ કરવાથી , વંદન કરવાથી અને દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ આ સ્તોત્રના સ્મરણ માત્રથી થાય છે. આ ઋષિમંડલ સ્તવ અત્યંત પ્રભાવવાળું છે. તેની પ્રાપ્તિ થવી બહુ જ દુર્લભ છે. ત્રણ જગતની રક્ષા કરવા માટે અનધ - પાપ રહિત એવું આ સ્તોત્ર સ્તવ શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે. તેથી જ તે ગુપ્તતા રાખવા યોગ્ય છે. આ મહાસ્તોત્ર અત્યંત ગુપ્ત રાખવા લાયક છે. તે જેને તેને આપવું ન જોઈએ. મિથ્યાદ્રષ્ટિ પ્રાણીઓને જો આપવામાં આવે તો આપનારને પગલે પગલે બાળ હત્યાનું પાપ લાગે છે.
આ સ્તોત્ર સર્વ સ્તોત્રમાં મહાન સ્તોત્ર છે. સર્વ સ્તવન - સ્તુતિઓમાં ઉત્તમોત્તમ છે. આ સ્તોત્રના પઠનથી , સ્મરણથી અને જાપ કરવાથી પ્રાણી મોક્ષ પદને પામે છે. મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૌતમ સ્વામીએ આ ઋષિમંડલ નામનું સર્વ સ્તોત્રમાં શ્રેષ્ઠતમ સ્તોત્ર કહ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો