શનિવાર, 22 જાન્યુઆરી, 2022

ગૃહજિનાલય બનાવવાની ભાવના હોય તો શું શું ધ્યાન રાખવું ❓

ગૃહજિનાલય બનાવવાની ભાવના હોય તો શું શું ધ્યાન રાખવું

શું ગૃહજિનાલય બનાવી શકાય ઘણાનું કહેવું છે કે, ગૃહજિનાલય બનાવવાથી આશાતના થાય છે, માટે ના કરવું જોઈએ, તો અમારે શું કરવું

 

જવાબ 

 

 શાસ્ત્રોમાં પરાપૂર્વથી ગૃહજિનાલયનાં દૃષ્ટાંતો નોંધાયાં છે તથા ગૃહજિનાલય બનાવવામાં શું શું ધ્યાન રાખવું, તેની વિગતો શાસ્ત્રમાં જણાવેલ છે, જે બતાવે છે કે, ગૃહજિનાલય બનાવવું, તે શાસ્ત્રીય છે.

 અહીં પ્રશ્ન છે આશાતનાનો. કયા સંયોગોમાં આશાતના થાય અને કયા સંયોગોમાં આશાતના ના થાય, તે સમજીએ અને આશાતના નિવારણના શક્ય પ્રયત્નો કરીએ તો પછી ગૃહજિનાલય બનાવવામાં કોઈ જ વાંધો રહેતો નથી.

 ગૃહજિનાલયમાં આશાતના થવાનાં કેટલાંક પરિબળો છે. એ સમજીને તેનું યોગ્ય નિરાકરણ કરાય તો પછી આશાતનાનો ડર રાખવાની જરૃર નથી. તે પરિબળો આ પ્રમાણે છે ઃ

 (1) સામાન્યથી ગૃહજિનાલય ઘર કે બંગલાના કંપાઉન્ડમાં કે અલાયદા રૃમમાં બનાવવામાં આવે છે અથવા તો શહેરોમાં– ફ્લેટોમાં જ્યાં ગૃહજિનાલય બનાવ્યું હોય તે ગેલેરી વગેરે સ્થાનને પાર્ટિશન વગેરે દ્વારા અલાયદુ કરવામાં આવે છે. M.C. વાળી બેનો એ રૃમનો ત્યાગ કરે અને પ્રભુની દૃષ્ટિમાં ન આવે તે રીતે રહે એટલે તે આશાતનાનો ત્યાગ થાય છે.

 (2) ગૃહજિનાલયની દીવાલને અડીને જ સંડાસ હોવું કે ગટરલાઇન પસાર થવી તે યોગ્ય નથી. તેથી આ બાબતનું ધ્યાન રાખવું.

 (3) ગૃહજિનાલયમાં બિરાજમાન પરમાત્મા ઉપર કોઈનો પગ ન પડે એ પણ શક્યતઃ જોવાનું હોય છે. એમાં ઉપરના માળના રૃમના સ્થાનમાં કબાટ કે એવી કોઈ રચના હોય કે જેથી નીચેના પ્રભુજી પર પગ પડવાનું ન થાય. એ માટે ક્યારેક દીવાલના ભાગમાં કે દીવાલથી બહારના ભાગમાં પ્રભુજી બિરાજમાન થાય એમ કરાતું હોય છે. વર્તમાન ઉપાય સ્વરૃપે પ્રભુજીની ઉપરના ભાગે False Ceiling કરી, તેમાં પ્રભુજીની બેઠકના ઉપરના ભાગમાં તાંબાનું પતરું મૂકાતું હોય છે.

 વળી, ભગવાનની દેરીની ઉપર નાની શિખરી, સામરણ કે ઘુમટી જેવું કર્યું હોય તો પણ પછી કોઈ દોષ રહેતો નથી, એવી પણ અમુકની માન્યતા છે.

 (4) પ્રભુજી ઘરે પધરાવ્યા બાદ રોજિંદી પૂજાવિધિ આપણા પરિવાર દ્વારા સારી રીતે થઈ શકશે કે કેમ ? તથા તેની અન્ય વ્યવસ્થા સાચવી શકીશું કે કેમ ? – એ વિચારી લેવાનું હોય છે.

 (5) ક્યારેક 5–15 દિવસ માટે બહારગામ જવાનું થાય ત્યારે રોજિંદી પૂજાવિધિની વ્યવસ્થા શી રીતે કરવી ? તેની એક પૂર્વવિચારણા કરી લેવી.

 આ પાંચ મુખ્ય મુદ્દા વિચારીને, આપણી અનુકૂળતા અનુસાર ગૃહજિનાલય બનાવી જ શકાય છે. આશાતનાના વિચારે ગૃહજિનાલય બનાવવાનું પડતું મૂકવું નહિ.

 ભારતભરમાં સેંકડો – હજારો ગૃહમંદિરો વર્તમાનમાં છે અને નવાં પણ બનતાં જ રહે છે. આશાતના ના થાય એ રીતે ગૃહજિનાલયો બને જ છે, માટે ગૃહજિનાલય બનાવવા અંગે નબળો વિચાર કરવો નહિ.

 ક્યારેક નાની નાની કેટલીક આશાતનાઓ થઈ હોય – થતી હોય તો એનું પ્રાયશ્ચિત ગીતાર્થ ગુરુભગવંત પાસે લઈ, તે વહન કરીને શુદ્ધ થવાય છે, પણ ડરી ડરીને ભગવાનને ઘરમાં જ ન પધરાવવા તે તો મોટી આશાતના છે. કપડાં પહેરીએ ને મેલાં થાય, ડાઘા પડે તો ધોઈને ફરી પહેરી શકાય છે, પરંતુ ડાઘા કે મેલથી ડરીને કપડાંનો જ બહિષ્કાર ન કરાય.

 બીજી રીતે વિચારતાં, ઘરે ગૃહજિનાલય બનાવી પરમાત્મા બિરાજમાન કર્યા હોય તો વર્તમાનકાળના અનેક મોટાં પાપો અને દોષો ઘરમાં આવતા અટકી જાય છે, એ તેનો મહાન લાભ છે. વળી, બાળકોમાં પણ બાળપણથી જ પ્રભુપૂજા વગેરે ધર્મના સંસ્કારો પડે છે. પૂજ્ય ગુરુ ભગવંતોના તથા સકળ શ્રી સંઘના પગલાં થાય છે. વારંવાર સારા શુભ સંયોગો અને નિમિત્તો ઉપસ્થિત થાય છે. આ અને આવા અનેક પ્રકારના ઉત્તમ લાભો ગૃહજિનાલય બનાવવા દ્વારા સહજપણે પ્રાપ્ત થાય છે. માટે શક્તિ – અનુકૂળતા – સંયોગો હોય તો ગૃહજિનાલય કરી પ્રભુની ઉત્તમ ભક્તિ કરો એ જ અભ્યર્થના.

 હા, અન્ય એક મહત્ત્વની વાત એ પણ ધ્યાનમાં રાખવી કે ગૃહજિનાલય બન્યા બાદ પણ શ્રી સંઘ દેરાસરે રોજ અથવા અઠવાડિયે ત્રણ–ચાર દિવસે પણ અવશ્ય જવાનું રાખવું જ જોઈએ. શ્રી સંઘ સાથેનો સંપર્ક તૂટવો ન જોઈએ. મોટે ભાગે ગૃહજિનાલય બન્યા પછી પરિવારના સભ્યો તેમ જ આજુબાજુના લોકો પણ ત્યાં જ પૂજા કરી લેતાં હોય છે અને તેથી સંઘદેરાસરે જવાનું બંધ થઈ જવાની સંભાવના વધી જાય છે. આ કારણે શ્રી સંઘમાં વ્યાખ્યાનાદિથી કે શ્રી સંઘમાં લેવાના અન્ય લાભોથી વંચિત રહી જતા હોય છે. માટે, આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જરૃરી છે.

 

मुनि सौम्‍यरत्न विजयजी

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top