રવિવાર, 16 એપ્રિલ, 2023

શ્રેષ્ઠ શ્રાવક શ્રી કર્મા શાહ

 શ્રેષ્ઠ શ્રાવક શ્રી કર્મા શાહ


ચિત્તોડના તોલાશાહનાં હૃદયમાં વેદનાનો પાર નહોતો. એનું હૈયું વલોવાતું હતું. જે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની રોજ સવારે સ્મરણ-વંદના કરતા હતા એ તીર્થાધિરાજની ગરિમા વિદેશીઓને હાથે ખંડિત થતી હતી. જ્યારથી તોલાશાહે જાણ્યું કે મહમ્મદ બેગડાના પુત્ર અહમ્મદ સિકંદરે શ્રી શત્રુંજય તીર્થનાં દેરાસરો અને મૂર્તિઓનો વિનાશ કર્યો છે, ત્યારથી તોલાશાહ માટે જીવન શૂળી પરની સેજ સમું બન્યું હતું. એની ધર્મભાવના એને ઊંડેઊંડેથી પોકાર પાડતી હતી કે આવા મહાતીર્થની થયેલી આવી ઘોર આશાતના ક્યારે દૂર કરી શકાશે. તોલાશાહનો છઠ્ઠો અને સૌથી નાનો પુત્ર કર્મશાહ પિતાની વેદના જોઈને મનોમન વિચાર કરતો હતો કે ક્યારે આ મહાતીર્થનો ફરી જીર્ણોદ્ધાર કરું ? ક્યારે એની પાવન પવિત્રતાને પુન: જાગ્રત કરું? બન્યું પણ એવું કે આચાર્ય રત્નસિંહસૂરિએ દુ:ખી તોલાશાહને કહ્યું કે તમે મહાતીર્થ વિશેની વેદના ભૂલી જાઓ. કારણ એટલું જ કે તમારો પુત્ર કર્માશાહ શ્રી શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરવાની ઉત્કટ ભાવનાને સાકાર કરવાનો છે. આ સમયે ઉપાધ્યાયશ્રી વિનયમંડન કર્માશાહને મહાતીર્થ અંગે વખતોવખત ઉપદેશ આપતા હતા. એવામાં તપગચ્છના આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી ચિત્તોડમાં પધાર્યા અને એમણે પણ કર્માશાહને આ માટે પ્રોત્સાહિત કર્યા. વિ.સં. 1583ની શ્રાવણ વદિ 14ને દિવસે બહાદૂરશાહ ગુજરાતનો સુલતાન બન્યો. એ અગાઉ પોતાના પિતાથી રિસાઈને બહાદૂરશાહ તોલાશાહનો અતિથી બન્યો હતો. એને કારણે એ સમયે શાહજાદા બહાદૂરશાહ અને કર્માશાહ વચ્ચે ગાઢ મૈત્રી થઈ હતી. ચિત્તોડથી ગુજરાત જતા પહેલાં શાહજાદાએ વાટખર્ચીની રકમ માગી, ત્યારે કર્માશાહે વિના શરતે એક લાખ રૂપિયા આપ્યા હતા. કર્માશાહને જ્યારે જાણ થઈ કે બહાદૂરશાહ ગુજરાતના સુલતાન બન્યા છે, ત્યારે તેને મળવા માટે તેઓ અમદાવાદ આવ્યા. સુલતાને એમને આદર આપ્યો. એમની પાસેથી લીધેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા અને સ્નેહથી પૂછયું, `મારે યોગ્ય કોઈ કામ હોય તો જરૂર જણાવો. હું તમારો અહેસાનમંદ છું.' કર્માશાહે કહ્યું કે, `મારી ભાવના શ્રી શત્રુંજય તીર્થમાં મારા પ્રભુજીનિ પ્રતિમા બેસાડવાની છે તો મને તેની રાજ-અનુમતિ આપો.' સુલતાને કર્માશાહને પરવાનગી આપતું ફરમાન કર્ય઼ું. કર્માશાહ અમદાવાદથી ખંભાત ગયા અને ઉપાધ્યાય શ્રી વિનયમંડનજીને સઘળી હકીકત જણાવી. એમને શ્રી શત્રુંજય તીર્થ પર પધારવા વિનંતી કરી. કર્માશાહ શ્રીસંઘ સાથે પાલીતાણા ગયા. એ સમયે સોરઠના સૂબા ખાન મ]દખાનને શ્રી શત્રુંજય તીર્થ સ્થપાય તેવી ઈચ્છા નહોતી, પરંતુ સુલતાનના હુકમ આગળ એનું કશું ચાલ્યું નહીં. ઉપાધ્યાય વિનયમંડનજી સાધુ-સાધ્વીઓના પરિવાર સાથે પાલિતાણા આવ્યા. એક બાજુ મૂળ જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર ચાલ્યો. બીજી બાજુ મહામંત્રી વસ્તુપાળે મૂકી રાખેલી મમ્માણી પાષાણની શિલાને બહાર કાઢી. આદિતીર્થંકર ભગવાન ઋષભદેવની જિનપ્રતિમા તૈયાર કરાવી. છ'રી પાળતો યાત્રાસંઘ લઈને કર્માશાહ પાલિતાણા આવ્યા. જિનપ્રતિમાની અંજનશલાકાની મોટી વિધિ કરાવી. અહમ્મદ સિકંદરે આ મૂળ પ્રતિમા ખંડિત કરી હતી, તેને સ્થાને ભગવાન આદીશ્વરનાથની નવી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને શ્રી શત્રુંજય મહાતીર્થનો સોળમો મોટો ઉદ્ધાર કરાવ્યો. શ્રી શત્રુંજય મહાતીર્થના કર્માશાહે કરાવેલા સોળમા મહા જીર્ણોદ્ધારની પ્રશસ્તિ તપાગચ્છના પંન્યાસ લાવણ્યસમયગણિએ રચી હતી અને પંન્યાસ વિવેકધીરગણિએ એને શિલા પર આલેખી હતી. મંત્રી બન્યા બાદ પિતાની શ્રી શત્રુંજય મહાતીર્થના મહા ઉદ્ધારની ભાવના કર્માશાહે સાકાર કરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top